Pincode -101 Chepter 2 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 2

પિન કોડ - 101

પ્રકરણ-2

આશુ પટેલ

મુંબઈને હચમચાવી દેનારા અકલ્પ્ય આતંકવાદી હુમલાના થોડા દિવસ અગાઉ...
***
૮ ડિસેમ્બર, ૨૦૨૧.
સેલ ફોન પર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અત્યંત સફળ પ્રોડ્યુસર કમ ડિરેક્ટર અશોક રાજનો નંબર ફ્લેશ થયો એ સાથે નતાશાના દિલની ધડકન અત્યંત તેજ થઇ ગઇ.
તેણે ઉત્સાહ અને ઉત્તેજના સાથે ટચ સ્ક્રીન પર આંગળી ફેરવીને સેલ ફોન કાને માંડ્યો. હેલો...’ સામેથી ઍટલો અવાજ સંભળાયો ત્યાં તો નતાશા બોલી પડી: ‘ઓહ સર! વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. હુ બીલિવ નથી કરી શકતી કે તમે મને કોલ કર્યો છે! થેંક્યુ સો મચ સર. થેન્કસ. થેન્કસ અ લોટ.’
‘યુ આર વેલકમ.’ પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક રાજે કહ્યું, ‘હુ તને મારી નવી ફિલ્મમાં બ્રેક આપવાનું વિચારી રહ્યો છું.’
‘ઓહ માય ગોડ! થેન્કયુ સર. થેન્કસ અ લોટ.’ અશોક રાજ હજી પોતાની વાત પૂરી કરે એ પહેલા તો નતાશા ઉછળી પડી.
અશોક રાજ માટે આવી પ્રતિક્રિયા નવી નહોતી. તેણે નતાશાને થોડી વાર બોલી લેવા દીધી પછી કહ્યું, ‘તુ આજે સાંજે મને જે.ડબ્લ્યુ.મેરિયટ હોટેલમાં મળવા આવી શકીશ?’
નતાશાને લાગ્યું કે પોતે ખુશીથી પાગલ થઇ જશે.
તેણે કહ્યું, ‘શ્યોર સર. તમે કહો ત્યારે. થેન્ક યુ સો મચ, સર.’
અશોક રાજે નતાશા સાથે સમય નક્કી કરીને વાત આટોપી.
નતાશાએ દોઢ મિનિટના કોલ દરમિયાન દસ વાર અશોક રાજને ‘થેન્ક યુ’ કહીં દીધુ હતું.
સેલ ફોનનો પલંગ પર ઘા કરીને નતાશા બન્ને હાથ ઊંચા કરીને જોરથી ચીલ્લાઇ, ‘યસ્સ્સસ!’ નતાશા નાણાવટી યુ હેવ અરાઇવ્ડ. તારી સ્ટ્રગલ આજે પૂરી થઇ ગઇ! હવે દુનિયા નતાશા નાણાવટીની ટેલન્ટ સમજશે!
‘શું થયું? કેમ બૂમો પાડે છે?’ બોલતા બોલતા નતાશાની મકાનમાલકણ અરોરા આન્ટી ધસી આવી.
‘અરે આન્ટી! આઇ એમ સો હેપી ટુડે! સમજો ને કે મને લોટરી લાગી ગઇ છે!’ નતાશા અરોરા આન્ટીને જોરથી ભેટી પડી.
‘પણ થયું છે શું એ તો કહે?’ અરોરા આન્ટીએ તેનાથી અળગા થતા પૂછ્યું.
‘આન્ટી મને આજે વિખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક રાજે પોતે કોલ કરીને મળવા બોલાવી! મને તેમની નવી ફિલ્મમા બ્રેક મળવાનો છે. મારો સંઘર્ષ પૂરો થઇ ગયો. ઓહ આન્ટી, આઇ એમ એક્સટ્રીમલી હેપી.’
‘સારું, સારું. તારું કંઇક પાટે ચડે તો કેટલાય મહિનાના પૈસા ચડી ગયા છે એ મને આપી દેજે.’ અરોરા આન્ટીએ નતાશાને પોતાના બાકી પૈસા યાદ અપાવી દીધા. તેમનો રિસ્પોન્સ ઠંડો હતો. તેમનો નતાશા જેવી ઘણી છોકરીઓ સાથે પનારો પડી ચૂક્યો હતો.
નતાશા અરોરા આન્ટીને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને તેણે ક્યારેય પોતાના ખાવા-પીવા, રહેવાના પૈસા અરોરા આન્ટીને સમયસર ચૂકવ્યા નહોતા. અને છેલ્લા કેટલાક મહિનાથી તો તેણે બિલકુલ પૈસા આપ્યા નહોતા.
સામાન્ય રીતે અરોરા આન્ટી બાકી પૈસાની ઉઘરાણી કરે ત્યારે નતાશા અપસેટ થઇ જતી હતી અને સ્ટ્રેસ અનુભવતી હતી. જોકે અત્યારે નતાશા અત્યંત ખુશ હતી એટલે મકાનમાલકણ અરોરા આન્ટીના એ શબ્દો તેને હંમેશની જેમ વાગ્યા નહીં. ઘર છોડ્યા પછી નતાશા આજે પહેલી વાર આટલી ખુશ હતી.
* * *
નતાશા ભારે ઉત્સાહ સાથે મુંબઇની વિખ્યાત ફાઇવ સ્ટાર હોટેલ જે. ડબ્લ્યુ. મેરિયટની કોફી શોપમાં ફિલ્મના પ્રોડ્યુસર કમ ડાયરેક્ટરને મળવા ગઇ હતી. નતાશા જે. ડબ્લ્યુ. મેરિયટમાં પહોંચી ત્યારે પ્રોડ્યુસર કમ ડાયરેક્ટર અશોક રાજ તેની પહેલાં ત્યાં પહોંચીને કોફી શોપમાં બેઠો હતો. તેણે કહેલા સમય પર જ નતાશા પહોંચી હતી છતાં તેને પોતાના પહેલા પહોંચી ગયેલો જોઇ નતાશા થોડી નર્વસ થઇ ગઇ. તેણે બે-ત્રણ વાર ‘સોરી’ કહ્યું.
અશોક રાજ હસ્યો. તેણે કહ્યું, ‘રિલેક્સ નતાશા. તું નક્કી થયેલા સમય પર જ આવી છે. હું થોડો વહેલો આવી ગયો છું. એટલે ‘સોરી’ કહેવાની કે સોરી ફીલ કરવાની પણ જરૂર નથી. બીજી વાત એ કે હું બીજા બધા ફિલ્મ પ્રોડ્યુસર્સ કે ડાયરેક્ટર્સની જેમ હવામાં ઉડતો નથી. હું પણ સંઘર્ષ કરીને આગળ આવ્યો છું એટલે મને તારી સ્થિતિ બરાબર સમજાય છે. હું પણ આવી જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા માણસોને મળવા જતો ત્યારે નર્વસ થઇ જતો હતો. એ વખતે મેં નક્કી કર્યું હતું કે હું ન્યુકમર્સ સાથે એ રીતે વર્તીશ કે એમને નર્વસ ન થવું પડે. એટલે તો મેં તને મારી ઓફિસને બદલે અહીં મળવા બોલાવી.’
નતાશાના ફેમિલી વિશે અને બીજી થોડી વાતો કર્યા પછી અશોક રાજે નતાશાને પૂછીને વેઇટરને ઓર્ડર આપ્યો. અને પછી કામની વાત શરૂ કરી, ‘નતાશા, એઝ યુ નો, હું મારી નવી ફિલ્મ સુપરસ્ટાર દિલનવાઝ ખાન સાથે કરી રહ્યો છું અને એ ફિલ્મમાઁ કોઇ જાણીતી હિરોઇનને સાઇન કરવાને બદલે હું કોઇ નવી હિરોઇનને લોન્ચ કરવા માગુ છું. મને ફ્રેશ ચહેરાઓ જોઇએ છે. અત્યારે ત્રણસોથી વધુ કોલેજિયન છોકરીઓથી માંડીને મોડેલ્સ અને બ્યુટી ક્વીન્સના પોર્ટફોલિયો મારી પાસે છે. એમાની ઘણી તો કરોડપતિ કુટુંબની દીકરીઓ છે. તેમને હિરોઇન બનાવવા માટે તેમના મા-બાપ મારી ફિલ્મ ફાઇનાન્સ કરવા પણ તૈયાર છે. પણ મેં આજ સુધી ક્યારેય બાંધછોડ નથી કરી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા જાણે છે કે હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો.’
‘આઇ નો સર. તમારી બધી ફિલ્મ મેં જોઇ છે. તમારી ફિલ્મ્સમાં સ્ટોરી-સ્ક્રીનપ્લેથી માંડીને કાસ્ટિંગ, લોકેશન્સ, સિનેમેટોગ્રાફી, એડિટિંગ બધું જ અદ્દભૂત હોય છે. તમે મને મળવા માટે સમય આપ્યો એ મારા માટે બહુ જ મોટી વાત છે.’
નતાશા આગળ બોલવા જતી હતી પણ અશોક રાજે તેને અટકાવી, ‘કમ ઓન નતાશા, મને પણ મારી નવી ફિલ્મ માટે એક ફ્રેશ, હોટ અને સેક્સી હિરોઇનની જરૂર છે. એટલે તને જેટલી ગરજ છે એટલી જ મને પણ ગરજ છે સો નો થેન્કસ-વેન્કસ! તારા ચહેરા કે ફિગરમાં દમ ન હોત તો મેં તને મળવા માટે સમય પણ ન જ બગાડ્યો હોત. અને સુપરસ્ટાર દિલનવાઝ ખાન પણ તેની સામે તને હિરોઇન તરીકે સ્વીકારવા તૈયાર ન થયો હોત. તેની સાથે હિરોઇન તરીકે ચમકવા માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની તમામ હિરોઇન્સ આતુર હોય છે. યુ નો ઇટ. મેં તેની સાથે બેસીને ત્રણસોથી વધુ કોલેજિયન છોકરીઓથી માંડીને મોડેલ્સના પોર્ટફોલિયો જોયા એમાં અમને બન્નેને તુ સૌથી વધુ પસંદ પડી... ’
નતાશા જાણે સપનાની દુનિયામાં હોય એ રીતે પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક રાજની વાત સાંભળી રહી હતી. તેના એક-એક શબ્દથી તે પુલકિત થઇ રહી હતી. પોતે જાણે આસમાનમાં વિહરી રહી હોય એવી અનુભૂતિ તેને થઇ રહી હતી.
જોકે ત્યારે નતાશાને કલ્પના નહોતી કે તે બહુ ઝડપથી વાસ્તવિકતાની ધરા પર પટકાવાની હતી.

(ક્રમશ:)