Pincode -101 Chepter 29 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 29

પિન કોડ - 101

પ્રકરણ-29

આશુ પટેલ

‘મેં તે છોકરીને ઓમરની ઓફિસમાં જતી અટકાવા માટે પેલા ખબરીને કહ્યું છે...’
‘કેમ?’ વાઘમારે પોતાની વાત પૂરી કરે એ પહેલા જ ડીસીપી સાવંતે પૂછ્યું.
સાવંતના એક શબ્દના વેધક સવાલથી વાઘમારે થોથવાઈ ગયા. ’સર, મારા ખબરીએ કહ્યું કે કદાચ તેને ક્યાંક ઊઠાવી જવાનો પ્લાન છે એવું લાગે છે એટલે મેં... આઈ મીન...’ વાઘમારેએ પોતાની સૂચનાનો બચાવ કરવાની કોશિશ કરતા કહ્યુ: ’મે તેને હમણાં પૂરતી જ રોકી રાખી છે. તમારી સાથે વાત કરી લઉં અને આગળ શું કરવું એ માટે તમારું માર્ગદર્શન અને ઓર્ડર મળે ત્યાં સુધી સ્થિતિ પર કાબૂ રહે એ માટે મેં ખબરીને કહ્યું કે હમણાં તેને હોટેલમાં જ રોકી રાખજે. બસ એટલું જ.’
‘એક મિનિટ, વાઘમારે. તમારા ખબરીએ તે છોકરીને શું કહીને ઓમરની ઓફિસમાં જતી અટકાવી છે?’ ડીસીપી સાવંતે પૂછ્યુ.
વાઘમારેએ સાચું કહેવું પડ્યું, ‘મેં મારા ખબરીને એવું કહ્યું હતું કે તું એ છોકરીને કોલ કરીને કહે કે મેડમ, હું તમારો હિતેચ્છુ બોલું છું. તમે ઓમર હાશમીની ઓફિસમાં ન જતા. ત્યાં જશો તો તમે બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ જશો. એ માણસ ખેપાની છે એટલે તેનાથી દૂર જ રહેજો.’
ડીસીપી સાવંત કઈ ન બોલ્યા. પણ એમના મૌનથી જ વાઘમારેને સમજાઈ ગયું કે ડીસીપીને એવું લાગ્યું છે કે તેમણે નતાશાને ઓમરની ઓફિસમાં જતી અટકાવીને ભૂલ કરી છે.
‘સોરી સર.’ વાઘમારેએ કહ્યુ પણ તેમને મનોમન અકળામણ થઈ કે પોતે આટલાં વર્ષોનો અનુભવ ધરાવે છે એ છતા આઈપીએસ બનીને બહુ ટૂંકા સમયમા ડેપ્યુટી કમિશનર બનેલા આવા યુવાન અધિકારીને ‘સોરી’ કહેવું પડે છે! પણ પછી તેમને તરત જ યાદ આવ્યુ કે મહારાષ્ટ્રના એક વિવાદાસ્પદ પ્રધાન સાથે સંબંધ ધરાવતા ગુંડાના એન્કાઉન્ટર પછી થયેલા વિવાદને કારણે પોતાને મુંબઈની બહાર, અને એ પણ ગઢચિરોળી જેવા ખતરનાક નકસલવાદી વિસ્તારમા, સજાકીય બદલી કરીને ફંગોળી દેવાનો આદેશ પોતાને થમાવી દેવાયો એ વખતે ડીસીપી સાવન્તે જ મદદ કરી હતી અને મામલો થોડો શાન્ત પડ્યો એ પછી ક્રાઈમ ઇન્ટેલિજન્સ જેવા હાઈ પ્રોફાઈલ યુનિટમાં નિમણૂક પણ અપાવી હતી. જો કે એ વખતે ડીસીપી સાવન્તે તેમને તાકીદ પણ કરી હતી કે થોડા સમય સુધી તમારા આક્રમક સ્વભાવ પર કાબૂ રાખજો અને આવેશમાં આવીને કોઈ મોટું કે ખોટું પગલું ના ભરી લેતાં,નહીં તો આ વખતે હું તમને સરકારની અને ખાસ તો પેલા હલકટ પ્રધાનની ખફા નજરથી બચાવી નહીં શકું.
ડીસીપી સાવન્તે એવી તાકીદ ના કરી હોત અને મહારાષ્ટ્રના પેલા ખેપાની પ્રધાનના માનીતા ગુંડાના એન્કાઉન્ટરનો વિવાદ ના થયો હોત તો અત્યાર સુધીમા તો વાઘમારેએ ઓમરને ઊંચકી લીધો હોત અને તેના પર થર્ડ ડિગ્રી અજ્માવવાનુ પણ શરુ કરી દીધું હોત! વાઘમારે સુપરકોપ જુલિયો રિબેરોની આત્મકથાના શીર્ષક ‘બુલેટ ફોર બુલેટ’ની ફિલોસોફી’મા માનતા હતા એટલે તેમણે પચ્ચીસ વર્ષની નોકરીમાં એક્સોપચ્ચીસ ગુંડાઓને અસલી અને નકલી એન્કાઉન્ટરમાં ગોળીએ દીધા હતા. અને એને કારણે મીડિયાએ તેમને ’એન્કાઉંટર સ્પેશિયલિસ્ટનું બિરુદ પણ આપ્યું હતું. તેમની થર્ડ ડિગ્રી અજમાવવાની અનેક પ્રકારની ‘કળાઓ’ પણ જાણીતી હતી એટલે ગુંડાઓ તેમનાથી ફફડતા રહેતા હતા. તેમની એ ‘કળાઓ’નો ભોગ બનેલા ઘણા ગુંડાઓ કોર્ટમાં જાય ત્યારે એવું પણ કહી ના શકતા કે એન્કાઉંટર સ્પેશયલિસ્ટ દત્તાત્રેય વાઘમારેએ અમારા પર થર્ડ ડિગ્રી અજમાવી છે! ગુંડાઓના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા ના મળે એ રીતે તેઓ થર્ડ ડિગ્રી અજમાવવામાં માહેર થઈ ગયા હતા.
ડીસીપી સાવંત કંઈક વિચારમાં પડ્યા હોય એમ તેમણે થોડી સેક્ધડ પોઝ લીધો અને પછી આદેશાત્મક સૂરે કહ્યું, ‘એ છોકરીને ઓમરની ઓફિસમાં જવા દો અને લોકલ પોલીસની મદદ લઈને વોચ રાખો. એ છોકરી એકવાર ઓમરની ઓફિસમાં જાય કે તેને બીજે ક્યાંય મળે તો ખબર પડશે કે આગળ શું થાય છે. કંઈ પણ ગરબડ લાગે કે છોકરી પર કોઈ ખતરો લાગે તો છોકરીને બચાવી લો અને ઓમરને ઊંચકી લો. અને એવું કંઈ ના થાય તો ઓમર પર રાઉન્ડ ધ ક્લોક નજર રાખો અને પેલી છોકરી પર પણ નજર રાખો. શક્ય છે કે તે છોકરી પણ એમની સાથે મળેલી હોય અને ઓમરે પોતાના માણસને કોઈ કારણથી મિસગાઈડ કરવા માટે ખોટી હિન્ટ આપી હોય કે આ છોકરીને ઊઠાવવાની છે.’
‘સર, એ ખબરીને પાક્કી શંકા છે કે કોઈ મોટું ચક્કર છે, મામલો દેખાય છે એટલો સીધો નથી લાગતો. ઓમર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છોકરીઓ સપ્લાય કરે છે એ તો ઓપન સિક્રેટ છે. પણ આ છોકરી એવી નથી લાગતી એવું સલીમે કહ્યું. ’વાઘમારેએ ખબરી સલીમના નામે પોતાને પણ જે લાગ્યું હતું એ પોતાના ઉપરી અધિકારીને કહી દીધું.
’એ છોકરીનો ફોટો જોયો છે તમે?’ સાવન્તે પૂછ્યુ.
વાઘમારે સમજી ગયા કે ડીસીપી સાવંત શું પૂછવા માગે છે. તેમણે ઉતાવળે કહ્યું: ’યસ સર. ઓમરે ખબરી સલીમના મોબાઈલ ફોન પર એ ફોટો મોક્લ્યો હતો. સલીમે મને તે છોકરી વિશે કહ્યુ એ વખતે તેણે મને તે છોકરીનો ફોટો પણ મોકલાવ્યો હતો. ચહેરા પરથી છોકરી એક્દમ ક્લીન લાગે છે.’
‘સાંભળો વાઘમારે, તમે...’ ડીસીપી સાવન્તે વાઘમારેને સૂચના આપવા માંડી.
’યસ સર. થેન્ક યુ, સર.’ વાઘમારેએ કહ્યુ. ડીસીપી સાવન્તના શબ્દો સાંભળીને તેમની આંખોમાં ચમક આવી ગઈ અને તેમના ચહેરા પર ઉત્તેજનાના ભાવ ઊભરી આવ્યા.
* * *
રાજ મલ્હોત્રાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સાથે સાહિલનો પરિચય તેમની ઓટોમોબાઈલ કંપનીના ચીફ રિસર્ચ ઓફિસર તરીકે કરાવ્યો એટલે સાહિલ સડક થઈ ગયો.
‘નાઇસ ટુ મીટ યુ.’ મુખ્ય પ્રધાને સાહિલની સાથે હાથ મિલાવતા કહ્યું. સાહિલને જાણે વધુ એક વાર કરંટ લાગી ગયો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તેની સાથે હાથ મિલાવી રહ્યા હતા!
‘નાઈસ મિટીંગ યુ, સર.’ સાહિલે પ્રતિસાદ આપ્યો. આગળ શું બોલવું એ તેને સૂઝ્યું નહીં.
જો કે એ પછી તેનુ અભિવાદન કર્યા પછી બીજી જ સેક્ધડે મુખ્ય પ્રધાન રાજ મલ્હોત્રા સાથે વાતે વળગી ગયા એટલે આગળ શું વાત કરવી એ મૂંઝવણમાંથી સાહિલ બચી ગયો.
રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલે સાહિલને આંખોથી ઈશારો કર્યો એટલે તે તેની સાથે ચાલતો થયો. ચાલતા ચાલતા પણ તે વિચારે ચડી ગયો. તેને લાગ્યું કે રાજ મલ્હોત્રાએ મજાકમાં મુખ્ય પ્રધાનને કહ્યું હશે કે આ મારી ઓટોમોબાઈલ કંપનીનો ચીફ રિસર્ચ ઓફિસર છે. પણ પછી તેને તરત બીજો વિચાર આવ્યો કે તેઓ ચીફ મિનિસ્ટરને આવી વાત મજાકમાં શા માટે કહે?વળી તેને યાદ આવ્યું કે રાજ મલ્હોત્રાની કોઈ ઓટોમોબાઈલ કંપની જ નથી! સાહિલ ગુંચવાઈ ગયો.
શીતલ સાહિલને પોતાની કેબિનમાં લઈ ગઈ. તેણે સાહિલ પાસેથી તેની કેટલીક વ્યક્તિગત માહિતી મેળવી. એ પછી શીતલ તેને ફરી રાજ મલ્હોત્રાની ચેમ્બરમાં લઈ ગઈ. એ વખતે રાજ મલ્હોત્રા કોઈની સાથે મિટીંગમાં વ્યસ્ત હતા એટલે સાહિલે એક સીટિન્ગ એરિયામા સોફા પર બેસીને તેમની રાહ જોવી પડી. જો કે દસેક મિનિટમાં તેમણે મિટીંગ આટોપીને સાહિલને બોલાવ્યો.
રાજ મલ્હોત્રાએ આડીઅવળી બીજી કોઈ વાત કર્યા વિના સાહિલને કંઈક કહ્યુ. તેમના એ શબ્દો સાંભળીને સાહિલ દિગ્મૂઢ બનીને તેમની સામે તાકી રહ્યો!

(ક્રમશ:)