વાંચન લેખન સંગીત સાંભળવું

ચાડી કરી ચાલ્યાં જશેને ત્યાં વળેલી ભીંત બોલે છે.
જીદી હતાં ધાર્યુ કરે જુઓ હઢીલી ભીંત બોલે છે.

ઈચ્છા હતી, આશા હતી તોયે અહીં ક્યાં આપણે મળતાં?
મનમાં ફરી જાગી હતી ત્યારે ડરેલી ભીંત બોલે છે.

સામે એ પુર દરિયામાં તરવૈયો બની મળવા જશે પાછાં,
ને વાયદો પૂરો એ કરતા, લ્યો નમેલી ભીંત બોલે છે.

પીડા બધી ઘોળી પી ગ્યો સાચું હતું એ ધારવાનું ને?
સાચે નશો એનો ચડ્યો આંખો નશીલી ભીંત બોલે છે.

બાંધી હતી યાદો પછી, સાથે છબી એનું વજન લાગ્યું,
ભારે હતી એ પોટલી, આજે કળેલી ભીંત બોલે છે.

રિસાવવું એનું નથી ગમતું હવે તોયે મનાવું છું.
રોજે નવી વાતો કરુંછુંને ઢળેલી ભીંત બોલે છે.

હા! પાંપણે બેસાડશે વ્હાલા હવે માની લઉં એવું?
આ લાગણીઓ પણ ખરી જાતી, ખરેલી ભીંત બોલે છે.

શ્વાસો હવે થોડા બચેલાને અહીં યમતો ઊભો સામે,
ને જીવ પાછો ત્યાં ડરી ભાગે, રડેલી ભીંત બોલે છે.

આભે છવાયેલા હતાં એ વાદળા પણ શ્યામ રંગીલા,
માધવ પછી આવ્યાં હતાં સપને, રંગીલી ભીંત બોલે છે.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૨/૦૧/૧૯

Read More

kajal

*મા મારી મા*

જીવનસંગ્રામમાં
ઢાલ ધરી બચાવે છે 'મા'
તકલીફોના તીરોથી કાયમ ઉગારી
પીઠ પર એ બધાં ઘા સહેતી
પોતાના બાળને બચાવતી
જિંદગીના
રોજ નવાં પાઠ શીખવાડતી
કેટલાય જતનથી એ
શ્રધ્ધાને વિશ્વાસ જગાવતી
એક શિક્ષક બની ઉગારી
માર્ગદર્શક એ સાચી બનતી..
કિસ્સા કહાણી સંભળાવી
હાથમાં પુસ્તકરૂપી મિત્ર આપી
જ્ઞાનનો ખજાનો સોપતી...
દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી
નવી દ્રષ્ટિ ખોલતી...
સમજણના એ દીપ પ્રગટાવતી.
ભીતર ચાલતું સતત એક યુધ્ધ
યુધ્ધની સારથી બનતી
સત્યને અસત્યનો ભેદ સમજાવી
ને
અનેકવાર પડતા આખડતા
હસતાં હસાવતા
જીવનનો મર્મ સમજાવતી
જીવનનાં બે રસ્તા..
એક આસાન
બીજો કઠિન...
પણ...મા તો
કઠિન રાહ આસાન બનાવતી..
કંટક પથ્થર એક એક વીણી..
જીવપપંથ પર..
કાયમ આગળ રહેતી..

હા! મા મારી મા.©

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૬/૦૮/૧૯

Read More

*સિંદૂર*

ચપટી સિંદૂર પૂરી
જિંદગી આખી તારે નામ કરાવી...
થોડોક પ્રેમ આપી...
ફરજો અનેક તે દીધી બતાવી...

તન મારું સેથો મારો...
અને સિંદૂર તારા નામનું..
જો કરી ગયું કમાલ
કુંવારા સપનાં ...
તેને ઓઢાડી ચુંદડી
હા! એ પણ તારા નામની

ગર્ભનો ભાર મેં સહ્યો
બાળ મોટા મેં કર્યા
આવ્યો વિચાર
'મા' શબ્દની ઓણખ સાચી થાય..
પણ ત્યાંય નામ તારું જ..

ચાલ કર્યુ મંજૂર ...
આ જીવન તારા નામ પર
પણ
મનમાં એક ઈચ્છા...
છેલ્લા શણગારમાં
ચપટી સિંદૂર માથે...
ને
ચપટી સિંદૂર સાથે
વિદાય આખરી હોય...
જયારે
એ વિદાય આપ ત્યારે
એક કાંધ તારી હોય...

મુખાગ્નિ આપતાં પુત્ર સાથે
તેને હ્રદય સરસો ચાંપી
હુંફ તારી હોય.

આપીશ ને ?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૭/૧૨/૧૮

Read More

*મોટા બા.....*

બા તને ગયે વર્ષો વીત્યાં
યાદો પણ સમય
સાથે થોડી ધુંધળી થઈ
કદાચ જાળાં બાઝયા..

ના!
જોને આતો એવી ને એવી
જાણે હાલની...

બા પહેલાં તો સપને આવતી
મળી ખૂબ વ્હાલ વરસાવતી
એક એકના ખબર પૂછતી..
પછી
એ ક્રમ તૂટયો..
કયારેક માવઠા જેમ આવતી..

હું તો તારી આંગળીનું છોગું..
પડછાયો બની ફરતી...
તારા વ્હાલનો વરસાદ ખૂબ પામતી
તારી સોડમાં ભરાઈ રહેતી...
મારું વિશ્વ જ તું હતી .

મા માસી મામી કાકી
બહેન બેટા ભાભી વહુ
કેટલા સંબોધન મળ્યાં ..
પણ મારી ગગી કહેનાર
વ્હાલનો ટહુકો કયાં શોધું..

બા તારી પાસે મા પણ પહોંચી ..
સાસુ વહુ એ અમરાપરમાં
ગોઠડી જમાવી...

પણ...
અમે સૌ આજ પણ તરસ્યે..
જો બા
આ તારી યાદો
વરસાદ બની વરસી
હૈયું હીબકે ચડયું ..
આવને
તારા પાલવથી એ લુંછને
તારી સોડમાં લઈ

બા... સાંભળોને...

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૮/૧૦/૧૮

Read More

*આરતી.....*

મંદિરમાં વાગતા ઢોલ નગારાં
સાથે ઝાલરનો રણકાર
એ રણકારની વચ્ચે
ઝીલાતો એનો મધૂર સ્વર
ઈશ્વરના હોવાના વિશ્વાસ પર ઉભી
છે સારપ હજી બાકી..
સમજાવતી...
સવાર સાંજ
મંદિરમાં મીઠો રણકાર ગુંજતો
સ્વરનું માધુર્ય
મનમોહક ચહેરા પર ..
શ્યામ ગ્લાસ..
ગ્લાસ નીચે
ચકળ વકળ થતાં
અવાવરુ સરોવર
કાળના પંજે સુકાઈ સરિતા...
પણ
મનમાં અજીબ શાંતિ...
ઈશ્વર પર વિશ્વાસ..?
આરતી આરતી જેવી જ પવિત્ર
દાહકતા ભૂલી શીતળતા વરસાવતી..
એને જોઈ
જોનાર થતાં આશ્ચર્યચકિત
કદાચ ફરિયાદ ના સૂર સાથે..
આરતીમાં હાથ જોડી
અપ્રગટ પ્રાર્થના...
ઈશ્વર આ શું..?

આરતીના બુઝાયેલ દિપક સાથે
તારી આરતીમાં દિપક ઝળહળતા?
આ કેવો ન્યાય....?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૩/૧૦/૧૮

Read More

"જે વ્યક્તિ સન્માનનાં અધિકારી છે તેઓને સન્માન મળવું જ જોઈએ. "
વેલ વિશર વુમન ક્લબમાં થોડા સમયથી ઉપરોક્ત વાક્યને સાર્થક કરવા એક નવતર પ્રથાને અમલમાં મુકી છે. ક્લબમાં દર પંદર દિવસે એક ગદ્યમાં અને એક પદ્યમાં ટાસ્ક અપાય છે. અંદાજે દર પંદર દિવસે 25 જેટલી નવી કૃતિ લખાય છે.ખૂબ સુંદર લેખન પ્રવૃત્તિ ચાલે છે. તેમાં શ્રેષ્ઠ કૃતિને દર મહિને સન્માનિત કરવામાં આવે છે.

ઓગસ્ટમાં પદ્યમાટે અને સપ્ટેમ્બરમાં ગદ્યના ટાસ્ક માટે આ બહુમાન મને મળ્યું તેની એક ઝલક...

ખૂબ જ આનંદ આ ડબલ પ્રમાણપત્ર મેળવીને.

સતત પ્રેરણા આપી આગળ વધવા પ્રોત્સાહન આપનાર અમારા વ્હાલા એડમિન નીતા દીદી, લતા દીદી તથા અમારા વેલ વિશર પરિવારની દરેક સખીઓનો ખૂબ ખૂબ આભાર.???

Read More

*લાવવું છે...*

સ્મિત તારા હોઠ પર તો લાવવું છે.
ને પછી એ સાચવીને રાખવું છે.

કેટલી તકલીફ વેઠી ક્યાં ખબર એ,
ચાસ મો પર જોઈને એ તાવવું છે.

પાન લીલું આ ખરી પડશે પવનથી,
સાથ છોડી જાય એને ભૂલવું છે.

એ સમય પાછો ફરી ક્યારે મળે તો,
વાંક કોનો એજતો ત્યાં શોધવું છે.

એ હથેળીની લકીરો ભૂલ વાળી,
એક રેખાને લીધે ત્યાં હારવું છે?

ખેલ આજે ત્યાં નશીબે ખેલવાનો
જીતનું પાનું નવું તો ખોલવું છે.

સાવ કોરો એક કાગળ નામ એમાં,
વ્હાલ એમાં તો લખીને ઢોળવું છે.

'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૯/૧૦/૧૮

Read More

*જતન....*

એક સૂકાય જવા આવેલી ડાળ પર
એક કૂંપળ ફૂટી..
ધીરે ધીરે
જતનથી તે ઉછરવા લાગી...
સુકાયેલ ડાળ પણ
ધીરે ધીરે
નવ પલ્લવિત બની...
કયાંકથી ભ્રમર આવ્યો
રંગીન પતંગિયા આવ્યા..
મૃતપાય થવા આવેલ..
એમાં
હળવે હળવે જીવન પાંગર્યુ...
કૂલ ભ્રમર ને આસપાસ ઉડતા પતંગા
સૌ ખુશ હતાં..
ત્યાં
અચાનક આંધી આવી
ઉખેડી નાખ્યું એ વૃક્ષ જમીન સાથે
ફૂલ મુરઝાયું
ભ્રમર ને લગાવ હતો...
વૃતિ છોડી બેબાકળો..
પતંગિયા સ્તબ્ધ..
આ શું થયું...

રાત પડી
આગિયો આવી ચડયો..
બરબાદી જોઈ
એ પણ ચમક ખોઈ બેઠો..

અભિન્ન હતાં
એક મેકથી જોડાયેલ...

સમય રૂપી આંધી...
સર્વનાશ ...કરતી ગઈ...

હવે આમાં વાંક કોનો?

'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૬/૧૦/૧૮

Read More

*હુંફ.....*


અનરાધાર વરસતો મેહુલિયો
તન મન તરબોળ કરતો..
સતત વરસી રહ્યો..
કદાચ આજ તે પણ..
ભીંજાવા માંગતો હતો..

વરસી વરસી થાકયો
થોડો વિરામ લીધો..

સૌને ભીંજવનાર ..
એ મેહુલિયો કોરોનો કોરો..
કદાચ...
આ ભાવિ એનું ..
તરબોળ કરનાર સૌને
પણ
એના અંતરે....
ચાહતની પ્યાસ અંકબંધ...
હુંફને તરસતો
વ્હાલમનો સ્પર્શ ઝંખતો
મનમાં અનેક સપનાં સજાવતો..
પણ નિયતિ એની
વરસવું વરસતા રહેવું
આશ અને પ્યાસ ભૂલી
અને

ડુસકા અંતરમાં છુપાવી..
ધરબી દીધા અરમાનો ને
આજ એ વરસી પડ્યો
અનરાધાર....

'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૪/૧૦/૧૮

Read More