(રનબીર અને કાયનાની ચાર મહિના બાદ ભાવુક મુલાકાત થઇ.કાયના આટલા મહિના પછી પોતાનો આક્રોશ બહાર કાઢીને રડી.રનબીરને કાયનાને આસિસ્ટ કરવાનું કામ આપવામાં આવ્યું.રનબીર અંશુમાનના મિત્રોની તપાસ કરવાનું નક્કી કરતો હતો.ત્યાં કુશ તેને મળવા આવ્યો.)
"ડેડી,તમે આવું કેમ કહો છો?કોઇક તો રસ્તો હશેને કે આપણે અંશુમાન સુધી પહોંચી શકીએ.બાય ધ વે ડેડી તમે અહીંયા?"રનબીરે પુછ્યું.
"હા રનબીર,રસ્તા તો ઘણાબધા છે.તું તેની ચિંતા ના કર.બીજી વાત હું અહીંયા મારા દિકરાને મળવા આવ્યો છું અને તેને ગળે લગાવવા આવ્યો છું.તારા કારણે આજે કાયના આટલા મહિનાઓ પછી પોતાના અંદરની લાગણીઓ બહાર લાવી શકી."કુશે આટલું કહીને રનબીરને ગળે લગાવ્યો.
"ડેડી,તમે ચિંતા ના કરો.કાયના ધીમેધીમે આ દુઃખમાંથી બહાર આવી જશે.તે જેલમાંથી પણ જલ્દી જ બહાર હશે.હું અંશુમાનને શોધીશ અને જરૂર પડ્યે રોમિયોને પણ શોધીશ."રનબીરે મક્કમ અવાજે કહ્યું.
રનબીરની વાત સાંભળીને કુશ ગુસ્સે થયો.તેણે રનબીરના ખભા જોરથી દબાવીને તેને બેસાડ્યો અને કહ્યું,"શું લાગે છે તને?કોણ છે રોમિયો?તારો બાળપણનો ભાઇબંધ છે કે તું તેને બોલાવીશ અને તે આવી જશે?શું જાણે છે રોમિયો વિશે?બોલ...જવાબ આપ."કુશે ચિસ પાડીને કહ્યું.
"ડેડી,શું થયું કેમ આવી રીતે વાત કરો છો?"રનબીરે પુછ્યું.
"તો કેવી રીતે વાત કરું?જો રનબીર આજે હું તને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માંગુ છું કે તું અંશુમાન,રોમિયો અને આ ડ્રગ્સના કેસથી દુર રહેજે.જો મે અને કમિશનર સાહેબે તે વ્યવસ્થા કરી દીધી છે કે તું કાયનાને રોજ મળી શકે.તો તું તેને સહાય કરવાના બહાને જા.તેની સાથે સમય વિતાવ જેથી તેને સારું લાગે.તેની અંદર જીવન જીવવાની આશા જાગે.બાકી બધું મારા પર છોડી દે." કુશે કહ્યું.
"છોડ્યું જ હતુંને બધું તમારી ઊપર પણ કાયના ક્યાં છે અત્યારે?તે જેલમાં છે.ચાર મહિના થયા ડેડી તમે અંશુમાનને શોધી નથી શક્યાં.તમે એ.ટી.એસ ઓફિસર છો.હું કાયનાને જેલમાં નહીં જોઇ શકું."રનબીરે પણ સામે કહ્યું.
"ચલ મારી સાથે."કુશ રનબીરને પોતાની સાથે લઇ ગયો.ગાડી મુંબઇ એ.ટી.એસના હેડ ક્વાટર આવીને ઊભી રહી.
કુશ રનબીરને અંદર એ.ટી.એસની ઓફિસમાં તેની કેબિનમાં લઇ ગયો.અંત્યંત આધુનિક એવી એ.ટી.એસની ઓફિસ જોઇને રનબીર છક થઈ ગયો.
"રનબીર,આ અત્યંત આધુનિક એવી એ.ટી.એસની ઓફિસ છે અહીં સીવીલીયન્સનો એટલે સામાન્ય લોકોનો પ્રવેશ નિષેધ છે.તને એવું લાગે છે કે હું કશુંજ નથી કરી રહ્યો તો તેનો જવાબ તને અહીં મળશે.
રનબીર,કિનારા અને લવ વિશાલ પપ્પાજીને શોધવા ગયા પણ તેમની સાથે તે બંને એક મિશન પર હતાં.રોમિયોને પકડવાના.આજથી અઢાર વર્ષ પહેલા જ્યારે મિશન વોન્ટેડ લવ ખતમ થયું ત્યારે અમને એવું લાગ્યું કે રોમિયો મરી ગયો.
અમારી નજર સામે મરવા છતા તે જીવતો છે અને આ વાત સાચી છે.જ્યારે તારે અને કાયનાને અલગ થવું પડ્યું ત્યારે કિનારા અને લવ રોમિયોને પકડવાના એકદમ નજીક હતાં.રોમિયો એક એવો આતંકવાદી છે કે જે દેશને આતંકવાદી હુમલા કરીને ધણધણાવવા નથી માંગતો તે દેશનાં યુવા ધનને ખોખલી કરીને દેશની કરોડરજ્જુ તોડવા માંગે છે.
કિનારા અને લવ એક સિક્રેટ મિશન પર હતાં.તે લોકો ઇચ્છતા તો રોમિયોને પકડી શકતા હતા પણ અમે આ ડ્રગ્સનો કારોબાર ખતમ કરવા માંગતા હતાં.અમે તેના ડ્રગ્સમા તમામ અડ્ડા અને તમામ ડ્રગ્સના કંસાઇન્મેન્ટને પકડીને આ દેશમાંથી ડ્રગ્સનું દુષણ ડામવા ઇચ્છતા હતાં.
કિનારા અને લવને રોમિયોની જાસુસી કરતા ખબર પડી કે દરિયાઈ માર્ગે રોમિયો હાજર કરોડોના ડ્રગ્સની ડિલિવરી મુંબઇમાં કરવાનો હતો.તે ડિલિવરી થયા બાદ તે કિનારાને કિડનેપ કરીને સરહદ પાર કરવાનો હતો.ત્યાં તે તેની સાથે લગ્ન કરવાનો હતો.ખેર તેનો તે પ્લાન તોસફળ ના થયો પણ તે હજાર કરોડોનું ડ્રગ્સ મુંબઇમાં આવી ગયું.
મારી આટઆટલી કોશિશ છતા હું તે ના પકડી શક્યો.અંદાજે એકવીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એટલે કે ૩૦૦૦ કિલો હેરોઇન મુંબઇમાં આજે પણ ક્યાંક છુપાયેલું છે.જે દિવસે કાયના એરેસ્ટ થઇ તે દિવસે પણ હું એન.સી.બી સાથે મળીને નાનાનાના ડ્રગ્સ પેડલરને પકડી રહ્યો હતો.છેલ્લા ચાર મહિનામાં મે રોમિયોના નાનાનાના લગભગ ૨૫ થી ૩૦ ડ્રગ્સ પેડલર પકડ્યાં છે.
મને તે રાત્રે ફોન આવ્યો હતો કે કાયના આ રીતે પકડાઇ હતી.બહુ અઘરું હોય છે અમારા માટે કે પોતાના પરિવાર પર થઇને ડ્યુટીને પસંદ કરવી.અમારા માટે અમારો પૂરો દેશ અમારો પરિવાર છે.હું ના ગયો તે રાત્રે કાયનાને બચાવવા કેમ ખબર છે?
કેમ કે કાયના જેલમાં સુરક્ષિત હતી.અમને અને અમારા પરિવારને ચોવિસો કલાક ખતરો હોય છે.આ વખતે મને અમારા સુત્રો દ્રારા માહિતી મળી હતી કે મારો પરિવાર એટલે કે કિઆન અને કાયના ખતરામાં છે.
તે જ સમયે માંડવીની હવેલીમાં બ્લાસ્ટના સમાચાર આવ્યાં.લવ અને શિના અહીં આવી ગયા પણ લવ અને કિનારા મિસિંગ હતાં.મે કિઆનના લગ્ન તાત્કાલિક અદ્વિકા સાથે કરાવ્યાં કેમ કે મને ક્યાંક આશા હતી કે પોતાના જમાઇને રોમિયો પોતાની તરફ કરવાની કોશિશ કરશે તેને મારશે નહીં.મારી આશંકા અડધી સાચી પડી તેણે કિઆનને નુકશાન ના પહોંચાડ્યુ.
તે રોમિયોના જાળમાંથી મારી કાયના ના બચી શકી.તે પાકી સાબિતી સાથે જેલ ગઇ.અંશુમાન જે પહેલાથી ડ્રગ્સ નાની માત્રામાં લેતો હતો.તે ક્યારે રોમિયોના જાળમાં ફસાયો અને કાયના સાથે બદલો લેવા તેણે આ બધું કર્યું.તે રોમિયો સાથે મળી ગયો.
આ ઘટના બાદ તને શું લાગે છે કે તે સુરક્ષિત હશે?કોઇ બીજા દેશમાં મજા કરી રહ્યો હશે?ના,રોમિયો તેના દોસ્ત કે દુશ્મન કોઇને નથી છોડતો.અંશુમાન પણ અત્યારે બદતર હાલતમાં હશે.રનબીર,હું તારી આગળ હાથ જોડું છું.કે આ કેસથી દુર રહે.એ.ટી.એસનું કામ એ.ટી.એસને કરવા દે.
જો તને કઈ થઇ ગયું તો કાયના જીવતાજીવ મરી જશે.તું બસ કાયનાને મળ રોજ અને તેને હિંમત આપ.
આજે અમારો લક્ષ્ય માત્ર અંશુમાનને પકડીને કાયનાને બહાર કાઢવાનો નથી.અમારે નાના મોટા ડ્રગ્સ ડિલર,પેડલર અને રોમિયોને પકડવાનો છે.તે ૩૦૦૦ કિલો હેરોઈનને પકડવાનું છે.
તને શું લાગે છે કે બધા કહે છે કિનારા અને લવ મરી ગયા.આ વાત સાચી છે?ના તે બંને જીવે છે.હા,તે ક્યાં છે તે મને નથી ખબર પણ તે લોકો છુપાયા છે તેનો અર્થ છે કે હજીપણ કઇંક ખૂબજ મોટું છે જે અમને એટલે કે મુંબઇ અને ગુજરાત એ.ટી.એસ અને એન.સી.બીને નથી ખબર.
રનબીર,કાયના મારી દિકરી છે.તેના માટે મારાથી વધુ સારું કોઇ નહીં વિચારે.જેવી કાયના બહાર નીકળીને તેના પર ખૂબજ ખતરો હશે.એટલે જ કહું છું કે જેમ હું કહું તેમ કર.ભલે કાયના બે મહિના વધારે જેલમાં રહેશે."કુશે એક જ શ્વાસે બોલી લીધાં બાદ પાણીનો પૂ્ર ગ્લાસ ગટગટાવી લીધી.
"આઇ એમ સોરી,મારે તમારી પરિસ્થિતિ જાણ્યાં વગર બોલવું નહતું જોઇતું પણ તમે સમજતા કેમ નથી કે હું કાયનાને જેલમાં નથી જોઇ શકતો.પ્લીઝ ડેડી,કાયના રોજ અંદરોઅંદર મરી રહી છે.જેલનું વાતાવરણ મારી હસમુખી ચુલબુલી કાયનાને મારી રહ્યું છે.તે આ બધું નથી જાણતી.તે તો બસ એમ જ સમજે છે કે પૂરી દુનિયા તેની દુશ્મન છે."રનબીર બોલતો હતો.ત્યાં એક ઓફિસર આવ્યો.
"સર,એક ખૂબજ ખાનગી અને અગત્યના સમાચાર છે."આટલું કહી તેણે રનબીર સામે જોયું.
"તેનો વાંધો નહીં તે મારો દિકરો છે."કુશે કહ્યું.
"સર, કાયનાને જેલ થયા પછી અંશુમાન જે મુંબઇમાં જ ક્યાંક અંડરગ્રાઉન્ડ હતો તે કોઇકને મળવા ગયો હતો.આ માહિતી મારા માણસોએ બહુ મહેનત કરીને કાઢી છે.અમારી પાસે સી.સી.ટી.વી ફુટેજ છે કે અંશુમાન તે સોસાયટીમાં ગયો છે.વધુ તપાસ કરતા અમને તે વ્યક્તિનું નામ પણ જાણવા મળ્યું."તે માણસે કહ્યું.
"શું નામ છે તેનું?"કુશે પુછ્યું.
"સર,કબીર શર્મા."તે માણસની વાત સાંભળીને કુશ અને રનબીરની આંખો આઘાતના માર્યા પહોળી થઇ ગઇ.
કુશની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ.તેણે લગભગ ચિસ પાડીને કહ્યું,"જા ઉઠાવ તેને અને લાવ અહીંયા."
***********
લવ શેખાવત પોતાના રૂમમાં ખૂબજ બેચેનીથી આમથી તેમ આંટા મારી રહ્યો હતો.શિના પલંગ પર બેસી હતી તેના ચહેરા પર પણ ચિંતા સાફ દેખાતી હતી.
"લવ,શું લાગે છે તમને કે આપણે શિવાનીને જણાવવું જોઈએ કે તેનો પતિ જીવે છે?"શિનાએ પુછ્યું.
"શ..શ..શ,ચુપ.તને યાદ નથી છુટા પડતી વખતે કિનારા અને લવે શું કીધું હતું કે ગમે તે થાય ગમે તે આ વાત આપણે કોઈને નહીં જણાવીએ કે તે બંને જીવતા છે.યાદ છે તને."
લવ અને શિના ફરીથી ભૂતકાળમાં ખોવાઈ ગયાં.
રોમિયોને અહીં આવ્યે એક મહિનો પૂરો થવામાં હવે અઠવાડિયાની વાર હતી.રોમિયોના માણસોએ કડક પહેરો શરૂ કર્યો હતો.મોબાઇલમાં ફક્ત એક વાર ઘરે વાત કરવા પરવાનગી હતી.વિશાલભાઈ શિના સાથે રહીને એટલું તો સમજી ગયા હતાં કે અદા અને રોમિયો સારા માણસો નથી.
રોમિયોના માણસો અવારનવાર મોટા મોટા બોક્ષ અહીં લાવતા અને મુકી જતાં.રમેશભાઇને એક રૂમમાં બંધ રાખવામાં આવ્યાં હતાં.રોમિયો શું પ્લાન કરી રહ્યો હતો તે જાણવું તેમના માટે શક્ય નહતું.
લવ શેખાવત એક દિવસ બધાં માણસોની નજર ચુકવીને તેમને મળવામાં સફળ રહ્યો.
"લવભાઇ,મને લાગે છે કે હવે કિનારામેડમ અને લવસરને ખબર પહોંચાડવી જ પડશે.તે જ કઇંક કરી શકશે."રમેશભાઇએ કહ્યું.
"રમેશભાઇ,તે શક્ય નથી.તે લોકોએ અમારો મોબાઇલ લઇ લીધો છે.માત્ર એકવાર ઘરે વાત કરવાની તે પણ તેમની સામે.હવે કશુંજ નહીં થઇ શકે."લવે કહ્યું.
"લવભાઈ,હવે એક જ ઉપાય છે.તમે અદાને પ્રેમથી પુછો.તે જ કઇંક કરી શકશે."રમેશભાઈએ કહ્યું.
લવ શેખાવત આ વાત સારી રીતે જાણતો હતો.તે તક જોઈને અદાના રૂમમાં ગયો.રોમિયો બહાર ગયેલો હતો.
"અદા,મને તારી મદદ જોઇએ છે.આટલા વર્ષ આપણે એકબીજાને પ્રેમ આપ્યો અને ઘણુંબધું આપ્યું.આજે હું તારી નાનકડી મદદ માંગુ છું.તે આટલું ખરાબ કર્યું છતાં પણ હું તને ખરીખોટી સંભળાવવાની જગ્યાએ તારી સામે હાથ જોડીને તારી મદદ માંગુ છું.પ્લીઝ,રોમિયોનો પ્લાન શું છે તે અમને જણાવ."લવ શેખાવતે હાથ જોડીને અદાને કહ્યું.અદા આશ્ચર્યસહ તેની સામે જોઈ રહી હતી.
શું અદાએ રોમિયોની મદદ કરી હશે?
કબીરને અંશુમાન મળવા કેમ ગયો હશે?
કબીર અંશુમાન વિશે શું જાણતો હશે?
કુશ રોમિયોને પકડીને ડ્રગ્સનું દુષણ ડામી શકશે?
જાણવા વાંચતા રહો.