(વિશાલભાઇની હાલત ખરાબ થતાં તેમને ત્યાં રહેવા દઇને કિનારા અને લવ રમેશભાઇ,લવ શેખાવત અને શિનાને ભગાડવાની વ્યવસ્થા કરે છે પણ તે લોકોને રોમિયો પકડી પાડે છે.અહીં રોકીનો ફોન આવે છે કુશને કે રનબીર અને કાયના લગ્ન કરી રહ્યા છે.કાયના જે પહેલા આ લગ્ન માટે સાફ ના કહી રહી હતી તે અચાનક શું થયું તો માની ગઇ.જાણવા વાંચો)
રનબીર રડવા લાગ્યો.
"કાયના,ત્યારે તારો પરિવાર ક્યાં હતો જ્યારે આપણને કશુંજ જોયા જાણ્યા કે સાંભળ્યા વગર બેરહેમીથી અલગ કરી દેવામાં આવ્યાં હતાં?જો હું તારી સાથે હોતને તો તારી સાથે કશુંજ ખરાબ ના થયું હોત.કોઇની તાકાત નહતી કે તને હાથ લગાડી શકે કે તારા પર ખોટો આરોપ મુકી શકે.કાયના,આ લગ્ન કરવાનો નિર્ણય મારો નથી મારી મમ્મીનો છે.એક મિનિટ હું તેમને ફોન લગાડું છું.તેમણે કહ્યું જ હતું કે તું નહીં માને આ લગ્ન માટે." રનબીરે ફોન બહાર કાઢતા કહ્યું.
"રનબીર,એક મિનિટ.કાયનાની વાત સો ટકા સાચી છે.કિનારા અને કુશની પરવાનગી અને હાજરી વગર આ લગ્ન શક્ય નથી.તું એક માબાપથી તેમની દિકરીનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય ના છિનવી શકે.આ વખતે હું તને વચન આપું છું કે એક વાર આ રોમિયો પકડાઇ જાય અને કાયના નિર્દોષ સાબિત થાય પછી ભલે મારે દુનિયા સાથે લડવું પડે હું લડીશ પણ તમારા બંનેના લગ્ન જરૂર કરાવીશ.આ બાપ પર ભરોસો રાખ દિકરા.તારા માટે હું મારો જીવ આપતા પણ નહીં ખચકાઉ."રોકીએ રનબીરનો હાથ પકડીને કહ્યું.
"પપ્પા,એકવાર મમ્મી સાથે વાત કરી લો.તેનું શું કહેવું છે તે સાંભળી લો." રનબીરે નેહાને વીડિયો કોલ લગાવ્યો.
થોડીક વારમાં જ સામે છેડે નેહા હતી.તેણે રોકીને જોયો અને તેના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો.તેની આંખો સમક્ષ રોકીએ કરેલા તમામ અત્યાચાર આવી ગયા. પોતાની બહેનની દુર્દશા હોય કે રનબીરની માની ખરાબ દશા,કિનારા અને તેની દાદી સાથે કરેલા દુરવ્યવહાર,પોતાની ખાલી કુખ અને મરેલા બાળકની યાદ તેને બેચેન કરી ગઇ.તેને રોકીની આપેલી ધમકી યાદ આવી.રનબીરથી અલગ થવાનું હવે તે વિચારી પણ નહતી શકતી.તેની આંખમાં ભય સાફ દેખાતો હતો.
"નેહા,તારી આંખો જોઇને સમજી શકું છું કે તારા પર શું વિતતી હશે?તું શું વિચારે છે?તું કેટલી ડરેલી છે.જે થઇ ગયું તેના માટે તારી માફી માંગવાની ભુલ નહીં કરું કેમ કે મે કોઇ ભુલ નહતી કરી,પાપ કર્યા હતાં.જેની મે થોડીઘણી સજા ભોગવી છે.
નેહા,હું બદલાઇ ગયો છું.પ્લીઝ,થઇ શકે તો ભૂતકાળ ભુલીને એક નવી શરૂઆત કર.મને મારા પિતાનો સ્નેહભર્યો હાથ મારા માથે જોઇએ છે.મારા ઘડપણમાં મારા દિકરાના હાથ લાકડીની જગ્યાએ જોઇએ છે અને મને મારી નેહા જોઇએ છે.પ્લીઝ નેહા."આટલું બોલી રોકી બે હાથ જોડીને ઘુંટણીયે બેસી ગયો.
નેહાની આંખમાં આંસુ હતાં.
"રોકી,તે બધી વાત આપણે મળીશુ ત્યારે કરીશું.અત્યારે તું રનબીર અને કાયના સાથે છે.એમ માની લે ભગવાને તને એક તક આપી છે જો તું આ પરીક્ષામાં સફળ થયો તો તારા બધાં પાપ ધોવાઇ જશે."
અચાનક નેહાનું ધ્યાન થોડીક ગુસ્સામાં ઊભેલી કાયના તરફ ગયું.નેહાના ચહેરા પર તેને જોઇને સ્મિત ફરકી ગયું.છેલ્લે તે નાનકડી કાયનાને તેણે જોઇ હતી જે એકદમ માસુમ અને એકદમ વહાલી લાગે તેવી હતી.અત્યારે પણ ખૂબજ વહાલી લાગી રહી હતી.
" મારી નાનકડી કિનારા,ના ના કુશ છે તું.કિનારા અને કુશનું અદભુત સમન્વય છે.હું આજે રનબીરની મા તરીકે નહીં પણ કિનારાની બહેન તરીકે વાત કરીશ.મને વિશ્વાસ હતો કે તું આ લગ્ન માટે રાજી નહીં થાય અને તે બરાબર જ વિચાર્યું પણ હું તને આજે કિનારાની બહેન તરીકે વિનંતી કરીશ કે તું આ લગ્ન માટે માની જા.કરી લે આ લગ્ન.
હું સમજી શકું છું કે પરિવારની સંમતિ અને હાજરી વગર આ લગ્ન કરવા તારા માટે અશક્ય છે પણ હું તને એક જ વાત કહીશ મારા પર વિશ્વાસ કર અને આ લગ્ન કરી લે.પ્લીઝ,તને રૂબરૂ મળીશ ત્યારે કારણ ચોક્કસ જણાવીશ.બસ એમ માન કે આ લગ્ન હાલમાં ખૂબજ જરૂરી છે.તે કારણ જ્યારે કિનારા પણ જાણશે તો તે પણ નારાજ નહીં થાય.એકવાર આ બધું ઠીક થઇ જાયને પછી આખું મુંબઇ યાદ રાખે તેવી જાન લઇને આવીશુંને ધામધૂમથી ફરીથી તમારા બંનેના લગ્ન કરાવીશું."નેહાએ બે હાથ જોડીને કાયનાને વિનંતી કરી.તેમની આંખોમાં જ જોઇ રહેલી કાયના ભાવુક થઇ ગઇ મા જેવી જ માસી અને હવે થવાવાળી સાસુને જોઇને.તેણે માથું હકારમાં હલાવ્યું.
"વાહ ખૂબજ સરસ.રનબીર,મે તને જે પોટલી આપી હતી તે આપ તેને."નેહાએ કહ્યું.રનબીરે નેહાએ આપેલી અમાનત કાયનાને આપી.તેમા લગ્નની લાલ રંગની સાડી હતી જે ઘણી જુની લાગતી હતી.તેમા જુના જમાનાનો એક સોનાનો સેટ,એક ડબ્બામાં કાચની લાલ બંગડીઓ હતી.
"કાયના આ મારા પરનાનીના લગ્નની સાડી છે.મારા નાની,મારી મમ્મીએ આ જ સાડી પહેરી હતી તેમના લગ્નમાં.તેમનું લગ્નજીવન એકદમ સુખરૂપ રહ્યું.મે મારા લગ્ન વખતે ફેશનમાં અને રોકીના દબાણમાં આવી ડિઝાઇનર સાડી પહેરી હતી.મારા લગ્નજીવન વિશે તું જાણે જ છે.હું કોઇ અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી કરતી.આ કોઇ અંધવિશ્વાસ નથી બસ એક અહેસાસ છે.મારા પરનાની,નાની અને મારી મમ્મીના આશિર્વાદ છે.તમારા લગ્નજીવનને તે સૌના આશિર્વાદ મળશે.મારી ઇચ્છા છે કે તું આજે આ સાડી પહેરે.પહેરીશને?"નેહાએ પુછ્યું.કાયનાએ હકારમાં માથું હલાવ્યું.
કાયના પંડિતજીના પત્ની સાથે તૈયાર થવા જતી રહી.
અત્યારે.......
રોકીએ આ વાત કુશ,કિનારા અને લવ મલ્હોત્રાને ફોન પર જણાવી.
"મને વિશ્વાસ છે કે નેહાએ કઇંક વિચારીને જ આટલું મોટું પગલું ભર્યું હશે પણ કેમ? રોકી,શું તું નેહાને લઇને મને વીડિયો કોન્ફરન્સમાં ફોન કરી શકીશ?"કિનારાએ પુછ્યું.
રોકીએ માથું હકારમાં હલાવ્યું.થોડીક જ વારમાં રોકીનો ફોન આવ્યો.નેહા અને કિનારા એકબીજાની સામે હતા.નેહા કિનારાને જીવતી જોઇને અત્યંત ખુશ થઇ.કિનારા અને નેહા બંનેની આંખો ભીની હતી.એક સમય હતો જ્યારે બંને એકબીજાની એકદમ નજીક હતી અને આજે બંને એકદમ દૂર.
"કિનારાદીદી,રનબીર જ્યારે મને તમારા મૃત્યુ વિશે કહ્યું મને તે વાત પર વિશ્વાસ જ ના અાવ્યો.મને વિશ્વાસ હતો કે મારી બહેન જીવે છે.મને માફ કરી દો.આટલા વર્ષ તમારાથી દૂર રહેવું મારી મજબૂરી હતી પણ હવે હું મજબૂર નથી આપણે જલ્દી જ મળીશું.કાયનાને આ વાત જણાવવી પડશે."નેહા ખુશીના આંસુ સાથે બોલી.
"નેહા,ભૂતકાળમાં શું થયું શું નહીં.તે બધી વાતને ભૂતકાળમાં જ દફનાવી દઇએ.મને ખુશી છે કે મારી કાયનાને સાસરામાં પણ મા જ મળવાની છે.એક એવી મા જે તેને સગી માથી વિશેષ પ્રેમ આપશે પણ નેહા આ લગ્નની આટલી ઉતાવળ કેમ?મારી કાયનાના લગ્ન માટે મે ઘણાબધા અરમાન સેવેલા છે."કિનારાએ પુછ્યું.
નેહા થોડીક ગંભીર થઇ ગઇ અને બોલી,"કિનારાદીદી,કાયના સાથે ખૂબજ ખરાબ થયું.મને તેના માટે ખૂબજ દુઃખ થતું હતું તો મે મારી એક ફ્રેન્ડ પાસે કાયનાની જન્મતારીખ,સ્થળ અને સમયના આઘારે તેની કુંડળી બનાવડાવી.તેને મારી સહેલીએ અેક ખૂબજ મહાન જ્યોતિષ આચાર્યને બતાવી.મે મારા રનબીરની કુંડળી પણ તેમને બતાવી હતી.મે તેમની સાથે ફોન પર વાત કરી હતી.
તેમણે કહ્યું કે કાયનાના જીવનમાં ત્યાંસુધી તોફાન આવ્યાં જ કરશે જ્યાંસુધી તેના જીવનમાં કોઇ વિર યોદ્ધો નહીં આવે એક એવો વિર જે તેની રક્ષા કરશે તેના પર આવનાર મુસીબતને પોતાના વારથી ટાળી દેશે.જેની સાથે કાયના સતત સુરક્ષિત રહેશે.
મે તેમને રનબીર અને કાયનાના પ્રેમ વિશે જણાવ્યું.તેમણે રનબીરની કુંડળી જોઇ.તેમણે રનબીર અને કાયનાની કુંડળી મિલાવી અને કહ્યું,"ઉત્તમ અતિઉત્તમ.ગ્રહો અને ગુણો એકદમ સરસ રીતે મળે છે.પ્રભુએ તેમનું સર્જન એકબીજા માટે જ કર્યું છે.રનબીર જ એ યોદ્ધો છે જે કાયનાને સુરક્ષિત રાખશે અને તેની સાથે રહીને કાયના હંમેશાં દરેક તકલીફોથી દૂર રહેશે.
બેટા,આ તારીખ અને આ મુહૂર્તમાં જો તેમના લગ્ન થઇ જશે તો તે તેમના બંનેના પરિવાર માટે ઉત્તમ ફળ આપશે.કાયના પર આવેલી ઘાત ટળી જશે અને શત્રુઓનો વિનાશ થશે.આ બંનેના લગ્ન સમાજ માટે પણ ફળદાયી રહેશે."નેહાએ કહ્યું.
કિનારા નેહાની વાત સાંભળીને તે જ્યોતિષની વાત યાદ કરવા લાગી.જેમણે કાયનાના ભવિષ્ય માટે ખૂબજ ડરામણું કથન કર્યું હતું.કિનારાને પણ નેહાના જ્યોતિષાચાર્યની વાત સાચી લાગી કેમકે જ્યારથી રનબીર કાયના પાસે હતો બધું ધીમેધીમે ઠીક થઇ રહ્યું હતું.
"કિનારાદીદી,એક બીજી પણ વાત હતી.કાયના અને રનબીર એકબીજાને પ્રેમ કરે છે.બંને યુવાન છે અને સુંદર છે.મને આપણા સંસ્કારો પર વિશ્વાસ છે કે તે બંને પોતાની મર્યાદા નહીં ઓળંગે પણ યુવાનીનું જોશ,સમય અને સંજોગોના ચાલતા તેમણે તેમની મર્યાદા ઓળંગી દીધી તો?
માની લો કશું ના પણ થયું તો લોકોનું શું?લોકો તો જેવીતેવી વાતો કરશે જ.હું નથી ઇચ્છતી કે મારી કાયના પર કે મારા રનબીર પર કોઇ આંગળી ઉઠાવે.કિનારા એકવાર આ બધું ઠીક થવા દે પછી અમે એવી જાન લઇને આવીશું કે આખી મુંબઇ યાદ રાખશે.તો કિનારા અને કુશ અમે એટલે કે હું,રોકી અને પપ્પાજી અમારા લાડલા દિકરા રનબીર માટે કાયનાનો હાથ માંગીએ છીએ.શું તમને આ લગ્ન મંજુર છે?"નેહાએ હસીને કહ્યું.
કિનારાએ અને કુશે એકબીજાની સામે જોયું.તેમણે પલક ઝપકાવીને સહમતી આપી.
"ચિંતા ના કરો.હું તમને પૂરા લગ્ન લાઇવ બતાવીશ."રોકીએ કહ્યું.
"રોકી-નેહા,હું અને લવ જીવતા છીએ અને અમે કુશ સાથે છીએ આ વાત હાલમાં રનબીર અને કાયનાને ખબર ના પડવી જોઈએ.આ વાત અમે જ તેમને જણાવીશું."કિનારાએ કહ્યું.
રોકીએ પોતાના ફોનમાં કુશને વીડિયો કોલ કરીને ફોન શર્ટના ખીસામાં એ રીતે રાખ્યો કે તે લોકો બધું જોઇ શકે.
રનબીર શાઇનીંગવાળા ઓફ વ્હાઇટ કુરતા અને ચુડિદારમાં તૈયાર થઇ ગયો હતો.તે કાયનાની રાહ જોઇ રહ્યો હતો.
થોડીક જ વારમાં કાયના દુલ્હનના રૂપમાં બહાર આવી.કાયનાને દુલ્હનના રૂપમાં જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયાં.
જુવો કાયના અને રનબીરના લગ્ન,કેવીરીતે કિનારા અને લવ મલ્હોત્રા રોમિયોની કેદમાંથી છટક્યાં?આવતા ભાગમાં.
કુશનું નેક્સ્ટ સ્ટેપ શું હશે?
ક્યાં છે રોમિયો ?
જાણવા વાંચતા રહો.