Pincode -101 Chepter 59 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 59

પિન કોડ - 101

પ્રકરણ-59

આશુ પટેલ

‘સ્ટોપ પ્લીઝ.’ પોલીસ કમિશનર ઈલિયાસ શેખે તેમના જુનિયર અધિકારીઓને શાંત પાડવા કહ્યું. એ જ વખતે અચાનક એક પ્રચંડ વિસ્ફોટનો અવાજ આવ્યો અને બીજી ક્ષણે શેખની ચેમ્બરની એક બાજુની દિવાલમાં બાકોરું પડી ગયું અને દીવાલનો કેટલોક કાટમાળ શેખની ચેમ્બરમાં ફેંકાયો. એમાંના કેટલાક ટુકડા વાગવાને કારણે બે-ત્રણ અધિકારીને ઇજા પહોંચી. બધા અધિકારીઓને મોત નજર સામે દેખાઇ ગયું. વિસ્ફોટની અસરને કારણે મુંબઇ પોલીસનું હેડ ક્વાર્ટર ધ્રૂજી ઉઠ્યું એથી તેમના શરીરે એ રીતે ધ્રુજારી અનુભવી કે જાણે ધરતીકંપ થયો હોય. વિસ્ફોટની અસરથી થયેલી એ શારીરિક ધ્રુજારી તો ત્રીજી સેક્ધડે શમી ગઇ, પણ ભયને કારણે તે બધા હજી પણ કાંપી રહ્યા હતા. ગમે એટલો શક્તિશાળી માણસ પણ મોતને નજર સામે જુએ ત્યારે એક વાર તો ધ્રૂજી જ ઊઠતો હોય છે. મુંબઇના રક્ષકો એવા આ પાવરફૂલ અધિકારીઓ થોડી ક્ષણો માટે હતપ્રભ બની ગયા. થોડી વારે એ બધાની સમજમાં આવ્યું કે તેમણે શું કરવું જોઇએ.
એ બધામાં સૌથી પહેલાં કમિશનર શેખે પોતાની જાતને સંભાળી. જે માણસમાં નેતૃત્વના ગુણો હોય તે અણધાર્યો આંચકો ખાધા પછી ઝડપથી સ્વસ્થતા મેળવી લેતો હોય છે. કમિશનર શેખ માટે જીવનમાં આટલી મોટી કટોકટીની ક્ષણો ક્યારેય નહોતી આવી અને ઉપરાછાપરી ઘટનાઓને કારણે તેઓ પણ સ્વસ્થતા ગુમાવી બેઠા હતા. પણ પોલીસ હેડ ક્વાર્ટરમાં પ્રચંડ ધડાકો થયો અને તેમની ચેમ્બરની એક બાજુની દીવાલમાં ગાબડું પડી ગયું એની પાંચમી સેક્ધડે તેમણે બૂમ પાડી: ‘રશ આઉટસાઇડ!’
બીજી ક્ષણે બધા અધિકારીઓ શેખની ચેમ્બરની બહાર ધસ્યા. શેખની ચેમ્બરનો એક દરવાજો દાદરા પાસે ખૂલતો હતો. બધા અધિકારીઓ એ દરવાજા તરફ ધસ્યા. લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળીને તેઓ ધડાધડ દાદરા ઊતરીને નીચે કમ્પાઉન્ડમાં પહોંચ્યા. એ વખતે તેમને વધુ એક ઝટકો લાગ્યો.
મુંબઇ પોલીસના હેડ ક્વાર્ટરની નવી ઇમારત કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી! એ દૃશ્ય જોઇને જોઇન્ટ કમિશનર (ક્રાઇમ) અજય ત્યાગી, જોઇન્ટ કમિશનર (એડમિનિસ્ટ્રેશન) પી. સુબ્રહમણ્યમ, જોઇન્ટ કમિશનર (ઇકોનોમિક ઓફેન્સિસ) સુક્રીત રોય, એડિશનલ કમિશનર (ક્રાઇમ) રાકેશ મિશ્રા, મિલિન્દ સાવંતની જગ્યાએ નિયુક્ત થયેલા ડેપ્યુટી કમિશનર (ક્રાઇમ) મહેશ પાટણકર અને બીજા અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓને કમકમાટી આવી ગઇ. મુંબઈમાં થયેલા અકલ્પ્ય આતંકવાદી હુમલાને કારણે તાકીદની બેઠક માટે તેઓ કમિશનર શેખની ઓફિસમાં ના ધસી ગયા હોત તો તે બધાંનું અસ્તિત્વ પણ એ ઇમારત સાથે નાશ પામ્યું હોત! મુંબઇ પોલીસના હેડ ક્વાર્ટરમાં જૂના બાંધકામ તોડીને નવી ઇમારત બાંધવામાં આવી હતી. એ વખતે બે બિલ્ડિંગ હેરિટેજ હતા એટલે જાળવી રખાયા હતા. અને પોલીસ કમિશનરની ઓફિસ એમાંના એક હેરિટેજ બિલ્ડિંગમાં હતી.
નવી બહુમાળી ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર છ હજાર ફૂટનો કંટ્રોલ રૂમ હતો. જેમાંથી શહેરમાં ગોઠવાયેલા હજારો કેમેરા દ્વારા ઝીલાતા દૃશ્યોનું મોનિટરિંગ થતું હતું. એ ઇમારતમાં દિવસના સમયમાં આશરે એક હજાર માણસો કામ કરતા હતા. એ કંટ્રોલ રૂમમાં શહેરમાં ગોઠવાયેલા હજારો ક્લોઝ સર્કિટ કેમેરાની મદદથી ઝીલાતા દૃશ્યોનું મોનિટરિંગ થતું રહેતું હતું. થોડી વાર પહેલા એ કંટોલ રૂમમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ તો કાબૂમાં લઈ લેવાઈ હતી, પણ એ કંટ્રોલ રૂમનું ઓપરેશન ફરી શરૂ થયું નહોતું એટલે એમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કંપાઉન્ડમાં હતા. એ બધા પણ હતપ્રભ બનીને કાટમાળમાં ફેરવાઈ ગયેલી ઈમારતને જોઈ રહ્યા હતા.
યુદ્ધના મેદાનમાં પરાજય થયા પછી પરાજિત યોદ્ધો પોતાના પક્ષને થયેલી ભયાનક ખુવારી જોઇને જે લાગણી થાય એવી અનુભૂતિ મુંબઇ પોલીસના એ ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા હતા. બીજી બાજુ તેમનામાં એક ઝનૂન પણ ઊભરી રહ્યું હતું. ડોન ઇકબાલ કાણિયાના પીઠ્ઠુ એવા પેલા બે ઉચ્ચ અધિકારી પણ ખળભળી ઉઠ્યા હતા. તેમની ઓફિસ પણ એ ધ્વસ્ત થઇ ગયેલી ઇમારતમાં જ હતી! કાણિયા પ્રત્યેની વફાદારી માટે તેમને પોતાની જાત પર નફરત થઇ રહી હતી. તેમનામાં આક્રોશ ઉભરાયો હતો અને તેઓ પોતાની જાત પર પણ ફીટકાર વરસાવી રહ્યા હતા.
મુંબઇ પોલીસના હેડ ક્વાર્ટરમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ કમિશનર શેખ જે હેરિટેઝ બિલ્ડિંગમાં બેસતા હતા એ ઇમારતને પણ ઘણું નુકસાન થયું હતું. જોઇન્ટ કમિશનર લો એન્ડ ઓર્ડર તથા અન્ય કેટલાક અધિકારીઓની ઓફિસ હતી એ બીજી હેરિટેજ ઇમારતને પણ થોડું નુકસાન પહોંચ્યું હતું. એ બંને ઇમારતોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ શેખ અને બીજા અધિકારીઓની જેમ કમ્પાઉન્ડમાં ધસી આવ્યા હતા. જો કે રાતનો સમય હતો એટલે હેડ ક્વાર્ટરમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હતી પણ એમ છતાં પારાવાર નુકસાની થઇ હતી. પોલીસ હેડ ક્વાર્ટરના કંપાઉન્ડમાં પડેલા ઘણાં વાહનોનો પણ નાશ થઇ ગયો હતો. હુમલાને કારણે સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે બળી રહેલા વાહનો અને ધ્વસ્ત થઈ ગયેલી બહુમાળી ઈમારતના અવશેષોમાં લાગેલી આગને કારણે સ્થિતિ વધુ બિહામણી લાગી રહી હતી.
કમિશનર શેખ અને બીજા અધિકારીઓ આ વાસ્તવિકતા પચાવે એ પહેલાં એડિશનલ કમિશનર ક્રાઇમ રાકેશ મિશ્રાના મોબાઇલ ફોન પર કોઇ અધિકારીનો કોલ આવ્યો. તેમને ધ્રૂજતા હાથે કોલ રિસિવ ર્ક્યો. સામેથી કહેવાયેલા શબ્દો સાંભળીને તેમનો ચહેરો ઔર તંગ થઇ ગયો. તેમણે કોલ પૂરો ર્ક્યા પહેલાં જ કમિશનર શેખ સામે જોઈને કઈક કહ્યું એ સાંભળીને પોલીસ કમિશનર શેખ અને બીજા ત્રણ-ચાર ઉચ્ચ અધિકારીઓ એક સાથે બોલી ઉઠ્યા : ‘ઓહ ગોડ!’
* * *
હોશમાં આવેલી નતાશાએ આંખો ખોલી. આંખો ખોલવા માટે તેણે થોડી મહેનત કરવી પડી. આંખો ખૂલી એ સાથે પહેલા તો તેને સાહિલ યાદ આવ્યો. ‘સાહિલ.’ તે બબડી. વ્યક્તિ પ્રેમમાં પડી હોય ત્યારે તેને સારી કે ખરાબ, શોક કે ઉત્સવ યા તો ઉન્માદની સ્થિતિમા સૌ પ્રથમ પ્રિય પાત્ર જ યાદ આવે. નતાશાની બહાવરી નજરે સાહિલને શોધવા રૂમમાં નજર ફેરવી, પણ સાહિલ ક્યાંય ન દેખાયો. તેને વાસ્તવિકતા સમજતા થોડી વાર લાગી. પોતે એક બંધ રૂમમાં એક પલંગ પર પડી હતી એથી તેને થોડી ક્ષણો માટે લાગ્યું કે તે પેલી હોટેલના રૂમમાં છે. પણ આ રૂમમાં પલંગ અને એક ખુરશીને છોડીને બીજું કશું જ નહોતું. અને દીવાલો પણ કોરીધાકોર હતી. હોટેલના રૂમની આછા ગુલાબી રંગની દીવાલો પર તો પિક્ચર ફ્રેમ્સ લગાવેલી હતી. નતાશાને પોતાનું માથું ભારે લાગી રહ્યું હતું.
નતાશાએ થોડી વાર એ સમજવાની કોશિશ કરતી પડી રહી. પોતે અહીં ક્યાંથી આવી ગઈ એ યાદ કરવા માટે તે થોડી વાર મથી રહી. વેરવિખેર વિચારો વચ્ચે તેને યાદ આવ્યું કે તે હોટેલના રૂમમાં હતી ત્યારે પોલીસ ટીમ આવી ચડી હતી. એ પછી આગળ વિચારતા તેને યાદ આવી ગયું કે તે મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે હોટેલમાંથી બહાર નીકળીને તેમની સાથે તેમના વાહનમાં બેઠી હતી. એ પછી શું થયું એ તેને યાદ નહોતું આવી રહ્યું. પેલા પોલીસ અધિકારીએ તો કહ્યું હતું કે અમે ઓમર હાશમીની ધરપકડ કરી છે અને તમારા પરનો ખતરો ટળી ગયો છે. તમારે ઓમર હાશમી વિશે નિવેદન આપવા અમારી સાથે આવવું પડશે. પોલીસ કર્મચારીઓ પોતાને નિવેદન લખાવવા માટે લઈ જઈ રહ્યા હતા તો પછી પોતે અહીં ક્યાંથી આવી ગઈ!
નતાશાને ભયંકર ગભરામણ થઈ આવી. તેનું ગળું સૂકાઈ રહ્યું હતું અને ઉપરથી તે કોઈ અજાણી જગ્યામાં બેહોશ બનીને પડી હતી એ વાસ્તવિક્તાને કારણે તેને અકથ્ય મૂંઝારો થવા લાગ્યો. તે ઊઠી અને પલંગ પર બેસીને ધસમસતી ઝડપે તેના મનમાં આવી રહેલા વિચારોને ખાળવાની કોશિશ કરતાં કરતાં પોતે ક્યાં છે એ સમજવા મથી રહી.
અચાનક નતાશાનું ધ્યાન પોતાના શરીર પર ગયું અને તે અવાક બનીને પોતાના શરીરને તાકી રહી!.
(ક્રમશ:)