(કાયના રનબીરની નજીક જવા માંગતી હતી પણ રનબીરનો જીવ પેનડ્રાઇવમાં હતો.ચિરાગ રોકીનો મિત્ર બનીને તેમના ઘરે આવે છે.તે પેનડ્રાઇવ તે કોપી કરી રહ્યો હતો અને રનબીર ત્યાં આવી રહ્યો હતો.લવ કિનારા અને કુશને રોમિયોના નાના દિકરા નિમેષની પાછળ લઇ ગયો.તે એક ખંડેર જેવા ઘરમાં ગયો ત્યાંનું દ્રશ્ય જોઇ કિનારા,કુશ અને લવ ચોંકી ગયાં.અહી કિઆન અને અદ્વિકા કિડનેપ થઇ ગયા.તેમની આંખો પર પટ્ટી બાંધીને તેમને રોમિયો પાસે લઇ જવામાં આવતા હતા પણ તે ગુંડાઓની વાત સાંભળીને કિઆન ચિંતામાં આવી ગયો.)
"ચિરાગભાઇ,જલ્દી કરો.રનબીર અહીંયા જ આવી રહ્યો છે."રોકીએ રનબીર તરફ જોતા કહ્યું.
"રાકેશભાઇ,હજી તો પચાસ ટકા જ કોપી થયું છે.તમે રનબીરને અહીં આવતા રોકો.જો તે આ બધું જોઇ લેશે તો તેને બધી જ ખબર પડી જશે."ચિરાગે કહ્યું.
"ચિરાગભાઇ,મે તમને અહીં મારા દોસ્ત તરીકે ઓળખાવ્યા છે.તો રાકેશ નહીં રોકી કહો નહીંતર કોઇને પણ શંકા થઇ જશે.હું રનબીરને રોકું છું."આટલું કહી રોકી બહાર રનબીર પાસે ગયો.
"શું થયું ,રનબીર?"રોકીએ પૂછ્યું.
"પપ્પા,ચા નાસ્તો બની ગયો છે."રનબીરે મોઢું ચઢાવીને કહ્યું.
"શું બનાવ્યું?ચલ,મને ટેસ્ટ કરાય."રોકી બોલ્યો.તે રનબીરને રસોડામાં લઇ જવા માંગતો હતો.
"પપ્પા,ચા અને કાંદાના ભજીયા બનાવ્યા છે.કાયના રસોડામાં જ છે.તમે જાતે જઇને ચાખી લો.હું ત્યાં નહીં જઉં."રનબીરે મોઢું ચઢાવીને કહ્યું.
"તને શું થયું?આ તારું મોઢું કેમ ચઢેલું છે?"રોકીએ પૂછ્યું.
"પપ્પા,કાયનાએ મને રસોડામાંથી ગુસ્સો કરીને કાઢી મુક્યો અને હવે મારી સાથે બોલતી નથી."રનબીરે કહ્યું.
"ઓહો,એટલે બધું એણે બનાવ્યું છે? તો તો ખાસ ચાખવું પડશે.તમારે બંનેને ઝગડો થયો છે?"રોકીએ ચિંતામાં પૂછ્યું.
"હા,હું કામમાં હતો. પેનડ્રાઇવનો પાસવર્ડ ક્રેક કરવાના કામમાં હતો તો મે તેને ઇગ્નોર કરી તો તે હવે મારી જોડે બોલતી નથી અને ગુસ્સો કરે છે."રનબીરે મોઢું લટકાવીને કહ્યું.રોકીને હસવું આવ્યું.
"હજી બે દિવસ નથી થયા પરણ્યે અને ઝગડી પણ લીધું.બેટા,નવલી નવેલી તારી દુલ્હનને અવગણે તો તે નારાજ તો થાય જ ને.કાયનાની જગ્યાએ હું હોત તો હું પણ રિસાઇ જાઉં.આમપણ પત્નીઓનો તો અધિકાર છે રિસાવવાનો,હવે તારે તેને મનાવવી પડશે.
બેટા,પત્ની તહેવારની જેમ હોય છે જેને દર બીજા દિવસે મનાવવી પડે.તારી પાસે તો કિનારાનું મિની વર્ઝન છે.તારે તો આખી જિંદગી આ જ કરવાનું છે."રોકી હસતા હસતા બોલ્યો.
"પપ્પા,તમે મને મદદ કરવાની જગ્યાએ મારી મજાક ઉડાવો છો."રનબીરે કહ્યું.
"સાચું કહું છું.મારી વાત પર વિશ્વાસ ના હોય તો કુશને પૂછજે."રોકી આટલું કહીને રસોડામાં ગયો.જ્યાંની હાલત યુદ્ધ પત્યા પછીના મેદાન જેવી હતી પણ ફાઇનલ રિઝલ્ટ સરસ હતું.કાયનાએ યુટ્યુબમાં વીડિયો જોઇને ટેસ્ટી ભજીયાં બનાવ્યા હતાં.અહીં ચિરાગની પેનડ્રાઇવમાં ડેટા કોપી થઇ ગયો હતો.ચા નાસ્તો કરીને તે જઇ રહ્યો હતો.રોકી તેને બહાર સુધી મુકવા ગયો.
"રોકી,કામ થઇ ગયું છે.આગળ જ્યાંસુધી કુશના તરફથી કોઇ સુચના ના આવે તમે લોકો કઇ કરતા નહીં."ચિરાગ આટલું કહીને જતો હતો.તેટલામાં પાછળથી એક અવાજ સંભળાયો.
"કુશ ડેડુની નેક્સ્ટ સુચના ક્યારે આવશે?અમદાવાદ એ.ટી.એસ ઓફિસર ચિરાગ દવે." તે અવાજ રનબીરનો હતો.
રનબીરને આવેલો જોઇને રોકી અને ચિરાગ બંને આઘાત પામ્યાં.
"પપ્પા,તમારા સોકોલ્ડ મિત્રના બહાદુરીના કિસ્સા એકવાર પેપરમાં આવી ચુક્યા છે.તેમને ઘરે જોઇને જ હું યાદ કરવાની કોશિશ કરતો હતો.પપ્પા,જ્યારે તમે મને રસોડા તરફ લઇ જતા હતા ત્યારે સ્લાઇડીંગ ડોરના કાચમાં મે તેમને પેનડ્રાઇવ કોપી કરતા જોઇ લીધા હતાં.મને યાદ આવી ગયું કે તેમને ક્યા જોયેલા હતાં.હવે મારે સત્ય જાણવું છે.બધું જ સત્ય."રનબીર બોલ્યો.
"ઓ.કે,હું તને બધું જ સત્ય જણાવીશ પણ અહીં નહીં.તું મારી સાથે એ.ટી.એસ ઓફિસ આવ."ચિરાગે કહ્યું.રનબીર ચિરાગ સાથે એ.ટી.એસ ઓફિસ ગયો.
"રનબીર,અત્યારે કુશસર મિશન પર છે એટલે તેમની સાથે નહીં થાય પણ તે ફ્રી થતાં જ ફોન કરશે."ચિરાગે કહ્યું.
"એટલે કુશ ડેડુને ખબર છે કે અમે અહીં છીએ?"રનબીરે આઘાત સાથે પૂછ્યું.
"હા."
ચિરાગનો જવાબ સાંભળીને રનબીર આઘાત પામ્યો.
"રનબીર,તમારા બંનેનો ભાગવાનો પ્લાન તમારો નહીં પણ કુશ સરનો હતો."ચિરાગની આ વાત સાંભળીને રનબીરને જાણે જે ચારસો ચાલિસ વોટનો ઝટકો લાગ્યો.
*********
કુશ,કિનારા અને લવ મલ્હોત્રા નિમેષનો પીછો કરતા એક ખંડેર જેવા મકાનમાં પહોંચ્યા.તે તેમની ગન તૈયાર રાખીને અંદર ગયા અને અંદરનું દ્રશ્ય જોઇને આઘાત પામ્યાં.
અંદર નિમેષ અદાને મળવા આવ્યો હતો.અદાની હાલત જોઇને તે લોકોને વધુ આઘાત લાગ્યો.અદાના બંને પગ કપાઇ ગયા હતાં.તેનું અડધું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું.નિમેષ તે લોકોને જોઇને ડરી ગયો.તે ભાગવા જતો હતો પણ લવ મલ્હોત્રાએ તેને પકડી લીધો.
કુશે સિંઘાનીયા સાહેબને કહીને પોલીસ અહીં મોકલવા કહ્યું હતું.પોલીસ થોડીક જ વારમાં ત્યાં પહોંચવાની હતી..અદા અને કિનારા સામસામે ઊભા હતાં.એકસમયની રૂપસુંદરી અદાના ચહેરા પર કરચલીઓ હતી.તેના વાળમાં અચાનક જ સફેદી આવવા લાગી હતી.તેણે ચણિયો અને તેની પર કુરતો પહેર્યો હતો.તેની નજીક વધુ સમય ઊભા રહેતા એક અજીબ ગંધ નાકમાં પ્રસરી જતી હતી.જેનું કારણ પથારીમા જ કરવામાં આવતી કુદરતી ક્રિયાઓ હતી.
બીજી તરફ કિનારા હતી.તેણે ચુસ્ત બ્લેક જીન્સ અને તેની પર લાઇટ બ્લુ શર્ટ પહેર્યું હતું.તેના ચુસ્ત શર્ટમાંથી તેના મજબૂત બાવળા,કસરતી શરીર અને સુંદર ઉભારો આકાર પામતા દેખાતા.તેના બ્રાઉન કલર્ડ હેયરને ઊંચી પોનીમાં બાંધેલા હતાં.તેની ઊંમર જાણે શરીર સાથે બિલકુલ મેચ નહતી કરતી.તેણે બંને હાથોએ બંદૂક પકડી હતી જે નિમેષ સામે તાકેલી હતી.
"અદા,તારી હાલત જોઇને પણ તારો પતિ સમજવા નથી માંગતો કે ખરાબ કર્મોની સજા અહીં જ મળે છે.તારી લાલચ,વાસના,દુનિયા પર રાજ કરવાની ખેવના અને મારી શિનાનું સુખી લગ્નજીવન તબાહ કરવાની સજા તને અહીં જ મળી ગઇ.દુનિયા પર રાજ કરવાનું તો ઠીક પણ તું તારા પગ પર ઊભી પણ નથી રહી શકતી.આ ખંડેર જેવા મકાનના વાસ મારતા ગંદા અને જુના ખાટલા પર સડે છે.બાકીનું જીવન જેલની કાળકોઠડીમા વિતાવવા તૈયાર થઇ જા."કિનારાએ ગુસ્સામાં કહ્યું.
થોડીક વારમાં પોલીસ ત્યાં આવી ગઇ.અદા અને નિમેષને એરેસ્ટ કરવામાં આવ્યાં.મિશન વોન્ટેડ લવ ૨માં કુશ અને તેની ટીમને મળેલી આ પહેલી સફળતા હતી.મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રોમિયોની પત્ની અદા ઝડપાઇ ગઇ હતી.અદા રોમિયોના ઘણાબધા સિક્રેટ જાણતી હતી.જે કુશ અને તેની ટીમને રોમિયો સુધી પહોંચવા અને તેના સામ્રાજ્ય વિશે માહિતી મેળવવા ખૂબજ ઉપયોગી થઇ શકે પણ તેની હાલત એવી નહતી કે તે કઇ બોલી શકે.
અદાને પોલીસના નિરીક્ષણ હેઠળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.તેની સારવાર સારામાં સારા ડોક્ટર પાસે શરૂ કરવામાં આવી.અહીં નિમેષની સરભરા એરેસ્ટ થતાંની સાથે જ શરૂ થઇ ગઇ.
"આને એટલી હદ સુધી ટોર્ચર કરો કે તે મૃત્યુ માંગે સામેથી.નિમેષ,તારા પિતા ક્યાં છે તે ચુપચાપ જણાવી દે નહીંતર તારી હાલત પર તને પોતાને ખૂબજ દયા આવશે પણ તું કશુંજ નહીં કરી શકે."કુશે કહ્યું.તેણે બે હવાલદારને ઇશારો કર્યો.
નિમેષ થર્ડ ડિગ્રી ટોર્ચર સહન ના કરી શકતા બેભાન થઇ ગયો.હવાલદાર બહાર આવ્યો.
"સર,આટલો માર ખાધા પછી અને આટલું ટોર્ચર સહન કર્યા પછી રિઢા ગુનેગાર પણ સાચું બોલી દે પણ આ તો રડતા રડતા એક જ વાત કહે છે કે તેને નથી ખબર તેના પિતા ક્યાં છે.સર,મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે તે સાચું બોલે છે."હવાલદારે કહ્યું.
"તેને ભાન આવે એટલે અમને જાણ કર.અમે એ.ટી.એસની હેડ ઓફિસમાં છીએ."કુશે કહ્યું.
તે લોકો હેડ ઓફિસમાં સિંઘાનીયા સાહેબ પાસે બેસ્યા.બરાબર તે સમયેકુશે તેનો ફોન ઓન કર્યો.તેને રાહુલનો મેસેજ મળ્યો કે કિઆન અને અદ્વિકા કિડનેપ થઇ ગયા છે.તેણે આ સમાચાર બધાને આપ્યાં.
સિંઘાનિયા સાહેબ અને બાકી બધાં ખુશ થયા કે હવે રોમિયો સુધી પહોંચવાનો રસ્તો સરળ થઇ જશે પણ કિનારાની અંદર રહેલી માને સતત કઇંક અશુભ થવાના સંકેત મળી રહ્યા હતાં.
******
ગુંડાઓની વાત સાંભળીને અદ્વિકા અને કિઆન ચિંતામાં આવી ગયાં.અચાનક અદ્વિકાના મનમાં એક વિચાર આવ્યો.તેના મોંઢા પર પટ્ટી હતી.તેણે ઉં ઉં એમ કરવાનું ચાલું કર્યું.
"જો ભાઇ મેના ફડફડી રહી છે.લાગે છે તેને કઇંક કહેવું છે."એક ગુંડો બોલ્યો.
"હા તો મેનાનો મધુર અવાજ સાંભળી લઇએને."એમ કહીને અદ્વિકાની બાજુમાં બેસેલા ગુંડાએ તેના મોંઢા પરથી પટ્ટી હટાવી લીધી.
"તમને ખબર નથી કે હું કોણ છું."અદ્વિકા બોલી.
કિઅાનને લાગ્યું કે અદ્વિકા કિનારાની અને કુશની ઓળખ આપશે.
"હું જેની પાસે તમે લઇ જીક રહ્યા છો.તેમની દિકરી છું.હું રોમિયોની દિકરી છું.જો તમે મને હાથ પણ લગાવ્યોને તો તમારી ખેર નથી."અદ્વિકાની વાત સાંભળીને ગુંડાઓ હસવા લાગ્યાં.
"અરે ભાઇ,હસો નહીં.જો તેની વાત એક ટકા પણ સાચી નીકળી તો આપણે જીવથી જઇશું.એક કામકરીએ આપણે આ બંનેને આદેશભાઇને સોંપી દઇએ.આપણા રૂપિયા લઇને નીકળી જઇએ."તે ગુંડાની વાત બધાં ગુંડાઓએ માન્ય રાખી.
કિઆનને અદ્વિકાની સ્માર્ટનેસ પર ગર્વ થયો અને તેને રાહત પણ થઇ.અંતે લાંબી મુસાફરી બાદ તે લોકો દમણની તે સેવેનસ્ટાર હોટલના પાછળના ગેટ પાસે ઊભા રહ્યા.કિઆન અને અદ્વિકાની આંખો,મોંઢા અને હાથ પરથી પટ્ટી હટાવી દીધી.સામેથી આદેશ આવતો દેખાયો.આદેશને હંમેશાં સાદા શર્ટ-પેન્ટમાં અદ્વિકાએ જોયેલો હતો.આજે તેને બ્રાન્ડેડ અને આધુનિક કપડાંમાં જોઇને અદ્વિકા આઘાત પામી.
આદેશ તેમની પાસે આવ્યો અને બોલ્યો,"જો અદ્વિકા,તમને બંનેને અહીં મારવા કે રહેવા નથી બોલાવ્યાં.તું અમને સહકાર આપીશ તો આ મિટિંગ સરળતાથી પતશે નહીંતર આ બંદૂકને ખિસામાંથી બહાર નીકળવું પડશે."
અદ્વિકા અને કિઆને માથું હકારમાં હલાવ્યું.કિઆને અદ્વિકાનો હાથ પકડ્યો.તે લોકો રોમિયોને મળવા આગળ વધ્યાં.
કેવી રહેશે અદ્વિકા,કિઆન અને રોમિયોની પહેલી મુલાકાત?
રનબીર કુશના પ્લાન વિશે જાણીને શું પ્રતિક્રિયા આપશે?
શું કુશ,કિનારા અને લવ નિમેષ પાસેથી કઇંક કામની માહિતી મેળવી શકશે?
જાણવા વાંચતા રહો.