મારા શબ્દો એ જ હું.

મધ્યમાં મન રાખ હે માનવ.!.. મધ્યમાં મન રાખ.
ભૂત ને ભાવિને તું તેડીને ફરે છે, હવે દુઃખી જશે આ કાખ હે માનવ..!
મધ્યમાં મન રાખ...

થવાનું હતું એ થઈ ગયુ, તું 'છે'નો આનંદ માણ,
નથી નથી ની માથાકુટને જ દુઃખનું કારણ જાણ.

ભાવિમાં જીભ લબલબાવ ના, વર્તમાનને ચાખ હે માનવ...!
મધ્યમાં મન રાખ...

સન્યાસી થઈ મુક્ત થવુ તો નિયમોના ત્યાં બંધન છે,
ભૌતિકતામાં મદ થયો ત્યાં લાગણીઓના સ્પંદન છે.

ગૃહસ્થ થઈ તું જીવ જીંદગી, સાથે સંયમ રાખ હે માનવ...!
મધ્યમાં મન રાખ...

ધ્યાનથી ખાવુ, પીવુ, સુવું, કર્મ કરવું એય ધ્યાન છે,
હોય સ્વનું કલ્યાણ જે થી એ જ તો નર્યુ જ્ઞાન છે.

ઉડતા રાખ તું પગ જમીન પર, ભલે ને આવી પાંખ હે માનવ...!
મધ્યમાં મન રાખ...

જન્મ-મરણ છે છેડા બે ને એની વચ્ચે જ જીવન છે,
જાણે છે જે આ જીવનને એ જ તો હવે સજીવન છે.

ખાખ થઈને આવ્યો'તો તું, આખરે પણ છે ખાખ હે માનવ...!
મધ્યમાં મન રાખ હે માનવ...! મધ્યમાં મન રાખ...

- કૃષ્ણાંશ રાધે

Read More