Am a literature lover since childhood , love to read stories and new articles and believe into constant learning. Reading ad writing are something, which contribute most to it. Am sure , Matrubharti, would provide me a with platform to update my knowledge and improve my capabilities .

રસીકરણ નુ ગીતીકરણ


રસી માટે ઝુરતો માણસ : તેરે બિન કૈસે દિન બીતે 'રસી ' યા..

રસી : મેં આઇ આઇ આઇ ..

માણસ : મેરે સપનો કી રાની કબ આયેગી તુ..

....ઇન્તેહા હો ગઈ ઇન્તેઝાર કી

રસી : ખફા ના હોના, દેર સે આઇ , દૂર સે આઇ

માણસ ( રસી માટે નબર નો મેસેજ આવતાં ) :મિલે હો તુમ હમકો બડે નસીબો સે..

રસી : લગ જા ગલે સે ફિર યે હસીન..

માણસ : રસી લેવા ના દિવસે ફરી મેસેજ આવ્યો ત્યારે : મિલો ના તુમ તો હમ ગભરાય મિલો તો આંખ ચુરાયે

રસી : તેરે મેરે મિલન કી યે રૈના

માણસ : (રસી લેવાનો ખરેખર વારો આવ્યો ત્યારે ): ધક ધક કરને લગા.. મોરા જીયરા ડરને લગા

માણસ ( રસી ની લાઈનમાં બેઠાં બેઠાં ) આજ ફિર જીને કી તમન્ના હૈ..આજ ફિર મરને કા ઇરાદા હૈ

માણસ ( એકચ્યુલ રસી લેતી વખતે ) ઊઇ  માં ઉ ઇ મુજે ક્યાં હો ગયા ..

રસીકરણ પત્યા પછી : તુમ જો મિલ ગયે હો..તો યે લગતા હૈ ..કે જહાં મિલ ગયા

માણસ ( રસી પછી માથું દુઃખતા ) અભી મુજ મેં કહીં બાકી થોડી હૈ યે જિંદગી

રસી : બદન પે સિતારે લપેટે હુએ..( હાથ નો ટિકો )

માણસ : યે ગલિયા યે ચોબારા યહાં આના ના દોબારા !!

માણસ (ઘરે જઈને તે રાતે તાવ આવતાં ): કરવટે બદલતે રહે સારી રાત હમ

કેવું રહ્યું એમ બીજા લોકો એ પૂછતાં : એક અજનબી
' રસી 'ના સે યુઁ મુલાકાત ...

તબિયત સુધરતાં : યે જિંદગી ઉસીકી કી હૈ, જો " રસી " કા હો ગયા...

બીજે દિવસે ( તાજો માજો થઈ ને ) માણસ : આજ મેં ઉપર ,આસમાં નીચે !!

Read More

સ્ટેપ બાય સ્ટેપ " અપેક્ષિત " ટુ યોગા :

આ ફરી યોગા દિવસ આવ્યો. તમે કોઈ દહાડો યોગા કર્યું નથી ને ?નાનપણમાં ગાઈડ ને બદલે અપેક્ષિત વાંચી ને પાસ થતાં ને ?  તો મારે તમને સારા લેખક તરીકે યોગ વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે આ નાનકડું અપેક્ષિત બહાર પાડ્યું છે.તો ધ્યાન થી સાંભળો :

૧. યોગા એટલે જરૂરી છે કે યોગ કરશો તો તમે યોગી ગણાશો. આમેય તે આપણા દેશ માં યોગી, ભોગી, જોગી અને ઢોંગીઓ નું ખૂબ માન છે. તો તમારો મરતબો વધારવા યોગ શરૂ કરો.

૨. હવે એમ કંઈ તમે મક્કમ મનોબળ ના છો નહીં કે યોગા ચાલુ કરી શકો. એટલે સૌ પ્રથમ તમે કોઈ પ્રખર યોગી નો ફોટો જુવો, ( ના મળે , તો મારા જેવા પ્રખર જ્ઞાનીનો ફોટો જોશો તો ય ચાલશે ! ) જેનાથી તમારા અંગ અંગ માં યોગ નો ચેપ પ્રસરશે . અને તમને યોગ કરવાનું મન થશે.

૩. કોઈ દિવસ તમે શરીર હલાવ્યું નથી, એટલે એમ તમને બધા આસનો કરતાં નહિ ફાવે. શીર્ષાસન જેવાં સહેલાં આસન કરીને બેસી નથી રહેવાનું. એક અઘરું, સૌથી અગત્યનું  શવાસન શીખી જાવ એટલે તમે સાબરમતી નાહ્યા

૪. હવે યોગ શીખવાનું મૂળભૂત કારણ સમજો. યોગ થી હેપ્પીનેસ આવે છે અને હેપીનેસ પીઝા અને પાસ્તામાં છે. તો યોગ કરવાથી પીઝા અને પાસ્તા ખાઈ શકશો.

હવે બધો ખ્યાલ આવી ગયો ને ? કેક , પેસ્ટ્રી ને આઈસ ક્રીમ ખાવા કયા આસન કરવા , અે પૂછી ને મારું માથું ના ખાઈ જતાં. હું એક સ્ત્રી છું, અને સ્ત્રી ઓ ને માથે ટાલ સારી ના લાગે , સમજ્યા ને !

બસ તો હવે કરો " યોગ " ના !! અને કોઈ પણ જાતની હજી પણ મુંઝવણ હોય તો બેઝિઝક... મને પૂછવા ના આવી જતા. થોડું જાતે ફોડો ને ! મને તો આ પુસ્તક ની રોયલ્ટી પણ કોઈ આપવા તૈયાર નથી !

સારું ત્યારે કાલે તમારા સૌ ના દુઃખતા શરીરે ફરી મળશું.
ત્યાં સુધી....
ઓ.................... મ !!

Read More

અડધી રાતે સપનાંઓ અે આંખ ભાળી ના ભાળી
અચાનક વણશમી વેદનાઓ જાગી ઊઠી સફાળી !

શું થઈ રહ્યું છે આ બધું કે કદાચ શું થઈ ગયું !
અણગમતી ક્ષણોને લાવ ને ફેંકી દઉં ઉછાળી !

આ ક્યાંક નાનું આવ્યું ઠસકુ ને પડ્યો મોટો ફડકો
કે ઘૂસ્યો ક્યાંક વાયરસ, વિના દ્વાર, ગ્રીલ કે જાળી !

સમભાવ ધર્મ શીખવાડવા આવ્યો આ કોરોના
અમીર કે ગરીબ સૌને એક ચારણી અે ચાળી !

નથી રમવી રમત, તું જીત્યો ને હું માનવ હાર્યો
જીવવા દે હવે શાંતિથી, જીવનમાં નિરાંત ઓગાળી !!

Read More

સોફા અને પલંગ ની હવે સંગત છે જામી
મિત્રો વગર પણ મહેફિલની રંગત છે જામી !

ઝૂલતો હીંચકોય માલિકનો સાથ પામી ઝુમતો
નવો શર્ટ કબાટ ની બહાર નીકળવા ઝઝૂમતો !

પત્તા ની કેટ બહુ દિવસે બહાર નીકળી મલકે
કેરમ નું બોર્ડ પણ સળવળી કૂકરી સાથે છલકે !

રોજ પડ્યે રવિવાર ની રજા મોજ થી માણો
જીવનને મળ્યો નવો રંગ, એને આજ પિછાણો !

રસ્તાનો સૂનકાર ખાલીપાની ચીસ નાખતો
પંખીઓ નો કલરવ, અે સૂનકારને ગુંજાવતો !

ભલભલું જીરવવાની માનવની અદભૂત તાકાત
અણગમતી એકલતા ને ય કરી લઈશું આત્મસાત !
જંગ છે તારી સામે , જીતીને જ રહીશું આ ' ઘાત '
કોરોના, તું હવે વિદાય લે , સો વાત ની એક વાત !!

Read More

વાતો ના વડા - ૫

એક વાર બધા ભેગાં થયેલાં ત્યારે નોકરીની વાત ચાલતી હતી. કોકે દિશા ને પૂછ્યું, તેં ક્યારેય નોકરી કરી છે દિશા ?

દિશા અે રાબેતા મુજબ ચાલુ કર્યું, " હું નાની હતી ને ત્યારથી જ મને બહુ સપનાં આવે. જાત જાતના ને ભાતભાતના.. પણ કંઈ યાદ થોડા રહે ?પણ હું થોડી મોટી થઈ ને ..ટીનેજ ટાઇપ... તો મને તો રોજ સપનામાં મારો રાજકુમાર આવે , બોલ.ઘોડા પર બેસીને  મને લેવા આવતો હોય. એના ગળામાં મોટી મોટી સોનાની ચેનો હોય, હાથ માં સોનાનાં મોટા ને જાડા કડાં, હાથ ની દસેદસ આંગળીઓ માં હીરાજડિત વીંટી ઓ..એની મોજડીમાં પણ હીરા જડેલાં હોય.  સોના થી ઝગારા મારતો રાજકુંવર..એય તે સોનાના ઘોડા પર બેસી સોનાની સિગારેટ પીતો હોય ..

"આપણે નોકરી ની વાત હતી.."

"અે જ તો કહું છું, સાંભળ ને ! આવા સપનાં ને લીધે મને એમ જ થતું કે હું રાજ કરવા જ જન્મી છું. મારે તો રાણી યોગ છે. હું શું લેવા નોકરી કરું ? પણ પાપાએ એક દિવસ કહ્યું કે તું ગ્રેજયુએટ થઈ ગઈ તો કંઈ નોકરી તો કર ! આપણાં ને તો લાગી આવ્યું. હું તો મારો બાયો ડેટા લઈ ને એક મોટી ઓફિસમાં ગઈ અને એમને આપી ને કહ્યું, કે ૨૫૦૦૦/ પગાર ! માલિક કહે શું ? મેં કહ્યું , આજ થી મેં તમને મારા એમ્પ્લ્યોઈ તરીકે સિલેક્ટ કર્યા છે. તમારે મને આટલો પગાર આપવાનો ..અે ભાઈ તો ચિડાઇ ગયાં. મને કહે કે અત્યારે ને અત્યારે ઓફિસ ની બહાર નીકળી જાવ.
ઘરે આવીને મેં પપ્પાને કહ્યું, કે પપ્પા આમ તો હું સારા માલિક ક્યાં શોધવા રહીશ ? એના કરતાં મારા બાયો ડેટા ના ચોપાનિયાં છપાઈ દઉં અને રોજ છાપાં જોડે આવે છે એમ અે પણ વહેંચી દઈએ તો ઘેર ઘેર પહોંચી જશે. પછી જેને જરૂર હોય , એવા માણસો મારો કોન્ટેક્ટ કરશે. હવે પપ્પા ચિડાઈ ગયા ને કહે કે આને મારે કંઈ નથી કરવું. એને બસ પરણાવી દો.

હવે પપ્પા આવું કરે તો મને તો ભલભલું મન હોય તો ય શું નોકરી કરું ? ધૂળ ! પણ પછી તો મારા " પવન " અે એકદમ આવી ને મારી જિંદગીમાં એવો પવન ફૂંક્યો ને કે આ દિશા નો પવન જ બદલાઈ ગયો ને પવનની દિશા જ બદલાઈ ગઈ.

"પછી પવન ભાઈ તને ઘોડા પર બેસીને પરણવા આવેલા કે ?"

" હા, એમને તો એવી જ ઈચ્છા હતી પણ મને થયું કે કંઇક નવીન કરોને એટલે અે હાથી પર આવેલાં."

સૌએ કહ્યું, " ધન્ય છે પવન ભાઈ "

Read More

વાતો ના વડા -૪

હવે તો બધા દિશા ને ઓળખતા થાય જ હશો.. બાપરે અે અને એની વાતો..તમને ભગવાન યાદ આવી જ જાય. કારણકે અે વાત નથી કરતી, બસ માંડી ને વાર્તા જ કરે, તમને ટાઈમ હોય કે ના હોય, તમારે સાંભળવું હોય કે ના હોય ! દિશાના રાજ માં કંઈ છૂટકો જ નહીં.

હમણાં અમે બધી બહેનપણીઓ કોક ના ઘરે ભેગાં થયેલાં. એમાં કોક બોલ્યું, " આ આજકાલ કોરોનાનું જબરું ચાલ્યું નહીં ? "

અને દિશા અે ચાલુ કર્યું, " હું નાની હતી ને ત્યારે એક વાર ગાર્ડન માં બહેનપણીઓ સાથે રમવા ગયેલી. આપણા જમાનામાં તો વળી ક્યાં બીજું કંઈ જ હતું ? સ્કૂલે થી આવીએ એટલે રમવા સિવાય બીજું શું કરતાં આપણે હેં ,? આજકાલ ના છોકરાં જેવું કંઈ ભણવાનું બર્ડન તો હતું નહીં. "

"વાત કોરોનાની હતી..તારો ગાર્ડન ક્યાં આવ્યો વચ્ચે ?"

"અરે, તું વચ્ચે ના આવ. હું એની જ વાત કરું છું. ગાર્ડન માં હું બધા સાથે હીંચકા ખાતી હતી. કંઈ કેટલી વાર સુધી ખાધા હશે.યાદ નથી. કારણકે હું તો નાની હતી..બહુ જ નાની !"

" કેટલી , પાંચ છ વર્ષ ની ? "

"ના, એના થી તો થોડી મોટી હોં. ૮ મા કે ૯ મા ધોરણમાં ભણતી હતી. ખાસ આવું કેમ યાદ છે કારણકે, ત્યાં ના વોચમેન અે મને કહ્યું, કે તમે હીંચકા પર થી ઉતરી જાવ. મેં કહ્યું કેમ ? તો કહે હેવી બોડી છો ને એટલે ! મને તો એવો ગુસ્સો આવ્યો.આ આવડા વોચમેન ને સોરી ને થેનક યુ સિવાય બીજું ઇંગ્લિશ બોલતાં આવડતું ન હોય ને મારો બેટો મને હેવી બોડી કહે છે ? મેં કહ્યું , હું નહીં ઉતરું , જા થાય અે કરી લે. પણ પછી થોડી જ વાર માં મને ચક્કર આવવા લાગ્યા.ને હું બધા સાથે ઘરે પાછી આવી ગઈ.

ઘરે આવીને મમ્મી અે જોયું, તો મને તો સખત તાવ હતો.૧૦૦ થઈ ગયેલો, બોલ.અને એવી ઠંડી વાય ને ! એટલે ખબર પડી કે મેલેરિયા થયો છે . અે જમાના માં વળી ક્યાં એવા રિપોર્ટ કઢાવતા ...ઠંડી લાગે તો મેલેરિયા જ હોય. ચ્ચ્ચર ગોદડાં ઓઢાડે ને મારી તો ધ્રુજારી જ ના શમે. "

"આપણે વાત કોરોના ની હતી.."

"અરે, અે જ તો કહું છું, ત્યારે મને બે દહાડા તાવ માં તો એમ થયું કે હું ઉકલી જઈશ. "

"તો પછી કઇ રીતે સારું થયું ?"

ત્રીજે દા ડે ઇંજેકસન લીધું ને એકદમ સારું થઈ ગયું.

"પણ આમાં કોરોના..."

"તું શાંતિ રાખ. ભગવાન કરે તને વગર કોરોના અે કવોરાંતાઈન કરે !આખો દિવસ છાપા વાળા , ટીવી વાળા , મીડિયા વાળા બધા બસ કોરોના કોરોના.. આપણે શું કામ અે વિદેશી ચાઈનીઝ કોરોના ની વાતો કરવી ? દેશપ્રેમ રાખો ને ભાઈ ! મરવું પણ હોય તો દેશી મેલેરિયા થી જ મરાય !"

મેં કહ્યું, ' ભગવાન ! '

Read More

વાતો ના વડા -૩

આ વાતોડિયન દિશા યાદ છે ને ..એની જ વાત કરવા આવી છું. એની વાતો ખાલી વાતો નહીં, વાર્તા હોય. ખાલી ૨૦ જેટલાં અે એની વાતો વાંચી.રસ ના ચટકા લેવા માં બાકી બધા રહી ગયા. પણ હું શું કરું, સરસ રસ પીરસિયે, ને લોકો અે રસ ના લે, તો મારો શું વાંક, હેં ?

સૌ ફ્રેન્ડ્સ ૪ વાગે વાઘ બકરી લાઉન્જ માં ચા પીવા ભેગા થયેલા. વળી એક ના શું ભોગ લાગ્યાં તો એણે ભૂલ થી દિશાને  પૂછ્યું, " બપોરે તું શું જમી દિશા ? "

અને એણે ચાલુ કર્યું, " શું વાત કરું યાર.આજે તો સવારે ઊઠી ત્યાર જ સખત આળસ આવતી હતી.( રોજ ની માફક સ્તો...) પછી મેં તો બ્રશ કર્યું, ચા પીધી, ઘર માં પડેલો નાસ્તો કર્યો..."

મેં એમ પૂછ્યું કે બપોરે શું જમી ?

"અરે, અે જ તો કહું છું, સાંભળ ને ..નાસ્તો કરીને પછી આળસ માં હું તો બેસી જ રહી. દસ વાગ્યા ને સાસુ અે પૂછ્યું, શેનું શાક કરીશ ? ત્યારે માંડ પથારીમાં થી ઉભી થઇ, કાર ની ચાવી લીધી એને બજાર માં શાક લેવા નીકળી કારણકે ઘરે શાક જ નહોતું ને. આખું શાક બજાર ફરી વળી, પણ મને એકેય શાક નો મેળ જ ના પડ્યો .

કેમ, બજાર બંદ હતું ?

અરે, બજાર તો ખુલ્લું, પણ યાર એકેય શાક વળી ક્યાં ભાવે એવા જ હોય છે.? રોજ એના અે , એના અે શાક ! શું બનાવવાનું ? કંટાળી ને કાર ના ચાર આંટા થયા , પછી મેં મસ્ત લીલાં વટાણા અને ફ્લાવાર લીધાં કે ચાલો આજે તો મસ્ત ફ્લાવર વટાણા બટાકા નું શાક બનાવીશ.

ઘરે આઇ ને શાક વધાર્યું , અને સાસુ સસરા ને જમવા બેસાડ્યા. તો સાસુ કહે, શાક ના લઈ આવી ? મને તો એમ કે શાક લેવા ગયેલી. તો મને તો બોલ આંચકો લાગી ગ્યો. એટલા તાપ મા હું દોઢ કલાક રખડી ને શાક લાવી ને સાસુમા ને તો બસ વાંક જ કાઢવા છે.

મેં કહ્યું, " હા , મમ્મી,  હું લઈ આવી ને. આ  ફ્લાવર વટાણા બટાકા નું શાક  બનાવ્યું છે ". તો સાસુ કહે , એમાં ફ્લાવર નથી ને વટાણા ય નથી. ખાલી બટાકા જ છે. મેં કહ્યું, ઓહ, એમ ..હા તો કદાચ હું ફ્લાવર ને વટાણા વાત વાત માં નાખવાના ભૂલી ગઈ હોઈશ.

તો દિશા, પછી શું થયું ? એકલી સૂકી ભાજી ખાધી તેં પણ ?

અરે પછી શું થવાનું હતું ? અે લોકો જમીને ઉઠ્યા એટલે હું થાળી લઈને બેઠી. પણ મને થયું કે આવું એકલું બટાકા નું શાક કોણ ખાય ? ભલે મારી ભૂલ થઈ. પણ માણસ માત્ર ભૂલ ને પાત્ર..અને કામ કરે એની ભૂલ થાય,હેં ! મેં કરેલી ભૂલ નું મારે કઈ આટલું ગિલ્ટ ફીલ કરવાનું જરૂરી નથી.

"એટલે ? "

"એટલે શું, મેં તો થાળી બાજુ માં મૂકી દીધી અને સ્વિગી પર પાસ્તા અને પિત્ઝા ઓર્ડર કરી ને ખાધાં."

અને મેં કહ્યું," હે ભગવાન ! "

Read More

વાતોનાં વડા -૨

અમારી ૪૦ વર્ષની મિત્ર દિશા ને વાત નહીં, વાર્તા કરવાનો શોખ છે. કંઈ પૂછીએ, એટલી વાર.. એ માંડી ને વાર્તા જ શરૂ કરી દે.

વચ્ચે શિવરાત્રી ગઈ.. મેં એને પૂછ્યું, તમે લોકો શિવરાત્રિ માં ફરાળ કરો ?

એણે ચાલુ કર્યું, " અરે, તું પૂછ જ નહીં, ખબર છે ને કે મારા દાદા દાદી અને મમ્મી પપ્પા કેટલા ધાર્મિક છે ? આખો દિવસ માળા જપવાની અને...

બસ બસ, મને ખબર જ છે. હમણાં જ તે કહેલું. મારો પ્રશ્ન ફરાળ નો હતો.

" અરે , એ જ કહું છું, સાંભળ ને ! તો મારા સાસરે પણ પિયર ની જેમ શિવરાત્રિ કે જન્માષ્ટમી હોયને , તો એમનામાં પણ આવું ભક્તિનું ભૂત ચડી જાય છે. સવારે વહેલાં નહિ ધોઈ ને મારા સાસુ સસરા બંને શિવ સ્તોત્ર કરવા બેસી જાય. ૯ વાગ્યા માં આપણે કોઈ મોબાઇલ પર વિડિયો ક્લિપ પણ મોટે થી ના સંભળાય , બોલ !

મેં તને ફરાળ નું પૂછ્યું ...

અે જ તો વાત કરું છું, વચ્ચે ના બોલ. સાસુ અે મને કહ્યું, આ ફેરા ફરાળ બનાઈશ, બેટા ? મેં કહ્યું, ક્યાં આમનું દિલ દુઃખાવિયે.. ઓકે બનાઇ દઈશ. તો એમણે કહ્યું , રાજગરાની ભાખરી કરજે, ને સૂકી ભાજી ને સુરણ નું શાક કરજે. ત્યાં તો સસરાએ કહ્યું, બેટા, થોડો શિંગોડા નો શીરો કરજો. ત્યાં વળી પવન કહે કે સાબુદાણાની ખીચડી અને જોડે સીંગદાણા ની કઢી કરજે.

મેં તો મોં ફુલાઈ ને કહ્યું, કે આટલું બધું કરવાનું ? જાવ હું નહીં કરું. તો સાસુ કહે, સારું બેટા,. ઝગડો કરવાની જરૂર નથી. તને ગમે અે એક જ વસ્તુ કરજે.

તે શું બનાવ્યું પછી દિશા ?

અરે પછી મેં એમની સાથે ઝગડો કર્યો.

કેમ ?

મેં કહ્યું, જો તમારે દીકરી હોત, તો તમે સાવ આવું કહી દીધું હોત કે એક જ વસ્તુ બનાય. હું ૧૭ વર્ષથી આ ઘર માં પરણી ને આવી છું, પણ મને હજી તમે પરાયી સમજો છો . હક થી કહેવાય નહીં કે બધું બનાવજે , બેટા ! આવો વેરો આંતરો કરવો હોય ને , તો જાવ હું કઈ નહીં બનાવું !

દિશા, પછી તમે બધાએ ફરાળ ખાઈ ઉપવાસ કર્યો કે નહીં ?

હા , બહારથી ફરાળી પાતરા અને સાબુદાણા ના વડા લાવી ને ખાધા ને !

Read More

વાતોના વડા -૧ :

આ મારી ફ્રેન્ડ દિશા છે ને, એની સાથે તો કોઈ દિવસ વાત જ ના કરાય હોં, તમે દિશાહીન જ થઈ જાવ. કારણકે અે વાત કરતી જ નથી, બધી વાતો માં માંડી ને વાર્તા જ કરે.

હમણાં ધુળેટી ગઈ, પછી એને મળવાનું થયું . તો મેં કહ્યું, " હોળી માં તારા ઘરે લાડુ નો પ્રસાદ ધરાવે ? "

ને એણે ચાલુ કર્યું," તું પૂછ જ નહીં યાર.તને ખબર છે મારા દાદા ને દાદી એવા ભગત ને ..ભગવાન માં ખૂબ માને. આમ મારા મમ્મી પપ્પા પણ કંઈ ઓછા ધાર્મિક નહીં, હોં. પણ દાદા ને દાદી તો જાણે અંધશ્રદ્ધાળુ હોય એટલી ભગવાન માં શ્રદ્ધા ધરાવે. આખો દિવસ અે ને એમના ભગવાન..જ્યારે જોઈયે ત્યારે બસ ભજન, માળા, કીર્તન , વગેરે જ ચાલતું હોય ! "

મેં કહ્યું, " પણ હવે તો તું ૪૦ ની થઈ અને ૧૭ વર્ષ થી તો તારા સાસરે રહે છે ને ! આમાં તારા દાદા દાદી ની ક્યાં વાત આઇ ? "

અરે, તો સાંભળ તો ખરી . હું એમ જ કહું છું કે સાસરે મારા સાસુ સસરા પણ ધાર્મિક તો ખરા , પણ મારા પિયર જેવું ગાંડપણ નહીં , હોં. ભગવાન ની ભક્તિ કરે ખરા, પણ બધું માપ માં ..

"પણ મેં તને એમ પૂછ્યું કે તમે લોકો હોળીમાં લાડુ ધરાવો ? "

અરે, તું સાંભળ ને , અે જ તો કહું છું. સાસુ અે કહ્યું કે બેટા, હોળી છે, તો પ્રસાદ માં ધરવવા લાડુ કરજો. મેં તો કંઈ કાને નહોતું ધર્યું પણ પવને પણ મને કહ્યું, કે લાડુ બનાવવાની છે તું ? એટલે મને લાગ્યું કે માએ દિકરા જોડે કહેવડાવ્યું છે, એટલે હશે તારે , હું બનાઇ દઉં.

મેં સાસુમા ને પૂછ્યું, કે મમ્મી, લાડુ શેના બનાવવા છે ? ઘઉંના, ચોખા ના કે ચણા ના લોટના ?
એમણે કહ્યું, તને ફાવે એ.
એટલે મેં કહ્યું કે સારું ઘઉં ના જ બનાવીએ.
પણ ગોળ ના કે ખાંડ ના ?
એમણે કહ્યું, તને જે અનુકૂળ પડે અે !
એટલે મેં કહ્યું સારું ખાંડ ના જ કરીએ.
તો મેં પૂછ્યું, બૂરું ખાંડ ના કે દળેલી ખાંડ ના ?
એમણે કહ્યું, ઘર માં જે પડ્યું હોય એના ,
તો મેં કહ્યું, વધુ ઘી નાખી ને લાડુ કરવાં છે કે છુટ્ટું ભભરું રાખશું ?
એમણે કહ્યું, તને ફાવે એમ !

દિશા તો પછી તેં કેવા બનાવ્યા ? "

" ક્યાં થી બનાવું ?, પૂછીએ તો ય કશા સરખા જવાબ ના આપે , તો ખાક બનાવું ? "

તો શું કર્યું ? હોળી માં લાડુ ના ધરાવ્યાં ?

"ધરાવ્યાં ને ! હું બહાર થી ૨૫૦ ગ્રામ તૈયાર જ લાડુ લઈ આવી, અે ધરાવ્યાં."

મેં કહ્યું, " હે ભગવાન ! "

Read More

# Eyes
A lot of things broke my heart 💔 but fixed the vision of my eyes