Prayshchit - 56 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 56

પ્રાયશ્ચિત પ્રકરણ 56

કેતન અને જાનકી ઘરે પહોંચ્યાં ત્યારે લગભગ છ વાગવા આવ્યા હતા.

અહીંની તમામ ટીવી ન્યુઝ ચેનલોમાં સાંજના છ વાગ્યાના મુખ્ય સમાચારોમાં "કે. જમનાદાસ" ટ્રસ્ટની નવી હોસ્પિટલના ઉદ્ઘાટનના સમાચાર હતા. તમામ ન્યૂઝ ચેનલોએ હોસ્પિટલના પેટ ભરીને વખાણ કર્યા હતા.

બે થી ત્રણ વાર સ્ક્રીન ઉપર કેતનનો પ્રવચન કરતો ફોટો અને હોસ્પિટલ બતાવીને કેતનના વિચારોની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. કેતનના પ્રવચનની ક્લિપ પણ બતાવી હતી.

" વાહ ભૈયા આપ તો છા ગયે હો ! ક્યા કમાલ કે લગ રહે હો ટીવી પે !! " સમાચાર જોઈને શિવાની બોલી ઉઠી.

" કઈ ફિલ્મનો ડાયલોગ છે આ ? " કેતન હસીને બોલ્યો. શિવાનીને ફિલ્મો જોવાનો બહુ જ શોખ હતો એટલે કેતન એને ઘણી વાર ખીજવતો.

" શું ભાઈ તમે પણ !! તમારા વખાણ કરું છું તોય તમને ગમ્મત સૂઝે છે !! " શિવાની મોં મચકોડીને બોલી.

" ના પણ શિવાનીની વાત તો સાચી છે. ટીવી ન્યૂઝ ચેનલોવાળા એ પણ કેતનનાં ભરપૂર વખાણ કર્યાં છે. અને ઘણું કવરેજ આપ્યું છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" ન્યૂઝ ચેનલોમાં આવી ગયા પછી હવે કેતનને આખું જામનગર ઓળખતું થઈ જશે. " જગદીશભાઈ બોલ્યા.

અને જગદીશભાઈની વાતને ટેકો આપવા માટે બે મિનિટમાં જ આશિષ અંકલનો ફોન આવ્યો.

" અરે કેતન કોન્ગ્રેચ્યુલેશન !! હવે તો ન્યૂઝ ચેનલવાળા પણ તારાં વખાણ કરતાં થાકતા નથી. વેલડન કેતન. મને ખૂબ જ આનંદ થયો. " આશિષ અંકલ બોલ્યા.

" થેંક્યુ અંકલ. તમારા બધા વડીલોના આશીર્વાદ છે. પપ્પા એ પણ હમણાં એ જ કહ્યું. બસ લોકોની દિલથી સેવા કરી શકું એ જ માત્ર ભાવનાથી આગળ વધી રહ્યો છું. પૈસા બનાવવાની કોઇ જ વૃત્તિ નથી. " કેતન બોલ્યો.

" હું તને ક્યાં નથી ઓળખતો ? બસ આ સમાચાર સાંભળ્યા એટલે ફોન કરવાનું મન થયું. ચાલો..બેસ્ટ ઓફ લક. " કહીને કાલે ફોન કટ કર્યો.

" આશિષ અંકલનો ફોન હતો પપ્પા. એમણે પણ ન્યુઝ ચેનલમાં સમાચાર જોયા એટલે અભિનંદન માટે ફોન કર્યો." કેતન બોલ્યો.

" આશિષ અહીંયા છે ત્યાં સુધી તારા માટે એ બહુ મોટો સપોર્ટ છે. તારા માટે એને લાગણી પણ ઘણી છે. " પપ્પા બોલ્યા.

" હા પપ્પા. એમણે મને ઘણો સપોર્ટ આપ્યો છે. " કેતન બોલ્યો.

જો કે હવે અસલમ શેખ નો સપોર્ટ મળ્યા પછી કેતન એકદમ નિશ્ચિંત થઈ ગયો હતો. એણે એનો પ્રત્યક્ષ પ્રભાવ જોયો હતો. આશિષ અંકલ એક બે વર્ષ પછી કદાચ ના પણ હોય તો પણ અસલમ તો એની સાથે જ હતો.

પોણા સાત થયા એટલે દક્ષાબેન સાંજની રસોઈ માટે આવી ગયાં. સવારે એમણે પુરણપોળી બનાવી હતી એટલે અત્યારે સાંજે હોટલમાં ડીનર લેવાની કેતનની ઈચ્છા હતી.

" શું કરવું છે ? આજે ડીનર માટે આપણે હોટલમાં જઈશું ? " કેતને બધાંને પૂછ્યું.

મમ્મી-પપ્પા સિવાય બધાનો મત પણ એવો જ હતો કે આજે આટલું મોટું ફંકશન થયું હતું તો એકવાર હોટલનો આનંદ પણ લેવો જોઈએ !! જો કે આજે મમ્મી પપ્પાએ પણ સંમતિ આપી દીધી.

" માસી તમે અત્યારે આરામ કરો. આજે અમે બધા હોટલમાં ડીનર માટે જઈએ છીએ. તમે સવારે આવી જજો. સોરી.. મારે તમને સવારે જ કહેવું જોઈતું હતું. તમને ખાલી ધક્કો પડ્યો. " કેતન બોલ્યો.

" કાંઈ વાંધો નહીં સાહેબ. સવારે આવી જઈશ. " કહીને દક્ષાબેન નીકળી ગયા.

જાનકીને પંજાબી ડીશ પસંદ હતી એટલે કેતને પંજાબી રેસ્ટોરેન્ટમાં જવાનું નક્કી કર્યું.

હમણાં જ શ્રીજી સનમુખ કોમ્પલેક્ષમાં નવી બનેલી ઓય-તેરી કુલચા કલ્ચર રેસ્ટોરન્ટ વખણાતી હતી એટલે ત્યાં જવાનું નક્કી કર્યું. એણે મનસુખને વાન લઇને આઠ વાગ્યે આવી જવાનું કહી દીધું. સાડા આઠ વાગે બધા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. કેતને મનસુખને પણ જમી લેવાનું કહ્યું.

કેતનના આશ્ચર્ય વચ્ચે હોટલનો સ્ટાફ અને જમવા માટે આવેલા કેટલાક લોકો પણ કેતનની સામે જોઈ રહ્યા હતા. તો કેટલાક અંદરોઅંદર ગુસપુસ કરતા હતા.

" વેલકમ સર... " કહીને કાઉન્ટર ઉપર બેઠેલો યુવાન ઉભો થઇ ગયો. કેતન એના રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો એનું એને ગૌરવ હતું. જમવા આવેલા બે ત્રણ યુવાનોએ તો કેતનનો ફોટો પણ પાડી લીધો. કોર્નર નાં બે ટેબલ ભેગાં કરી એક વેઈટરે બધાંને બેસવાની વ્યવસ્થા કરી આપી.

" અહીંના કુલચા બહુ જ ફેમસ છે એવું સાંભળ્યું છે. કુલચામાં જાત જાતની વેરાઈટીઝ મેનુમાં છે. બોલો કઈ મંગાવીશું ?" કેતન બોલ્યો.

" તને અને જાનકીને જે ભાવતું હોય એ મંગાવો. અમારે તો બધું ચાલશે." જયાબેન બોલ્યાં.

" હા કેતન, મમ્મીની વાત સાચી છે. તારો દિવસ છે આજે ! ચોઈસ ઈઝ યૉર્સ !! તું જમાડે એ જમવાનું. રેસ્ટોરન્ટમાં પણ તારું રિસ્પેક્ટ વધી ગયું છે. " સિદ્ધાર્થે હસીને કહ્યું.

મેનુ બરાબર જોયા પછી ઓલ ઈન વન કુલચા અને સાથે પોતાની પસંદગીનાં પાલક પનીર અને પનીર લબાબદાર નો ઓર્ડર આપ્યો. મમ્મી પપ્પા માટે વેજિટેબલ કોલ્હાપુરી અલગ મંગાવ્યું. સાથે બધા માટે ફ્રાઈડ પાપડ અને છાશ તો ખરી જ ! રાઈસ અને દાલ ફ્રાય છેલ્લે રાખ્યાં.

કુલચા ખરેખર સ્વાદિષ્ટ હતા. સબ્જીનો ટેસ્ટ પણ પ્રમાણમાં ઘણો સારો હતો. કુલચા પછી છેલ્લે જીરા રાઈસ અને દાલ ફ્રાયનો ઓર્ડર આપ્યો.

ડીનર પતી ગયું ત્યારે લગભગ દસ વાગવા આવ્યા હતા. છેલ્લે છેલ્લે કેતને બધા માટે ડેસર્ટ તરીકે આઇસક્રીમનો ઓર્ડર પણ આપી દીધો.

" સર ફૂડ કેવું લાગ્યું ? અમે પાર્સલ સેવા પણ આપીએ છીએ. આ મેનુમાં અમારા ફોન નંબર પણ છે. " કહીને એક સરદારજીએ બે મેનુ કેતનના હાથમાં આપી દીધાં.

ઘરે પહોંચ્યા ત્યારે સાડા દસ વાગી ગયા હતા અને આજે તો બધા થાકી ગયા હતા. એટલે આજે વાતો કરવાના બદલે સમયસર સૂઈ જવાનું બધાએ પસંદ કર્યું.

બીજા દિવસે સવારે ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતાં પીતાં ચર્ચા ચાલી.

" કેતન હોસ્પિટલના ઉદ્ઘાટનનો પ્રસંગ તો બહુ જ સરસ રીતે પતી ગયો. હવે અમારી ફ્લાઇટની ટિકિટો બુક કરાવી દે. કારણ કે બીજી ડિસેમ્બરે લગ્ન છે અને આપણી પાસે સમય પણ ઓછો છે. જાનકીને પણ ત્યાં ઘણી તૈયારીઓ કરવાની હોય છે એટલે આ વખતે વધુ રોકાઈ શકાય એમ નથી. " જગદીશભાઈ બોલ્યા.

" પપ્પા... બંગલો એકદમ તૈયાર છે અને આખો પરિવાર પણ હાજર છે તો આપણે ફટાફટ વાસ્તુ અને નવચંડી કરાવી દઈએ તો ? " કેતન બોલ્યો.

" મને એમ લાગે છે કે બંગલાના વાસ્તુની આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. કારણ કે નવા બંગલામાં તું જાનકીની સાથે સજોડે પૂજામાં બેસે તો વધારે સારું રહેશે. અને મહિના બે મહિના પછી વાસ્તુ કરાવે તો પણ ક્યાં વાંધો છે ? આ મકાન પણ સારું જ છે ને ? " જયાબેન બોલ્યાં.

"જયાની વાત સાચી છે કેતન. કારણ કે ૧૩ તારીખે તારી હોસ્પિટલ ચાલુ થઈ જવાની છે. થોડા દિવસ તારે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. થોડો અનુભવ લેવો પડશે. તારા માટે પણ આ બધું નવું છે એટલે વચ્ચે અત્યારે નવા બંગલાના વાસ્તુનું વિચારવું યોગ્ય નથી. " પપ્પા જગદીશભાઈ બોલ્યા.

" ઠીક છે... તો પછી મકાનનું વાસ્તુ હમણાં મુલત્વી રાખું છું. મેરેજ પતી જાય પછી સારુ મૂહુર્ત જોઈને ગૃહપ્રવેશ કરીશું. " કેતન બોલ્યો.

" હા.... અને હવે તારે સુરત આવવાનો પ્રોગ્રામ કેવી રીતે બનાવવાનો છે ? કારણ કે બીજી ડિસેમ્બરે લગ્ન છે. એના ત્રણેક દિવસ પહેલાં તો સુરત આવી જવું પડે. અને લગ્ન પછી પણ હનીમૂન માટે તમે લોકો હિલ સ્ટેશન ફરી આવો કે પછી વિદેશ જઈ આવો તો એમાં પણ અઠવાડીયું થાય. એટલે દસ-બાર દિવસ તારે આ બધી પ્રવૃત્તિ છોડવી પડશે." જગદીશભાઈ બોલ્યા.

" હનીમૂન માટે વિદેશ ફરવા જવાની અત્યારે મારી કોઈ ઈચ્છા નથી. અને કદાચ વિચાર બદલાય તો દુબઈ જવાનું પસંદ કરીશ. બાકી ઇન્ડિયામાં પણ ઘણી બધી જગ્યાઓ છે." કેતન બોલ્યો.

ચા-પાણી પીને કેતન મુંબઈ જવા માટે આવતી કાલની છ ટિકિટો બુક કરાવવા મોબાઈલ લઈને બેઠો ત્યાં જ શિવાની બોલી ઉઠી.

" પપ્પા મારે અત્યારે વેકેશન ચાલે છે તો થોડા દિવસ હું ભાઈ પાસે રહેવા માગું છું. મને અહીં બહુ સારું લાગે છે. "

" હા તો વાંધો નહીં. કેતન... શિવાની ભલે અહીંયા રહેતી. નાનપણથી એને તારી માયા વધારે છે. ઉનાળાના વેકેશન પછી એનું એડમિશન પણ અહીંની કોલેજમાં લઈ લઈશું. " જગદીશભાઈ બોલ્યા.

" તમે પણ શું... ભલે અહીં રહેતી કહો છો ? લગ્નમાં એને પણ તૈયારીઓ નથી કરવાની ? ભાઈનાં લગન છે. એના સારા ડ્રેસ લેવાના છે. એની પણ મનપસંદ જ્વેલરી લેવાની છે. કેતન તું શિવાનીની ટિકિટ પણ બુક કરાવી લે. ઉનાળા પછી નવા વર્ષમાં ભલે અહીંયા ભણતી હોય તો મને વાંધો નથી. " જયાબેન બોલ્યાં.

શિવાની એ પછી કંઈ બોલી નહીં. મમ્મીની વાત સાચી હતી કે ભાઈના લગ્નમાં એને પણ ઘણું શોપિંગ કરવું હતું.

કેતને ફ્લાઇટની છ ટિકિટ બુક કરાવી દીધી. જામનગર અને મુંબઈ વચ્ચે માત્ર એક જ ફ્લાઇટ આવતી જતી હતી.

" આજે આપણે જમી કરીને નવા બંગલે એક ચક્કર મારી આવીએ. અત્યારે ફર્નિચર સાથે બંગલો તૈયાર છે. ગાર્ડન પણ ડેવલપ થઈ રહ્યો છે. " કેતને કહ્યું.

" હા બંગલો જરૂર આજે જોઈ લઈએ. એ બહાને ટાઈમ પણ પસાર થઈ જશે. " સિદ્ધાર્થ બોલ્યો.

આરામ કરીને સાંજે લગભગ ચાર વાગે બંને ગાડીઓમાં કેતન અને એનું ફેમિલી જમનાદાસ બંગ્લોઝ પહોંચી ગયું.

બે મહિનામાં તો બંગલાની આખી સિકલ બદલાઇ ગઇ હતી. અંદરનું ઇન્ટિરિયર તો કમાલનું હતું. દોશીસાહેબ પાસે એક આગવું વિઝન હતું અને એ આ બંગલામાં દેખાઈ આવતું હતું. ફર્નિચર પણ અદભુત બનાવ્યું હતું. દિવાલના કલરની સાથે મેચિંગમાં ફર્નિચરનું સનમાઈકા પસંદ કર્યુ હતું.

નીચેના બે બેડરૂમમાં બે મોટા બેડ અને ઉપર પહેલા માળે બેડરૂમમાં પણ મોટો બેડ ગોઠવી દીધો હતો. દરેક બેડરૂમમાં પણ નાના મોટા સોફાની વ્યવસ્થા કરી હતી. કિચનમાં પણ દરેક વોલ નો ઉપયોગ કર્યો હતો જેથી નાનો-મોટો સામાન મૂકી શકાય. ડ્રોઈંગ રૂમ તેમજ તમામ બેડરૂમમાં પણ એ.સી.ની વ્યવસ્થા હતી. કિચનમાં મોટુ ફ્રીજ પણ આવી ગયું હતું. જગુઆરના નળ ફિટ કરવામાં આવ્યા હતા. તમામ વિન્ડો ઉપર લેટેસ્ટ પરદા લગાવેલા હતા.

ગાર્ડનમાં પણ મહેંદીની વાડ બનાવવા માટે રોપા લગાવેલા હતા. આખાય ગાર્ડનમાં ઘાસ ઉગાડવામાં આવ્યું હતું. ગાર્ડન માટે હીંચકાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ જાણી જોઈને એની ડિલીવરી લીધી નહોતી. કારણ કે એ ગાર્ડનમાં બહાર મૂકવો પડે અને અહીં હજુ કોઈ રહેવા આવ્યું ન હતું.

બંગલો જોઈને સમગ્ર પરિવાર ખુશ થઈ ગયો. આવતી કાલથી જ રહેવા આવી જવાય એટલી બધી વ્યવસ્થા એમાં કરી દીધી હતી. ગેસની પાઈપલાઈન પણ આપી દીધી હતી.

" સમર વેકેશન પછી હું તો કાયમ માટે અહીં જ આવી જવાની. ભાઈ મને અહીંની કોલેજમાં એડમિશન લઈ આપશે. " કેતનનો સુંદર બંગલો જોઇને શિવાની બોલી ઉઠી.

" હા ચોક્કસ... તમે અહીંયા જ રહેજો શિવાનીબેન. મને પણ તમારી કંપનીની જરૂર છે. હોસ્પિટલ ચાલુ થઇ જશે પછી તો તમારા ભાઈ વ્યસ્ત થઈ જવાના છે." જાનકીએ કહ્યું.

" તું ચિંતા ના કર જાનકી. શિવાની તારી સાથે જ રહેશે. કોલેજ તો ગમે ત્યાંથી કરી શકાય છે. આટલા મોટા બંગલામાં એકલા એકલા ટાઈમ પણ પસાર ના થાય. " જયાબેન બોલ્યાં.

મમ્મીના આશ્વાસનથી શિવાનીને ખૂબ જ સંતોષ થયો. ચાલો જામનગરમાં ભાઇ-ભાભી સાથે રહેવાનું તો પાક્કું થઇ ગયું !!

સાંજના પોણા છ વાગી ગયા હતા. નવેમ્બરમાં રાત પણ જલ્દી પડી જતી હતી એટલે હવે અહીં વધુ રોકાવાનો કોઈ મતલબ ન હતો. બધાં ગાડીમાં ગોઠવાઈ ગયાં અને ફરી પાછું પટેલ કોલોની તરફ પ્રયાણ કર્યું.

આજે રાતના ભોજનમાં દક્ષાબેને ઘી માં વઘારેલી તુવરની દાળની ખીચડી અને મીઠી કઢી બનાવી હતી. ખીચડીના વઘારમાં તજ લવિંગ અને તમાલપત્રનો સારો ઉપયોગ કર્યો હતો એટલે બંગાળી ટાઇપનો અલગ ટેસ્ટ આવતો હતો.

" તમે આટલી બધી સારી રસોઈ અને જાતજાતની વેરાઈટીઝ બનાવતાં કેવી રીતે શીખ્યાં દક્ષાબેન ? " ખીચડી કઢી ચાખ્યા પછી જયાબેનથી રહેવાયું નહીં. એટલે પૂછી લીધું.

" મારા બાપુજી પણ રસોઈયા હતા અને મારી મા પણ લોકોના ઘરે રસોઇ કરવા જતી. નાનપણથી જ મા-બાપની ટ્રેનિંગ ના કારણે રસોઈમાં હાથ બેસી ગયો હતો બેન. મારા બાપુજીને બહુ જ બધી વેરાઇટી આવડતી હતી. મને જોડે રહીને શીખવાડતા. પાંચ વર્ષ પહેલાં મારા પતિ ગુજરી ગયા એટલે પછી મેં પણ લોકોના ઘરે જઈને રસોડું ચાલુ કર્યું. " દક્ષાબેન બોલ્યાં.

" તમારા હાથની રસોઈ ખરેખર એટલી બધી સ્વાદિષ્ટ થાય છે કે મારું ચાલે તો હું તમને સુરત લઈ જાઉં. મારો દીકરો બે-ત્રણ મહિના પછી એરપોર્ટ રોડ ઉપર નવા બંગલામાં રહેવા જશે. તમારે એના ઘરે ત્યાં પણ રસોઈ ચાલુ જ રાખવાની છે. કેતન અને જાનકીને તમારે જ જમાડવાનાં છે. પૈસાની ચિંતા ના કરતાં. " જયાબેન બોલ્યાં.

" પૈસાનું મારે એવું કંઈ છે નહીં બેન. એરપોર્ટ રોડ મારાથી ચાલતા ના જવાય. અહીંથી બહુ દૂર પડે. મારે બસ કે રીક્ષા કરવી પડે. એટલે સમયસર પહોંચવું થોડું અઘરું પડે. " દક્ષાબેન થોડાં મૂંઝાઈ ગયાં.

" જુઓ માસી... તમે રોજ રિક્ષામાં આવજો અને રિક્ષામાં જજો. અને સમયનું તમે કોઈપણ જાતનું ટેન્શન કરતાં નહીં. અડધો કલાક મોડું વહેલું થાય તો પણ વાંધો નહીં. " કેતન બોલ્યો.

" ભલે સાહેબ. " દક્ષાબેને સંમતિ આપી દીધી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)