Gujarati Blog videos by Niyati Kapadia Watch Free

Published On : 13-Jun-2020 10:46pm

386 views

“ખાવા માટે નહિ જીવો પણ જીવવા માટે ખાઓ"

આવું તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યું હશે કે કોઈને કહ્યું હશે! આજે હું જે વિડિયો શેર કરવા જઈ રહી છું એમાં પણ આજ વાત કહી છે.

જીવનમાં ચાર પ્રકારનાં ઉપવાસ/ફાસ્તિંગ કરવાનું આપણા વડવાઓ વરસો પૂર્વે કહી ગયા છે. આજની આપણી હાલત જોઈને ખરેખર એવું લાગે કે એ લોકો સાચા હતા. આપણે જ ક્યાંક રસ્તો ભૂલ્યા છીએ! ના ખાવાના પ્રમાણમાં કોઈ બાધ રાખવો આપણને ગમે છે ના ખાવાના સમયમાં. અડધી રાત્રે મેગી બનાવીને ખાવી અને પબ્લિકમાં એનું પીક શેર કરવું એ આપણને બધાને ક્યાંકને કયાંક ગમવા લાગ્યું છે મજાની વાત છે કે એમાં ઢગલો લાઈક પણ આવી જાય! 😁

વાણી, વર્તન વ્યહારમાં સંયમ જાળવવાની વાત કોઈ કરે તો તો આપણને એ વ્યક્તિ આદિમાનવ જેવી લાગે. મરજી પડે એમ બોલી નાખવું, રાઇટ ટુ સ્પિચ કે ફ્રીડમ ઓફ સ્પિચમાં માનવાવાળા આપણે કેટલીય વખત શું બોલવું એ વિસરી જઈએ છીએ. તમારા મોઢામાંથી બહાર ફેંકાયેલા શબ્દો ઘાતક તીર સમાન બની રહે અને સામે વાળી વ્યક્તિને ઘાયલ કરી જાય, ક્યાંક એની લાગણીને છિન્નભિન્ન કરી જાય તો તમને એનો અફસોસ થાય છે કે પોતાની વાણી શક્તિ ઉપર વધારે અભિમાન થાય છે? તમારા શબ્દો કોઈને શિતળતા પણ આપી શકે એવું માનવા વાળા અને બોલવા વાળા કેટલા?

હું માનું છું કે દરેક વખતે આપણે માથા ઉપર બરફની પાટો રાખીને મીઠું મીઠું ના જ બોલી શકીએ. ક્યારેક ચિડાઈને કે ક્યારેક ગુસ્સેથી આપણે બોલી નાખીએ પણ...તમે કોની સામે વાત કરી રહ્યા છો એ વાત તમને હંમેશા યાદ રહે છે કે એ પણ હરિ હરિ! તમે જે સૂરમાં તમારા મિત્ર સાથે, ઓફિસના સહકર્મચારી સાથે, બોસ સાથે કે તમારા ઘરની વડીલ વ્યક્તિ સાથે વાત કરો એમાં કોઈ ફરક હોય કે નહીં!

પ્રાણાયામ કરવા અને શાંત ચિત્તે એકાગ્ર થઈને બેસવું! આવી સલાહ મેં મારા એક મિત્રને આપી તો મને કહે આવું તો હું રોજ કરું છું, જ્યારે ટીવી આગળ કે ફોન હાથમાં લઈને બેઠો હોય! હવે આને ક્યાંય પહોંચાય એવું છે! તમે લોકો પણ આવી રીતે જ એકાગ્ર થઈને બેસો છો...? 😂

ટુંકમાં ‘હમ નહિ સુધરેંગે' નહિ, પણ ‘હમ અબ સુધરેંગે' એવું કહેવાનો સમય આવી ગયો છે

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

0 Comments