Kiss books and stories free download online pdf in Gujarati

કીસ

કીસ

***
શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. હસ્ત મેળાપ ચાલતો હતો. સૂર અને ધ્વનીનું લગ્ન ઉમંગભેર જ્યારે હું નિરખી રહી હતી, ત્યારે મનમાં થયું કોના ચહેરાને દાદ દેવી સૂરના કે ધ્વનીના. બન્નેને ભગવાને ખૂબ કાળજીથી બનાવ્યા હતા. એક જ વર્ગમાં સાથે ભણતા હતા. ક્યારેય પ્રેમને નજીક ઢુંકવા દીધો ન હતો.

કિંતુ, પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય છે તે ખબર પડતી નથી. સાચું પૂછો તો એક વાત ચોક્કસ જણાશે, પ્રેમ અને અકસ્માત ક્યારે થાય છે તેનું નક્કી નહી. અધુરામાં પુરું બન્ને આગળથી જાણ પણ કરતાં નથી. એ તો થઈ જાય પછી આંખ ખૂલે, ‘થઈ ગયો’ ! ત્યારે ખૂબ મોડું થઈ જાય છે. શું તમને પહેલેથી ખબર હોત તો અકસ્માતમાંથી ઉગરી ન જાત ? પ્રેમનું પણ કાંઈક એવું કારસ્તાન મને લાગે છે. જો પહેલેથી ખબર હોત તો બરાબર ચકાસીને ન કરત.

‘કેટલા પૈસા છે’?

‘કેટલું ભણેલો છે’?

‘શોખિન જીવડો છે કે ઘરકૂકડી’?

‘ગાડી છે કે નહી’?

‘ઘરમાં માતા, પિતા અને ભાઈ બહેન કેટલાં છે’?

ખરું પૂછો તો પ્રેમ થયા પછી આ બધું ગૌણ બની જાય છે. સૂર અને ધ્વનીએ કોલેજના સમારંભમાં એક સુંદર ગીત સથે ગાયું. કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવ્યું.

‘દુબારા’

‘દુબારા’ નો કોલાહલ થયો. તેમણે ત્રણ વખત ગાવું પડ્યું. અંતે કાર્યક્રમમાં બીજી ઘણી બધી સુંદર ચીજો માણવાની છે કહી બેસી ગયા.  આ એક  પ્રસંગ પૂરતો હતો. જુવાન હૈયા ધબકી રહ્યા અને પ્રેમનો આવિષ્કાર થઈ ગયો. આજ સુધી ક્યારેય એકબીજાને ધારી ધારીને જોયા ન હતા.

‘ધ્વની, તું ખૂબ સુંદર દેખાય છે’.

‘સૂર તારો અવાજ કાનોને ગમે છે’. બસ આમ પ્રણય ગાથા શરૂ થઈ અને લગ્નમાં પરિણમી. પ્યાર થાય ત્યારે પ્રેમી ભૂલી જાય છે કે ‘માત્ર રૂપ’ પર લગ્ન જીવનનો પાયો એટલે પાયામાં સિમેન્ટને બદલે રેતી. સૂર અને ધ્વનીએ પોતાનો સંસાર સોહામણો અને આરામદાયક બનાવવા નોકરી શોધી. નાના ગામમાંથી મોટા શહેરમાં આવ્યા. બન્નેના માતા અને પિતાએ ઘર વસાવવામાં મદદ કરી. બાળકો સુખી થાય તે તો માતા અને પિતાની અંતરની ઈચ્છા હોય છે. પછી તે દીકરીના હોય કે દીકરાના. તાજા પરણેલા યુગલ માટે તો આ સુવર્ણકાળ ગણાય છે. સવારે સાથે નિકળે અને સાંજે સાથે પાછાં આવે.

ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો, રાંધી ખિચડી અને પોઢ્યાં. બાર મહિના નિકળી ગયા. નોકરી પર જ્યારે છોકરી દેખાવડી અને બુદ્ધીશાળી હોય તો ઓફિસમાં મધમાખીની જેમ તેની આજેબાજુ માખીઓ બણબણતી હોય. ધ્વનીનું પણ એમ જ થયું. તેની કાર્યદક્ષતા એક વર્ષમાં પુરવાર થઈ અને મેનેજરે તેને પગાર વધારે તેમજ ઉંચા પદની મરજી બતાવી. સૂરને માટે જરા તકલિફ પડે તેવું કામ હતું.

તેને નોકરી પર બીજી મહિલાઓની તેમજ બીજા એન્જીનિયરો સાથે મુકાબલો કરવો પડતો. જેને કારણ તેને મોડે સુધી નોકરી પણ કરવી પડતી. જ્યારે પતિ તરક્કી પામે ત્યારે પત્નીનું શેર લોહી ચડે. કદાચ જો પત્ની સડસડાટ પ્રગતિના સોપાન સર કરે ત્યારે પતિનું બશેર લોહી બળી જાય.

આ ગણિત હમેશા ઉંધુ ચાલ્યું છે. દુનિયાનો આ ખૂબ અઘરો દાખલો છે. જેનો ઉકેલ શોધવામાં ભલભલા શૂરવીરો નાસિપાસ થયા છે. ધ્વની પ્રગતિના સોપાન સર કરતી હતી ત્યારે સૂરને શંકા ગઈ હતી. ખૂબ સાવધ બની ગયો હતો. તેને થતું કે ધ્વની સમજશે, હું તેની પ્રગતિની ઇર્ષ્યા કરું છું. નોકરી કરતા પુરુષોની બદદાનતથી તે વાકેફ હતો.

ધ્વનીને હવે મોડે સુધી કામ કરવું ન પડતું. ઘણી વખત મિટિંગ અને સેમિનારને બહાને શનિવારે જવું પડતું. સૂરને તે દિવસે રજા હોય એટલે તેને એકલા ઘરમાં રહેવું ગમતું નહી. જો પોતાના શહેરમાં મિટિંગ હોય ત્યારે દર વખતે તે ધ્વનીની સાથે જતો. સૂરને વાંચવાનો ખૂબ શોખ હતો. સાથે પુસ્તક લઈ નજીકના વાચનાલયમાં બેસી વાંચતો. સૂર સાથે આવતો તે ધ્વનીને ખૂબ ગમતું.  તેની કંપનીનો મેનેજર નાખુશ થતો. પરાણે મોઢા પર સ્મિત લાવી સૂર સાથે વાત કરતો.

આમ પણ પુરુષો આ બધામાં ખૂબ પાવરધા હોય છે. ધ્વની જેટલી સુંદર હતી તેના કરતાં વધારે ભોળી હતી. તેને બધા પર વિશ્વાસ બેસી જતો. પોતાના મેનેજરને ભગવાનનું માણસ માનતી. ઉપરથી સ્મિત આપતો એ દીપક અંદરથી ભોરિંગ કરતાં વધારે ઝેરીલો હતો. તેની પત્ની તરફથી સંતોષ ન હતો. કાયમ બહાર હવાતિયાં મારતો. તેણે ધ્વનીને બરાબર જાળમાં ફસાવી હતી.

આ તો ધ્વનીના નસિબ સારા કે સૂર ખૂબ જાગ્રત હતો. મેનેજરની દાળ ગળતી નહી. આમ સમય ગુજરતો. સૂર અને ધ્વનીના પ્રેમમાં ભરતી આવતી. બન્ને હવે બાળક માટે તૈયાર હતા. લગ્નની પાંચમી વર્ષગાંઠ આવી પહોંચી. નાની પાર્ટીનું આયોજન કર્યું. ધ્વની અને સૂર બન્ને ભણેલા તેમજ સારી નોકરી કરતાં હતા. વીસેક મિત્રોને બોલાવી તાજમાં ‘ડીનર પાર્ટી’ રાખી હતી. ધ્વની અને સૂર તૈયાર થઈને નિકળી રહ્યા હતાં, ત્યાં ફોન આવ્યો કે સૂરની કંપનીમાં અચાનક અગત્યનું કામ આવ્યું જે તેના સિવાય કોઈ કરી શકે તેમ ન હતું.

ધ્વનીએ સૂચવ્યું કે મારી કંપનૉનો મેનેજર આપણા ઘરની નજીક રહે છે. તે મને હોટલ પર લઈ જશે. સૂરના ગયા પછી ધ્વની તૈયાર થઈ અને દીપક તેને લેવા માટે આવી પહોંચ્યો.

‘તું કામ પતાવીને ત્યાં આવ. પાછા આવતા આપણે સાથે ગાડીમાં આવીશું. ‘ હવે જો સૂર ના પાડે તો ધ્વનીને ખરાબ લાગે તેવી પરિસ્થિતિ હતી. કમને, સૂરે હા પાડી. ગાડી લઈને તે કામ પર જવા નિકળી ગયો. ધ્વનીએ મેનેજર દીપકને ફોન કરી પરિસ્થિતિ જણાવી. દીપકના મનમાં લડ્ડુ ફૂટવા મંડ્યા. તેણે સહર્ષ ધ્વનીની વાત સ્વિકારી લીધી.

પત્નીને અષ્ટં પષ્ટં સમજાવી સાથે ન લીધી જેને કારણે પોતે એકલો ધ્વનીનો સંગ માણી શકે. સૂર ગયો તો ખરો પણ તેના દિમાગમાં ભણકારા વાગતા હતાં, ‘ક્શુંક અજૂગતું આજે બનશે’! ખૂબ ઝડપથી કામ પતાવી હોટલ પર પહોંચ્યો. અડધો કલાક મોડો હતો. તેની શંકા મજબૂત થઈ.

હોટલ પર ધ્વની તેમજ તેનો મેનેજર દીપક આવ્યા ન હતાં. મહેમાનોને કહ્યું,’ ધ્વનીને હજુ નથી આવી, તે લઈને આવી પહોંચે છે. ‘ જવાબની રાહ જોયા વગર નિકળી ગયો.

દીપકની પત્ની ન હતી તેથી ધ્વનીને જરા અજુગતું લાગ્યું. દીપકે તેને આગળ બેસવાનો આગ્રહ સેવ્યો.

‘કેમ ભાભી ન આવ્યા’?

‘તેની તબિયત ઠીક નથી’.

‘આપણે જરા ચા પીને હોટલ પર જઈશું’ ?

‘મારા મત પ્રમાણે સિધા જઈએ ત્યાં જઈને ચા મંગાવશું’. ધ્વની પોતાની મુંઝવણ છુપાવવા બોલી ઉઠી. ક્યારેય આમ મેનેજર સાથે ગઈ ન હતી. તેને મુંઝવણ થતી હતી.

દીપક આ તકનો લાભ લેવા માગતો હતો. ‘ધ્વની તું ખૂબ સુંદર લાગે છે’.

ધ્વની નીચું જોઈને શરમાઈ ગઈ.

દીપક આ પ્રતિભાવને હા સમજી ,તેને કીસ આપવા નજદિક સર્યો.

ધ્વનીએ તમતમતો લાફો ગાલ પર મારી દીધો.

ગાડી ધીમી થઈ ગઈ હતી. ચાલુ ગાડીએ તે ઉતરી પડી. હજુ તો ટેક્સીની રાહ જોતી હતી ત્યાં સામેથી સૂર આવતો જણાયો !