(રનબીરને ચિરાગ પર શંકા ગઇ અને તે શંકા વિશ્વાસમાં ફેરવાઇ ગઇ.ચિરાગ તેને એ.ટી.એસ ઓફિસે લઇ ગયો.જ્યા તેને ખબર પડી કે તેમનો ભાગવાનો પ્લાન કુશનો હતો.તે જાણીને તેમને આઘાત લાગ્યો.નિમેષનો પીછો કરતા કિનારા,કુશ અને લવને અદા મળી.તે બંનેને એરેસ્ટ કર્યાં.અહીં અદ્વિકાની સ્માર્ટનેસના કારણે તે ગુંડાના હાથમાં જતા બચી ગઇ.અંતે તે લોકો રોમિયો પાસે પહોંચી ગયાં.)
કિનારાની બેચેની કુશ સમજી ગયો.તે કિનારાને એકતરફ લઇ ગયો.
"કિનારા,હવે આપણી લડાઇ અંતિમ ચરણમાં છે અને તું આમ હિંમત હારી જઇશ તો કેવી રીતે ચાલશે?"કુશે તેના ખભે હાથ મુકીને કહ્યું.
"કુશ,હું શું કરું?મારી અંદર માનું હ્રદય છે.ખબર નહીં કેમ પણ મને કિઆનની ચિંતા થાય છે.એવું લાગે છે તેની સાથે કઇંક ખરાબ થવાનું છે.તે સાવ એકલો છે અને તે રોમિયો જેવા ખતરનાક આતંકવાદી પાસે જઇ રહ્યો છે.કુશ,તે નાનો છે હજી.તું જ કહે મને ચિંતા ના થાય?હજી મને કાયનાની એટલી ચિંતા નથી થતી કેમ કે તેની પાસે રનબીર અને રોકી છે." કિનારાએ કહ્યું.
કુશે કિનારાને ગળે લગાવીને કહ્યું,"તને રાહુલની વાત યાદ નથી કે કિઆન તારું અને મારું ડેડલી કોમ્બીનેશન છે.જો તેને પોલીસ ઓફિસર બનવું છે પણ રાહુલ અને મારું માનવું છે કે કિઆન એક સારો એ.ટી.એસ ઓફિસર બની શકશે.તું ચિંતા ના કર કશુંજ નહીં થાય.એકવાર આ રોમિયો પકડાઇ જશેને પછી કિઆન અદ્વિકા અને રનબીર કાયનાના લગ્ન ધામધુમથી કરાવીશું.આમપણ રાહુલ કિઆનની પાછળ ગયો છે.જલ્દી જ રોમિયો આપણી પકડમાં હશે."કુશે કહ્યું.
બરાબર તે જ વખતે હવાલદારનો ફોન કિનારાને આવ્યો કે નિમેષને ભાન આવી ગયું છે.કિનારા,કુશ અને લવ નિમેષ પાસે ગયાં.
"નિમેષ,તને એક છેલ્લી વાર કહું છું કે સાચું બોલી જા અને તું જે પણ જાણે છે તે કહી દે.નહીંતર આમપણ તું અમારા માટે યુઝલેસ છે.તને તો એવી જગ્યાએ મુકી આવીશને કે તારી લાશ પણ કોઇને નહીં મળે.જંગલી જાનવરોનો ખોરાક બનીશ."કિનારાએ કહ્યું.
"મને કશુંજ નથી ખબર."નિમેષે એક જ રટણ ચાલું રાખ્યું.
લવ અને કુશે એકબીજાની સામે જોયું.પોતાના શર્ટ ઉતારીને તેમણે નિમેષની ચામડી ઉધેડવાનું શરૂ કર્યું.થોડીક જ વારમાં નિમેષ જોરથી ચિસ પાડી ઉઠ્યો.
"મને મારા મોટાભાઇ આદેશે ના પાડી હતી પણ હવે મારાથી આ માર સહન નહીં થાય.અમારી માએ અમને લાલચ આપી કે અમે તેની મદદ કરીશું અને તેનો સાથ આપીશું,તેને ઠીક કરવામાં તેની મદદ કરીશું તો તે જ્યારે ઠીક થશે ત્યારે અમને પપ્પાના બિઝનેસના રહસ્ય જણાવશે.જેની મદદથી અમારું જીવન સુધરી જશે.
મમ્મીની હાલતમાં કોઇ સુધારો ના થયો.મમ્મીનો સાથ આપવાના કારણે પપ્પાએ અમારી સાથે સંબંધ તોડી નાખ્યો.તે ડ્રગ્સની ફેક્ટરી પર રેડ પડી ગઇ અને અમારે ફરીથી ખાવાના વાંધા પડી ગયાં.
મારા પિતા આટલા મોટા આતંકવાદી છે પણ અમે સાવ ફકીરો જેવું જીવન જીવીએ છીએ.અમે બંને ભાઇઓએ મળીને નક્કી કર્યું કે અમે પપ્પાની માફી માંગીને તેમની સાથે થઇ જઇશું પણ જો અચાનક મમ્મી ઠીક થઇ જાય તો?તો તે પછી અમને પપ્પાના બિઝનેસ સિક્રેટ ના જણાવે.તો અમે બંનેએ નક્કી કર્યું કે આદેશભાઇ પપ્પાનો અને હું મમ્મીનો સાથ આપીશ.
આદેશભાઇએ ખૂબજ મહેનત પછી પપ્પાનો સંપર્ક કર્યો.તેમણે પપ્પાની માફી માંગી અને તેમની સાથે થઇ ગયાં પણ મારી સાથે તો દગો થઇ ગયો.મારા નસિબમાં મમ્મીની સેવા આવી અને આદેશભાઇના નસિબમાં પપ્પાની સાથે જલ્સાં.ખબર નહીં આદેશભાઇએ પપ્પાને શું કહ્યું તે મારી સાથે વાત નથી કરતાં.આદેશભાઇ હવે પપ્પા સાથે જ રહે છે.મોંઘા કપડાં પહેરે છે.મોંઘી હોટેલોમા રહે છે અને હું ગરીબીમાં સબડું છું.દર બીજા દિવસે મમ્મીની દવા અને સારસંભાળ કરવાવાળા બહેનના પગારની વ્યવસ્થા કરું છું.તે અત્યારે પણ ત્યાં જલસાં કરતા હશે અને હું અહીં માર ખાઉં છું."નિમેષ રડતા રડતા બોલ્યો.
" ભુલ તો તારી પણ છેને.તને લાલચ હતી કે તારા પપ્પાના બિઝનેસના રહસ્ય જાણીને તારે પણ એ જ રસ્તે ચાલવું હતું.તારી મા વોન્ટેડ ક્રિમીનલ છે તે વાત તું જાણે છે છતાં પણ તે તેને છુપાવીને રાખી.તું પણ દૂધનો ધોયેલો નથી.મોડા કે વહેલા તારા ભાઇ અને પિતાની આ જ હાલત થશે કદાચ આનાથી બદતર."કુશે કહ્યું.
"સર,પપ્પા ગુજરાતમાં જ વેશ બદલીને રહી રહ્યા છે."નિમેષે કહ્યું.
કિનારા,કુશ અને લવ બહાર આવ્યાં.તેમને ચિરાગનો મેસેજ મળતા તેમણે તેને ફોન કર્યો.ચિરાગે રનબીર વાળી વાત કહી.કુશે રનબીરને વીડિયો કોલ કર્યો.
રનબીર ખૂબજ આઘાતમાં હતો.
"રનબીર."
"કુશ ડેડુ,તમને બધી જ ખબર હતી?રનબીરે પૂછ્યું.
કુશે તેને બધી જ વાત જણાવી જે સાંભળીને તેને આઘાત લાગ્યો.
"સોરી બેટા,પણ હવે આ લડાઇ અંતિમ ચરણમાં છે.તમારા સાથ અને સહકાર વગર અમે રોમિયો સુધી નહીં પહોંચી શકીએ.કિઆન અને અદ્વિકાને તો રોમિયોના માણસો કિડનેપ કરીને લઇ ગયા છે.ગમે તે સમયે તમને પણ કિડનેપ કરશે.તમે ચિંતા ના કરો.અમે કોઇને કશુંજ નહીં થવા દઇએ.ચિરાગ તમને કઇંક આપશે જે તમે બહાર જાઓ ત્યારે સતત પહેરીને રાખજો.તેમા એક ટ્રેકિંગ ડિવાઇસ લગાવેલું હશે."કુશે કહ્યું.
"કુશ ડેડુ,સોરી ના કહો.આ તો અમારા માટે ગર્વની વાત છે કે અમે પોલીસ નથી છતા પણ અમે આટલું મોટું કામ કરવાનો અવસર મળ્યો.જે ડ્રગ્સના કારણે મારી કાયના જેલ ગઇ.તે ડ્રગ્સ અને રોમિયોને જેલના સળિયા પાછળ આપણે મળીને પહોંચાડીશું.તમે પ્લીઝ અમને પણ તમારા મિશનમાં સામેલ કરો." રનબીરે કહ્યું.
તેની વાત સાંભળીને કુશને ખુશી થઇ.તેણે કહ્યું,"રનબીર,તું પહેલાથી જ અમારા પ્લાનમાં સામેલ છો.બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન ફાઇનલી તું મારો જમાઈ બની ગયો."
"તમને ખબર છે અમારા લગ્ન વિશે?"રનબીરે આશ્ચર્યથી પૂછ્યું.
"હા,અમે ત્રણેયે તે લગ્ન વીડિયો કોલમાં જોયા હતાં.અમારી રજા પછી જ તે થયા છે."કુશ ઉતાવળમાં બોલી ગયો.
"અમે ત્રણેય એટલે?"રનબીરે આશ્ચર્યથી પૂછ્યું.કુશને તેની ભુલ સમજાઇ.તે રનબીર સામે જોવા લાગ્યો.કુશના ચહેરા પર ગભરામણ હતી.
***********
કિઆન અને અદ્વિકા એકબીજાનો હાથ પકડીને આદેશની પાછળ ચાલી રહ્યા હતાં.તેમની પાછળ આદેશનો એક માણસ હતો.કિઆન ચિંતામુક્ત હતો કેમકે તેને વિશ્વાસ હતો કે રાહુલ તેની પાછળ અાવી રહ્યા છે અને કોઇ કારણોસર જો તે પીછો ના કરી શક્યાં તો પોતાના દાંતમાં તેણે જે એકદમ નાનું ટ્રેકિંગ ડિવાઇસ લગાવ્યું હતું.તેની મદદથી તે અહીં પહોંચી જશે.
કિઆનને આ કયું સ્થળ છે તે જાણવા ના મળ્યું કેમકે આદેશ તેમને પાછળના રસ્તેથી અંદર લઇ ગયો.તે લોકો લિફ્ટમાં બેસીને ચોથા માળે ગયાં.કિઆનની અંદર કઇંક અલગ જ ભાવ હતાં.એકતરફ સફળતાની ખુશી હતી કે જે રોમિયોને પકડવા પોતાના માતાપિતા અને કાકા લાગેલા હતા ફાઇનલી તે આતંકવાદી સુધી તે પહોંચવાનો હતો.બીજી તરફ તેને ગુસ્સો હતો.આ એ જ વ્યક્તિ હતી જેણે પોતાના પરિવારના તમામ સભ્યોને તકલીફ પહોંચાડી હતી.
કિઆનને અદ્વિકા માટે પણ રોમિયો ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે તેણે અદ્વિકાને પણ તકલીફ પહોંચાડી હતી.અદ્વિકાનું બાળપણ આતંકવાદીની દિકરીના ટોંણા સાથે વિત્યું હતું.તે તો શિના અને કિઆરાનો સપોર્ટ હતો જેના કારણે તે સારી રીતે જીવી શકી.
ચોથામાળે છેક છેડાના રૂમમાં આદેશ તેમને લઇ ગયો.આ રૂમ પ્રેસિડેન્ટ રૂમ હતો.એકદમ વિશાળ બેઠકરૂમ જેમા સોફાસેટ,ચેયર,ટેબલ અને સુંદર ડેકોરેશન.તેમા એક બેડરૂમ હતો જેનો દરવાજો બંધ હતો.અંદરથી કઇંક અવાજો આવી રહ્યા હતાં.કોઇ છોકરીના ઉંહકારાનો અવાજ તેમને સંભળાયો.કિઆન અને અદ્વિકાને પરિસ્થિતિ સમજતા વાર ના લાગી.તેમના મોઢા પર ધિક્કારના ભાવ આવી ગયાં.આદેશે તે લોકોને સોફા પર બેસાડ્યા અને તે તેમની સામે ઊભા રહ્યા.
પોતાના પિતાની આ હરકત પર તેને આજે શરમ અનુભવાઇ કેમકે આજે તેની સામે તેની બહેન બેસેલી હતી.તે બહેન જેણે નાનપણથી તેમને ધિક્કાર્યા હતાં.તે લવ શેખાવતની હવેલી પર રહીને જ મોટી થઇ હતી.
થોડીક વાર પછી તે બેડરૂમનો દરવાજો ખુલ્યો.શર્ટના બટન બંધ કરતા એક આધેડ,ટકલો આધેડ બહાર આવ્યો.પાછળને પાછળ એક અદ્વિકાની ઊંમરની છોકરી પોતાનો ચહેરો છુપાવતી બહાર જતી રહી.કિઆન અને અદ્વિકાએ તુચ્છકારથી તેની સામે જોયું.અહીં રોમિયોએ આદેશને માત્ર કિઆનને લાવવા કહ્યું હતું પણ સામે અદ્વિકાને જોઇને તેને આઘાત લાગ્યો.
પોતાની સામે ઊભેલી છોકરી પોતાની દિકરી છે.એ દિકરી જેને તેણે ક્યારેય જોઇ નહતી.પોતે તે મિશન વોન્ટેડ લવ વનમાં બચી ગયો હતો પછી લગભગ ઘણાબધા વર્ષો તે અંડરગ્રાઉન્ડ રહ્યો.જેના કારણે અદા અદ્વિકાને લઇને નહતી આવી શકતી.આમપણ અદ્વિકા નાનપણથી જ લવ શેખાવતના ઘરે મોટી થઇ હતી.
"અદ્વિકા,મારી દિકરી.આદેશ,મે ખાલી કિઆનને લાવવા કહ્યું હતું.અદ્વિકા કઇ રીતે આવી?"રોમિયો અદ્વિકા તરફ આગળ વધ્યો.અદ્વિકા અદાના જેટલી જ સુંદર હતી પણ તેની આંખો,નાક અને હોઠ પોતાના જેવા હતાં.રોમિયો અદ્વિકાને ગળે લગાવીને થોડો ભાવુક થઇ ગયો.
તેનું કપાળ ચુમી લીધું.અદ્વિકાએ રોમિયોને ધક્કો મારીને પોતાના કદમ પાછળ લઇ લીધાં.તેની આંખમાં આંસુ હતાં.
"આદેશ,તારા તે માણસોને ડબલ રૂપિયા આપ માલામાલ કરી દે.તેમની એક ભુલના કારણે મને આજે મારી દિકરી મળી.મારી દિકરી,મારી પ્રિન્સેસ કેટલી સુંદર છે!એકદમ પરી જેવી લાગે છે."રોમિયોની આંખો ભીની હતી.
કિઆન રોમિયોને જ ધ્યાનથી જોઇ રહ્યો હતો.તેના મનમાં ખુશી હતી કેમકે ગમે તે સમયે રાહુલ અહીં આવીને તેને પકડી લેશે.
"બેટા,હું ભલે ગમે તેટલો ખરાબ માણસ હોઉ પણ હું ખરાબ બાપ નથી.મારા મનમાં હંમેશાં એક આશા હતી કે હું એક દિવસ તને ગળે લગાવી શકીશ.મે કિઆનને પણ અહીં નુકશાન પહોંચાડવા નથી બોલાવ્યો.કિઆન ભલે મારા દુશ્મનનો દિકરો છે પણ હવે તે મારો જમાઇ છે.મે એક ખાસ મકસદથી તેને અહીં બોલાવ્યો છે.અદ્વિકા,એકવાર તારા પિતાને ગળે નહીં મળે?" આટલું કહી રોમિયોએ અદ્વિકા સામે પોતાના બે હાથ લાંબા કર્યા.
કિઆનની આંખમાં વિશ્વાસ હતો કેઅદ્વિકા રોમિયોને પોતાના પિતા નહીં માને પણ તેને અત્યંત આઘાત લાગ્યો જ્યારે અદ્વિકા દોડીને રોમિયોને ગળે લાગીને રડવા લાગી.કિઆનના પગ નીચેથી જમીન ખસી ગઇ.
શું મકસદ હશે રોમિયોનો કિઆનને અહીં બોલાવવાનો?
રાહુલ સમયસર પહોંચી શકશે કે તે પહેલા તે લોકો ત્યાંથી નીકળી જશે?
રનબીર કિનારા વિશે જાણી શકશે?
જાણવા વાંચતા રહો.