(રનબીર ડેનિશની મદદવળે જાણે છે કે કાયના સાથે આ બધું કરનાર અંશુમાન,મિહિર અને આલોક હતાં.રનબીર આઘાત પામે છે જ્યારે તેને ખબર પડે છે કે અંશુમાન તે દિવસથી ગાયબ છે અને હિયા અંશુમાનના બાળકની મા બનવાની છે.અહીં કુશ અને કમિશનર સાહેબ કાયના જે જેલમાં છે ત્યાં જાય છે.કમિશનર સાહેબ કાયનાને સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી સોંપે છે.આરતીબેન રનબીર વિશે કાયનાને જણાવવા માંગતા હોય છે.)
"હા આંટી,કહોને તમે મને શું કહેવા માંગો છો?તમારે મને કઇંપણ કહેવા કે પુછવા માટે પરવાનગી લેવાની જરૂર નથી."કાયનાએ કહ્યું.
"કાયના,હું જે કહેવા માંગુ છું તે સાંભળીને ગુસ્સો ના કરતી.શાંત મગજે વિચારજે."આરતીબેન આટલું બોલીને રનબીર વિશે કહેવા જતાં હતાં.ત્યાં તેના સેલમાં સાથે રહેનાર હર્ષાબેન આવ્યાં.
"કાયના,કમિશનર સાહેબ તને બોલાવે છે.તેમને તારી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે ચર્ચા કરવી છે."તેમણે કહ્યું.કાયના ત્યાંથી જતી રહી.
આરતીબેન વિમાસણમાં પડી ગયાં કે તે હવે રનબીર વિશે કાયનાને કેવીરીતે જણાવે.
"મેડમ,શું થયું?ઊંડા વિચારમાં લાગો છો."હર્ષાબેને પુછ્યું.
"હર્ષાબેન,બેસો મારે તમારી સાથે વાત કરવી છે."આરતીબેને કઇંક વિચારીને કહ્યું.તેમણે હર્ષાબેનને રનબીર વિશે બધું જ જણાવ્યું.
"અરે વાહ,હીરોની એન્ટ્રી થઇ ગઇ એમ ને?"હર્ષાબેન ઉત્સાહિત થઇને કહ્યું.
"હા પણ આ વાત કાયનાને કેવીરીતે જણાવવી?"આરતીબેને કહ્યું.
"તે મારી પર છોડી દો."હર્ષાબેને કહ્યું.
અહીં કાયનાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ અને નાટકની જવાબદારી અપાઇ.આટલા સમય પછી પોતાની પસંદગી પ્રમાણે કામ મળતા તે ખુશ થઇ.તેના ચહેરા પર હાસ્ય આવ્યું.જેલમાં જાહેરાત થઇ ગઇ હતી કે નાટકમાં કામ કરવા જેમ કે એકટીંગ,આસિસ્ટન્ટ તરીકે કે નાટક લખવા માટે જે ઇચ્છુક હોય તે કાયનાને મળે.
કાયનાએ આજથી જ ઓડિશન શરૂ કરી દીધું.મોડી સાંજ સુધી ઓડિશનનું કામ પતાવીને કાયના પોતાના સેલમાં આવી.ત્યાં હર્ષાબેન એક ગુજરાતી નવલકથા વાંચતા હતાં.
"આવી ગઇ બેટા,આજે આટલું કામ કર્યા પછી પણ તારા ચહેરા પર એક ખુશી અને સંતોષ છે.મને આનંદ છે કે તને તારું ગમતું કામ કરવા મળ્યું."હર્ષાબેને તેનું માથું પોતાના ખોળામાં લેતા કહ્યું.
"હા આંટી,આજ ગુસ્સો પણ ના આવ્યો કે થાક પણ ના લાગ્યો કે કોઇ ફાલતું વિચારો પણ ના આવ્યાં.તમે શું વાંચો છો?"કાયનાએ પુછ્યું.
"આ પ્રેમકથા છે.બે પ્રેમીઓની વાર્તા છે.તેમા પ્રેમી પોતાની પ્રેમિકાને કઇપણ કહ્યા વગર તેને છોડીને જતો રહે છે.પ્રેમિકાને એમ લાગે છે કે તેની સાથે દગો થયો પણ હકીકતમાં તે પ્રેમીની પરિસ્થિતિ ખરાબ હોય છે.તે પ્રેમિકા તેને નફરત કરતી હોય છે પણ સાચી વાત જાણ્યા પછી તેને પોતાની ગેરસમજ પર ગુસ્સો આવે છે.ક્યારેય પણ સામેવાળની પરિસ્થિતિ જાણ્યા વગર નિર્ણય ના લેવો જોઇએ."તે કાયના સામે જોઇને બોલ્યા.કાયના તેમની આંખોમાં કઇંક વાંચી ગઇ અને બધું જ સમજી ગઇ.
"તમે રનબીરની વાત કરો છો?"કાયનાએ પુછ્યું.
"હા,રનબીર અહીં આવ્યો હતો.તે આરતીબેનને મળ્યો તેણે તને જોઇ પણ તે ના પાડી હતી એટલે તને ના મળ્યો.તેને તો ખબર જ નહતી કે અહીં મુંબઇમાં શું ચાલી રહ્યું છે.તેણે આરતીબેનને વચન આપ્યું છે કે તે તને નિર્દોષ સાબિત કરશે.તે હજીપણ તને એટલો જ પ્રેમ કરે છે."હર્ષાબેન બોલ્યા.
"અચ્છા,કેમ તે કોઇ બીજી દુનિયામાં રહેવા જતો રહ્યો હતો?"કાયનાએ ગુસ્સામાં પુછ્યું.
"હા તે છેલ્લા સાડા ત્રણ મહિનાથી અમેરિકામાં હતો."હર્ષાબેને કાયનાને બધી જ વાત જણાવી.કાયના આ બધું સાંભળીને આશ્ચર્ય પામી.તેના ચહેરા પર હજીપણ કોઇ જ હાવભાવ નહતાં.
***************
મિહિર અને આલોક ત્યાંથી ડરીને જતાં રહ્યા.રનબીર આઘાતમાં હતો.આટલી સરળ વાત તે સમજી કેમ ના શક્યો.
"હિયા,મને શરૂઆતથી જણાવ કે આ બધું કેવી રીતે અને ક્યારે શરૂ થયું?"રનબીરે પુછ્યું.
"રનબીર,કબીરને ભડકાવવાનું કામ અમારું જ હતું."હિયાએ કહ્યું.તેણે કબીરના ઘરે શું થયું હતું તે જણાવ્યું.
"તમારા લોકોથી માર ખાધા પછી અંશુમાન ખૂબજ ગુસ્સામાં હતો.તને અને કાયનાને અલગ કર્યા પછી પણ તેને શાંતિ ના થઇ.તો મે તેને પુછ્યું,'અંશુમાન,હવે તો આપણો બદલો પુરો થયો.હવે તો ખુશ થા.'
"ના,કાયનાને સંપૂર્ણપણે બરબાદ કર્યા પછી જ મને શાંતિ થશે."અંશુમાને કહ્યું હતું.મે તેને પુછવાની કોશિશ કરી કે તે શું કરવા માંગે છે પણ તે મને કશુંજ નહતો જણાવતો.તે મિહિર અને આલોક સાથે મળીને કાયનાની જાસુસી કરાવતો હતો.ખબર નહીં ક્યાંથી આ ડ્રગ્સના ચક્કરમાં પડી ગયો."હિયાએ કહ્યું.
"ડ્રગ્સના ચક્કરમાં?શું તે ડ્રગ્સ લેતો હતો?"રનબીરે પુછ્યું.
"હા,આ વાતની મને ખબર નહતી.મને અંશુમાન ગમવા લાગ્યો હતો.એક સાંજે અમે એક પાર્ટીમાં ગયા હતાં.જ્યાં તેણે છુપાઈને ડ્રગ્સ લીધાં હતાં.તે દિવસે તે તેના હોશમાં નહતો હું તેને મુકવા ઘરે ગઇ હતી.તેને બેડ પર સુવાડીને હું ઘરે જતી હતી અને અચાનક તેણે મારો હાથ પકડ્યો અને અમે એકબીજાની એકદમ નજીક આવી ગયાં.બીજા દિવસે તેના ભાનમાં આવ્યાં પછી મે અંશુમાન સામે મારા પ્રેમ સ્વીકારી લીધો.તેણે મારો પ્રેમ સ્વીકારી લીધો.મને લાગ્યું હતું કે તે આ કાયના સાથે બદલો લેવાની વાત ભુલી ગયો હશે પણ એવું ના થયું.જે દિવસે કાયના સાથે આ બધું થયું.તે સાંજે મારી તેની વાત થઇ.તે ખૂબજ ડરેલો હતો.તેણે કહ્યું કે આજે તેનો કાયના સાથે બદલો પૂરો થશે.તે મને બીજું પણ કઇંક જણાવવા માંગતો હતો પણ જણાવે તે પહેલા જ ફોન કપાઇ ગયો અને પછી તેની સાથે કોઇ જ વાત નથી થઇ.મે પોલીસમાં પણ ફરિયાદ કરી.મે કુશસરને પણ મળીને કહ્યું કે કાયના સાથે જે થયું તેમાં અંશુમાન,આલોક અને મિહિરનો હાથ હોઇ શકે છે.મે તેમને વિનંતી કરી કે અંશુમાનને શોધે પણ તે કશુંજ ના કરી શક્યાં.મને લાગ્યું કે તને કુશ સરે બધું જણાવ્યું હશે.તેમને આ વાત ખબર હતી.અંશુમાનના ગયાના દોઢ મહિના પછી મને ખબર પડી કે હું પ્રેગન્નટ છું." આટલું કહેતા હિયા નીચું જોઇ અને રડવા લાગી.
રનબીરે આશ્વાસન આપતા તેના ખભે હાથ મુક્યો.હિયા રનબીરને ગળે લાગીને રડવા લાગી.રનબીરે તેને શાંત કરી.તે ખૂબજ આઘાત પામ્યો હતો આ સાંભળીને.સાથે તેને ખૂબજ ગુસ્સો આવ્યો કે કુશડેડીએ તેનાથી આટલી મોટી વાત કેમ છુપાવી.
"હિયા,તું ચિંતા ના કર.હું મારી કાયનાને નિર્દોષ સાબિત કરીને જ રહીશ અને તે નિર્દોષ ત્યારે જ સાબિત થશે જ્યારે અંશુમાન મળશે.અંશુમાનને તો હું શોધીને જ રહીશ."રનબીરે કહ્યું.
તે ગુસ્સામાંને ગુસ્સામાં કુશને મળવા ગયો.કુશ ઘરે આવી ગયો હતો.
"કુશડેડ, આજે મને કઇંક એવું જાણવા મળ્યું છે કે જે જાણીને મને ખૂબજ આઘાત લાગ્યો."રનબીરે કુશને બધી વાત જણાવી.
"તમે આવું કરશો તે મે નહતું ધાર્યું.તમે જાણતા હતા જે સાચો અપરાધી કોણ છે છતાપણ કાયનાને જેલની બહાર ના કાઢી.તમે આવું કેમ કર્યું?"રનબીરે ગુસ્સામાં કહ્યું.
"રનબીર,તને શું લાગે છે કે હું જાણી જોઇને આ બધું કરું છું.રનબીર,આ કેસ જેટલો સરળ લાગે છે તેટલો નથી.તેના મૂળ રોમિયો સાથે જોડાયેલા છે કારણે કે આ કેસના મૂળમાં ડ્રગ્સ છે.કાયના જેલમાં સૌથી વધુ સુરક્ષિત છે.કેમ કે હું તેની સાથે સતત ના રહી શકું.આમપણ અંશુમાનનો કોઇ અતોપતો નથી.તું ચિંતા ના કર એક વાર રોમિયો પકડાઇ જશે તો કાયના બહાર આવી જશે.મારોપ્રયાસ સતત ચાલું છે કે હું રોમિયોને શોધી શકું અને જેમ કે હવે તું અહીં આવી ગયો છું તો હું કચ્છ જઇ શકું છું રોમિયોને શોધવા."કુશે કહ્યું.
રનબીર કુશની વાત સાંભળીને આઘાત પામ્યો અને કહ્યું,"ડેડ કાયના સૌથી વધુ સુરક્ષિત જેલમાં નહીં મારી પાસે રહેશે.હું રહીશ સતત તેની સાથે.હું તમારી આ વાતથી સહમત નથી.હું કાયનાને બહાર કાઢીશ જેલની બહાર."રનબીરે કહ્યું.
"કાયનાને જામીન નહીં મળે તો શું જેલ તોડીને બહાર કાઢીશ તેને.જો રનબીર તું બસ કાયનાને મળ અને તેને હિંમત આપ.અહીં બધાંનું ધ્યાન રાખ કાયનાની જેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેના બીજા દિવસે જ હું કચ્છ જવા નીકળી જઈશ."કુશ ગુસ્સામાં બોલ્યો.
રનબીર કઇપણ જવાબ આપ્યા વગર ત્યાંથી જતો રહ્યો.
********
અહીં દુર કચ્છના અંતરીયાળ ગામડામાં કિનારા અને લવ લેપટોપ અને અન્ય સાધનોની મદદવળે કઇંક શોધી રહ્યા હતાં.
"કિનારા,આ મિશન જેટલું ધાર્યું હતું તેટલું સરળ ના રહ્યું.એક વાત સારી થઇ કે વિશાલઅંકલ આપણી સાથે છે પણ મને ચિંતા થાય છે કે આપણા આ મિશનના કારણે તેમને કોઇ તકલીફ ના થાય."લવે કહ્યું.
" લવ,તે દિવસે તે બ્લાસ્ટ પછી શું તને ખરેખર લાગે છે કે રોમિયો હજીપણ અહીં જ કચ્છમાં હશે?છેલ્લા ત્રણ મહિનાથી આપણે તેને નથી શોધી શક્યાં.બની શકે કે તે સરહદ પાર કરી ગયો હોય."કિનારાએ કહ્યું.
"ના,તે તને લીધાં વગર નહીં જાય.આમપણ આપણેતે સિવાય પણ એક મકસદ સાથે અજ્ઞાતવાસમાં છીએ.તે મકસદપૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપણે કોઇને પણ નહીં જણાવી શકીએ કે આપણે જીવતા છીએ."લવે કહ્યું.
"લવ,શું રોમિયો જાણતો હશે કે આપણે જીવીએ છીએ? અને હા તો તેને કેવીરીતે ખબર પડી હશે?"કિનારાએ પુછ્યું.
"કોઇક તો હશે જેણે આપણા જીવતા હોવાની ખબર આપી હોય.તે શક્ય નથી માત્ર લવ અને શિના જાણે છે કે આપણે જીવતા છીએ."લવે કહ્યું.
અન્ય અેક જગ્યાએ....
એક ખંડેર જેવા ઘરમાં એક સ્ત્રી પલંગ પર સુતેલી હતી.તેને ભૂખ લાગી હતી અને તેને બાથરૂમ પણ જવું હતું..
તેના બંને પગ કપાઇ ગયા હતા અને તેનું ડાબું અંગ લકવાગ્રસ્ત હતું.તેણે અસ્પષ્ટ ભાષામાં બબળાટ કરી રહી હતી.
"શું છે તને ફરીથી ભૂખ લાગી અને ફરીથી હલકું થવું છે.હે ભગવાન,આ કેવું કામ મળ્યું છે?ચલો એક સમયની મહારાણી અને રૂપસુંદરીની કેવી અવદશા થઇ છે.દરેકને તેના કર્યાની સજા મળીને જ રહે છે."તે સ્ત્રી બોલી.
"ચલો અદા મહારાણી."
શું કરશે રનબીર કાયનાને બચાવવા?કાયના રનબીરને માફ કરીને તેને મળશે?કાયના અને રનબીરનો પ્રેમ ફરીથી પહેલા જેવો થઇ શકશે?કિનારા અને લવ રોમિયોને કેવીરીતે પકડશે?
જાણવા વાંચતા રહો.