Prayshchit - 23 in Gujarati Novel Episodes by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 23

પ્રાયશ્ચિત - 23

પ્રાયશ્ચિત પ્રકરણ 23

કેતન ને આમ અચાનક ઘરે આવેલો જોઈને કુટુંબના તમામ સભ્યો ખુશ થઈ ગયા. સૌથી વધુ આનંદ શિવાનીને થયો કારણકે શિવાની નાનપણથી જ કેતનની વધારે નજીક હતી.

મમ્મી જયાબેને કેતનના માથે હાથ ફેરવ્યો. ગમે તેમ તોયે એ મા હતી. પપ્પા જગદીશભાઈએ પણ ખુશી વ્યક્ત કરી.

કેતન સોફામાં બેઠો અને બધાં એને ઘેરી વળ્યાં. શિવાની અંદર જઈને ભાઈ માટે પાણીનો ગ્લાસ લઇ આવી અને મહારાજને ચા નું કહેતી આવી.

" મુંબઈ નિધીને જોવા માટે ગઈ કાલે સુનિલભાઈ ના ઘરે ગયો હતો એટલે એમ થયું કે આટલે આવ્યો છું તો ઘરે પણ બધાંને મળી લઉં. "

" કેવી રહી તમારી મીટીંગ ? સુનિલભાઈ નો બહુ જ આગ્રહ હતો. એટલે જ મેં તારી મમ્મીને કહેલું કે કેતનને જરા સમજાવજે કે એકવાર નિધીને મળી લે. કારણકે આપણા ધંધાદારી સંબંધો છે. "

" હા પપ્પા.. મમ્મીએ મને ફોન કરેલો. તમારા લોકોની વાત હું કઈ રીતે ટાળી શકું ? એટલે પછી મુંબઈનો તાત્કાલિક પ્રોગ્રામ બનાવ્યો !! "

" હા પણ દિયર જી નિધી સાથેની મિટિંગ કેવી રહી એ તો કહો !! ફોટામાં તો બહુ જ સરસ લાગતી હતી !!" સિદ્ધાર્થની પત્ની રેવતી બોલી.

" ભાભી વાત જ જવા દો. મને તો એમ થાય છે કે શું જોઇને સુનિલ અંકલે આપણા ઘરે નિધિ ની વાત મૂકી હશે !! આટલી બધી આઝાદ અને ઉચ્છૃંખલ કહી શકાય એવી છોકરી પહેલીવાર મેં જોઈ. "

" મીટીંગ સાત વાગ્યે રાખી હતી. હું સાત અને દસ મિનિટે પહોંચી ગયો. છોકરી ટેનિસ રમવા ગઈ હતી. અડધો કલાક મારે બેસી રહેવું પડ્યું. નોકરાણીએ ચા-નાસ્તો આપ્યો. એ શાહજાદી અડધા કલાક પછી આવી એ પણ શોર્ટસ અને ટીશર્ટમાં ! પાછી અંદર જઈને વેસ્ટર્ન આઉટફિટ પહેરીને બહાર આવી. "

" મિટિંગમાં મને કહે કે આપણાં લગ્ન થાય ત્યાં સુધીમાં તમે મુંબઈ શિફ્ટ થઈ જાઓ. હું મોડેલિંગ કરું છું એટલે હું મુંબઈ છોડી ના શકું. મારા બોયફ્રેન્ડસ સાથે ડાન્સ પાર્ટીમાં પણ જાઉં છું. ડ્રીંકસ પણ લઉં છું અને ક્યારેક સિગરેટ પણ પી લઉં છું. મિત્રો સાથે પબમાં પણ જાઉં છું. લાઈફ એન્જોય કરવા માટે છે. તમે અમેરિકા જઈ આવ્યા છો એટલે તમને આ બધી બાબતોથી વાંધો ન હોવો જોઈએ. !! "

" એટલે મેં તો કહી દીધું કે મને શું કામ વાંધો હોય ? તમારું લાઈફ છે તમારી રીતે એન્જોય કરો. " કેતન બોલ્યો.

" અંદરથી મને ગુસ્સો તો એટલો બધો આવ્યો હતો કે ઉભો થઈને બે તમાચા ઠોકી દઉં " કેતન બોલ્યો.

" હાય હાય પહેલી મિટિંગમાં આવી વાતો કરી એણે ? " જયાબેન બોલી ઊઠયાં.

" હા મમ્મી.. સુનિલ અંકલે કોઈપણ જાતના સંસ્કાર આપ્યા નથી એને !! "

" મારે સુનિલભાઈને કહેવું પડશે. શરમ નથી આવતી આવી ફાટેલા મગજની છોકરીને આપણા ઘરે પરણાવવા માગે છે !! " જગદીશભાઈને ગુસ્સો આવ્યો.

" હા પપ્પા. હું છેક જામનગર થી લાંબો થયો. " કેતન બોલ્યો.

" અમને બધાને તો તારા માટે જાનકી જ એકદમ યોગ્ય લાગે છે. તે દિવસે ડોક્યુમેન્ટ આપવા માટે અહીં આવી હતી ત્યારે ઘણા સમય પછી એને જોઈ. મને તો એકદમ પરફેક્ટ મેચ લાગે છે. એટલી બધી સંસ્કારી છે કે ના પૂછો વાત !! " સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ... કાલે રાત્રે હું જાનકીના ઘરે જ ગયો હતો અને ત્યાં જ જમ્યો હતો. આ સ્વચ્છંદી છોકરીને મળ્યા પછી મને સુનિલ અંકલના ઘરે જમવાની જરા પણ ઈચ્છા ન હતી !! એટલે સીધો માટુંગા પહોંચી ગયો. જાનકી કિંગ સર્કલ મને લેવા આવી હતી. " કેતને કહ્યું.

" એ બહુ સારું કામ કર્યું. એ બહાને જાનકી નું ઘર પણ જોવાઈ ગયું. બિચારી બહુ રાજી થઈ હશે. " જયાબેન બોલ્યાં.

" હા મમ્મી.. જાનકીના મમ્મી પપ્પાને પણ બહુ સારું લાગ્યું. એક કલાકમાં તો કેટલી બધી રસોઈ કરી નાખી. !! " કેતન બોલી ગયો.

" તો હવે હા પાડી દો ને ભાઈ તો બીજી ભાભી પણ આવી જાય !! " શિવાની બોલી.

" હવે ટૂંક સમયમાં નિર્ણય લઈશ. જાનકી બે દિવસ રહીને ગઈ પછી મને પણ એમ લાગે છે હવે મારે પરણી જવું જોઇએ. " કેતને નિખાલસતાથી કહ્યું.

" તો અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દઈએ. ઘણા વર્ષોથી ઘરમાં શુભ પ્રસંગ આવ્યો નથી. " સિદ્ધાર્થ બોલ્યો.

" હું કહીશ તમને ભાઈ. બસ બે-ચાર મહિના જવા દો. ત્યાં જામનગરમાં પ્રતાપ અંકલની વેદિકા પણ મારી પાછળ પડી છે. એ પણ ખુબ સરસ છોકરી છે. બંનેમાંથી કોને હા પાડવી એ નિર્ણય થોડો કઠિન છે છતાં જાનકીનુ પલ્લું થોડું ભારે છે " કેતન બોલ્યો.

" ભાઈ તમારા મોબાઇલમાં વેદિકાનો ફોટો છે ? " શિવાની બોલી.

" એનો ફોટો કેવી રીતે લઉં ? કારણકે એને તો રૂબરૂ જ મળ્યો હતો. મારી પાસે તો જાનકીનો પણ કોઈ ફોટો નથી. " કેતને હસીને કહ્યું.

" ભાઈ તમે તો ખરેખર સંત મહાત્મા છો ! મોબાઇલમાં એક પણ છોકરીનો ફોટો નહિ ! બોલો ! " શિવાની બોલી અને સહુ હસી પડ્યાં.

" ચાલો હવે એ વાત પૂરી થઈ ગઈ. હવે શું પ્રોગ્રામ છે ? " સિદ્ધાર્થ બોલ્યો.

" કંઈ નહીં આજે તત્કાલમાં ટિકિટ મળી જાય તો આજે રાત્રે જ નીકળી જાઉં. " કેતન બોલ્યો.

" તું આવ્યો જ છે તો હવે એક દિવસ રોકાઈ જા. એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. સિદ્ધાર્થ તું આવતી કાલ રાતની ટિકિટ બુક કરાવી દે. " પપ્પા જગદીશભાઈ બોલ્યા.

" જી પપ્પા..કાલ રાત ની ટિકિટ કરાવી દઉં છું " સિદ્ધાર્થે જવાબ આપ્યો. કેતન કંઈ બોલ્યો નહીં. એ આખો દિવસ એણે પરિવાર સાથે વિતાવ્યો. સાંજે આખું ય ફેમિલી ડુમસના દરિયા કિનારે ફરવા ગયું.

કેતનને જગદીશભાઈએ એક દિવસ માટે સુરત રોકી દીધો એની પાછળ પણ એક કારણ હતું.

" કેતન મારે તારી સાથે આજે કેટલીક ચર્ચા કરવી છે. તું સિદ્ધાર્થ સાથે ઓફિસે આવજે. " જગદીશભાઈએ બીજા દિવસ સવારે કેતનને કહ્યું.

" જી પપ્પા... આમ પણ આજે ઓફિસે આવવાની મારી ઇચ્છા હતી. કારણ કે ઘરે બેસીને આખો દિવસ હું શું કરું ?" કેતને જવાબ આપ્યો.

જગદીશભાઈ જમીને 11 વાગે ઓફીસ ગયા એ પછી બંને ભાઈઓ પણ સિદ્ધાર્થની ગાડીમાં ઓફિસે જવા નીકળી ગયા.

" કેતન હજુ પણ કહું છું કે તારે જે પણ કરવું હોય તે તું અહીં સુરતમાં ફેમિલીથી અલગ રહીને પણ કરી શકે છે. છેક જામનગરમાં સેટલ થવાની જીદ શા માટે કરે છે ? " રસ્તામાં સિદ્ધાર્થે ફરી એની એ જ વાત કરી.

" ભાઈ તમારી બધાંની લાગણી હું સમજુ છું. તમે પણ જાણો જ છો કે એક વાર નિર્ણય લઈ લીધા પછી હું ક્યારે પણ પીછેહઠ કરતો નથી. આટલે દૂર જવા પાછળ મારાં કેટલાંક અંગત કારણો છે. કદાચ નિયતિની એવી ઇચ્છા છે એમ સમજો. " કેતને કહ્યું.

કેતને જવાબ જ એવો આપ્યો કે સિદ્ધાર્થને ફરી એ ચર્ચા લંબાવવાની ઇચ્છા ના થઈ. બંને જણા ઓફિસ પહોંચી ગયા.

ઓફિસમાં કેતન માટે અલગ ચેમ્બર બનાવેલી પરંતુ કેતને જામનગર જવાનો નિર્ણય લઈ લીધો એટલે એ ચેમ્બર જગદીશભાઈએ પોતાના મેનેજર કમ એકાઉન્ટન્ટને ફાળવી દીધેલી. કેતન સિદ્ધાર્થની ચેમ્બરમાં એની સામેની ખુરશીમાં બેઠો.

" સિદ્ધાર્થ કેતનને જરા મારી ચેમ્બરમાં મોકલજે ને ? મારે એની સાથે થોડી ચર્ચા કરવી છે." થોડીવાર પછી જગદીશભાઈ એ ઇન્ટરકોમમાં સિદ્ધાર્થને કહ્યું.

" કેતન હું તને નાનપણથી ઓળખું છું. નાનપણથી તું મારી સાથે ને સાથે રહ્યો છે. નાનો હતો ત્યારે પણ મારી સાથે ઓફિસે આવતો. કોઈ પણ વાત હોય તું ક્યારે પણ મારાથી છુપાવતો નહોતો. "

કેતન ચેમ્બરમાં આવી ગયા પછી પપ્પા જગદીશભાઈએ વાત શરૂ કરી.

" અમેરિકાથી આવ્યા પછી એક મહિના પછી તેં જામનગર જવાનો અચાનક નિર્ણય લીધો. સતત એક મહિના સુધી અમે બધાએ તને રોકવા માટે ખૂબ જ કોશિશ કરી પણ અંગત કારણોસર આ નિર્ણય લીધો છે એવું તેં બધાને કહ્યું. "

" ચાલો માની લીધું કે તારી પાસે ચોક્કસ એના માટેનાં અંગત કારણો હશે. બેટા કરોડો રૂપિયાનો તું વારસદાર છે. ત્રણસો કરોડની આપણી પેઢી છે. રફ ડાયમંડના મોટા મોટા સટ્ટા કર્યા અને કિસ્મતે મને સાથ આપ્યો. તારામાં બુદ્ધિ પણ છે અને આવડત પણ છે. એટલા માટે તો મેનેજમેન્ટનો વધુ અભ્યાસ કરવા મેં તને છેક અમેરિકા મોકલ્યો. " કહીને જગદીશભાઈએ થોડું પાણી પી લીધું.

" બેટા મારાથી પણ તું છાનું રાખીશ ? આજ સુધી આપણા બંને વચ્ચે તો કોઈ પરદો નથી. જો તું કહી શકે એમ હોય તો આ વાત માત્ર આપણા બંને વચ્ચે જ રહેશે." જગદીશભાઈ બોલ્યા.

હવે કેતન ખરેખર મૂંઝાઈ ગયો. ઘડીભર તો એને થઈ ગયું કે પપ્પાને બધી જ વાત કહી દઉં. પરંતુ સ્વામીજીના શબ્દો યાદ આવ્યા.

" જમનાદાસના પુનર્જન્મની આ વાત ઘરમાં કોઈને પણ કહેવાની નથી. જે પણ અભિશાપ લાગ્યો છે એનું પ્રાયશ્ચિત તારે એકલા એ જ કરવાનું છે. અને જમનાદાસ ઉપર લાગેલા આ અભિશાપ ને કારણે ઘરનાં બધાંએ તારા વિયોગનું થોડું દુઃખ તો સહન કરવું જ પડશે. અને જો તું પરિવાર સાથે રહીશ તો સિદ્ધાર્થની જિંદગી જોખમાશે. " સ્વામીજીએ એ વખતે કેતનને કહેલું.

" પપ્પા તમે તો મને નાનપણથી જ ઓળખો છો. મેં ક્યારેય પણ તમારાથી કોઈ જ વાત છુપાવી નથી. હું તમને અત્યારે નથી કહી શકતો એનો મને બહુ જ અફસોસ છે. પણ ખરેખર મારી મર્યાદા છે. હું જે પણ કરી રહ્યો છું એ આપણા પરિવારની ભલાઈ માટે જ છે. " કેતન બોલ્યો.

" મને લાગે છે કે તારા દાદા જમનાદાસે કરેલું એક પાપ આપણા કુટુંબને નડી રહ્યું છે. મેં આજ સુધી આ વાત તમને લોકોને કરી નથી. માત્ર હું અને તારી મમ્મી જયા જ જાણીએ છીએ. તારા દાદા એટલે કે મારા પપ્પાએ મૃત્યુ નજીક હતું ત્યારે મને એકલાને આ વાત કરેલી." જગદીશભાઈ બોલ્યા.

કેતન સાંભળી રહ્યો. એણે કોઇ જ પ્રતિભાવ ન આપ્યો.

" પપ્પાએ આંગડિયા પેઢીમાં રહીને ડાયમંડની ચોરી કરેલી અને એના માટે થઈને એમણે પેઢીના એક વફાદાર કર્મચારીને મરાવી નાખ્યો. જો કે તેમણે કર્મચારીના પરિવારને સારી એવી મદદ કરી. પરંતુ જે ખૂન કરાવ્યું એ પાપ થોડું ધોવાઈ જાય ? આ ઘટના પછી ડાયમંડ વેચીને જે રૂપિયા આવ્યા તે ભોગવવા મારો ભાઈ ના રહ્યો. "

" ચોરાયેલા ડાયમંડમાંથી જે કાળી કમાણી થઈ એના બે જ મહિનામાં મહેશભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. આજે પ્રમાણિકતાથી મેં ધંધાનો વિકાસ કર્યો અને ત્રણસો કરોડની પેઢી બનાવી ત્યારે હવે તારો વિયોગ અમારે સહન કરવાનો આવ્યો !! દાદાનાં પાપનો પડછાયો હજુ પણ કદાચ આપણા ઘર ઉપર છે !! " જગદીશભાઈએ વ્યથાથી કહ્યું.

" આજે પહેલીવાર મેં તારી સાથે દિલ ખોલીને આ વાત કરી છે કેતન પણ તું એને તારા મનમાં જ રાખજે. મારા પપ્પા જમનાદાસ વિશે ઘરમાં કોઈ ઘસાતું ના બોલે એટલા માટે જ આજ સુધી મેં કે જયાએ બાળકોને વાત નથી કરી. આજે આપણી પાસે જે પણ સમૃદ્ધિ છે તે તારા દાદાના કારણે જ છે. એમની બુદ્ધિ અને સાહસિકતા માટે આજે પણ મને માન છે !! " જગદીશભાઈએ કહ્યું.

" પણ હું તો આ બધું જ જાણું છું પપ્પા !! " કેતન જગદીશભાઈની સામે જોઈને બોલ્યો.

" વૉટ !!! તું જાણે છે આ વાત ? " જગદીશભાઈ કેતનના જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

"

Rate & Review

B DOSHI

B DOSHI 3 day ago

Hema Patel

Hema Patel 1 month ago

Chitra

Chitra 1 month ago

bhavna

bhavna 2 month ago

Parash Dhulia

Parash Dhulia 2 month ago