(કુશ અને કિનારા વીડિયો કોલ પર એકબીજાને જોઈને ભાવુક થઇ ગયા.કિનારા અને લવને અનાયાસે ઘરની પરિસ્થિતિ વિશે જાણ થતાં તે લોકો આઘાત પામ્યાં.કિનારા કુશ પર ગુસ્સે થઇ પણ પછી તેને ભુલ સમજાઇ ગઇ.કુશને તેણે જલ્દી જ પોતાની પાસે બોલાવ્યો.રનબીર અને કાયના સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીમાં એકબીજાની વધુ નજીક આવ્યાં.)
કુશ બીજા દિવસે બપોરે કચ્છ જવા નીકળવાનો હતો.બપોરની મુંબઇથી ભુજની નોનસ્ટોપ ફ્લાઇટ હતી.તેણે ઘરમાં હજીસુધી કોઇને જણાવ્યું નહતું કે તે કચ્છ જઈ રહ્યો છે.
સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર છેલ્લા અમુક મહિનાની આદત પ્રમાણે નિરવ શાંતિ છવાયેલી હતી.જાનકીવિલામાં બ્રેકફાસ્ટનો સમય પહેલા પરિવાર સાથે મસ્તી અને વાતોનો સમય હતો.નવી નવી વાનગીઓ માણવાનો સમય રહેતો.જ્યારે હવે માત્ર જીવન જીવવા ખાવું પડશે તે જ મજબુરી બધાને ડાઇનીંગ ટેબલ પર લઇ આવતી.
લવ શેખાવત,શ્રીરામ શેખાવત,કુશ,કિયાન,શિવાની અને જાનકીદેવી બેસ્યા હતાં.જ્યારે કિયા,શિના અને અદ્વિકા તેમને નાસ્તો પિરસીને બેસી ગયાં હતાં.ઘરમાંથી ઘણાબધા સદસ્યો સમયાંતરે કોઇ કારણોસર ઓછા થઈ ગયા હતાં.
"માસાહેબ,હું આજે બપોરની ફ્લાઇટમાં ભુજ જઇ રહ્યો છું અને ત્યાંથી કચ્છ.સિંઘાનિયા સાહેબને એક કેસમાં મારી મદદ જોઇએ છે."કુશે કહ્યું.
કચ્છનું નામ પડતા જ જાનકીદેવીને આઘાત લાગ્યો.
"ના,તું ક્યાંય નહીં જાય.મે તે જગ્યાએ મારા દિકરાને ગુમાવ્યો છે.હવે તને ગુમાવવા નથી માંગતી."જાનકીદેવી બરાડી ઉઠ્યા.
"માસાહેબ,કેટલી વાર કહ્યું છે કે લવ અને કિનારા મર્યા નથી અને અગર તે બંને ડ્યુટી કરતા કરતા શહિદ પણ થાયને તો મને ગર્વ થશે.માસાહેબ,મારી ફરજ પહેલા મારા દેશ પ્રત્યે છે.મારે જવું જ પડશે.લવભાઇ,તમે બધાંનું ધ્યાન રાખજો."કુશે કહ્યું.
લવ શેખાવત અને કુશની નજર મળી.ઈશારામાં જાણે તેમને સમજાઇ ગયું કે કુશ ત્યાં કેમ જઇ રહ્યો હતો.
"કુશ,તારું ધ્યાન રાખજે."લવ શેખાવત માત્ર એટલું બોલ્યો પણ તેના અવાજમાં ભારોભાર લાગણી અને ચિંતા દેખાતી હતી.
કુશ બ્રેકફાસ્ટ કરીને પોતાના રૂમમાં સામાન પેક કરવા ગયો.સિંઘાનિયા સાહેબે કહ્યું હતું તે પ્રમાણે તેણે ખૂબજ ઓછો સામાન લીધો હતો.કુશ શિવાની પાસે તેના રૂમમાં ગયો.
શિવાની બાલ્કનીમાં ગુમસુમ બેસેલી હતી.જ્યારથી આ બધું થયું ત્યારથી તેણે કામ પર જવાનું છોડી દીધું હતું.કુશ તેની બાજુમાં જઈને બેસ્યો.
"શિવાની,તને યાદ છે આપણી પહેલી મુલાકાત.તે કિનારાએ કરાવી હતી.આપણે કેટલા સારા મિત્રો હતાં.તું કિનારા તો એકબીજાની જાન સમાન હતાં.
તું જ્યારે યુ.એસ જવાની હતી અને હું અને કિનારા તને મુકવા આવ્યાં હતાં.તે મને કહ્યું હતું કે મારી કિનારાનું ધ્યાન રાખજે.શિવાની,તારા સેંથામા મારા વિશ્વાસ પર આસ્થા રાખીને તે લવના નામનું સિંદુર લગાવ્યું તે જોઈ ખુશી થઇ."કુશે આટલું કહી શિવાનીના બંને હાથ પોતાના હાથમાં લીધાં અને બોલ્યો,"બસ મારી એક વિનંતી સ્વીકારી લે.ફરીથી પહેલાની જેવી શિવાની બની જા.ના...ના..ચાર મહિના પહેલા વાળી શિવાની નહીં.વર્ષો પહેલાની કિનારાની બહેન શિવાની,મારી ખાસ દોસ્ત શિવાની અને લવના હાર્ટબ્રેકને સંભાળી લેનાર શિવાની.
શિવાની,મને વિશ્વાસ છે કે આજે કિનારા અને લવ જીવતા છે અને તે જ્યાં પણ છે ત્યાં એકસાથે છે.તે બંને દોસ્તીથી વિશેષ સંબંધ ધરાવે છે પણ તે સંબંધ પવિત્ર છે.તેનો મને વિશ્વાસ છે.તું મારા આ વિશ્વાસ પર પણ આસ્થા રાખ અને ફરીથી કિનારાની એજ શિવાની બની જા ને.લવની એ જ હસતી રમતી અને મજાક કરતી શિવાની બની જા ને.જો પછી હું લવને મળુ તો તેને શું કહીશ કે શિવાની તો જીવતી લાશ બની ગઇ છે?"
શિવાની આશ્ચર્યથી તેની સામે જોઇ રહી હતી.
"શિવાની,કોશિશ કરવાથી જ તે શક્ય થશે.કિનારા અને લવને લઇને તારા મનમાં જે પણ નકારાત્મક વિચારો છે તે કાઢી નાખ.આજે આટલા મહિનાથી તે લોકો પતિપત્નીનો વેશ ધરીને ભલે છુપાયેલા હોય પણ ગમે તેવી નબળી ક્ષણો ભલે આવીહોય પણ તે બંનેએ તેમની મર્યાદા ક્યારેય નહીં ઓળંગી હોય.તે મને વિશ્વાસ છે.બોલ,તું કરીશ મારા આ વિશ્વાસ પર વિશ્વાસ?"કુશે તેનો ચહેરો પોતાના હાથમાં પકડીને તેની સામે જોયું.
કુશની આંખોની ચમક અને ચહેરા પર વિશ્વાસ જોઇને તેના માથું અનાયાસે જ હકારમાં હલ્યું.કુશે તેના કપાળ પર ચુંબન કર્યુ.શિવાની કુશના ગળે લાગીને રડવા લાગી.
"તને એ મળેને તો એમને કહેજે કે આજસુધી મે તેમની સાથે જે પણ ખોટું કર્યું તેના માટે સોરી."શિવાનીને બોલતી અટકાવીને કુશે તેને કહ્યું,"એક કામ કેમ નથી કરતી.તું જે પણ કહેવા માંગે છે તે રેકોર્ડ કરી દે.હું લવને તારો મેસેજ પહોંચાડી દઈશ.ચિંતા ના કર.હું સાંભળીશ નહીં."કુશે કહ્યું.તેની વાત પર તે બંને હસી પડ્યાં.
"એક મેસેજ મારા લવ માટે અને બીજો મારી કિનારા માટે."શિવાની બોલી.
કિયા પણ ત્યાં આવી.તેણે આ વાતો સાંભળી.તે ખૂબજ ખુશ હતી કે તેની મોમ બદલાઇ ગઈ હતી.શિવાનીએ કુશને લવ અને કિનારા માટે વીડિયો મેસેજ આપ્યા.તે ત્રણેય જણાએ ખૂબજ સેલ્ફી લીધી.
કુશ કિયાનને મળવા માંગતો હતો.કિઆન કોલેજથી આવીને ગાર્ડનમાં બેસેલો હતો.તે થોડો વ્યગ્ર જણાતો હતો.કુશ તેની બાજુમાં આવીને બેઠો.
"ડેડ,મે સાંભળ્યું કે તમે કચ્છ જઇ રહ્યા છો.ડેડ,મારી મોમને શોધી કાઢજોને પ્લીઝ.ડેડ,તમે મોમ પાસે જઈ રહ્યા છો?ડેડ,મને મમ્માની બહુ યાદ આવે છે."કિઆન ભાવુક થઇ ગયો.કુશે તેને ગળે લગાવ્યો.
"કિઆન,તું આટલો વહેલો ઘરે કેમ આવી ગયો?તારી કોલેજ તો બપોરે પતે છે."કુશે પુછ્યું.
કિઆનના ચહેરા પરનો રંગ ઉડી ગયો.પૂરી કોલેજમાં જે કિઆન તેની હોશિયારી,સમજદારી અને સ્માર્ટનેસ માટે જાણીતો હતો.તે હવે બધાંમાં હાંસીપાત્ર બની ગયો હતો.
આજનો બનાવ તેને યાદ આવ્યો.જ્યાં તેના મિત્રો જ તેની મજાક ઊડાવી રહ્યા હતાં.
"અરે કિઆન તો હવે કુંવારો છોકરો નથી રહ્યો પરિણીત પુરુષ બની ગયો છે."એક છોકરો મજાકમાં બોલ્યો.
"હા હા બધો અનુભવ આવી ગયો છે તેની પાસે."બીજો હસતા હસતા બોલ્યો.તેણે આંખ મારી એટલે બધાં હસવા લાગ્યાં.
"હા હા,કોઇને કઇ સલાહ જોઈતી હશે તો જરૂર આપશે."ત્રીજાની વાત પર બધાં હસી પડ્યાં.
કિઆને આ બધું જ તેના પિતાને કહ્યું.
"ઓહો,બસ આટલી વાત.મને લાગ્યું તું મારા જેટલો જ સ્ટ્રોંગ છે.તને ખબર છે તારી મોમ અને મારા લગ્ન પણ કોલેજના છેલ્લા વર્ષમાં થયા હતાં અને તે કેમ થયાં હતા તે પણ તને ખબર છે.તારી કાયનાદી આવવાની હતી.અમે પણ આ બધું સહન કર્યું છે.અમારી સાથે જે થયું કે અમે જે કર્યું તે પરિસ્થિતિની માંગ હતી.તારા લગ્ન પણ પરિસ્થિતિની માંગ હતી.હું તો તને આભાર કહીશ કે તે અાટલું મોટું બલિદાન માત્ર પરિવાર માટે આપ્યું.આ બધી વાતો પર ધ્યાન ના આપતા અદ્વિકાનું ધ્યાન રાખજે અને હા આવતીકાલથી કોલેજ નથી જવાનું તારે."કુશની વાત પર કિઆન ચોંક્યો.
"કેમ ડેડ?"
"કાલથી તું રાહુલ સાથે એ.ટી.એસની ઓફિસ જઈશ.મારી તારા પ્રિન્સિપાલ સર અને કમિશનર સાહેબ સાથે વાત થઇ ગઈ છે.આ મારો ઓર્ડર છે.આમ તો તું સિવિલીયન કહેવાય અને પ્રવેશ પરિક્ષા તથાં ટ્રેનિંગ વગર તું ત્યાં ના જઈ શકે પણ અમે જે નિર્ણય લીધો છે તે કઇંક વિચારીને લીધો છે.હાઇ કમાન્ડથી આ સ્પેશિયલ મિશન માટે તારા માટે ખાસ પરવાનગી લીધી છે.આને તારા જીવનની શ્રેષ્ઠ તક ગણજે.તું કાલે શાર્પ આઠ વાગે મુંબઇ એ.ટી.એસ હેડક્વાર્ટરમાં રાહુલને રિપોર્ટ કરીશ."કુશે કહ્યું.આટલું કહી કુશ જતો હતો અચાનક તે અટક્યો અને બોલ્યો,"જો, જે મે અને તારી મોમે અમારા ભૂતકાળમાં કર્યું હતું તે ના કરતો."
"એટલે?"કિઆને મુંઝવણ સાથે પુછ્યું.
"એટલે હું હજી ત્રીજા બાળકનો બાપ બની શકું એમ છું તો તું મને દાદા બનાવવાની ઉતાવળમાં ના રહેતો."કુશ આટલું કહીને ખડખડાટ હસી પડ્યો.
"ડેડ."કિઆન નારાજગી અને ગુસ્સા સાથે બોલ્યો.
"ચિલ,યુવાન દિકરો અને બાપ તો મિત્રો જેવા હોય છે.આવ દોસ્ત ગળે લાગ.હવે બહુ દિવસો પછી મળીશું."કુશ અને કિઆન ગળે લાગ્યાં.કુશે જાનકીવિલામાંથી વિદાય લીધી અને સેન્ટ્રલ જેલ થાને પહોંચ્યો.
અહીં રનબીર અને કાયના સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીમાં લાગેલા હતાં.રિહર્સલ ખૂબજ સરસ ચાલી રહ્યું હતું.આજે દરેક ભાગ લેવાવાળી મહિલાકેદી કોશચ્યુમ સાથે પ્રેક્ટિસ કરી રહી હતી.કાયના અને અન્ય એક મહિલા કેદી મુખ્ય પાત્ર તરીકે હતાં.કાયના સાથે મુખ્ય પાત્ર ભજવી રહેલી મહિલાએ પુરુષોના કપડાં પહેર્યા હતા.એક રોમેન્ટિક સીનની પ્રેક્ટિસ ચાલી રહી હતી.
"અરે બેન,આમ નહીં.એવી રીતે તેનો હાથ પકડો અને તેની સામે જુવો કે તમારી આંખોમાંથી પ્રેમ સાફ દેખાય."રનબીરે કહ્યું.
"સર, કાયનાને જોઈને પ્રેમની નહીં ડરની લાગણી આવે."તે બેનની વાત પર રનબીરને હસવું આવ્યું.
કાયના રનબીરના હસવાથી નારાજ થઇ ગઇ.રનબીર તેની પાછળ દોડતો ગયો અને તેનો હાથ પકડીને તેને પોતાની નજીક ખેંચી.રનબીરની નજરોમાં કઇંક એવું હતું કે કાયના તેનાથી વધુ નારાજ ના રહી શકી અને નીચે જોઈ ગઈ.રનબીરે તેના ગાલ પર પોતાનો હાથ રાખ્યો.કાયનાને જાણે કરંટ લાગ્યો હોય તેવી અનુભૂતિ થઈ.
"આ મને શું થઈ રહ્યું છે?આજ પહેલા પણ રનબીરે મને સ્પર્શ કર્યો છે પણ આજે કેમ અલગ લાગે છે?રનબીર,હવે પહેલા વાળો રનબીર નથી.તે ખૂબજ પરિપક્વ થઇ ગયો છે.તેના સ્પર્શમાં એક અલગ જ લાગણી અને ભીનાશ અનુભવાય છે."
કાયના અને રનબીર એકબીજાની વધારે નજીક આવી રહ્યા હતાં.જો તે બેન જે ત્યાં હાજર હતાં તેમણે ખોંખારો ના ખાધો હોત.બરાબર તે જ સમયે હવાલદાર આવ્યાં તેમણે કાયના અને રનબીરને આરતીબેને બોલાવ્યા છે તેમ કહ્યું.
રનબીર અને કાયના આરતીબેનની કેબિનમાં ગયાં.ત્યાં કુશ બેસેલ હતો.કાયના અને કુશ એકબીજાને જોઈને ભાવુક થઇ ગયાં.
"કાયના,મને ખબર છે કે તે ના કહી હતી અહીં મળવા આવવા પણ હું મારી જાતને રોકી ના શક્યો.હું કચ્છ જઈ રહ્યો છું એક મિશન માટે.જતા પહેલા મારા હ્રદયના ટુકડાને ગળે લગાવવાની ઇચ્છા હતી."કુશનો અવાજ થોડો ભીનો થયો.
કાયના પોતાની જાતને રોકી ના શકી અને પોતાના પિતાના ગળે લાગીને રડવા લાગી.
"ડેડ,મારી મોમ મરી નથી.તે જીવે છે અને તેનો મને વિશ્વાસ છે.જો મોમ અહીં હોત તો હું જેલમાં ના હોત."કાયના બોલી.
"કાયના,હું તને અહીં જેલમાં જોઈને ખુશ નથી પણ મારો વિશ્વાસ કર તું અહીં સુરક્ષિત છે.જલ્દી જ બધું ઠીક થઇ જશે.આઇ એમ સોરી માય પ્રિન્સેસ.તને ઘણું બધું સહન કરવું પડ્યું અને તેનું કારણ કદાચ અમે અને અમારું મિશન હતું.આઇ લવ યુ.રનબીર,મારી પ્રિન્સેસનો હાથ તારા હાથમાં સોંપુ છું.મને આશા છે કે તું મને નિરાશ નહીં કરે."કુશે કહ્યું.
આટલું કહીને કુશે કાયનાનો હાથ રનબીરના જ હાથમાં મુક્યો.તેમના બંનેના કપાળ ચુમીને કુશ ત્યાંથી એરપોર્ટ જવા નીકળી ગયો.
રનબીર અને કાયના એકબીજાની સામે જોઈ રહ્યા હતાં.રનબીરે કાયનાનો હાથ મજબુતાઇથી પકડી લીધો.
****
અહીં કચ્છના દુર એક ગામડાથી દુર બે નાનકડા હાટ જેવા ઘર હતાં.આસપાસ ખેતરો,જેમાના એક ઘરમાં સવારથી રસોડામાંથી આવી રહેલી સુંગધ બાજુમાં રહેતા ખેડુત દંપતિને તરબોળ કરી ગઈ.કિનારા આજે બધી જ કુશની પસંદગીની વાનગી બનાવી રહી હતી.પોતાના પિયુની આટલી આતુરતાપૂર્વક રાહ તેણે ક્યારેય નહતી જોઈ.
કેવું રહેશે કુશ અને કિનારાનું મિલન?
રનબીર અને કાયનાના ભવિષ્યમાં શું છે?
કિઆન કુશના ભરોસા પર ખરો ઉતરશે?
જાણવા વાંચતા રહો.
નમસ્કાર વાચકમિત્રો,
વોન્ટેડ લવ..લવની શોધમાં..સિઝન વનને તમારા સૌનો એટલો પ્રેમાળ પ્રતિસાદ સાંપડ્યો કે સિઝન ટુ લખતા મારી જાતને રોકી ના શકી.આ વખતે મે સિઝન ટુ જ્યાંથી સિઝન વન ખતમ થઇ હતી ત્યાંથી શરૂ કરી હતી.
આજે આપણા એવરગ્રીન રોમેન્ટિક કપલ કુશ અને કિનારા સાથે કાયના અને રનબીર પણ પ્રેમની અેક અલગ દાસ્તાન સંભળાવે છે.કુશ અને કિનારા સાથે રનબીર અને કાયનાને આટલો પ્રેમ આપવા બદલ ધન્યવાદ.
આજે આ સફર ૯૯ અણનમ પર આવીને અટકી અને હવે સદી ફટકારશે.વોન્ટેડ લવ સાચા લવની શોધ..મિશન ડ્રગ્સ વિરુદ્ધ,મિશન સાચા પ્રેમને પામવા અને ઓળખવાનું,મિશન રોમિયોને પકડવાનું.આપના સાથ અને સહકાર વગર આ સફર અહીં સુધી ના પહોંચી શકત.
આપના પ્રતિભાવ અને રેટિંગ્સ મને વધુ પ્રેરે છે લખવા માટે.આપ સૌનો ખૂબ ખૂબ આભાર🙏
અંતે
ક્યા?ખતમ નહીં હુવા.
અભી તો યે શુરુઆત હૈ.
હા,મે આ વાર્તા વિચારીને ત્યારથી જે સૌથી પહેલો ટ્વિસ્ટ વિચાર્યો હતોને તે હવે આવશે.૧૦૦માં સ્પેશિયલ ભાગમાં કુશ અને કિનારાનું મિલન તો ખરું જ પણ સાથે કઈંક ખૂબજ જોરદાર અને અણધાર્યું બનશે.
આજનો ભાગ કેવો લાગ્યો પ્રતિભાવ જરૂર આપજો.
રીન્કુ શાહ.