મકાનમાલિક

મકાનમાલિક નામ સાંભળી એક ક્રુર ચહેરો સામે આવે
જે ભાડા માટે બધાને હેરાન કરતો હોય બીજાની તકલીફ ન જોતા બસ પોતાનો ફાયદો જોતો હોય અને પૈસા માટે પોતાના ભાડૂઆત ને રસ્તે રઝળતા મૂકી દે.
એક દિવસ પણ ભાડૂ મોડું મળ્યુ તો હાહાકાર મચાવી દે.
પણ સિક્કા ની બીજી બાજુ પણ હોય છે જે ઘણાંને ખબર નથી હોતી.
વિપુલ એક સારા સ્વભાવ નો કુટુંબપ્રિય વ્યક્તિ જ્યારે પણ જરૂર પડે બધા માટે ખડેપગે હાજર હોય.
પતિ પત્ની અને એક છોકરો એવો નાનો પરિવાર આમ બધી રીતે સુખી.
પરિવાર નાં ભવિષ્ય ની ચીંતા માટે વિપુલ હંમેશા સજાગ રહેતો અને એના માટે જ પ્લાનીંગ કરી ખોટા ખર્ચાઓ બચાવી બચત કરતો, એમ કરતા કરતા વર્ષો ની મહેનત પછી એક રૂમ ખરીદી કરી એને ભાડે ચડાવી દઈ દર મહીને એક બાંધી આવક પાકી કરી દીધી.
ભવિષ્ય માં એ ભાડાથી ઘર ચાલતુ રહે એવી ગણતરી હતી. અને એ ગણતરી સાચી પણ પડી દર મહિને ભાડૂ મળતા હવે વિપુલ ને સારી એવી રાહત થઈ ગઈ.
વિપુલ ની રૂમ ભાડૂઆત માટે લક્કી સાબિત થતી હતી જે ભાડે રૂમ લેતા એમના અટકેલા કામ થવા લાગ્યા.
એક ભાડૂઆત ને ત્રણ વર્ષ ની અટકેલી રેલ્વે ની નોકરી લાગી ગઈ, બીજા ને છ વર્ષ થી રી ડેવલેપમેન્ટ માં અટકેલા ફ્લેટ નો કબજો મળી ગયો.
આ રીતે રૂમ ખાલી થતી ને બીજા ભાડૂઆત આવી જતા. છેલ્લે એક છોકરી પુજા રૂમ જોવા માટે આવી અને રૂમ ગમી ગઈ પણ પોતે એકલી કમાવવા વાળી સાથે નાની બેન અને તરછોડાયેલ માની વાત કરી ભાડૂ ઓછુ કરવા કીધુ. વિપુલ લાગણીશીલ વ્યક્તિ હતો પુજા ની કરમકહાણી સાંભળી એને દિકરી જેવી સમજી એના બજેટ મા ભાડૂ ગોઠવી આપ્યુ.
સમય વીતવા લાગ્યો ધણીવાર પુજા સમયસર ભાડુ ન્હોતી આપતી તો પણ વિપુલ એને સંભાળી લેતો અને કહેતો બેટા ટેન્શન ન લેતી સગવડ થાય ત્યારે આપી દેજે. 
આ રૂમ પુજા માટે પણ શુકનિયાળ સાબિત થઈ એના લગ્ન એક સરસ છોકરા સાથે ગોઠવાઈ ગયા એની ખુશીમાં થી બહાર આવે એ પહેલા એની નાની બહેન માટે પણ માંગુ આવ્યુ અને એના પણ લગ્ન ફિક્સ થઈ ગયા.
આમ ડબલ ખુશી મળતા બધા ખુશ હતા અને લગ્ન ની તૈયારી કરવા લાગ્યા અને ભાડૂ આપવા માં ખેંચ પડવા લાગી પુજા બોલતી અંકલ આવતા મહીને બધુ એડજસ્ટ કરી દઈશ અને લાગણીશીલ વિપુલ નિભાવી લેતો.
બન્ને બહેનો ના લગ્ન થતા એમની મમ્મી એકલી થઈ એટલે પુજા વિપુલ ને કહેવા લાગી એકલી મમ્મી માટે આટલુ ભાડુ પરવડતુ નથી અને રૂમ ખાલી કરવા માટે નોટિસ આપી નજીક ના એરીયા માં બીજી ઓછા ભાડાવાળી રૂમ માં સામાન ટ્રાન્સફર કરવા લાગી.
રૂમ ખાલી થતા વિપુલે બીજા માણસ ને રૂમ ભાડે આપી એગ્રીમેન્ટ બનાવી લીધા અને એને ભાડૂ પણ વધુ મળતુ હતુ.
પુજા ની નવી રૂમના પાડોશી એ જોયુ કે એકલી વૃદ્ધ સ્ત્રી અહિંયા રહેવાની છે એટલે પુજા ને બોલાવી વાતચીત કરી અને કીધુ બેટા તમે લોકો સારા ઘરના દેખાવ છો એટલે એક વાત કરૂં કે આ રૂમ માં રહેતી વ્યક્તિ એ આપઘાત કર્યો હતો એટલે આ રૂમ સસ્તા ભાડા માં આપી છે.
સાંભળી પુજા ડરી ગઈ અને વિપુલ પાસે જઈ રડવા લાગી તમારી રૂમ પાછી ભાડે આપો, વિપુલે કીધુ મારી રૂમ તો બીજાને ભાડે અપાઈ ગઈ અને એના એગ્રીમેન્ટ પણ દેખાડ્યા, પુજાએ એની મોટી બહેન જે પહેલેથી પરણેલી હતી એને બોલાવી વિપુલ ને આજીજી કરી કંઈક એડજસ્ટ કરવા કહ્યુ.
વિપુલ નો લાગણીશીલ સ્વભાવ એને નડ્યો અને નવા ભાડૂત ને જેમતેમ સમજાવી પાછી પુજા ને ભાડે આપી એ પણ પુજાની પરિસ્થિતિ જોઈ ઓછા ભાડે.
આમ બધુ સેટ થયુ એટલામાં લોકડાઉન ચાલૂ થયુ પુજા પણ કામ પર ન્હોતી જતી એટલે ભાડૂ પણ ન્હોતી ચુકવી શકતી અહિંયા વિપુલ ની પણ એજ હાલત હતી કામ બંધ થતા ઘર ચલાવવા તકલીફ પડવા લાગી પુજા પાસે ભાડૂ માંગતા એ બોલતી અંકલ હમણા જોબ બંધ છે પછી આપી દઈશ. સાંભળી વિપુલ માણસાઈ દેખાડી પુજા ને વધુ ફોર્સ ન કરતા પોતે ગમેતેમ ચલાવી લેતો આમનેઆમ છ મહિના નીકળી ગયા પુજા ની જોબ ચાલૂ થઈ પણ ભાડૂ આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગી અને છેવટે બોલી મારી મમ્મી ને વૃદ્ધાશ્રમ માં છોડી રૂમ ખાલી કરી તમારું ભાડૂ આપી દઈશ.
એક દિવસ પુજાએ વિપુલ ને કીધુ સાંજે ઓફિસ થી આવીશ ત્યારે હિસાબ કરી જવા કીધુ, સાંજે વિપુલ રીક્ષા કરી રૂમ પર પહોંચ્યો પણ પુજા ના ઠેકાણા નહીં ફોન પણ રિસીવ ન કરે ધણીવાર પછી ફોન કરી કીધુ આજે એડજસ્ટ નહીં થાય આવતીકાલે આવજો.
બીજા દિવસે સાંજે વિપુલ રૂમ પર ગયો ત્યારે પાડોશીએ કીધુ એ લોકો તો બપોરનાં રૂમ ખાલી કરી સામાન લઈ ચાલ્યા ગયા છે.
વિપુલે પુજા ને ફોન કર્યો તો એનો નંબર બ્લોક કરી દીધો હતો.
વિપુલને ઝટકો લાગ્યો આટલો વખત એને એક દિકરી સમજી બધુ એડજસ્ટ કરતો આવ્યો, એના માટે મે ઓછુ ભાડૂ લઈ બીજા વધુ ભાડા ને ઠોકર મારી અને એણે જ મારી સાથે આવુ કર્યુ.
હવે એને ખબર પડી કે મકાન માલિક શું કામ આટલા ખડૂસ હોય છે. વાંક ખાલી મકાન માલિક નો નથી હોતો ભાડૂઆત જ એમને આવુ કરવા મજબૂર કરતા હોય છે.
           ~ અતુલ ગાલા (AT) કાંદિવલી, મુંબઈ.