Hey, I am reading on Matrubharti!

એમનાં ચહેરા ઉપર જે સ્માઇલ છે,
એજ મારી જિંદગીની ફાઇલ છે.

મોરના પીંછા લઇ ફરતાં હતાં,
આજ એનાં હાથમાં મોબાઇલ છે.

તો પછી જીવીએ છીએ એ શું હશે ?
જિંદગી તો માઇલોના માઇલ છે.

રૂબરૂ મળીએ, ખબર ત્યારે પડે:
કોણ પરસન્ટેજ, પર્સનટાઇલ છે.

આપણે બસ કર્મથી નોખા તર્યા,
બાકી તો સરખી જ સૌ પ્રોફાઇલ છે.

મારા માટે એજ સુંદરવન 'નિનાદ',
એમની આંખોમાં જે ઇઝરાઇલ છે.

- નિનાદ અધ્યારુ

Read More

લઘુકથા

મદદ

શકુબાઈને એક્સિડન્ટ થયો હતો. સાયકલ ઉપર કામ કરવા આવતા હતા ને ગાડી વાળાએ ટક્કર મારી.
મુઢ માર વાગ્યો હતો એટલે કામ ઉપર આવી શકે એમ નહોતા.
માલતી બેન ફ્રેંડને લઈને ખબર જોવા ગયા અને પાંચસોની નોટ આપતા બોલ્યા," શકુબાઈ, આરામ કરજો, કામની ચિંતા ના કરશો, ફ્રુટ અને દૂધ બરાબર લેજો અને બીજા પૈસા જોઈએ તો માંગજો અને આ પૈસા મારે પાછા લેવાના નથી કે કોઈ હિસાબમાં ગણવાના નથી."
ફ્રેન્ડ તો માલતીબેનને બરાબર ઓળખતી હતી. કોઈને પાંચ- દસ રૂપિયા આપ્યા હોય તો એ બે- ચાર જણને કહે ત્યારે જ માલતી બેનને સંતોષ થાય, એ માલતી બેને આજે પાંચસો રૂપિયાની મદદ કરી હતી!

ફ્રેન્ડ અહોભાવથી જોઈ રહી.એણે પણ થોડી મદદ કરી.હવે દવાના પૈસા નહોતા થવાના, માત્ર આરામ જ કરવાનો હતો.
દિવાળીને પંદર દિવસ બાકી હતા.પંદર દિવસના આરામ પછી એ કામ પર આવ્યા.
દર દિવાળીએ બધા કામવાળાને પૂરો પગાર બોનસ આપે. શકુબાઈને દૂર પડી જતું હોવાથી દિવાળી પછી કામ છોડવું હતું.
ફ્રેન્ડ આગળ દયાળુ દેખાવ કરનારા માલતી બેન એમના અસલ સ્વરૂપમાં આવી ગયા. એમણે શકુબાઈને કહી દીધું કે મેં જે પાંચસો રૂપિયા આપ્યા હતા એમાંથી જ ચારસો તમારા બોનસના ગણી લેજો. મારે પૈસા કંઈ ઝાડ ઉપર નથી ઉગતા.
આમ પાંચસોથી ચારસો વાળી લીધા અને ફ્રેંડની નજરમાં મહાન બની ગયા.
મહાનતા અને સારપ કોઈને દેખાડવી નથી પડતી,લોકોને આપોઆપ ખબર પડી જાય છે.
આપ પ્રશસ્તિ કર્યા વગર બીજા તમારી પ્રશંસા કરે એવું તમારું વ્યક્તિત્વ હોવું જોઈએ.તમારા શબ્દો અને તમારું વર્તન બે અલગ ના હોવા જોઈએ. શબ્દોમાં અને વર્તનમાં નાનામાં નાની વ્યક્તિ પ્રત્યેપણ વિવેક હોવો જોઈએ. કોઈને જમણા હાથે મદદ એવી રીતે કરો કે તમારો ડાબો હાથ પણ ના જાણે.

પ્રફુલ્લા શાહ

Read More

હસીને હું જ મારા પર મને ખુશહાલ રાખું છું,
તમાચો ખાઈને પણ ગાલ મારા લાલ રાખું છું.

વીતેલી કાલની વાતે ઘણી પછડાટ આપી છે,
પછીથી હાથમાં હું આવનારી કાલ રાખું છું.

મને મારા જ અંગત મારશે લઈ હાથમાં ખંજર,
હું મારી પીઠ પાછળ એટલે તો ઢાલ રાખું છું.

ફકીરી મોજથી આ જિંદગી જીવી જવા માટે,
હવે હું લાગણીને સાવ અધ્ધરતાલ રાખું છું.

નથી પરવાહ કોઈ દોસ્ત કે દુશ્મન ભલે હો પણ,
બધા માટે હું મનમાં એકસરખું વ્હાલ રાખું છું.

નીતા..'રૂહ'

Read More

સમયની ધાર પર ગરદન ઉઠાવીને ઊભો છું હું,
હજારો જખ્મની યારી નિભાવીને ઊભો છું હું.

કિનારે શાંત બેઠો છું અરથ એનો જુદો છે દોસ્ત,
બધી આંધી બધાં તોફાન ઝુકાવીને ઊભો છું હું.

ખુદા તકદીરના નામે મદદ ના જોઈએ તારી,
હથેળીની બધી રેખા મિટાવીને ઊભો છું હું.

બધા રસ્તા હવે આસાન લાગે છે જીવન પથના,
હતાશાના હિમાલયને વટાવીને ઊભો છું હું.

જમાનો ફૂંક મારીને બગાડી શું શકે "સાગર"
દીવાઓ આત્મ બળના ઝગમગાવીને ઊભો છું હું.
રાકેશ સગર, સાગર, વડોદરા

Read More

ફેસબુકના પાનેપાને મોટાંમોટાં નામ લડે છે,
શ્રદ્ધા, બુદ્ધિ, શબ્દો લઈને લગભગ આખું ગામ લડે છે !

પ્રેમશંકરે વર્ષો પહેલાં ફોડ્યો 'તો પરપોટો ;
"તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો,"
તોય અહીં સંસારી સામે ઊંચી બાંયે ધામ લડે છે !

સદીઓ પહેલાં કહ્યું કબીરે: એક શબદ કરે ઘાવ,
ભણ્યા, ભૂલ્યા તો ભારતમાતા ક્યાંથી દે શિરપાવ ?
સૌથી દુઃખદ વાત એ જ કે જમણા સામે વામ લડે છે.

લવિંગની લાકડીઓ વીંઝે તો બિરદાવું,
ફેંકે ફૂલ-દડૂલા તો હું ઢોલ બજાવું,
'મધિયા' એને શું કહું કે જે લઈ હાથમાં જામ લડે છે !
- મધુસૂદન પટેલ 'મધુ'

Read More

ચંદ્રયાન -૨

અમે ભાગી ગયાં છે ક્યાં કદી મેદાન છોડીને,
સફળતાની સીડી મૂકી સ્વદેશી યાન છોડીને.

તમે નિષ્ફળ ગણો છો એ તમારી માનસિકતા છે,
પરત આવી ગયા છે કીમતી સામાન છોડીને.

અમે તો ચાંદને મામા કહી બોલાવી એ છીએ,
જગતમાં ક્યાં છે આવો ભાવ હિંદુસ્તાન છોડીને.

અમે આ ચાંદ તો શું!! દૂર મંગળ પર કરીશું ઘર,
પરત પગલા નથી ભરતા કોઈ અભિયાન છોડીને.

બહુ જાણીતું છે સાગરની સાથે ચંદ્રનું જોડાણ,
કશું નક્કર જ કરવું છે જુના અનુમાન છોડીને.

રાકેશ સગર, સાગર ,વડોદરા

Read More

રસોડામાં જઇને તને હું વિચારું છું.
બધા એમ સમજે કે, ડુંગળી સમારુ છું.

ઘણા એ નજરથી જુવે છે કલા મારી,
મને એવું લાગે, હું કપડાં ઉતારું છું.

તમારા ગયા બાદ હાલત જે બગડી છે.
ગઝલના સહારા વડે હું સુધારું છું.

અમુક એવું કહે છે, જબરદસ્ત લખું છું હું.
અમુકને ખબર છે ફક્ત આંસુ સારું છું.

તને જીતવાના પ્રયત્નો નથી કરતો.
હું પ્રત્યેક કોશિશમાં ખુદને જ હારુ છું.

- કૃણાલ સુથાર 'મિજાજ'

Read More

હું ન'તો એનો ને એ મારી હતી
જીંદગી મારી ઘણી સારી હતી

લાશ પર લોકો કફન ઢાંકી ગયાં
શું કરું એ મારી લાચારી હતી

પાનખરમાં ડાળને વળગી રહ્યાં
કંટકોની શું વફાદારી હતી

મોક્ષ આડે એટલે આવી નહીં
વાસનાઓને મેં પડકારી હતી

શાંત 'સાગર' જોઈને ચેતી ગયો
એજ નાવિકની સમજદારી હતી
રાકેશ સગર, સાગર, વડોદરા

Read More