Dashavatar - 9 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 9

          ઝાંપો બંધ કરીને એ શેરીમાં જમણી તરફ ચાલવા લાગ્યો. શેરીના જમણે છેડે ટેકરાળ વિસ્તાર હતો. ત્યાં ભૂખરી ટેકરીઓ વચ્ચે છાયડો રહેતો કેમકે બંને તરફ ટેકરીઓ પહાડીની જેમ ઊંચી હતી અને વચ્ચેનો ભાગ ખાઈ જેવો હતો. લગભગ બરાબર બપોર ન થાય અને સૂરજ માથા પર ન આવે ત્યાં સુધી ત્યાં છાયડો રહેતો. વિરાટના બધા મિત્રો મોટે ભાગે ત્યાં જ ભેગા થતાં. આજે વિરાટ દીવાલની પેલી તરફ જવાનો હતો એટલે સવારથી જ તેને બોલાવવા કોઈ મિત્ર આવ્યો હતો પણ એ સમયે વિરાટ ઊંઘ્યો હતો એટલે એ પાછો ગયો હતો.

          એ ટેકરીઓ સુધી પહોંચતા દસ પંદર મિનિટ જેટલો જ સમય થાય તેમ હતો. શેરીમાં બંને તરફ ઝૂંપડીમાં કોલાહલ હતો પણ દિવસ હોવા છતાય કોઈ ઝૂંપડીનો ઝાંપો ખુલ્લો નહોતો. નીરદ કહેતા કે જ્યાં ગરીબી હોય તેવા વિસ્તારોમાં દુર્ગુણો આપમેળે દાખલ થઈ જતાં હોય છે. એ સાચા હતા. દીવાલની આ તરફ ચોર લૂંટારાની કમી નહોતી. જોકે તેમનો ભય રાતે જ હતો. દિવસે એના કરતાં પણ બેકાર લોકોથી બધાએ સાવધાની વરતવી પડતી. મદિરાપાન કરી ભટકાતાં લોકો. શૂન્ય લોકોને ભલે મોટે ભાગે વાંચતાં લખતા ન આવડતું. બાકીની બધી ચીજોમાં એ હોશિયારી કે ચાલાકી ન બતાવી શકતા પણ ઘણા એવા લોકો હતા જેમનામાં હોશિયારી હતી. જોકે તેમણે એમના એ જ્ઞાનને કોઈ સારા કામમાં લગાવ્યું નહોતું. ગંગાની કેનાલ જ્યાં પૂરી થાય છે ત્યાં પાણી મુકત પ્રવાહે વહેતું હતું અને ત્યાં એક નાનકડા જંગલ જેવો વિસ્તાર હતો. કેટલાક લોકોએ ત્યાંથી મહુડા અને એવા બીજા વૃક્ષો ઓળખી કાઢ્યા હતા જે નશો આપતા. મોટેભાગે એ બધુ કામ ભદ્રા અને તેના મિત્રો કરતાં. ભદ્રાનો મોટો ભાઈ દીવાલની પેલી તરફ ગયો પણ ક્યારેય પાછો ન આવ્યો. ભદ્રા એના ભાઈને જીવ કરતાંય વધુ ચાહતો હતો. એના મૃત્યુ પછી એ ભાંગી પડ્યો હતો અને મહુડાનો દારૂ બનાવી પીધે રાખતો. ધીમે ધીમે તેની સાથે બીજા પણ એવા લોકો જોડાવા માંડ્યા જેમણે એમના પરિવારમાંથી કોઈ સભ્યને દીવાલની પેલી તરફ કે આ તરફ ખોયું હતું. આખરે ભદ્રા અને એના મિત્રોએ સ્ટેશનથી થોડેક દૂર ભદ્રાને સંભાળવા આપેલા ખેતરમાં જ મહુડાનો દારૂ વેચવાનો શરૂ કરી દીધું. કેટલાય લોકો ત્યાં રોજ મહેનતના સિક્કા ખોઈ આવતા.

          આ બાબતની જાણ વેપારીઓ અને નિર્ભય સિપાહીઓને હતી જ પણ એ બધા મોં બંધ રાખતા કેમકે ભદ્રા અને તેના બદમાશ મિત્રોના ખેતરોમાં અફીણની ખેતી થતી અને એ અફીણની લત મોટા ભાગના વેપારીઓ અને નિર્ભય સિપાહીઓને પણ હતી. ખુદ કલેકટરો પણ ભદ્રાના મહેમાન બનતા કેમકે એમનેય એ કાળા પદાર્થની લત લાગેલી હતી.

          દિવસે પણ ઝૂંપડીઓ સલામત રાખવી પડતી કેમકે ગમે ત્યારે એવા રખડતાં મવાલીઓ કોઈની ઝૂંપડીમાં દાખલ થઈ જાય તો મોટો બખેડો ઊભો થતો.

          વિરાટ ટેકરીઓ વચ્ચેના છાયાવાળા વિસ્તારમાં પહોંચ્યો ત્યાં સુધીમાં પરસેવાને લીધે તેનું પહેરણ તેની પીઠ પર ચોટવા લાગ્યું હતું. ટેકરીની ખીણમાં તેના દસ કરતાં પણ વધુ મિત્રો તેની રાહ જોતાં બેઠા હતા. એ બધા તેના કરતાં ઉમરમાં નાના હતા. તેના કરતાં મોટી ઉમરના મિત્રો કાં ગઈ વખતે આવેલી આગગાડીમાં દીવાલની પેલી તરફ ગયેલા હતા અથવા તો આજે આવનારી આગગાડીની રાહ જોતાં હતા. ટેકરીની ખીણમાં રાહ જોતાં મિત્રોમાંથી કોઈએ હજુ દીવાલની પેલી બાજુ જોઈ નહોતી. વિરાટ આજે દીવાલની પેલી તરફ જવાનો છે એ બાબતે એ લોકો વિચિત્ર દશામાં હતા. વિરાટને જોતાં જ બધા ઊભા થઈ ગયા. એક બે તો સામે દોડીને આવ્યા અને તેને ભેટી પડ્યા. એ ઉત્સાહિત હોવાનો ગમે તેટલો ડોળ કરે વિરાટને એમના એ બનાવટી ઉત્સાહ પાછળ છુપાયેલા ભયને કળી લેતા વાર ન લાગી. એ ભયભીત હતા. કેમ ન હોય? એમનો ખાસ મિત્ર પહેલીવાર દીવાલની પેલી તરફ જવાનો હતો. એ જન્મથી સાથે મોટા થયા અને હજુ સુધી ક્યારેય લાંબા સમય માટે એકબીજાને મળ્યા વિના રહ્યા નહોતા. વધુમાં વધુ એક કે બીજે દિવસે એ ક્યાકને ક્યાક ભેગા થતાં જ પણ હવે એ જાણતા હતા કે ત્રણેક મહિનાઓ સુધી એકબીજાને મળવાના નથી અને કદાચ ક્યારેય ફરી ન મળી શકીએ કેમકે દીવાલની પેલી તરફ ગયેલો શૂન્ય પાછો આવે ત્યારે જ પાછો આવ્યો કહેવાય.

          કેટલાય લોકો દીવાલની પેલી તરફ ચાલતા સમારકામમાં ધરબાઈ ગયા હતા. કેટલાય લોકો ભૂગર્ભ માર્ગોને ઠીક કરતાં જીવતા દટાઈ ગયા હતા. પણ એ સમયે વિરાટ એ બધુ વિચારવા નહોતો માંગતો. એ છેકથી દીવાલની પેલી તરફની દુનિયા જોવા માંગતો હતો. છતાં ખરેખર એ તરફ જવાનો સમય આવ્યો ત્યારે તેને ભય લાગવા માંડ્યો હતો.

          “તો આખરે એ દિવસ આવી જ ગયો.” રાનવે એને બાથમાં લીધો, “તું જઈ રહ્યો છે?”

          “હા..” વિરાટ પણ તેને બાજી પડ્યો. રાનવ વર્ષોથી વિરાટનો મિત્ર હતો. એ વિરાટ જેટલો જ ઊંચો હતો પણ એ વિરાટ જેમ મજબૂત નહોતો. તે એકદમ પાતળા બાંધાનો હતો. તેના ખભાના હાડકાં પહોળા હતા અને હડપચી સહેજ બહાર હતી. જોકે તેની હડપચીને લીધે તે સુંદર દેખાતો.

          “તને ડર લાગે છે પેલી તરફ જતાં?” એ હજુ વિરાટને ભેટેલો હતો.

          “હા.” એણે કહ્યું, “મને ડર લાગે છે.”

તેણે હાથની પકડ ઢીલી કરી અને વિરાટથી અળગો થયો. “તને ખરેખર ડર લાગે છે?”

          “હા.” વિરાટે પુછ્યું, “કેમ મને ડર ન લાગે?”

વિરાટે હકીકત સ્વીકારી એનાથી એમને નવાઈ થાય એ એકદમ નવાઈ પમાડે તેવી બાબત હતી કેમકે ભયનો સ્વીકાર કરવો એ શૂન્યનો ગુણ હતો. શૂન્યને કોઈ બાબત છુપાવવાનો હક નહોતો. જોકે વિરાટ બીજા શૂન્યો જેવો નહોતો. વિરાટ તેના લોકોથી કેટલીયે બાબતો છુપાવીને રાખતો હતો.

          “તારે ડરવું તો જોઈએ પણ...” કનીલે કહ્યું, “તું ડરતો હોય એ મને માન્યામાં નથી આવતું. તને તો લૂંટારાની આખી ટોળીનો પણ ભય નથી લાગતો.”

વિરાટે કનીલ તરફ જોયું. કનીલ કદંબવન અને વિરાટના વિસ્તારની વચ્ચેના ભાગમાં રહેતો હતો. એ વિરાટ જેમ જ મજબુત અને ઉંચો હતો. જોકે એ વિરાટ જેમ ઘઉંવર્ણો નહોતો. તેનો વાન શ્યામ હતો છતાં એ દેખાવડો લાગતો. તેને પણ વિરાટ જેમ વાળ ખભા પર લટકતાં રાખવાની આદત હતી.

          કનીલની વાત સાચી હતી. વિરાટને એ પહેલા ક્યારેય કોઈનો ભય લાગ્યો નહોતો. ભદ્રાના બદમાશો હોય કે લૂંટારાની ટોળી એ ગમે તેની સાથે બાથ ભીડવા હંમેશાં તૈયાર રહેતો.

          વિરાટના ગુરુ જગમાલ એક અલગ જ યોજના બનાવતા હતા. એ જંગલના ભેડીયાઓને પાલતુ બનાવવા મથતા હતા. વિરાટ ઘણીવાર તેમને જંગલમાંથી વરુ પકડી લાવવામાં મદદ કરતો. ગુરુ જગમાલ કહેતા કે પ્રલય પહેલા એક સમયે માણસો માણસ જેવુ જીવન વિતાવતા હતા. એ સમયે તેમણે જંગલી વરુઓને પાલતુ બનાવી એમની એક નવી જાત વિકસાવી હતી જેને લોકો કૂતરા કહેતા. એ કૂતરા લોકોના ઘરની ચોકી કરતાં અને એકદમ વફાદાર રહેતા. તેમના માનવા પ્રમાણે જો શૂન્યો ફરી એકવાર વરુઓને પાલતુ બનાવી પ્રલય સમયે નાશ પામેલી એ કૂતરાઓ જેવી એક પ્રજાતિ બનાવી શકે તો જે સમયે દીવાલની આ તરફના લોકો બળવો કરે અને નિર્ભય સિપાહીઓ સામે જંગ લડવાનો વારો આવે એ સમયે એ વરૂમાંથી પાલતુ બનાવેલી નવી પ્રજાતિ ખૂબ મદદરૂપ થઈ શકે. વિરાટને એ યોજના સમજાતી નહીં પણ એ ગુરુ જગમાલ માટે એ કામ કરતો. એક બે વાર તો વિરાટે એકલા હાથે ત્રણ ત્રણ વરુઓ સામે ઝઝુમવું પડ્યું હતુ. એ સમયે પણ ભય તેના પર કાબૂ મેળવી શક્યો નહોતો. ઘણીવાર વરુઓ વિરાટની બાજુ કે પીઠ પરથી માંસના એક બે લોચા તોડી લેતા. એ સમયે તેને લાગતું કે એ નકામું તેનું લોહી માંસ બગાડે છે કેમકે એ સમયે તેને ખબર નહોતી કે સ્ટેશન પરના ભયાનક જંગમાં ગુરુ જગમાલની એ યોજના એક દિવસ સફળ બનવાની હતી. તેને અંદાજ નહોતો કે એ વરુ-કૂતરા નિર્ભય સિપાહીઓના ગળા ફાડી નાખશે. ભલે ગુરુ જગમાલ તેને અવતાર અને ભગવાન માનતા પણ તેને ભવિષ્યની કોઈ ઘટનાનો અંદાજ નહોતો.

          ગુરુ જગમાલના કહેવા મુજબ દીવાલની આ તરફના લોકોએ એક દિવસ બળવો કરવો જ પડશે. એના બે કારણ હતા. દીવાલની આ તરફ કોઈ નદી નહોતી. જોકે દીવાલની પેલી તરફ પણ એક જ નદી હતી - ગંગા. કારુ એ નદીનો કહેવાતો માલિક હતો. કારુના સ્થપતિઓએ પ્રલય પછી બંને વિસ્તારો વચ્ચે એક દીવાલ ચણી એ જ સમયે એક વિશાળ કેનાલનું બાંધકામ કર્યું હતું. દીવાલની આ તરફ એ કેનાલથી ગંગાનું પાણી પહોંચતું. લોકો માનતા કે કારુ મહાન દયાળુ છે એટલે એ પાણી શૂન્યો જેવા અપવિત્ર પ્રાણીઓને આપે છે પણ વિરાટ જેવા કેટલાક હતા જે હકીકત જાણતા હતા. કારુ એમને એ પાણી આપતો કેમકે એને શૂન્યોની જરૂર હતી. શૂન્યો ન હોય તો દીવાલની પેલી તરફના પ્રલયમાં તબાહ થયેલા શહેરોનું સમારકામ અટકી પડે. કારુ જૂના શહેરોને ફરી જીવતા કરવા માંગતો હતો. માત્ર શૂન્ય લોકો જ એ કામ કરી શકે તેમ હતા કેમકે વર્ષોની ગુલામી અને હાડમારીભર્યા જીવનને લીધે શૂન્યો કાતિલ ઠંડી અને કાળઝાળ ગરમીમાં પણ કામ કરી શકતા.

          એક દિવસ શૂન્ય લોકોએ બગાવત કરવી પડશે એનું બીજું કારણ હતું દક્ષિણનો સમુદ્ર. પ્રલય હજુ સાગરના સીનામાં છુપાઈને બેઠો હતો. એક દિવસ સમુદ્ર દીવાલની આ તરફનો ભાગ ગળી જવાનો છે એ બાબત ગુરુ જગમાલ જાણતા હતા. એ હકીકત  બધા શૂન્યો જાણતા હતા. એ વાતનું ભાન કરાવવા માટે જ કારુએ સમયસ્તંભ ઊભો કરાવ્યો હતો. શૂન્ય લોકોને અક્ષરજ્ઞાન નહોતું આપવામાં આવતું પણ સંખ્યાજ્ઞાન આપવામાં આવતું જેથી તેઓ ઘડિયાળનો સમય સમજી શકે અને જાણી શકે કે તેમને શું કરવાનું છે – બની શકે તેટલી ઝડપથી દીવાલની પેલી તરફના શહેરોનું સમારકામ કરવાનું. લોકો કહેતા કે એકવાર દીવાલની પેલી તરફના બધા શહેરો ઠીક થશે પછી દયાળુ ભગવાન શૂન્ય લોકોને એ તરફ સ્થાન આપવાનો છે. પણ વિરાટને એ બાબતે વિશ્વાસ નહોતો. જો એવું જ હોય તો જે શહેરોનું સમારકામ થઈ ગયું હતું એ શહેરોમાં શૂન્ય લોકોને સ્થાન કેમ મળ્યું નથી એ સવાલ તેને થતો. પણ બીજા લોકો તેના જેમ વિચારી શકતા નહીં. તેમને એ ખબર નહોતી કે શૂન્ય લોકો માત્ર કારુ માટે ગુલામો છે. શૂન્યોનું સ્થાન તો સમયસ્તંભની ઘડિયાળમાં પણ સ્વતંત્ર નહોતું. તેમના શરીર પર જે શૂન્ય છુંદેલું રહેતું એવું જ શૂન્ય ઘડિયાળમાં હતું પણ સ્વતંત્ર નહીં. ઘડિયાળમાં પણ બસ તેમનો ઉપયોગ કોઈ એક સંખ્યા બનાવવા માટે થતો હતો. ઘડિયાળમાં ૧૦નો આકડો લખવા માટે શૂન્યનો ઉપયોગ થતો. બસ શૂન્ય લોકોનું જીવન એ જ હતું બીજાના માટે – તેમનો ઉપયોગ દીવાલની પેલી તરફના જોખમી કામો કરવા માટે થતો. વિરાટને લાગતું કે જો એ બગાવત નહીં કરે તો એક દિવસ સમુદ્ર તેમને ગળી જશે. એ દીવાલની આ તરફ જન્મ્યા હતા અને દીવાલની આ તરફ જ મરવાના હતા. કદાચ પેલી તરફ કોઈ અકસ્માતમાં મરી જાય એ વાત અલગ હતી.

          “ક્યાં ખોવાઈ ગયો, વિરાટ?” કનીલ તેની સામે જોઈ રહ્યો હતો. “તું આમ એક એક વાતે જાણે અલગ જ દુનિયમા ચાલ્યો જાય છે.”

          “મને આજે કેમ ડર લાગે છે એ વિચારતો હતો.” તેણે કનીલને એક સ્મિત આપ્યું.

કનીલ તેનાથી એક વર્ષ નાનો હતો પણ સમજશક્તિ એનામાં સારી હતી. તેના વાળ વાંકડિયા હતા અને ચહેરો હજુ બાળક જેવો જ હતો. એના દાઢી મૂછ પણ ફૂટવાના બાકી હતા. મિત્રોએ એનું નામ બાબો પાડ્યું હતું કેમકે એ બાબલા જેવો લાગતો.

          “તને જવાબ મળ્યો?” કનીલે વિરાટને ધબ્બો માર્યો, “ખબર પડી આપણા સૌથી બહાદુર મિત્રને હવે કેમ ભય લાગે છે?”

          “ના.” વિરાટે કહ્યું, “કશું સમજાતું નથી.”

          “પણ મને સમજાય છે.” રુચા બોલી. એ કદંબવન વિસ્તારમાં રહેતી. તેને બહુ ઊંચા અવાજે બોલવાની અને બિનજરૂરી શોર કરવાની આદત હતી. એ ખૂબ નટખટ હતી. એને પહેલીવાર મળનાર પણ સમજી જતો કે એ ઉતાવળી છોકરી છે. ધીરજ નામની ચીજ એનામાં હતી જ નહીં. જોકે દેખાવે સુંદર હતી એટલે આરવ એના નખરાં ઉઠાવતો. આરવ અને રુચા અઢાર વર્ષના થતાં જ પરણી જવાના હતા. દીવાલની આ તરફ અઢાર વર્ષ એ સમજદારીની નિશાની હતી. જો તમે દીવાલની પેલી તરફ જવા કાબિલ થઈ ગયા તો તમે ગમે તે કરવા કાબિલ થઈ ગયા. જોકે દીવાલની પેલી તરફ એવા કાયદા નહોતા. ત્યાં છોકરા છોકરીઓ મિત્રો ન બની શકતા. દેવતાઓનો કાયદો એના વિરુધ્ધ હતો.

          “તને શું સમજાઈ ગયું?” વિરાટે નવાઈથી પુછ્યું. જે બાબત તેને ન સમજાઈ હોય તે એ નાટકડીને સમજાઈ જાય એ ખરેખર અચંબામાં મૂકે તેવું હતું.

          “મને ખબર છે આપણે દીવાલની પેલી તરફ જઈએ ત્યારે કેમ ડરીએ છીએ.”

          “કેમ?”

          “કેમકે એ દિવસે આપણે...” એ કાયમ જેમ મોટે અવાજે બોલતી પણ હવે તેનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, “કેમકે એ દિવસે આપણે કારુની દુનિયામાં જવાનું હોય છે.”

          “તારે એ નામ ન બોલવું જોઈએ.” ગાલવે તેને ટોકી, “એના માટે ભગવાન સિવાય બીજો શબ્દ વાપરવો પાપ છે.”

          રુચા મોં બનાવી નાટકિય ઢબે ગાલવને જોઈ રહી. ગાલવ પાતળો હતો અને એના વાળ એકદમ કોલસા જેવા કાળા હતા. એ દેખવાડો હતો એના કરતાં પણ એ લાંબા કાળા વાળને લીધે વધુ સુંદર દેખાતો. એનામાં પાપ અને ભગવાન અને દીવાલની તરફ રચાયેલા દેવતાઓના નિયમો એટલી હદે ધૂસી ગયા હતા કે વાતે વાતે બધાને એ ઉપદેશ આપવા બેસી જતો. મિત્રો એને કાગડો કહેતા કેમકે એક તો તેના વાળ કાગડા જેટલા કાળા હતા અને બીજું એ ઉપદેશ આપતો.

          “તું મને આમ કેમ જોઈ રહી છે?” ગાલવે પુછ્યું, “હું કઈ ઉપદેશ નથી આપતો, હકીકત કહું છુ.”

          “અને એ હકીકતની મને ખબર છે.” રુચાએ કહ્યું, “મને ખબર છે કે આપણે એ નામ ન બોલવું જોઈએ પણ અહીં ક્યાં કોઈ નિર્ભય સિપાહી સાંભળે છે તે હું ન બોલું?”

          “અમે તો સાંભળીએ છીએ ને?” ગાલવે કહ્યું.

          “તમે બધા તો શૂન્ય છો.” રુચા હસવા લાગી, “તમે કઈ નિર્ભય સિપાહીઓને કહેવા નથી જવાના કે મેં કારુનું નામ બોલવાનું પાપ કર્યું છે.”

          “તો તને પાપનો ભય નથી લાગતો?” હવે ગર્ગ વચ્ચે ટપક્યો. એ ચરણ લુહારનો દીકરો હતો. એનો બાપ દીવાલની પેલી તરફ લોખંડના મશીનોથી લોખડની સિલાઈ કરી શકતો એવું બધા કહેતા. “તને માત્ર નિર્ભય સિપાહીઓનો જ ડર છે જો એમને જાણ ન થાય તો પાપ કરવાનો કોઈ વાંધો નથી?”

          “મને પાપથી ડર નથી લાગતો..” રુચાએ નાટકની અભિનેત્રી જેમ મોં બનાવ્યું. વેપારીઓના મેળા વખતે નાટકો થતાં ત્યાથી જ એ બધો અભિનય શીખી હશે એમ બધાને લાગ્યું, “અને મને નથી લાગતું કે કોઈ પવિત્ર નામ બોલવાથી પાપ લાગે.”

          “આપણે અહીં વિરાટને મળવા આવ્યા છીએ.” દક્ષાએ વાતનો દોર બદલ્યો, “પાપ અને પુણ્યની ચર્ચા કરવા ભેગા નથી થયા.”

          દક્ષા વિરાટની જ શેરીમાં રહેતી. તેનું ઘર શેરીમાં છેલ્લું હતું. એ વિરાટથી થોડીક જ નીચી હતી. એ વિરાટની મા જેમ પાતળી અને દેખાવડી હતી. તેના હોઠ સંધ્યાના રંગ જેવા હતા અને બીજી છોકરીઓ કરતાં વધુ સુંદર લાગતી. એ વેપારીઓ જેટલી નહીં પણ ખાસ્સી એવી ઘઉંવર્ણી હતી.

          “તો તું જ કહે શું ચર્ચા કરીએ?” રુચાએ દક્ષા તરફ જોઈ ચાળા કર્યા, “પાપ પુણ્ય તો તારા મગજમાં બેસશે નહીં.”

          “કહું છુ.” દક્ષાએ કહ્યું અને વિરાટ તરફ જોયું, “તું જ્યારે દીવાલની પેલી તરફ જાય, ત્યાં જે જુએ એ બધુ યાદ રાખજે અને આવીને અમને કહેજે એટલે જ્યારે અમારે ત્યાં જવાનું હોય અમે તૈયાર રહીએ. આપણાં વડીલો તો ત્યાં શું છે એ ક્યારેય કહેતા જ નથી.”

          “ચોક્કસ.” વિરાટે કહ્યું. દક્ષાની વાત સાચી હતી. વડીલોને પૂછીએ કે દીવાલની પેલી તરફ શું છે ત્યારે બસ એમ જ કહે કે ત્યાં જવાનું થાય ત્યારે વાત અત્યારે નાહક ચિંતા શું કામ વહોરવી. તમે તમારું બાળપણ માણો.

          “મારી માએ તને મળવા બોલાવ્યો છે.” દક્ષાએ કહ્યું, “દીવાલની પેલી તરફ જતા પહેલા એકવાર એને મળીને જજે.”

          “કેમ?” વિરાટને નવાઈ લાગી.

          “મને ખબર નથી.” એ બોલી. તે ખભા ઉલાળી ભ્રમરો તાણી વિચિત્ર હાવભાવ કરતી. વિરાટની મા કહેતી કે દક્ષાના ભ્રમરો નિર્ભય છોકરીઓ જેવા છે. જોકે એક શૂન્યની સરખામણી નિર્ભય કે દેવતા સાથે કરવી એ પણ મહાપાપ હતું.

          “હું મળી લઈશ.”

          “એમ નહીં, હમણાં અહીંથી છૂટા પડીએ ત્યારે મળીને જજે.” દક્ષાએ કહ્યું, “એકવાર તું પદમાને મળવા ગંગાની કેનાલ પર ચાલ્યો જાય પછી ક્યારે આવે એ નક્કી ન કહેવાય.”

          “હા, એ વાત સાચી છે.” બીજા મિત્રો દક્ષાનો સાથ આપવા લાગ્યા.

          “તમે લોકો નહીં સુધરો.” વિરાટ ચીડાયો, “મને અલવિદા કહેવા આવ્યા છો કે મને ખીજવવા?”

          “ખીજવવા આવ્યા હોત તો તને નિશાચર જાનવર કહ્યો હોત ને?” ગર્ગે મસકો માર્યો.

          “બસ હવે તો કહી દીધુને.” વિરાટે મોં ચડાવ્યું. જોકે તેને મિત્રો ચીડવે એ અંદરથી તો ગમતું હતું. ખાસ એ દિવસે તો ગમ્યું કેમકે ફરી એ તેમને ત્રણેક મહિના જેટલો સમય મળવાનો નહોતો.

          બધા મિત્રો સમજી ગયા કે વિરાટ શું વિચારતો હશે કેમકે એ પણ એ જ વિચારતા હતા. ત્રણ મહિના... અને કદાચ કોઈ દુર્ઘટના....

ક્રમશ: