(કિનારા અને લવે પોતે જીવતા હોવાની વાત છુપાવવા લવ શેખાવત અને શિનાને કહ્યું.રોકી કુશના કહેવા પર તે વ્યક્તિને મળવા ગયો હતો.તેણે રનબીર અને કાયનાને ટ્રેકિંગ ડિવાઇસથી કનેક્ટ કરવા કહ્યું.અહીં રાહુલે કુશને જણાવ્યું કે અંશુમાન મળી ગયો છે પણ તેની માનસિક સ્થિતિ સારી નહતી.કિઆન અદ્વિકાને લઇને મંદિરમાં ગયો જ્યા તેમના પર હુમલો થયો.)
રાહુલ પોતાનું માથું પકડીને બેસી ગયો અચાનક તેનું ધ્યાન મંદિરની બાજુમાં આવેલા ઝાડની નીચે બેસેલા કિઆન પર ગયું.તે થોડોક ચિંતામાં લાગતો હતો.તેના ખોળામાં અદ્વિકાનું માથું હતું.તે સુતેલી હતી.રાહુલ દોડીને કિઆન પાસે ગયો.તેના શરીર પર વાગેલાના નિશાન હતાં.અદ્વિકાના કપાળમાંથી લોહી નીકળતું હતું.કિઆને તેનો હાથ રૂમાલ તેના કપાળે દબાવીને રાખ્યો હતો.
"કિઆન,શું થયું ?તું ઠીક તો છે ને?"રાહુલે પૂછ્યું.
"હા સર,હું ઠીક છું.મારા પર હુમલો થયો હતો.તમારી સાથે વાત કર્યા પછી તે લોકોએ અદ્વિકાને બાનમાં લીધી અને તેના ગળે ચાકુ રાખ્યું.તે લોકો શું કરવા માંગતા હતા તે સમજાયું નહીં પણ મે તેમની વાત માનીને તેમને તાબે થવાની એકટીંગ કરી.તે ગુંડાઓએ અદ્વિકાને અણછાજતો સ્પર્શ કર્યો જે મારાથી સહન ના થયો.
મે તે ગુંડાઓને સારી લડત આપી.તેમને ખૂબજ ઇજ્જતથી ધોયા.મારી પત્નીને ગંદો સ્પર્શ કરવાની બરાબર સજા આપી.અચાનક પોલીસની ગાડીની સાયરન સંભળાઇ અને મારું ધ્યાન ભટક્યું,જેનો ફાયદો ઉઠાવીને તે લોકો ભાગી ગયાં."કિઆને કહ્યું.
થોડીક વારમાં એમ્બ્યુલન્સ આવી તેમણે અદ્વિકાને સારવાર આપી.તેને કપાળે પાટો બાંધી દીધો અને દવા આપી.હવે તે ઠીક હતી.પોલીસ આવીને કિઆનનું નિવેદન લઇને જતી રહી.તેમને ખબર નહતી કે કિઆન એ.ટી.એસમાં ટેમ્પરરી ઓફિસર હતો.
પોલીસના ગયા પછી હજીપણ તે લોકો ત્યાં જ બેસેલા હતાં.રાહુલે કિઆનને કહ્યું,"કિઆન,કદાચ તે લોકો રોમિયોના માણસો હતા.તને કિડનેપ કરવા આવ્યાં હશે."
"ખબર છે મને."કિઆનની વાત સાંભળીને રાહુલને આશ્ચર્ય થયું.રાહુલ અને કિઆન એકલા હતા.કિઆને આસપાસ જોયું અને રાહુલને કહ્યું,"ડેડને ફોન લગાવોને."
રાહુલે કુશને વીડિયો કોલ લગાવ્યો.કુશ અને કિનારા કિઆને સહીસલામત જોઇને ખુશ થયાં.
"ડેડ,મને ખબર છે કે તમે મને રોમિયો સુધી પહોંચાડવા માંગો છો પણ આ વાત તમે મને ના જણાવી.તે વાતનું મને થોડુંક દુઃખ થયું છે.બટ ઇટ્સ ઓ.કે.હું તમારો જ દિકરો છું.તે માણસોના મારા પર હુમલો કરતા જ હું સમજી ગયો કે તે મારા સસરાના માણસો છે.
રાહુલસર,તમને શું લાગે છે કે તે ગુંડાઓ તકનો લાભ લઇને ભાગી ગયા હશે?"આટલું કહીને કિઆન અટક્યો અને થોડુંક હસ્યો.
"ના,મે તેમને ભાગવા દીધા છે કેમ કે પોલીસ આવી ગઇ હતી.રાહુલસર,તમે પોલીસને મોકલી ના હોત તો હું તેમને પકડી લેત પણ કોઇ વાંધો નહીં આપણે હજીપણ તેમને પકડી લઇશું."કિઆને કહ્યું.
"પણ કેવીરીતે?"કુશે પૂછ્યું.
"ડેડ,તે ગુંડાઓ ભાગતા હતાને ત્યારે મે ધીમેથી મારો ફોન સાયલન્ટ કરીને તેના ખીસામાં નાખી દીધો હતો.હવે આપણે સરળતાથી તેમનું લોકેશન ટ્રેસ કરીને તેમના સુધી પહોંચી શકિશું અને તેમની મદદથી રોમિયો સુધી પહોંચીશું."કિઆને વિજયી સ્મિત આપતા કહ્યું.
કિઅાનની સ્માટર્નેસ પર રાહુલ,કુશ અને કિનારા ખૂબજ ખુશ થયાં.
"કુશ સર-કિનારામેમ,મે તમને કહ્યું હતું ને કે ડેડલી કોમ્બો."રાહુલ હસીને બોલ્યો.
"મોમ ડેડ,હું રોમિયો પાસે જઇ રહ્યો છું મે મારા શરીરની અંદર એક એવું ડિવાઇસ ફિટ કરાવ્યું છે કે જે સરળતાથી ટ્રેસ નહીં થાય અને તેની મદદથી તમે મારું લોકેશન ટ્રેસ કરી શકશો તથા મારી અને મારી સામે ઊભેલી વ્યક્તિનો ઓડિયો -વીડિયો જોઇ શકો."કિઆને કહ્યું.
"આ બધું તે ક્યારે કર્યું?"રાહુલને કિઆનના કામથી ખૂબજ આશ્ચર્ય થયું.
"સર,અંશુમાનને પકડીને ઘરે જતો હતો ત્યારે મને લાગ્યું કે કોઇ મારો પીછો કરે છે અને બસ અહીં મંદિરમાં આવતા પહેલા મારા એક ફ્રેન્ડ જે આ કામમા એક્સપર્ટ છે તેને ઘરે બોલાવી લીધો.બસ,કરાવી લીધું ડિવાઇસ ફિક્સ.મારી ચિંતા ના કરશો.તે રોમિયો મને કશુંજ નહીં કરી શકે."કિઆને મક્કમતાથી કહ્યું.
"ઓલ ધ બેસ્ટ બેટા."કુશ અને કિનારા એકસાથે બોલ્યા.
અદ્વિકા આવી.તેણે આ બધું જ સાંભળી લીધું હતું.તે કિનારાને જીવતી જોઇને ખૂબજ ખુશ થઇ.
"મમ્મીજી,તમે જીવો છો.કિઆન,તું બધું જાણતો હતો છતા તે મને ના જણાવ્યું?હું ખૂબજ ખુશ છું કે મમ્મીજી જીવે છે.મને અફસોસ છે કે હું રોમિયોની દિકરી છું."અદ્વિકા આંખોમાં આંસુ સાથે બોલી.
"અદ્વિકા,મને ખૂબજ ખુશી છે કે તું કિઆનની પત્ની છે.મે જાણ્યું કુશ જોડેથી કે તે મારી ગેરહાજરીમાં જાનકીવીલાને એકલા હાથે સંભાળ્યું.મને ગર્વ છે તારા ઉપર અને ગર્વ છે કે હું તારી મોમ છું.તું રોમિયો અને અદાની નહીં પણ મારા અને કુશની દિકરી છો.તું અફસોસ ના કર રોમિયો અને અદાને તેમના કર્યાની સજા જરૂર મળશે."કિનારાએ કહ્યું.
"અદ્વિકા,આ વાત હમણાં તું તારા સુધી જ રાખજે અને હું તે ગુંડાઓ પાસે જઇ રહ્યો છું.તે લોકો મને મારા સસુરજી સુધી પહોંચાડશે.તું ચિંતા ના કરતી મને કશુંજ નહીં થાય."કિઆને અદ્વિકાના માથે હાથ મુકતા કહ્યું.
"હું પણ આવીશ તારી સાથે."અદ્વિકા કઇંક વિચારીને ગંભીરતાથી બોલી.
"અદ્વિકા,તું ના જઇ શકે.ત્યાં જવું ખતરનાક થઇ શકે છે.તે માણસ રૂપિયા સિવાય કોઇનો સગો નથી."કિનારાએ કહ્યું.
"ના કિનારા,અદ્વિકાને પણ જવું જોઇએ.તેને પણ તેના જન્મદાતા પિતાને સવાલ પૂછવાનો અધિકાર છે.અદ્વિકાનું ત્યાં જવું આપણા માટે ફાયદાકારક થઇ શકે છે.ખબર નહીં કેમ પણ મને લાગે છે કે અદ્વિકા આપણા ખૂબજ કામ લાગશે."કુશે કહ્યું.
"હવે આગળ શું પ્લાન છે?"રાહુલે પૂછ્યું.
"સર,આપણે મારા મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને તે ગુંડાઓ સુધી પહોંચીશું અને પછી તે લોકો રોમિયોના માણસને સંદેશ આપશે કે અમે કિડનેપ થઇ ગયા છીએ."કિઆને તેનો પ્લાન આગળ જણાવ્યો.
"ઓલ ધ બેસ્ટ."રાહુલ કુશ અને કિનારાએ કિઆન તથા અદ્વિકાને કહ્યું.
કિઆન અને અદ્વિકા રાહુલે કિઆનનો મોબાઇલ ટ્રેસ કરાવીને જે લોકેશન મળ્યું તે જગ્યાએ જવા નીકળી ગયાં.તે સ્થળ નજીકની જ એક બદનામ ગલીનું હતું જ્યાં આવા બધાં ગુંડાઓનો અડ્ડો જામતો.જ્યાં ગેરકાયદેસર ડાન્સબાર,ડ્રગ્સ અને અનેક કાળાકામ બેખોફ થતાં.
અહીં રાહુલ અંશુમાનને એ.ટી.એસની ઓફિસમાં એક સિક્રેટ રૂમમાં લઇ ગયો.તેણે આ શહેરના બેસ્ટ ડોક્ટર્સની ટિમ બોલાવી અને તેનું ચેકઅપ કરાવ્યું.
"મિ.રાહુલ,અંશુમાનને ખૂબજ આઘાત લાગ્યો છે અને સતત ભયના ઓથાર હેઠળ જીવવાના કારણે માનસિક અસર થઇ છે.તે ટેમ્પરરી મેમરી લોસથી પીડાય છે.અમે તેની સારવાર શરૂ કરી દીધી છે.એક નર્સ ચોવીસ કલાક અહીં રહેશે અને તેનું ધ્યાન રાખશે."ડોકટરની વાત સાંભળી રાહુલ વિચારમાં પડી ગયો.
"તે કેટલા સમયમાં ઠીક થશે?રાહુલે પૂછ્યું.
"કઇ જ કહી શકાય નહીં.અમે સારવાર શરૂ કરી દીધી છે પણ લાગતું નથી કે જલ્દી ઠીક થઇ શકે.બની શકે કે તેની આ હાલત કોઇ આઘાતના કારણે થઇ હોય અને અચાનક તેને કોઇ ઝટકો મળે તો તે ઠીક પણ થઇ જાય."ડોક્ટર આટલું કહીને જતા રહ્યા.
*******
અહીં કુશ અને કિનારાએ ફોન મુક્તાની સાથે જ કિનારા કુશને ગળે લાગી ગઇ.
"મને ગર્વ છે કિઆન પર."કિનારાએ કહ્યું.
"હા બસ એક વાર કિઆન રોમિયો સુધી પહોંચી જાય પછી આપણે આગળ આપણો પ્લાન અમલમાં મુકીશું,પણ આ કવ ક્યાં જતો રહ્યો અચાનક."કુશે પૂછ્યું.
બરાબર તે જ સમયે લવ પાછળના રસ્તેથી છુપાઈને અંદર આવ્યો.
"કુશ-કિનારા,જલ્દી ચલો મારી સાથે."લવે કહ્યું.
"પણ ક્યાં?"કુશે પૂછ્યું.
"હું કઇંક એવી માહિતી લાવ્યો છું કે જે સાંભળીને તમને ઝટકો લાગશે.ચલો જલ્દી ચલો,સવાલ જવાબનો સમય નથી."લવે કહ્યું.
કુશ અને કિનારાએ એકબીજાની સામેજોયું અને તે લોકો પોતાની ગન સાથે તૈયાર થયા અને પાછળના રસ્તેથી લવની સાથે જવા નીકળી ગયાં.
*********
રોકી કુશ સાથે વાત કરીને અમદાવાદ એ.ટી.એસના ઓફિસર ચિરાગને મળ્યો.ચિરાગ તેની સાથે રોકીનો મિત્ર બનીને રોકીના ઘરે આવ્યો.
અહીં રનબીર અને કાયના અાજે ખૂબજ એક્સાઇટેડ હતા.તેમનો દિવસ ખૂબજ રોમાંચક રહ્યો.જીવનમાં પહેલી વાર તેમણે બંદૂક હાથમાં લીધી હતી.તે વ્યક્તિના ઘરે જઈને તેમને તે લોકોને બાનમાં લેવાના હતા પણ જ્યારે કાયના અને રનબીરે તેમને બધી વાત જણાવી તે લોકોએ સામેથી તેમને સહકાર આપ્યો.
તે ફેક્ટરી પર પણ તે પેનડ્રાઇવ શોધવાનો રોમાંચ કાયનાને રોમાંચિત કરી ગયો.નાનપણમાં તે પણ પોતાની મોમની જેમ પોલીસ ઓફિસર બનવા માંગતી હતી પણ પછી તેની અને તેની મોમ વચ્ચે આવેલી દૂરીઓ ના કારણે તે ડાન્સ તરફ આગળ વધી અને કોરીયોગ્રાફર બનવું તેનું સપનું બની ગયું.
"રનબીર,મને લાગે છે કે તે રમકડાંમાં જ ડ્રગ્સ છુપાવતા હશે."કાયનાએ લેપટોપમાં તે પેનડ્રાઇવ સાથે છેલ્લા એક કલાકથી મથામણ કરી રહેલા રનબીરને કહ્યું.
"હમ્મ."રનબીરે માત્ર આટલો જ જવાબ આપ્યો.
"રનબીર,તું શું કરે છે ક્યારનો?આ પેનડ્રાઇવ ક્રેક કરવી કઇ આપણું કામ થોડી છે?"કાયનાએ કહ્યું.
"હમ્મ."રનબીરે ફરીથી એ જ જવાબ આપ્યો.
રનબીર તેના એક મિત્રની ફોન પર મદદ લઇને તેનો પાસવર્ડ ક્રેક કરવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેને સફળતા નહતી મળતી.કાયનાને રનબીરના આ જવાબથી ગુસ્સો આવ્યો અને તેઅચાનક જ આવીને રનબીર અને લેપટોપ વચ્ચે આવી.રનબીરે તેની સામે ગુસ્સાથી જોયું.
"હાઉ ડેર યુ.તું મારી સામે ગુસ્સાથી કેવીરીતે જોઇ શકે."કાયનાએ કમર પર બે હાથ રાખીને કહ્યું.
"જો કાયના,એક તો આ પાસવર્ડ ક્રેક નથી થતો.તું મારું મગજ ક્રેક ના કર.પ્લીઝ જા અહીંથી."રનબીર અકળાઇને બોલ્યો.
"માય ગોડ,મે ક્યાંક સાંભળ્યું હતું કે બોયફ્રેન્ડમાંથી પતિ બને એટલે છોકરાઓ બદલાઇ જાય.આજે જોઈ લીધું પણ હું કિનારાની દિકરી છું.તને નહીં છોડું.આપણા બંનેમાં ગુસ્સો ખાલી હું જ કરીશ અને આની તને સજા મળશે."કાયનાએ રનબીરને ચેર પરથી ખેંચીને ઊભો કર્યો.તેને બેડ પર ધક્કો માર્યો.કાયનાએ લેપટોપ પાછળ કર્યું.
"જો કાયના..સોરી પણ મને કામ કરવા દે.બસ થવામાં જ છે."રનબીર આજીજી કરી રહ્યો હતો.કાયના તેના પેટ પર બેસી ગઈ અને તેનો ચહેરો રનબીરના ચહેરાની નજીક લઇ ગઇ.અચાનક રનબીરનું ધ્યાન લેપટોપ તરફ ગયું તેની આંખો આઘાતથી પહોળી થઇ ગઈ.
શું કિઆન અને અદ્વિકા તે ગુંડાઓની મદદથી રોમિયો સુધી પહોંચી શકશે?
રનબીર અને કાયના તે પેનડ્રાઇવનું રહસ્ય જાણી શકશે?
કુશનો નેક્સ્ટ સ્ટેપ શું હશે?
જાણવા વાંચતા રહો.