The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@ckkumar123
...#.... ચાલો તો કાંટાળા માર્ગે જ ,પણ ચીલો એવો ચિતરવો કે એ માર્ગે બીજો સરળતાથી ચાલ્યો જાય ...#....
પંડે પોરસાય સર્વજ્ઞ જાણી, ભેદ ના જાણે નિર્વાણીને ઝાંઝવે પાણી... ભલી ભાષા ભાસતી અવળ વાણી, કહે "કમલ" બસ રહે તું ધણીને ધામ જાણી, એમ સમઝે ના સમઝાણી, આતો અધ્યાયે અધ્યાયે નોખી ભાસતી અનોખી કહાણી... -Kamlesh
રત્નગર્ભાને ખોળે મળ્યા હિરા,પન્ના,સ્યમંતક સમા છે, શયદા છું કે મિત્રો મારા મઝાના છે... ઘટની ઘટમાળે ભેખડો તો ભેંકાર છે, પણ શયદા છું કે મિત્રો મારા મઝાના છે... બુદ્ધિના બલાહક તો પયોધર પ્રિતના છે, શયદા છું કે મિત્રો મારા મઝાના છે... ખેચર ખલકના તો માળી મકતબના છે, શયદા છું કે મિત્રો મારા મઝાના છે... અસ્કર અણીના તો પીર આળસુના છે, શયદા છું કે મિત્રો મારા મઝાના છે... દ્રુમ દક્ષતાના તો નંદ વૈશાખના છે, શયદા છું કે મિત્રો મારા મઝાના છે... વદે "કમલ" ગુણ કેમ કરી વદવા એમના? મિથ્યા યત્નો કલમે શાહીના દરીયા ઉલેચવાના છે... બસ,શયદા છું કે મિત્રો મારા મઝાના છે... 💕💕💕 -Kamlesh
જપતી જાપ, કરતી સ્વવાર્તાલાપ મૃગનૈની, ભીડતી બપૈયા સંગ, કરતી આલાપ પીયુ પીયુની... યોજનાંતરે રાચતી,દ્વિદેહેકાંતરી મતવાળી, મૂંદનયને દિસે છવી એક નટખટ નખરાળી... કલ્પનાતરંગે વિહરતી, વિહારીકા વદે વિશ્વવિભંગી, લખી કાગળીયા,મૂકે પ્રશ્નો એ રંગીઅતરંગી... પ્રિતસભર હૈયામાં અંધારપટ એક ઓરડી, વળી વિખૂટવાના વિચારે વલખતી વિહંગી... કહે "કમલ", તું ઉડાળ ઉત્પેક્ષા બની શયદા, "અનોખીપ્રિત"ની ખલફતમાં, રહીશું સાથે "સદા"...
...#... બસ તારી કમી છે ...#... ના...એવું નથી કે, તું નથી એનો રંજ નથી, પણ સઘળું હોવા છતાંય, બસ તારી કમી છે... ના...એવું નથી કે, વંથલીનો વાયરો વા'તો નથી , પણ એ વા'તરંગોમાં, તારી હાસ્યછોળોની કમી છે ... ના...એવું નથી કે,કેતનભાઇ મશ્કરીઓ કરતા નથી, પણ એ મશ્કરીઓમાં, જગડુશા નામની કમી છે... ના... એવું નથી કે, ગૃપમાં નિત નવી વાનગીઓ આવતી નથી, પણ એ વાનગીઓમાં, તારી રેસિપીની કમી છે... ના...એવું નથી કે, જયદિપભાઇ કંઇ છુપાવતા નથી, પણ કાયમ એમની વાતોમાં તારી છવી તરે છે... ના... એવું નથી કે અમે ગૂઢમાયાનો જન્મદિવસ મનાવતા નથી, પણ એ દિવસે એથીયે વિશેષ તારી યાદોની વણઝાર છે... ના... એવું નથી કે,નિયતીની આ નિર્દયતા અમે પચાવી નથી, પણ સૌ પરિજનના હૈયે એક ઊંડો ઘાવ, ને આંખોમાં નમી છે. ના... એવું નથી કે, ભૂતળે "કમલ"ને યોગમાયાઓ મળી નથી, પણ એ યોગમાયાઓમાં,તું સૌથી વ્હાલી છે... ના...એવું નથી કે, તું નથી એનો રંજ નથી, પણ સઘળું હોવા છતાંય, બસ તારી કમી છે...બસ તારી કમી છે... મહાદેવ કાયમ શરણમાં રાખે... ૐ શાંતિ 🙏 ૐ શાંતિ 🙏 ૐ શાંતિ 🙏
# અનોખીપ્રિત... વહે નિમગ્ના પ્રિતની, અક્ષયાએ આજ, રચાય સૂર સંઘાત,ને આંબે અંબુએ નાદ... શર્વાણીને સાંભરે દક્ષિણી સમયની વાત, મંદ મુસ્કાતી કહે,આ તો અનોખીપ્રિત નોખી વાત... -Kamlesh
...#... રહસ્યમયી નવ (૯) અંક નો મહિમા ...#... માતૃભારતી પરિવારના દરેક પરિજનને "જય ભોળાનાથ" 🙏🙏🙏 કેમ છો બધાં??? સુખમાં તો છો ને??? ઘણા સમયથી કોઇ જ્ઞાનગોષ્ટી ન કરી શકવા બદલ ક્ષમાપ્રાર્થી છું. ચાલો આજે જરાક સમય મળ્યો છે, તો આ જ્ઞાનગોષ્ટીના ઉપવાસમાં જરીક જ્ઞાનચર્ચા રુપી ફરાળ કરી જ લઇયે... શિર્ષક વાંચીને તો જાણી જ ગયા હશો કે, આજે નવ ના અંક પર ચર્ચા ચાલવાની છે. તો વધુ સમય ન લેતાં,જાણીએ નવ ના ભેદ વિશે. નવદુર્ગા,નવરાત્રી,નવનાથ,નવરત્ન,નવ નિધિ, નવરસ,નવભાવ,નવ દરવાજા,નવગ્રહ,નવ તત્વ.... આ બધા છે સૃષ્ટીના આધાર... ક્યારેય વિચાર્યું છે કે નોરતાં નવ જ કેમ? ૧૦/૧૧ કે આઠ કેમ નહીં? રત્નો નવ જ કેમ? કોઇ અન્ય અંક કેમ નહીં? કારણ કે, નવ એ સ્વયં માંજ પરિપૂર્ણ છે. સૃષ્ટીની સંપૂર્ણતા આ નવ અંક બંન્ને એકબીજાના પર્યાય બની રહે છે. #નવદુર્ગા :- નવરાત્રિમાં માતાજીના નવ સ્વરુપો નવદુર્ગાની પૂજા થાય છે. આ નવ માતા નવ દિવસોના ક્રમ પ્રમાણે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિધ્ધીધાત્રી. ૧૦૮ માળાની જપના આંકનો સરવાળો પણ ૯ છે. જ્યારે ૧૦૮ એટલે ૧૨ ને ગુણ્યા ૯. # નવરાત્રી :- પ્રભુ શ્રી રામે રાવણ સામે વિજય પ્રાપ્તિ માટે આ નવ દિવસ નવ દુર્ગાની ઉપાસના કરી. અને દસમે રામે રામ રમાડ્યા રાવણના... # નવનાથ :- નવનાથ સંપ્રદાય પ્રમાણે નવ ગુરુઓ પરમાત્માના પ્રતિનિધિ તરીકે પૃથ્વી પર ઉતરેલા હતા અને તેઓ હજુ પણ લીલા કરે છે. મછિન્દરનાથ, ગોરખનાથ, જલંધરનાથ, કનિફનાથ, ગાહિનીનાથ (ગેબી પીર), ભુર્તહરિનાથ, રેવાનાનાથ, ચરપતિનાથ અને નાગનાથ (નાગેશનાથ) આમ નાથ પણ નવ છે. # નવરત્ન :- રત્નો પણ નવ છે, જે જુદા જુદા ગ્રહોની તાકાત વધારવા ધારણ કરાય છે. ૧) રાજરત્ન - રુબી (સૂર્યગ્રહ) ૨) મોતી - પર્લ (ચંદ્ર) ૩) લાલ રત્ન (રેડ કોરાલ – મંગળ) ૪) પન્ના - એમેરાલ્ડ ગ્રીન સ્ટોન (બુધ) ૫) પુષ્પરાજ (યેલો સેફાયર -ગુરુ) ૬) હીરો (ડાયમંડ વ્રજમ્ – શુક્ર) ૭) નિલમ (બ્લ્યુ સેફાયર-શનિ) ૮) પોંખરાજ રત્ન (હેઝોનાઇટ – રાહુ) ૯) વૈદુર્ય (કેટ્સ આઈ – કેતુ) # નવ નિધિ :- નિધિઓ પણ નવ છે. ૧) મહાપદ્મ ૨) પદ્મ ૩) શંખ ૪) મગર (પ્રતિકૃતિ) ૫) કાચબો (પ્રતિકૃતિ) ૬) નંદ ૭) કુંદન ૮) નિલ રત્ન ૯) ખર્વ # નવ દરવાજા :- શાસ્ત્રો પ્રમાણે બે આંખો, બે કાન, મોં, નાકના બે નસકોરા, તેમજ ગુદા અને મુત્રમાર્ગ આ નવ અંગો સ્થૂળ અને સુક્ષ્મ દેહને જોડતા પ્રવેશદ્વારો છે. # નવગ્રહ :- સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ,રાહુ અને કેતુ. # નવ તત્વ :- બ્રહ્માંડ પણ મુખ્યત્વે નવ તત્ત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, ઇથર, સમય, અવકાશ, આત્મા અને મન. # નવ રસ :- આજે આપ સૌ સ્વયંનું એક રહસ્ય એ પણ જાણી લો કે, કલા, નાટય અને ભાવ જગતની રીતે માનવી નવ પ્રકારના રસ અને મુદ્રાથી બનેલો છે. શ્રૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, બિભિત્સ, ભયાનક, વીર, અદ્ભુત અને શાંત આ નવ રસ પર જ સૃષ્ટિ અને અભિનય શાસ્ત્ર ટક્યું છે. # નવ ભાવ :- નવ રસ છે તો ભાવ પણ નવ છે. પ્રેમભાવ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જિજ્ઞાસા વિસ્મય તથા સ્થાયી એમ નવ ભાવ થયા. હિન્દુ સંસ્કૃતિમાં જ નહીં ચીનમાં પણ નવ શુભ મનાય છે. ચીની ડ્રેગન નવ પ્રકારના હોય છે. ચીન સંસ્કૃતિના ગ્રંથોમાં (સ્વર્ગ)ના મંદિરનો જે ઉલ્લેખ છે તેમાં પ્રવેશ દ્વાર પર નવ અને તે પછી તેના ફરતે બીજા નવ એમ નવ વર્તુળ છે આમ જે ૮૧ વર્તુળની ડિઝાઈન છે. ૮૧ના બે આંકડાનો સરવાળો પણ નવ છે. એક્યુપંક્ચર વિજ્ઞાનમાં પણ હૃદયના નવ પોઇન્ટ પર પ્રેશર આપીને હૃદયરોગની સારવાર થતી હોય છે. જૈન ધર્મના નવકાર મંત્રમાં નવ શ્લોક પંક્તિઓ છે. ઇજિપ્તમાં નવ દેવીની પૂજા થતી આવી છે. ઇસ્લામ ધર્મીઓ તેમના કેલેન્ડરના નવમાં મહિનામાં રમઝાન મનાવતા હોય છે. કોઈપણ રસાયણની શુધ્ધતાનું પરીક્ષણ કરવું હોય,તો નવ પ્રકારના માપદંડમાંથી ને ખરું ઉતરવું પડે છે. આમ તો ટેકનોલોજીનો માપદંડ પણ આઈ.એસ.ઓ.-૦૯ જ છે ને. અંકગણિતની રીતે જોઇએ તો નવ એ સૌથી મોટો એક આંકડાનો નંબર છે. ૯ નો કોઈપણ રકમ વડે ગુણાકાર કરો અને જે ઉત્તર આવે તે આંકડાનો સરવાળો નવ જ થાય છે. આમ નવનો મહીમા એમ જ અનાયાસે નથી. તેમાં શુભ સંકેત, શુભ સાક્ષીભાવ અને તન મન અને ધનની પ્રાપ્તિ માટેના સાક્ષાત્કારનું દિશાસૂચન છે. ત્રણ અને તેના ગુણાંક નવમાં જ પ્રહર, ઋતુ, સૃષ્ટિ અને સર્જનહારો સમાયેલા છે. આમ આ નવમ્ અંકનું જ્ઞાન અને મહિમા અને સિદ્ધિ -નિધિ સૌને ઉતરે અને ફળે એવી ભોળાનાથને પ્રાર્થના... # ફાલ્ગુનીજીના સૌજન્યથી... સૌને જય ભોળાનાથ... હર હર મહાદેવ..... હર.....
...#... પોષી પૂનમ...#... સર્વે યોગમાયાઓને અર્પણ.... "પોષી પોષી પૂનમડી, પોષા બેનના વરત, ભાઈની બેની રમે કે જમે ?" આપણા હિન્દુ ધર્મમાં દરેક માસની પૂર્ણિમા અને અમાવસ્યાઓનું અદકેરું મહત્વ છે. એવી જ રીતે શિયાળાની ઋતુમાં આવતા પોષ મહિનાની પૂર્ણિમા એટલે કે,"પોષી પૂનમ". પોષી પૂનમની મહત્તા વિશે વાત કરવા બેસું તો શબ્દો ખૂટી પડે,પણ એનું સંપૂર્ણ વર્ણન ન કરી શકું. તેમ છતાંય આ મહાન દિવસના વર્ણન માટે એક નાનકડો પ્રયાસ કરું છું. અને આપણી સનાતન સંસ્કૃતિ વિશે થોડું સવિસ્તાર સમજાવવાનો પ્રયાસ કરું છું. * અંબાજી માતાજીનું પ્રાકટ્ય. પોષી પૂનમના દિવસે માઁ જગદંબાની આરાધના અને ઉપવાસ કરવાનું મહત્વ છે. પૂનમના દિવસે મંદિરમાં માઁ ના દર્શનનો પણ મહિમા રહેલો છે. આ અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે ગુજરાતમાં સ્થિત માઁ અંબાના ધામ અંબાજીએ પણ ભક્તોનો જમાવડો જામે છે. કહેવાય છે કે, પોષી પૂનમના દિવસે જ આદિશક્તિ માતા સતીના હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો.અને સ્વયં આદિશિવે શક્તિપીઠની સ્થાપના કરી પોતે ભૈરવ રુપે એ શક્તિપીંડના રક્ષક બન્યા. આ દિવસે પૂનમ હોવાથી તેને માઁ જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે. આનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં પણ છે. * સૂર્યદેવના પ્રિય માસની પૂર્ણિમા. વૈદિક જ્યોતિષ શાસ્ત્રો અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે, આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ કરે છે. એટલા માટે જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને, સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્દભૂત ધાર્મિક સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તથા જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. * બહેનોનો પ્રિય દિવસ. પોષી પૂનમનું આપણી ગુર્જર સંસ્કૃતિમાં આગવું મહત્વ છે. આ દિવસે બહેન પોતાના વહાલા વિરા માટે ઉપવાસ રાખે છે.ભાઇ માટે ઇષ્ટ પાસે સુખ,શાંતિ,તંદુરસ્તી અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. સાંજે કાંણું પાડેલા બાજરીના રોટલાની ચાનકીમાંથી ચંદ્રમાનું દર્શન કરે છે. અગાસી પર ઉભેલી બેની ચંદ્રદર્શન કરતાં કરતાં પાસે ઉભેલા પોતાના વિર ને કહે છે કે, "પોષી પોષી પૂનમડી, પોષા બેનના વરત, ભાઈની બેની રમે કે જમે ?" ભાઇ કહે છે : "જમે." વળી બેની કહે છે કે, "પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન; ભાઈની બેની જમે કે રમે ?" વળી ભાઇ કહે છે : "જમે." વળી બેની કહે છે કે, " ચાંદા તારી ચાનકી, અગાશી એ રાંધી ખીચડી. ભાઈની બેની રમે કે જમે ? " આ વખતે ભાઇ કહે છે કે, "પોષી પોષી પૂનમડી, અગાશીએ રાંધી ખીર વ્હાલા, જમે માઁ ની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા." આમ ત્રણ વખત બોલ્યા બાદ બેની ફરાળ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે. આ છે આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ. જેના થકી આપણે ચિરકાલ સુધી ગૌરવાંવિત રહીશું. જય ભોળાનાથ... હર હર મહાદેવ... હર....
...#...યોગમાયાના સોળ શણગાર...#... "સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર, માઁએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે..." ઉપરોક્ત પંક્તિ વાંચતા જ આપણો ગુર્જર જીવડો નવરાત્રીના ચોકમાં ઉતરીને તાલબદ્ધ તાળીઓ સાથે ગરબે ઘૂમવા લાગી જાય...ખરું ને ??? પણ આ અલગારી મનડું અહિંયા પણ અલગ પડ્યું બોલો... કહે કે,"અરે કમલ, આ માઁએ સોળ શણગાર કેમ સજ્યા?" બે-ચારથી કામ ન ચાલે? આ સોળ જ કેમ? મેં કહ્યું,"હે મૂઢ મનવા,આ તો આદિશક્તિ છે,વગર સાજ-શણગારે પણ એમના સૌંદર્યની તોલે કોઇ ન આવે.પણ આ તો જ્યારે એમને આદિપુરુષ(મહાદેવ-આદિશિવ)ની સન્મુખ થવાનું છે ત્યારે આદિશક્તિને પોતાનું એ સૌંદર્ય પણ ઓછું લાગે છે,અને પછી એને હજુ વધારે નિખારવા માટે યોગમાયા એક એક કરતા સણગાર સજે છે. જેમ જેમ સણગાર સજતા જાય છે એમ એમ હજુ એક હજુ એક કરતાં કરતાં પૂરા સોળ શણગાર સજે છે ત્યારે એમને સંતુષ્ટી થાય છે." મનડું : ઓહ્ એવું!!!? હા... મનડું : અદ્દભુત....તો હવે સાથે સાથે એ સોળ શણગાર વિશે વિસ્તારથી જણાવીશ? અવશ્ય.... તો સાંભળ મનવા, ઋગવેદમાં યોગમાયાના આ સોળે શણગાર વિશે સુંદર ઉલ્લેખ છે. અને તને આના આજના વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિક તથ્ય પણ જણાવું અને સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિની દિવ્યતાના દર્શન પણ કરાવું. ૧) પાનેતર:- કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર. એમાં લાલ, પીળો કે ગુલાબી રંગ પસંદ થતો હોય છે. લાલ રંગ શુભ, મંગળ અને સૌભગ્યનું પ્રતીક છે. તેથી શુભ કાર્યોમાં લાલ રંગનું સિંદૂર, કુમકુમ અને પાનેતર અવશ્ય હોય છે. *લાલ રંગ ઉત્સાહનું પણ પ્રતીક છે. ૨) સિંદૂર :- લગ્ન પછી પત્ની પ્રથમવાર પતિના હાથે માથામાં સિંદૂર ભરવામાં આવે છે. નારી એ સિંદૂરને ક્યારેય ભૂંસાવા દેતી નથી. પતિના દીર્ધાયુ માટે સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાવે છે. *સિંદૂર લાલ લેડ ઑક્સાઇડમાંથી, પારો અને સીસુના ભુક્કામાંથી તૈયાર થાય છે. એને કારણે મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. એ સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે અને શાંત રાખે છે. ૩) ટિકો :- સુવર્ણ નિર્મિત આ ઘરેણું સ્ત્રીના મસ્તકને શોભાવે છે. નવવધૂએ માથાની બરાબર વચ્ચે એને પહેરવો જોઈએ, જેથી લગ્નજીવન બાદ તેનું જીવન હંમેશાં સીધા સરળ રસ્તે ચાલે અને કોઈ પક્ષપાત વિના સંતુલિત રીતે નિર્ણયો કરી શકે. * આ આભૂષણ નારીના શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને તેથી શાંતચિત્તે સ્ત્રી નિર્ણયો લઈ શકે. ૪) ગજરો :- ચમેલીના ફૂલો દ્વારા તૈયાર થતો ફૂલગજરો એ એક કુદરતી શૃંગાર છે. આ પુષ્પની ફોરમ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. વાળની સુંદરતા વધારતો આ ફૂલગજરો નારીના ધૈર્યનું પ્રતિક છે. * ચમેલીની ખુશ્બૂ તણાવને દૂર કરે છે. ૫) ચાંદલો :- મસ્તિષ્ક પર બે ભ્રમરની વચ્ચે કરવામાં આવતી કુમકુમની બિંદી નારીના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. અત્યારની નારી વિવિધ પ્રકારના તૈયાર સ્ટિકર લગાવે છે. * ભ્રમરકેન્દ્રના આ નર્વ-પોઇન્ટ પર ચાંદલો કરવાથી એકાગ્રતા વધે છે. ૬) કાજલ :- કાજલથી આંખોની સુંદરતા ઓર નિખરે છે. કાજલ આંજેલી આંખો ધારદાર લાગે છે. કહે છે કે આનાથી સ્ત્રીનું બુરીનજરથી રક્ષણ થાય છે. * કાજલથી આંખોમાં ઠંડક મળે છે. ૭) કર્ણફૂલ (બૂટી) :- પરણિત સ્ત્રી, સાસરિયાની કે અન્ય કોઇની નિંદા સાંભળવાથી દૂર રહે છે એના પ્રતિક રુપે કર્ણફૂલ પહેરે છે. આ કાનની સુંદરતામાં વધારો કરે છે. * કાનની બૂટ પર ઘણા એક્યુપ્રેશન પૉઇન્ટ છે. જેના પર આભૂષણનું દબાણ આવવાથી કિડની અને બ્લેડરની કામગીરીમાં રાહત મળે છે. ૮) નથણી :- નવવધૂને નથણી પહેરાવામાં આવે છે. કહેવાયછે કે સૌભાગ્યવતી સ્ત્રી નથણી પહેરે તો તેનાથી પતિના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. * નથણી પહેરવાને સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે છે. નાકની કેટલીક નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. ૯) મંગળસૂત્ર :- સૌભાગ્યવતી સ્ત્રી હંમેશા મંગળસૂત્ર ધારણ કરીને રાખે છે. પતિ અને પત્નીને જીવનભર મંગળમય એકસૂત્રમાં બાંધી રાખનારા આભૂષણ તરીકેનું સ્થાન એનું છે. એવી માન્યતા છે કે, મંગળસૂત્રથી સકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. * મંગળસૂત્ર નારીના હૃદય અને મનને શાંત રાખે છે. મંગળસૂત્ર સોનાનું હોય છે અને સોનું શરીરમાં બળ અને તેજ વધારનારી ધાતુ મનાય છે. ૧૦)બાજુબંધ :- સોના-ચાંદી જેવી ધાતુઓથી નિર્મિત આ આભૂષણ નારીના બાવડાની ઉપરની તરફ ધારણ કરવામાં આવે છે. આનાથી ધનની સુરક્ષા થાય છે.સર્પાકાર આ આભૂષણ વિવાહિત સ્ત્રી હંમેશા ધારણ કરીને રાખતી હતી.(હવે જવલ્લે જ જોવા મળે છે) * બાવડા પર આ આભૂષણના દબાવથી રક્ત પરિભ્રમણ સારું રહે છે. ૧૧) ચૂડી (બંગડી) :- ચૂડી પહેરતાં જ નારીના હાથની સુંદરતા અનેકગણી વધી જાય છે. ચૂડી એ દંપતીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતિક છે. ૧૨) વીંટી :- સુવર્ણ,ચાંદી નિર્મિત આ આભૂષણ આંગળીઓની શોભા વધારે છે. સગાઇ વખતે યુગલ એકબીજાની અનામિકા પર વીંટી પહેરાવે છે.વિંટી એકબીજાને પ્રેમમાં વિંટળાયેલા રાખે છે. * અનામિકા આંગળીની નસ સીધી હ્રદય સાથે જોડાયેલી હોય છે. આ નસ પર દબાણ રહેતા હ્રદય સ્વસ્થ રહે છે. ૧૩) મહેંદી :- પ્રસંગોપાત સ્ત્રીઓ હાથ-પગમાં મહેંદી લગાવતી હોય છે. કહેવાય છે કે હિનાનો રંગ જેટલો ગાઢ આવે, પ્રિયતમ તરફથી એટલો જ ગાઢ પ્રેમ મળે છે. *મહેંદી તણાવને દૂર રાખે છે,ઠંડક બક્ષે છે. એની સુવાસથી મન પ્રફુલ્લિત રહે છે. ૧૪) કમરબંધ :- વિભિન્ન ધાતુઓથી નિર્મિત આ આભૂષણ નાભી પાસે કમરના ભાગમાં પહેરવામાં આવે છે. કમર ની સાથે સાથે શરીરની આકર્ષકતા વધારે છે. * ચાંદીનો કમરબંધ ધારણ કરવાથી માસિક અને ગર્ભાવસ્થાની પિડામાં રાહત રહે છે. ૧૫) પાયલ :- પગની સુંદરતાને આસમાન પર પહોંચાડનાર આ આભૂષણ એની સૂમધુર ધ્વની દ્વારા સમગ્ર વાતાવરણ આનંદથી ભરી દે છે. * ઝાંઝરની મધુર ધ્વની માનસિક સંતુલન જાળવી રાખે છે. ૧૬) વીછિયા :- ચાંદી-તાંબા જેવી વિભિન્ન ધાતુઓ દ્વારા નિર્મિત આ આભૂષણ પગની આંગળીને અધિક સુંદર બનાવે છે. વિવાહિત સ્ત્રી પગની આંગળી પર વીછિયા ધારણ કરે છે. આનાથી ઘરમાં સંપન્નતા આવે છે. * વીછિયા ધારણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે,નસ સંબંધી તકલીફો દૂર રહે છે. રક્તચાપ (બ્લડ પ્રેશર) પણ નિયંત્રણમાં રહે છે. સમજાયું મનવા? આ છે આપણી સનાતન સંસ્કૃતિની દિવ્યતા... પણ જવા દે વ્હાલા, તને નહિં સમજાય આ બધું. કારણકે તું અને તારી જેમ તારી આખી સો કોલ્ડ મોર્ડન પેઢી આપણી સંસ્કૃતિથી વિમુખ થઇ ગયા છો. પણ હા, જો કાલ ઉઠીને કોઇ ફિરંગી ભારત આવી, સંસ્કૃત ભાષા શીખી આનો મર્મ જાણશે, અને પાછો એના દેશમાં જઇ એ મર્મને પોતાના નામે ચઢાવી આધુનિક રિસર્ચના નામની તક્તિ લગાવી, તારી સામે પિરસસે ત્યારે તું નવી બોતલમાં આ જૂની મદિરા હોંશે હોંશે પી જઇશ. અપિતુ મારો બનાવેલ ત્રિદોષ નાશક "કાઢો" તને નહીં ફાવે... જય ભોળાનાથ... હર... હર... મહાદેવ હર....
आँखो- आँखो में उतरना कमाल होता है, 'कमल' साँसों -साँसों में बिखरना कमाल होता है। कोइ बिखरना चाहे तो शोख से बिखरे इन साँसो में, कतरा -कतरा समेट लेंगे हम दिल-ए-आशियाँ में।
માતૃભારતી પરિવારને લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser