(નેહાના સમજાવવા પર કાયના રનબીર સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ.કિનારાએ રોકીને નેહા સાથે વાત કરાવવા કહ્યું.નેહાના કહેવા પ્રમાણે તેણે કાયના અને રનબીરની કુંડળી કોઇ મોટા જ્યોતિષાચાર્યને બતાવી હતી.તેમના કહેવા પ્રમાણે રનબીર અને કાયનાના લગ્ન તમામ તકલીફોનો અંત લાવશે.તે સિવાય લોકો તેમના વિશે જેમતેમ ના બોલે જો આ લગ્ન થઇ જાય.કિનારા અને કુશ આ લગ્ન માટે પરવાનગી આપી દે છે.કાયના દુલ્હનના રૂપમાં તૈયાર થઇને આવે છે.)
કાયના સ્વર્ગમાંથી ઉતરીને આવેલી કોઇ અપ્સરા લાગી રહી હતી.લાલ રંગનું આખી બાયનું બ્લાઉસ જેમા બાંધણીની ડિઝાઇન હતી અને તેની બોર્ડર સાચા સોનાના તારથી ભરતકામ કરેલી હતી.તેણે સફેદ અને લાલ રંગનું બાંધણીનું પાનેતર પહેર્યું હતું.તે સાડી તેણે ગુજરાતી ઢબે પહેરેલી હતી.તેનો પાલવ ખૂબજ ભરચક હતો.જેમા બાંધણીની સુંદર ડિઝાઇન હતી.તેની બોર્ડર ખૂબજ મોટી અને સુંદર ગોલ્ડન કલરની હતી.જેમા પણ સાચા સોનાના તારથી ભરતકામ કરેલું હતું.
તેણે હાથમાં તેની સાસુમા એટલે કે નેહાએ મોકલેલો લગ્નચુડો,નેહાની સાસુ એટલે કે રોકીની મમ્મીના સોનાના પાટલા અને કુંદન બંગડીઓ પહેરી હતી.તે સિવાય ગળામાં કુંદનનો હાર,હાથમાં બાજુબંધ,કપાળ પર દામણી,કાનમાં કુંદનબુટ્ટી,નાકમાં ડોડી,પગમાં જાડા ઝાંઝર,કમરમાં કંદોરો અને હથેળીમાં પહોંચા હતાં.તેના વાળમાં સુંદર ચોટલો વાળીને તેમા મોગરાના ફુલોની વેણી સજાવવામાં આવી હતી.મહેંદીની જગ્યાએ હથેળીમાં અને પગમાં લાલ રંગનો અલ્તોથી સાવ સાદી પણ સુંદર ડિઝાઇન કરવામાં આવી હતી.
કાયનાનું આ રૂપ જોઇને રનબીર પોતાના હોશ ખોઇ બેઠો.તેને પોતાની કિસ્મત પર વિશ્વાસ ના થયો.જેને અત્યંત પ્રેમ કર્યો તે કાયના આજે પોતાની દુલ્હનના રૂપમાં સામે ઊભેલી હતી.અહીં વીડિયો કોલમાં કાયનાને આ રૂપમાં જોઇને કિનારા,કુશ અને લવ ખૂબજ ભાવુક થઇ ગયાં.ત્રણેય મજબૂત અને ગુનેગારોને લોહીના આંસુ રોવડાવવાવાળા પોલીસ ઓફિસર્સ આજે ચોધાર આંસુએ રડી રહ્યા હતાં.
નાનકડી પરીના રૂપમાં જન્મ લઇને દુનિયાનું સર્વોચ્ચ બિરુદ એટલે મા હોવાનું સૌભાગ્ય આપ્યું હતું.તે દિકરીને આજે આ રૂપમાં પોતાનાથી દૂર જોઇને કિનારાનું માનું હ્રદય ભાવુક થઇ ગયું.હ્રદયમાં મિશ્રિત લાગણીઓ હતી.એક તરફ પોતાના પ્રેમસાથે લગ્ન કરી રહેલી પોતાની દિકરી માટે ખુશી જ્યારે બીજી તરફ પોતે આ ઘડીમાં તેની સાથે ના હોવાનો અફસોસ.
કુશ,જેને લગભગ ક્યારેય કોઇએ રડતા નથી જોયો.તે આજે પોતાના આંસુ રોકી નહતો શકતો.
"કિનારા,જ્યારે પહેલી વાર મે કાયનાને મારા હાથમાં લીધી હતીને ત્યારે હું ખૂબજ ડરેલો હતો.સતત ત્રણ મહિનાની થઇ ત્યાંસુધી તેને હાથમાં લેતા મને ડર લાગતો.તે એટલી નાજુક અને નમણી હતી કે મને ડર લાગતો કે હું તેને પકડીશ તો તેને મારા હાથ સખત લાગશે, તેને વાગશે.હું તેને મનભરીને ગળે લગાવતા કે ચુમી કરતા પણ ડરતો.
તે પહેલી વાર બોલી,ચાલતા શીખી ત્યારે હું તેની પાસે નહતો.આ વાતનો અફસોસ આખી જિંદગી રહ્યો અને હવે તેનું કન્યાદાન ના કરી શકવાનો અફસોસ આખી જિંદગી રહેશે.કિનારા,આ દિકરીઓ આટલી જલ્દી કેમ મોટી થઇ જાય છે?હવે તે કાયના કુશ શેખાવતમાંથી કાયના રનબીર પટેલ બની જશે.હું તેના વગર કેવી રીતે રહીશ?"કુશ કિનારાના ગળે લાગીને રડવા લાગ્યો.
લવ મલ્હોત્રાને પણ કાયના સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી ગઇ.સાથે પોતાની વહાલસોયી અને ડાહી દિકરી કિયા પણ યાદ આવી.તે ડરી ગયો.
"કિનારા,કાયના જતી રહી,કિઆરા પણ અને હવે કિયા.તે પણ જતી રહેશે.કિનારા,મને બહુ ડર લાગે છે.મારી ત્રણેય દિકરીઓ મારાથી દૂર થઇ જશે."લવે ડરીને કહ્યું.કિનારાએ તેને પણ પોતાના ગળે લગાવી લીધો.લવ અને કુશ તેમની વહાલી સખીના ગળે લાગીને રડી રહ્યા હતાં.
"બસ ચલો,આટલા ખરાબ બનાવો પછી આજે કાયના સાથે કઇંક સારું થવા જઇ રહ્યું છે.હવે ખુશીથી તેની આ ખુશીમાં સામેલ થઇએ."કિનારાએ બંનેના આંસુ લુછતા કહ્યું.
અહીં કાયના થોડી ઉદાસ હતી.રનબીર તેની પાસે ગયો અને તેના હાથ પકડીને કહ્યું,"કાયના,શું વાત છે?તું હજીપણ કેમ ઉદાસ છે?"
"રનબીર,કાશ એકવાર હું મોમડેડ કે દાદાદાદી સાથે વાત કરી શકતી.કાશ તે લોકો ગમે તેમ કરીને આ લગ્નમાં હાજરી આપતા અને મને આશિર્વાદ આપતા."કાયનાએ કહ્યું.
"બસ એટલી વાત.કુશ ડેડુને તો હું ફોન નહીં લગાવી શકું પણ દાદુ અને દાદીને તો કરી શકું."રનબીરે આટલું કહીને શ્રીરામ શેખાવતને વીડિયો કોલ કર્યો.શ્રીરામ શેખાવતે અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કોલ ઉપાડ્યો.સામે વરવધુના રૂપમાં રનબીર,કાયનાને જોઇને પહેલા તો તે આઘાત પામ્યા પણ રોકીએ આવીને તેમને બધી જ વિગતો જણાવી.નેહા સાથે થયેલી વાત કહી.
"બેટા,મને આ લગ્ન મંજૂર છે અને જાનકીવીલાનો મુખ્યા હોવાના અધિકારથી હું આ લગ્ન મંજૂર કરું છું.જાનકીવીલામાં મારો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય હોય છે.રનબીરથી શ્રેષ્ઠ જીવનસાથી કાયના માટે કોઇ જ ના હોઇ શકે.રોકી,મને અા સંબંધ મંજૂર છે.
કાયના,હવે નિશ્ચિત થઇને ખુશી ખુશી આ લગ્ન કરી લે.તારા જીવનની તકલીફો થોડા જ દિવસોમાં દૂર થઇ જશે.એક મિનિટ,એક સરપ્રાઇઝ તે આપીને એક સરપ્રાઇઝ હું આપું."આટલું કહીને શ્રીરામ શેખાવત વિશાલભાઇના રૂમમાં ગયાં.
જાનકીદેવી વિશાલભાઈને સુપ પિવડાવી રહ્યા હતાં.તેમણે જાનકીદેવી અને વિશાલભાઇને બધું જ જણાવ્યું.જાનકીદેવી નારાજ થશે તેવું તેમને લાગ્યું પણ કબીરવાળી ઘટના પછી તેમને સમજાઇ ગયું હતું કે રનબીર જ કાયના માટે બેસ્ટ છે.તે બંને એકબીજા માટે બનેલા છે.તેમણે પણ આ સંબંધ માન્ય કર્યો.
વિશાલભાઇએ પણ અંતરથી આશિર્વાદ આપ્યાં.
અહીં પંડિતજીએ લગ્નની બધી જ તૈયારી કરી લીધી અને તેમણે કાયના રનબીરને બોલાવ્યા.લગ્નની વીધીઓ શરૂ થઇ,પંડિતજીના માતાપિતાએ કાયનાનું કન્યાદાન કર્યું,હસ્તમેળાપ થયો અને રોકીએ તેમનું ગઠબંધન કર્યું.
કાયના અને રનબીર ફેરા ફરવા ઊભા થયાં.પહેલા ત્રણ ફેરા દરમ્યાન રનબીર આગળ હતો અને અંતિમ ફેરામાં કાયના આગળ હતી.
પંડિતજીએ તેમને ચાર ફેરાનો અર્થ સમજાવ્યો.
"લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે: ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે."
ફેરા સંપન્ન થયા બાદ પંડિતજીએ સપ્તપદીના સાત વચનો તેમનીસાથે લેવડાવ્યા.વેદીથી દુર ઉત્તર દિશામાં સાત ચોખાની ઢગલી પર સાત પગલા ભરવાના અને દરેક પગલે એક એક વચન લેવડાવ્યું.કાયના અને રનબીર નીચે બેસ્યા.રનબીરે કાયનાના સેંથામાં સિંદુર ભર્યું અને તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું.તેમણે રોકી,પંડિતજી,તેમની પત્ની અને પંડિતજીના માતાપિતાના પગે લાગીને આશિર્વાદ લીધો.રનબીર કાયનાને ગળે લાગી ગયો.
"હેલો મિસિસ રનબીર પટેલ.યુ આર લુકીંગ બ્યુટીફુલ વાઇફી."રનબીરે તેના કાનમાં કહ્યું.કાયના હસી.
શ્રીરામ શેખાવત,જાનકીદેવી અને વિશાલભાઇએ ભીની આંખે આશિર્વાદ દીધાં જ્યારે બીજી તરફ કુશ કિનારા અને લવે આશિર્વાદ દીધાં.રોકીએ દૂર જઇને કુશ સાથે વાત કરી.
"કિનારા-કુશ,આજથી કાયના મારી પણ દિકરી છે અને હું તેને દરેક પગલે સાથ આપીશ.મારા ભૂતકાળમાં મે જે પણ પાપ કર્યા છે તે હું ધોઇને જ રહીશ."રોકીએ કહ્યું.
"રોકી,કાયનાને હમણાં મારા વિશે ના જણાવતો.હું સમય આવ્યે તેને જણાવીશ."કિનારાએ ફરીથી યાદ દેવડાવ્યું.રોકી રનબીર અને કાયનાને લઇને ઘરે ગયો.કાયના થોડીક નર્વસ હતી,થોડીક ખુશ,થોડીક દુઃખી પણ હવે તેની અંદર એક આત્મવિશ્વાસ હતો કે તે જલ્દી જ આ બધામાંથી બહાર આવીને સામાન્ય જિંદગી જીવશે.
રોકીએ નેહા સાથે વીડિયોકોલ કરીને કાયનાનો ગૃહપ્રવેશ કરાવ્યો.કાયના કંકુપગલા કરતી પોતાના પિયુના ગૃહમાં પ્રવેશી.રોકીએ તેના હાથે મંદિરમાં દિવો અને આરતી કરાવી.તેના હાથના થાપા લીધા.બધું પતાવતા રાત થઇ ગઇ.ડિનર કરીને તે લોકો આખા દિવસનો થાક ઉતારવા પોતપોતાના રૂમમાં આરામ કરવા ગયાં.
કાયના રનબીરના રૂમમાં હજીએ જ કપડાંમાં એ જ રીતે બેસેલી હતી.અચાનક રનબીર તે રૂમમાં આવ્યો.કાયનાનું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું.આજ પહેલા ઘણીબધી વાર રનબીરને તે ગળે મળી હતી.તેણે રનબીરને કિસ પણ કરી હતી પણ આજે રનબીરની સાથે નજર મળતા જ તેણે પોતાની નજર ફેરવી લીધી.
*************
દમણ,ગુજરાત વલસાડ જીલ્લાથી ધેરાયેલો કેન્દ્ર શાસિત પ્રદેશ.
દમણની એક સેવેનસ્ટાર હોટેલના રોયલ શ્યુટમાં એક પંચાવન કે સાઇઠની આસપાસ લાગતો પુરુષ.ઊંમર ભલે વધારે હોય પણ તેના શરીર પરથી તે દેખાતી નહતી.તેનું શરીર એકદમ કસરતી અને કદ ઊંચું.તેના માથા પર એકપણ વાળ નહતો અને આંખો એકદમ ભૂરી.
અચાનક એક યુવાન અંદર આવ્યો.
"શું સમાચાર?"તેણે પુછ્યું.
" ભાઇ,ખબર પાક્કી છે કે તે સાચે મરી ગઇ છે."
"મારું મન માનવા તૈયાર નથી.આ શકય જ નથી કે તે આમ જ આટલી સરળતાથી મરી જાય.આ નક્કી તોફાન પહેલાની શાંતિ છે.જો આપણું ખૂબજ મોટું કામ પાર પાડવાનું છે.તે મરી ગઇ હશે તો સારું છે નહીંતર મુશ્કેલી ઊભી થઇ શકે છે."તે વ્યક્તિએ કહ્યું.
"સર,સો ટકા પાક્કુ છે કે તે મરી ગઇ છે.નહીંતર આટલા મહિના થયા કઇંક તો સમાચાર મળેને.તેના ઘરના તમામ લોકો પર નજર છે.બધાની હાલત ખૂબજ ખરાબ છે."
"હમ્મ,તો આપણે આપણું કામ અમલમાં મુકી શકીશું.આ વખતે કઇંક એવું થશે કે આખી દુનિયામાં મારું જ નામ ગુંજતું હશે.
રોમિયો ...રોમિયો ....રોમિયો."તે રોમિયો હતો.
શું રોમિયો જાણી શકશે કે કિનારા જીવે છે?
રોમિયોનો પ્લાન શું હશે?
રનબીર અને કાયનાના જીવનની નવી શરૂઆત કેવી રહેશે?
જાણવા વાંચતા રહો.