Wanted Love 2 - 124 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--124

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--124(સિધ્ધુએ તેની પાછળ લાગેલા માણસને ગોળ ગોળ ધુમાવી દીધો.અહીં અંશુમાન અને હિયાનું મિલન થયું.અંશુમાનને રાહુલ ખૂબજ ચાલાકીપૂર્વક અદાલત લઇ ગયો.ત્યાં તેણે સત્ય જણાવ્યું પણ વિરોધપક્ષના વકીલે પૂરાવા માંગ્યા.કુશ અને કાયનાનો થયો ભાવુક સંવાદ.કિનારા અને લવને હાઇવે પર બેભાન યુવતી મળી જે અદ્વિકા હતી.જેને રોમિયોએ ખૂબજ મારી હતી.)

કિનારા અને લવ ખૂબજ આઘાત પામ્યાં.તેમણે કુશનો નંબર ડાયલ કર્યો પણ તેનો ફોન લાગી નહતો રહ્યો.તેમણે એ.ટી.એસની હેડ ઓફિસના નંબર પર ફોન કર્યો.તેમણે કુશને તે મેસેજ આપવા કહ્યું કે તેમને અદ્વિકા ઘાયલ અવસ્થામાં મળી છે.

હવાલદારે કુશને કિનારાનો મેસેજ આપ્યો.કુશ તે વખતે કાયના સાથે વીડિયોકોલમાં વાત કરી રહ્યો હતો.તે આ મેસેજ સાંભળીને આઘાત પામ્યો પણ આ વાત તેણે તેના ચહેરા પર ના આવવા દીધી.

"કાયનાબેટા,તારી મોમ એક ખાસ કામથી બહાર ગઇ છે.હું તેની સાથે તારી વાત પછી કરાવું.અત્યારે મારે પણ એક અગત્યના કામથી બહાર જવાનું છે તો હું પછી વાત કરું."કુશે ગંભીર થઇને કહ્યું.

"ડેડ,બધું ઠીક તો છે ને?તમે આટલી ચિંતામાં કેમ લાગો છો?"કાયનાએ પૂછ્યું.

"ના બેટા,બધું જ ઠીક છે.બસ કેસ સંબંધિત કઇંક ખાસ કામ આવ્યું છે."આટલું કહીને કુશે ફોન મુકી દીધો.તે ફટાફટ પોતાની ગાડી લઇને હોસ્પિટલ તરફ ભાગ્યો.

કિનારા અને લવ હોસ્પિટલની કોરિડોરમાં ચિંતામાં આમથી તેમ આંટા મારી રહ્યા હતાં.કુશ ત્યાં ભાગીને આવ્યો.

"અદ્વિકાને શું થયું?તે ઠીક તો છે ને?"કુશે હાંફતા હાંફતા પૂછ્યું.

કિનારા અને લવે એકબીજાની સામે જોયું અને પછી ઓપરેશન થીયેટર તરફ જોયું.કુશ સમજી ગયો કે અદ્વિકા હજીપણ ઓપરેશન થીયેટરમાં છે.તે પણ ખૂબજ ચિંતિત થઈ ગયો.થોડીક વાર રહીને ડોક્ટર બહાર આવ્યાં.તેમના કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી.તે કિનારા,કુશ અને લવ પાસે આવ્યાં.

"અદ્વિકાજીને ખૂબજ માર મારવામાં આવ્યો છે.તેમના કપડાં પણ અમુક જગ્યાએથી ફાટેલા છે.તે જોઇને અમને તે પણ અંદાજો આવે છે કે કદાચ તેમણે બચીને ભાગવાનો પ્રયાસ કર્યો હશે.તે જે પણ નિર્દયી લોકો હતા તેમણે તેના વાળ ખેંચીને ઢસડી છે.અત્યારે તો તેમની સાથે જબરદસ્તી થઇ હોય તેવું લાગતું નથી પણ તે ભાનમાં આવે પછી વધુ જાણી શકીશું."ડોક્ટરે કહ્યું.

તેમની વાત સાંભળીને તે ત્રણેય જણાં આઘાત પામ્યાં.
"ડોકટર,તે હજીસુધી બેભાન છે?"કિનારાએ પૂછ્યું.

"હા મેડમ,તે હજીસુધી બેભાન છે પણ એકાદ બે કલાકમાં તેને ભાન આવી જશે."ડોક્ટરે કહ્યું.

અદ્વિકાને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવી.કુશ,કિનારા અને લવ તે રૂમમાં બેસ્યાં.લગભગ એક બે કલાક પછી અદ્વિકા ભાનમાં આવી.તેના ચહેરા પર પીડા સાફ દેખાતી હતી.કિનારાએ તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.

"અદ્વિકા,તું કેમ છે?આ બધું શું થયું?"કિનારાએ પૂછ્યું.

જવાબમાં અદ્વિકા રડવા લાગી.
"મોમ,કિઆનને બચાવી લો.તે હજીપણ રોમિયોની કેદમાં છે.હું તો જેમતેમ કરીને ભાગી છુટી પણ તે ના ભાગી શક્યો."અદ્વિકા માંડમાંડ બોલી.

કિનારા આઘાત પામી.

"મોમ,તે રોમિયો અને તેમના માણસો ખૂબજ ખતરનાક છે.તે કિઆનને મારી નાખશે."અદ્વિકા રડતા રડતા બોલી.તેના અત્યંત રડવાના કારણે બેભાન થઇ ગઇ.નર્સે તેમને બહાર જવા કહ્યું.

તેમના ગયા પછી અદ્વિકા તેના રૂમમાં એકલી હતી.તેણે ધીમેથી પોતાની આંખો ખોલી.તે નર્સ તેને તપાસવાના બહાને અંદર આવી.તેણે પોતાના ખિસામાંથી એક સાદો મોબાઇલ તેને આપ્યો.

"સાઇલન્ટ પર રાખીને સંતાડી દેજો.જો કોઇને ખબર પડી તો મારી નોકરી જોખમમાં આવશે.તમારા પેલા પોલીસ ઓફિસર સગા મારી બેન્ડ બજાવશે."નર્સ આટલું કહીને જતી રહી.

અદ્વિકાએ તેમાંથી કોઇને ફોન લગાવ્યો.થોડીક વારમાં સામેથી કોઇએ ફોન ઉપાડ્યો.
"પપ્પ‍ા,હું પહોંચી ગઇ છું અને કોઇને શંકા નથી થઇ."અદ્વિકા બોલી.

"અરે વાહ,તે તો આ એક પગલાંથી મારો વિશ્વાસ અને મન બંને જીતી લીધું."રોમિયોએ હસીને કહ્યું.

"જલ્દી જ તમારી કિનારા તમારી પાસે હશે.તેના સ્વાગતની તૈયારી કરજો પણ હા એકવાત યાદ રાખજો કે કિઆનને કોઇ તકલીફ ના પડવી જોઇએ.હું મારું કામ બરાબર કરીશ અને તમને ઇશારો કરું ત્યારે તમારે તમારું કામ બરાબર કરવાનું છે."આટલું કહીને અદ્વિકાએ ફોન મુકી દીધો.

થોડાક કલાકો પહેલા.....

અદ્વિકા રોમિયો અને બાકી બધાને અહીં કચ્છ લઇને આવી ત્યારે રોમિયોએ તેની સામે કિનારાને લઇ આવવાની શરત મુકી તે વાતને એક બે દિવસો જતાં રહ્યા.રોમિયો અને આદેશ કઇંક ચર્ચ‍ા કરી રહ્યા હતાં.

"જોયું પપ્પ‍ા,તમે કિનારાને અહીં લાવવાની વાત કરી તો તે કેવી ચુપ થઇ ગઈ.બે દિવસ થવા આવ્યાં પણ તેણે કશુંજ કર્યું નથી.મારું તો કહેવું છે કે કિનારાના છોકરાને ખૂબજ મારીને તેનો વીડિયો બનાવીને કિનારાને મોકલીએ અને તે તેના દિકરાને બચાવવા અહીં આવશે તમારી પાસે."આદેશે અદ્વિકાનું પત્તું સાફ કરવા કહ્યું.

રોમિયો અાદેશની વાત પર ગુસ્સો કરવાની જગ્યાએ વિચારમાં પડી ગયો.આદેશ આ જોઇને ખુશ થયો.

"પપ્પા,એ હું જ હતો જે તમારી સાથે હતો પહેલેથી,તમને અંડરગ્રાઉન્ડ રહેવામાં મે તમારી મદદ કરી હતી."અાદેશે કહ્યું.

બરાબર તે જ સમયે અદ્વિકા ત્યાં દાખલ થઇ.

"પપ્પ‍ા,આદેશભાઇની વાત સાચી છે.તે શરૂઆતથી તમારી સાથે હતા પણ તેમણે તમારો સમય વ્યય કરવા સિવાય કશુંજ નથી કર્યું.હું તમારો સમય નહીં વેડફુ.પપ્પ‍ા,તમારા અમુક માણસોને બોલાવીને તેને હુકમ આપો કે હું ભાગી રહી છું અને મને પકડવાની છે.તેના માટે તેમણે મને માર મારવો પડે,મારા વાળ ખેંચવા પડે અને ભલે મારા કપડાં થોડા ફાટી જાય પણ મને પકડી લે."અદ્વિકાએ કહ્યું.તેની વાત સાંભળીને રોમિયો અને આદેશ આઘાત પામ્યાં.છુપાઇને આ બધું સાંભળી રહેલો કિઆન પણ આશ્ચર્ય પ‍‍ામ્યો.

રોમિયોએ તેના માણસોને અદ્વિકાએ કહ્યા પ્રમાણે આદેશ આપ્યાં અને તે માણસોએ તે પ્રમાણે કરીને બતાવ્યું.અંતે રોમિયોના માણસો અદ્વિકાને પકડીને લાવ્યા.તેને ખૂબજ વાગ્યું હતું.તેના શરીરમાં દરેક જગ્યાએ ખૂબજ ઘાવ હતાં.તેના મોંઢામાથી અને કપાળમાંથી લોહી નીકળી રહ્યું હતું.તેનું આખું શરીર દુઃખી રહ્યું હતું.

રોમિયોની આંખમાં આંસુ આવ્યાં.પોતાનો વિશ્વાસ જીતવા તેણે આટલો માર ખાધો.
"હવે મને હાઇવે પર ઉતારીને આ એ.ટી.એસની હેડઓફિસનો લેન્ડલાઇન નંબર છે.તેના પર ફોન કરી દેજો.હું જતા પહેલા કિઆનને મળવા માંગુ છું."આટલું કહીને તે કિઆન પાસે ગઇ.કિઆન તેને આ હાલતમાં જોઇને આઘાત પામ્યો.

"અદ્વિકા,આ શું થયું?તારી આ હાલત કોણે કરી?"કિઆને અજાણ બનતા પૂછ્યું.તે માંડ માંડ ચાલી શકી.કિઆને તેને પોતાના આલિંગનમાં સમાવી લીધી.

"કિઆન,આઇ લવ યુ.હું ભલે ખરાબ છું પણ ચારિત્રહિન નથી.તારા સિવાય મે કોઇના વિશે આ રીતે નથી વિચાર્યું.અન્ય પુરુષ વિશે વિચારવા કરતા હું મરવાનું પસંદ કરીશ."અદ્વિકા જતી રહી.

અત્યારે...

અદ્વિકા શું વિચારી રહી હતી અને તેનો શું પ્લાન છે તે તેના સિવાય કોઇ સમજી શકે એમ નહતું.અહીં આદેશ પર રહેલો વિશ્વાસ અને પ્રેમ રોમિયોએ અદ્વિકાને આપ્યો.જતા જતા તેણે અદ્વિકાના કપાળે પિતાનું પ્રેમાળ ચુંબન કર્યું હતું અને તેની આંખોમાં આંસુ પણ હતાં.

અહીં આદેશ ખૂબજ ડરી ગયો હતો.તેને વિશ્વાસ આવી ગયો હતો કે રોમિયો તેનું બધું જ અદ્વિકાને આપી દેશે અને અદ્વિકા તેને ચામાંથી માખીની જેમ નાખી દેશે.જો પોલીસે તેને પકડ્યો તો તેને ખૂબજ માર અને સજા થશે.તેણે કઇંક ખૂબજ મોટું વિચાર્યું.તેણે નક્કી કર્યું કે તે પોલીસનો સાથ આપી સરકારી ગવાહ બની જશે.

"જો આ બધું મને ના મળ્યું તો અદ્વિકાને પણ નહીં મળે."આદેશે કહ્યું.

તેણે કઇંક એવું પણ વિચાર્યું જેના કારણે અદ્વિકા રોમિયોથી નફરત કરે અને તેને સજા આપે.આદેશના ચહેરા પર કુટિલ સ્મિત હતું.

******

અહીં મુંબઇમાં અદાલતમાં વિરોધ પક્ષના વકીલે આ બધી વાતો પાયાવિહોણી અને ખોટી બતાવી.તેમણે પૂરાવાની માંગણી કરી.જજસાહેબે પણ વિરોધ પક્ષના વકીલની માંગણી સ્વીકારી અને પોલીસને પૂરાવા રજુ કરવા કહ્યું.

રાહુલને કઇંક અંશે આ વાતની આશંકા હતી જ.તેણે પૂરાવા એકત્રિત કરવા સમય માંગ્યો.અહીં જજસાહેબ આગલી તારીખ અાપે તે પહેલા હિયા ત્યાં આવી તેણે અંશુમાનને ઈશારો કર્યો.અંશુમાને રાહુલના કાનમાં કઇંક કહ્યું.હિયાએ તેના હાથમાં જે હતું તે રાહુલને આપ્યું.

રાહુલે જજસાહેબ પાસે કઇંક કહેવા પરવાનગી માંગી.
"જજસાહેબ,પૂરાવા છે.અંશુમાન જ્યારે સિધ્ધુ અને રોમિયોને મળવા ગયો હતો ત્યારે તેણે તેમની વચ્ચે થયેલી વાત પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી હતી."અંશુમાને તે રેકોર્ડિંગ એક પેનડ્રાઇવમાં લઇને પોતાના ધરે મંદિરમાં છુપાવી હતી.અત્યારે તેણે હિયાને તે જ લેવા મોકલી હતી.તે પેનડ્રાઇવમાં રહેલું રેકોર્ડિંગ સાંભળીને અંશુમાનની વાત સાચી સાબિત થઇ.

"સર,આ રેકોર્ડિંગ સો ટકા સાચું જ છે છતાં પણ વિરોધ પક્ષના વકીલ કહે તે પહેલા હું જણાવી દઉં કે આ રેકોર્ડિંગના સાચા હોવાના ફોરેન્સિક સાબિતી જલ્દી જ આપી દઈશ.સર,મારી વિનંતી છે કે તમે કાયનાને નિર્દોષ સાબિત કરો અને તેને ઇજ્જતભેર મુક્ત કરો."રાહુલે કહ્યું.

"પણ જજસાહેબ,કાયના જેલમાંથી ભાગીને બીજો ગુનો કર્યો છે તેનું શું?"વિરોધ પક્ષનાં વકીલે પૂછ્યું.

"સર,મારે તમારી સાથે કઇંક અગત્યની અને થોડીક કોન્ફીડેન્સીયલ વાત કરવી છે."રાહુલે કહ્યું.રાહુલની વિનંતીને માન આપી જજસાહેબ તેની સાથે અલગ રૂમમાં ગયાં.જ્યાં રાહુલે તેમની કમિશનર સાહેબ અને કુશ સાથે વાત કરાવી.જેમાંથી સાબિત થયું કે કાયનાનું ભાગવું એ.ટી.એસનો પ્લાન હતો.

હવે જજસાહેબ અદાલતમાં પાછા આવ્યાં.તેમણે હવે પોતાનો નિર્ણય સંભળાવવાનું શરૂ કર્યું.

અદ્વિકાનો શું પ્લાન હશે?
શું કરશે આદેશ રોમિયો વિરુદ્ધ અદ્વિકાને ભડકાવવા?
કાયના નિર્દોષ સાબિત થઇને મુક્ત થશે?

જાણવા વાંચતા રહો.


Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago

Bhakti Bhargav Thanki