Pin code - 101 - 76 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 76

પિન કોડ - 101

પ્રકરણ-76

આશુ પટેલ

બઇના પોલીસ કમિશનરની નિયુક્તિને મુદ્દે મહારાષ્ટ્ર સરકારના બે મુખ્ય ભાગીદાર પક્ષો વચ્ચે જામી પડી. ગૃહ પ્રધાન અને તેમના પક્ષના પ્રધાનોના સામૂહિક રાજીનામાં પછી મુખ્ય પ્રધાને સરકાર ટકાવી રાખવા માટે હરીફ પક્ષનું સમર્થન લીધું. ગૃહ પ્રધાનના માનીતા આઇપીએસ અધિકારી ઓ. પી. શ્રીવાસ્તવની પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ પછી ડોન ઇકબાલ કાણિયા સાથે તેમના સંબંધને મુદ્દે મીડિયાએ વિવાદ જગાવ્યો એને કારણે તેમને ત્રીજા જ દિવસે પોલીસ કમિશનરપદેથી હટાવી દેવાયા. આઈપીએસ શ્રીવાસ્તવને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ હાઉસિંગ પદે ફંગોળી દેવાયા. અને ડિરેક્ટર જનરલ એડમિનિસ્ટ્રેશન પદે ધકેલી દેવાયેલા આઇપીએસ ઇલ્યાસ શેખની ફરી મુંબઇના પોલીસ કમિશનરપદે નિમણૂક કરી દેવાઇ...’
ટીવી ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ જોઇ રહેલા, ઝોન અગિયારના, ડેપ્યુટી પોલીસ કમિશનર મિલિંદ સાવંતની આંખોમાં ચમક આવી.તેમને આઇપીએસ ઇલ્યાસ શેખ માટે બહુ માન હતું. તેમણે તેમની કારર્કિદી દરમિયાન શેખ જેવા કાર્યદક્ષ અને પ્રમાણિક બીજા કોઇ પોલીસ અધિકારી જોયા નહોતા.
ઇલ્યાસ શેખ મુંબઇના આતંકવાદી હુમલાઓમાં પોતાના કુટુંબ ગુમાવવાનો કારમો આઘાત પચાવીને પણ પોતાની ફરજ ચૂક્યા નહોતા. ગૃહ પ્રધાને તેમના હાથ કઇ રીતે બાંધી રાખ્યા હતા એની પણ સાવંતને ખબર હતી. સાવંત શેખ વિષે વિચારી રહ્યા હતા એ જ વખતે તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી અને સ્ક્રીન પર શેખનું નામ ફ્લેશ થયું.
‘સર.’ ડેપ્યુટી કમિશનર સાવંતે કોલ રિસિવ કરતા અવાજમાં ઉમળકા સાથે કહ્યું.
‘સાવંત, તમારે આજથી જ ફરી ડેપ્યુટી કમિશનર ક્રાઇમ તરીકે ચાર્જ સંભાળી લેવાનો છે. તમારી નિમણૂકની ઔપચારિકતા તાબડતોબ થઇ જશે. તમે હમણાં જ દક્ષિણ મુંબઇ આવવા નીકળો.’ શેખે કહ્યું.
‘સર. થેન્કસ સર.’ સાવંતે કહ્યું.
શેખે ટૂંકમાં વાત કરીને કોલ ડિસ્કનેક્ટ કર્યો ત્યાં સુધીમાં આઈપીએસ સાવંતના મનમાં એક નવા ઉત્સાહનો સંચાર થઇ ગયો હતો.
* * *
બે બદમાશોએ સાહિલને પેસેજના છેડે દરવાજાની ડાબી બાજુએ લપાઈને ઊભેલો જોયો એ સાથે તેઓ બૂમ પાડીને તેના તરફ દોડ્યા. તે બંને બદમાશને ધસી આવતા જોઈને સાહિલે સેકંડના છઠ્ઠા ભાગમા રૂમમાં ધસી જવાનો નિર્ણય લીધો. એ જ વખતે એક બદમાશે સાહિલ પર ગોળી છોડી. પણ ત્વરાથી લીધેલા નિર્ણયને કારણે સાહિલ બચી ગયો. પેલા બદમાશે છોડેલી ગોળી સાહિલ ઊભો હતો એ જગ્યાએ દીવાલમાં અથડાઈ. સાહિલ એ રૂમમાં ધસ્યો એ વખતે સાહિલને જેની પીઠ દેખાઇ રહી હતી તે બદમાશ પાછળ ફર્યો. પેસેજમાંથી દોડતા આવી રહેલા બદમાશોની બૂમને કારણે તે બદમાશે પણ પોતાની પિસ્તોલ ખેંચી કાઢી હતી, પણ તેને ગોળી ચલાવવાની તક ના મળી શકી. અકલ્પ્ય વેગે તેના તરફ ધસેલા સાહિલે તેના ગળા ફરતે પોતાનો હાથ વીંટાળીને તેના કપાળ પર પિસ્તોલ ધરીને ટ્રિગર દબાવી દીધું. પોઇન્ટ બ્લેન્ક રેંજથી ગોળી છૂટવાને કારણે તે બદમાશના કપાળમાં કાણું પડી ગયું અને બીજી સેક્ધડે ગોળી રૂમની પાછળની દીવાલ પર અથડાઈને નીચે પડી. તે બદમાશના માથાના પાછળના ભાગમાં ત્રણચાર ઈંચ જેટલું કાણું પડ્યું અને એમાંથી ખોપડીની કરચો, માંસના લોચા અને લોહી ઉડ્યા. સાહિલના હાથ પર તે બદમાશનું ગરમ લોહી ફેંકાયું. તે બદમાશની પાછળ ઊભેલી યુવતીના ચહેરા પર પણ લોહી અને માંસના લોચા ફેંકાયા. તે યુવતી ડરને કારણે કારમી ચીસ પાડી ઊઠી. એ સાથે સાહિલની નજર તે યુવતી પર પડી. એ નતાશા હતી!
સાહિલના મનમાં એક અદમ્ય ઉમળકાની, ખુશીની અને નતાશાને સહીસલામત જોઇને ઉત્સાહની લાગણીઓ ધસી આવી. પણ તેણે પોતાની લાગણી પર કાબૂ મેળવી લીધો. અત્યારે એક પણ ક્ષણ વેડફાય તો તે અને નતાશા અહીંથી જીવતા નીકળી શકે એમ નહોતા.
આ દરમિયાન સાહિલે પેલા બદમાશને ફરસ પર પડતો મૂક્યો હતો. અને તે અકલ્પ્ય ઝડપે નતાશાની સામે ઊભેલા બદમાશ તરફ ધસ્યો હતો. સાહિલના અચાનક હુમલાથી તે બદમાશના ચહેરા પર આશ્ર્ચર્ય અને આઘાતની લાગણી ઊભરી આવી હતી એમ છતાં તે બદમાશે પોતાની પિસ્તોલ ખેંચવા કમર તરફ હાથ લંબાવ્યો. પણ તેનો હાથ તેની કમર તરફ લંબાયો એ જ ક્ષણે સાહિલે પિસ્તોલનું નાળચું લમણા પર ધરી દીધું. આ બધું માત્ર ત્રણથી ચાર સેક્ધડમાં બન્યું હતું.
સાહિલે જે રીતે પેલા માણસની ખોપરી ઉડાવી હતી એ જોઇને તે માણસને એટલું તો સમજાઇ ગયું હતું કે આ માથાફરેલો માણસ મને પણ ગોળી મારી દેતા વિચાર નહીં કરે.
‘ડોન્ટ શૂટ, પ્લીઝ!’ તે બદમાશે બૂમ પાડી.
સાહિલે તે બદમાશની કમરમાં ભરાવેલી પિસ્તોલ ખેંચીને તે બન્ને ઊભા હતા એનાથી થોડે ફૂટ દૂર ફંગોળી દીધી. પછી એક હાથ તે બદમાશના ગળા ફરતે વીંટાળીને સાહિલ તે બદમાશના લમણા પર પિસ્તોલ ધરીને એવી રીતે ઊભો રહ્યો કે તેનું ધ્યાન દરવાજા તરફ રહે. તે બદમાશની ઊંચાઈ સાહિલથી ખાસ્સી ઓછી હતી એટલે સાહિલનો આત્મવિશ્ર્વાસ વધી ગયો. સાહિલને અત્યાર સુધી સૌથી મોટી ચિંતા એ હતી કે તેણે જીવનમાં ક્યારેય પિસ્તોલ ચલાવી નહોતી. ચલાવવાનું તો દૂર તેણે જીવનમાં ક્યારેય પિસ્તોલ હાથમાં પણ નહોતી લીધી. એટલે તેને નિશાન લઇને ગોળી ચલાવવાનું આવે તો તે ચોક્કસ જ નિશાન ચૂકી જાત અને તેને બીજી ગોળી છોડવાની કદાચ તક પણ ના મળત. જીવન અને મરણ વચ્ચેના કોઇ પણ જંગમાં એક એક સેક્ધડ પણ કિંમતી સાબિત થતી હોય છે. સાહિલના સદ્દનસીબે તેને દૂરથી નિશાન લઇને ગોળી છોડવી પડે એવી નોબત આવી નહોતી. સાહિલે જે રીતે વિચારવાની તક પણ આપ્યા વિના એક બદમાશને માથામાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી ધરબી દીધી એ જોઇને બીજા બદમાશને લાગ્યું હતું કે આ માણસ હથિયાર ચલાવી જાણતો લાગે છે. તે પોતાની પિસ્તોલ ખેંચવા ગયો પણ સાહિલે તેને એ તક આપી નહોતી. માણસ ગમે એટલો ખતરનાક હોય પણ નજર સામે મોતને જુએ ત્યારે એક વાર તો ફફડી જતો હોય છે.
આ દરમિયાન પેલા બંને માણસો રૂમમાં ધસી આવ્યા હતા. રૂમનું દ્રશ્ય જોઇને તે બંને પણ ડઘાઇ ગયા. પણ તે બંને સાહિલ તરફ પિસ્તોલ તાકીને ઊભા રહી ગયા હતા.
‘પિસ્તોલ ફેંકી દો નહીં તો આ હરામખોરની ખોપડી ઉડાવી દઇશ.’ સાહિલે બરાડો પાડ્યો.
પેલા બંને બદમાશ અવઢવમાં ઊભા રહ્યા.
સાહિલે જેના લમણા પર પિસ્તોલ ધરી હતી એ બદમાશ બરાડ્યો: ‘ફેંક દો પિસ્તોલ!’
પેલા બંનેએ તરત જ પિસ્તોલ ફર્શ પર ફેંકી દીધી. આ દરમિયાન સાહિલે નતાશાને પોતાની બાજુમાં આવવા ઇશારો ર્ક્યો હતો. તેના ચહેરા પર ભય છલકાઇ રહ્યો હતો. સાહિલે બહારથી આવેલા પેલા બન્ને બદમાશોને આદેશ આપ્યો કે હાથ ઊંચા કરીને રૂમના ખૂણામાં જઇને ઘૂંટણભેર બેસી જાઓ.
પેલા બંને એક-બે સેક્ધડ અસમંજસમાં ઊભા રહ્યા એટલે જેના લમણા પર પિસ્તોલ તકાયેલી હતી એ બદમાશે ઊંચા અવાજે કહ્યું, ‘યે જૈસા બોલતા હૈ વૈસા કરો.’
તે બન્ને બદમાશ હાથ ઊંચા કરીને રૂમના છેડા તરફ આગળ વધ્યા. સાહિલ પણ તેમના તરફ નજર રહે એ રીતે પેલા બદમાશ સાથે ફર્યો. તે બદમાશ બીજા બદમાશોથી અલગ લાગતો હતો. તે કોઇ ગુંડાને બદલે મલ્ટિનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ જેવો લાગતો હતો.
પેલા બંને બદમાશ રૂમના બીજા છેડે જઇને ઘૂંટણભેર બેસી ગયા એટલે સાહિલે પિસ્તોલ પેલા બદમાશના લમણા પર દબાવતા કહ્યું, ‘ચાલ અમને બહાર સુધી લઇ જા. કોઇ પણ ચાલાકી કરી તો એ તારી જિંદગીની છેલ્લી ભૂલ હશે.’
સાહિલ નતાશાને ઉમળકાભેર વળગી પડવા ઇચ્છતો હતો પણ અત્યારે એક સેક્ધડ પણ ગુમાવવી પાલવે એમ નહોતી. સાહિલે પેલા બદમાશને આગળ ર્ક્યો. તેની પાછળ તે ચાલ્યો. સાહિલે નતાશાને ઇશારાથી જ પોતાની બાજુમાં ચાલવા કહ્યું. પેલા બદમાશ સાથે સાહિલ અને નતાશા રૂમની બહાર નીકળ્યા. સાહિલે નતાશાને કહ્યું, ‘રૂમનો દરવાજો બંધ કરી દે.’ નતાશાએ રૂમનો દરવાજો ખેંચ્યો અને ઉપર મજબૂત સ્ટોપર હતી એ વાસી દીધી.
સાહિલને લાગી રહ્યું હતું કે હવે તેનો અને નતાશાનો છુટકારો હાથવેંતમાં છે, પણ તેને કલ્પના નહોતી કે પછીની ક્ષણો કેટલી ખોફનાક બની રહેવાની હતી!

(ક્રમશ:)