Darek khetrama safdata - 27 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 27

પ્રકરણ 12
ભાગ 27
પ્રેરણા પ્રાપ્ત કરતા શીખો


એક પરીવારમા બે ભાઇ હતા, જેમાથી મોટો ભાઇ ખુબજ નશો કરતો, ગેરકાનુની કામ કરતો અને ઘરમા મારઝુડ પણ કરતો, જ્યારે નાનો ભાઇ ઇમાનદારી અને પ્રામાણિકતાથી કામ કરતો અને મોટા વેપાર સામ્રાજ્યનો માલીક હતો. આ બધુ જોઇ લોકોને આશ્ચર્ય થતુ કે એકજ માની કુખે જન્મેલા બે ભાઇઓ વચ્ચે આટલી બધી અસમાનતા કેવી રીતે હોઇ શકે ?
એક વખત પેલા વ્યસની ભાઈને કોઇએ પ્રશ્ન પુચ્છ્યો કે તમે આટલો બધો નશો શા માટે કરો છો ? નશો તો ઠીક છે પણ તમેતો ઘરમા મારઝુડ પણ કરો છો, પત્ની અને બાળકો સાથે જઘડાઓ કરો છો તો આવુ કરવાનુ કારણ શું હોઇ શકે ? તમને આવુ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે ? જરા પણ વિચાર્યા વગર તરતજ પેલા વ્યક્તીએ જવાબ આપ્યો – “ મારા પીતાજી પાસેથી "
આ જવાબ સાંભળી બધા ચોંકી ગયા. લોકોએ પુચ્છ્યુ તમારા પીતાજી કેવી રીતે હોઇ શકે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પીતાજી ખુબજ નશો કરતા હતા, ઘરના બધાજ પૈસા વ્યસનમા ખર્ચી નાખતા હતા અને ઘરમા જો કોઇ આનાકાની કે વિરોધ કરે તો તેમની સાથે મારઝુડ પણ કરતા હતા. બસ આ રીતે તેમનો માર ખાઇ ખાઇને હું પણ તેમના જેવોજ થઈ ગયો છુ.
હવે બધા લોકો નાના ભાઇ પાસે ગયા અને તેને પણ આજ પ્રશ્ન પુછ્યો કે તમે બન્ને ભાઇઓ એકજ માતાના સંતાન છો, એકજ છત નીચે એકજ સરખા વાતાવરણમા ઉછરેલા છો તો તમારો મોટો ભાઇ વ્યસની છે પણ તમે આટલા બધા મહેનતુ અને પ્રામાણિક શા માટે છો ? તમને આવા વ્યક્તી બનવાની પ્રેરણા ક્યાંથી મળી ?
આ ભાઇનો જવાબ સાંભળી તમે ખરેખર ચોંકી જશો. તેનો જવાબ હતો, “ મારા પીતાજી “
એ કેવી રીતે ?
જ્યારે હું નાનો હતો ત્યારે મારા પીતાજી ખુબજ દારુ પીતા હતા, ડ્રગ્સ લેતા હતા અને આખો દિવસ વ્યસનના નશામા ચુર રહેતા હતા. અમે જો તેમને રોકવા–ટોકવાનો પ્રયત્ન કરીએ તો તેઓ અમને મારતા અને બધાજ પૈસા વેડફી નાખતા. તેમની આવી હાલત જોઇને અમે બધા ખુબ પરેશાન રહેતા અને દુ:ખી થઈ જતા. બસ ત્યારથીજ મે નક્કી કરી લીધુ હતુ કે હું જીવનમા કંઈ પણ બનીશ પણ મારા પીતાજી જેવોતો નહીજ બનુ. એટલે આજે હું જે કંઈ પણ છુ એ બધુ મારા પીતાજીના કારણેજ છુ.
આમ કહેવાનો મતલબ એટલોજ છે કે બન્ને ભાઇના પ્રેરણાસ્ત્રોત એકજ વ્યક્તી હતા તેમ છતા તે બન્નેના દ્રષ્ટીકોણ અલગ અલગ હોવાને કારણે એકને હકારાત્મક પ્રેરણા મળતી હતી તો બીજાને નકારાત્મક પ્રેરણા પ્રાપ્ત થાતી હતી. પ્રેરણાના આવા તફાવતને કારણેજ એક વ્યક્તી શ્રેષ્ઠ જીવન જીવી રહ્યો હતો, જ્યારે બીજો વ્યક્તી બદ્તર જીવન જીવવા મજબુર બનતો હતો.
આમ જીવનમા પ્રગતી કરવા માટે માત્ર પ્રેરણાજ નહી પણ હકારાત્મક પ્રેરણા પ્રાપ્ત કરતા શીખવું જોઈએ. તેમ કરવાથીજ જીવનને શ્રેષ્ઠ બનાવી શકાતુ હોય છે.

જીવનમા સારી પ્રેરણા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?

જીવનમા પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પોતાની અંતર આત્માને સ્પષ્ટતાથી પુછવુ જોઈએ કે તે ખરેખર શું ઇચ્છે છે, મારે મારા જીવનને કઈ દિશામા લઈ જવુ જોઈએ. જો તમે કોઇ પણ કાર્ય કરતા પહેલા પોતાની અંતરઆત્માને આ રીતે પ્રશ્ન પુછતા શીખી જાવ તો તમારે ખરેખર શું કરવુ જોઈએ તેનો ખ્યાલ મેળવી શકતા હોવ છો.

પ્રેરણા પ્રાપ્ત કરવા માટે નીચેની બાબતો ધ્યાનમા રાખવી જોઈએ.

૧) સૌથી પહેલાતો કોઇએ પણ ન કર્યુ હોય અથવાતો અદ્વીતીય હોય તેવા કામ કરવાની અપેક્ષા રાખો, ઉચ્ચ કક્ષાનો હેતુ રાખો અને તેને પ્રાપ્ત કરવા માટે વચનબદ્ધ બનો. પોતાના કાર્યક્ષેત્રમા શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તીને પોતાના આદર્શ બનાવો, પ્રેરણાદાઇ વ્યક્તીઓ, તેઓની સંઘર્ષ ગાથાઓનો અભ્યાસ કરો, પ્રેરણાદાઇ પુસ્તકો વાંચી તેને જીવનમા ઉતારવાનો પ્રયત્ન કરો. તે ઉપરાંત ઉંચામા ઉંચા સ્ટાન્ડર્ડસ નક્કી કરો અને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવવાનો પ્રયત્ન કરો. તેમ કરવાથી તમે શ્રેષ્ઠમા શ્રેષ્ઠ ટકાઉ પ્રેરણા પ્રાપ્ત કરી શકતા હોવ છો.

૨) પોતાના હેતુઓને એક કાગળમા લખી તેને દરરોજ ધ્યાન પડતુ હોય તેવા સ્થળ પર ચોટાળી દો અને દરરોજ તેના પર નજર ફેરવો. જો કાર્યમા નિષ્ફળતા મળી હોય તો ફરી પાછો દ્રઢ સંકલ્પ કરો કે હું સફળતા પ્રાપ્ત કરીનેજ રહીશ. આવો દ્રઢ સંકલ્પ તમને વધુ મહેનત કરવાની, મનોમંથન કરવાની પ્રેરણા પુરી પાડશે.

૩) તમારે જે મેળવવુ છે તેના પ્રત્યે લાગણીશીલ બની જાઓ, તેની સાથે લાગણીથી જોડાઈ જાઓ. આ રીતે તમે કોઇ પણ કાર્ય કરવાની પ્રબળતા વધારી શકતા હોવ છો.

૪) મોટે ભાગે માણસ એવાજ કામ કરવા પ્રેરાતો હોય છે જેવા કામ તેના વિચારોમા આકાર પામતા હોય. આવા વિચારોને પરીણામેજ વ્યક્તીની લાગણીઓની પ્રબળતામા વધારો કે ઘટાળો થતો હોય છે અને પછી આવી લાગણીઓને આધારેજ તે કામ કરવા પ્રેરાતો હોય છે. જો આવા વિચારો હકારાત્મક હોય તો વ્યક્તી સારા કાર્યો કરાવા પ્રેરાતો હોય છે પણ જો તે નકારાત્મક હોય તો તે ખરાબ કાર્યો કરવા પ્રેરાતો હોય છે. માટે વિચારસરણી એવી રાખો કે જે તમને સારા કાર્યો કરવા પ્રેરીત કરે.

૫) હંમેશા નવા નવા ઉપાયો ગોતવાનો પ્રયત્ન કરો, પોતાના લેવલ અને સ્ટાન્ડર્ડ હાઇ બનાવવાનો પ્રયત્ન કરો, દરેક વ્યક્તી પાસેથી સારી બાબતો શીખતા રહો અને સફળતા મેળવવા દરેક પ્રકારની જવાબદારી ઉપાડવા તત્પર રહો.

૬) નાત જાત, ધર્મ પ્રદેશના ભેદભાવો ભુલી દરેક સાથે હળી મળીને ટીમવર્કથી કામ કરવાનો પ્રયત્ન કરો, આ રીતે એક બીજાનો સાથ સહકાર, એક બીજાને આગળ વધવાની પ્રેરણા પુરી પાડતો હોય છે.

૭) પોતાને, પોતાના પરીવારને કે પોતાના દેશના લોકોને સુખ, સમૃદ્ધી અને ઉચ્ચ કક્ષાના જીવનધોરણ આપવાનો ધ્યેય રાખો, દરેકની લાગણીઓને માન આપી તેઓને ધ્યાનમા રાખીને કામ કરો.

૮) પોતાની સાથે કે અન્ય વ્યક્તીઓ સાથે હરીફાઇ કરો, હરીફાઇ કરવાથી સતર્કતા અને પ્રથમ આવવાની દ્રઢતામા વધારો થતો હોય છે જેથી દિવસ રાત મહેનત કરવાની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે.

૯) સમસ્યાઓને અવરોધક તરીકે જોવાને બદલે તેમાથી તક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો, તેમા નવા નવા ઉપાયો ગોતવાનો આગ્રહ રાખો, ક્રિએટીવ વિચારસરણી વિકસાવો. આ રીતે તમારુ મગજ સતત દોડતુ રહેશે, સતત નવા નવા આઇડિયાઓ, ઉપાયો જનરેટ કરશે જે તમને આગળ વધવાની પ્રેરણા આપશે.

૧૦) તમારુ સામર્થ્ય ચકાશો, તમને શું આવળે છે, શું નથી આવળતુ, કેટલે પહોચ્યા છો, કેટલે પહોચવાનુ બાકી છે, ભવિષ્યમા તમારી સાથે કેવી કેવી દુર્ઘટનાઓ ઘટી શકે છે અને તમારી પાસે તેને પહોચી વળવા માટે કેટલુ સામર્થ્ય કે ટેકેદારો છે તેનો વિચાર કરશો તો તમને એવી હકીકતો પ્રાપ્ત થશે કે જે તમને સફાળા જાગૃત કરી તે દિશામા મહેનત કરવાની પ્રેરણા આપશે તેમજ ગંભીરતાથી પ્રયત્નો કરવાની જરુરીયાત સમજાઇ જશે.

૧૧) તમારે જેવા બનવુ છે, જે વિષયમા રસ છે, તેને લગતા વાતાવરણમા રહો, તેવા લોકો સાથે ચર્ચાઓ કરો, આ રીતે પોતાના રસ રુચી મુજબના વાતાવરણમા રહેવાથી અને તેવા વિષયમા આગળ વધવાથી આપણી જીજ્ઞાશા વૃત્તીમા વધારો થતો હોય છે, તેને સંતોષવાનો અનેરો આનંદ આવતો હોય છે જે આપણને એ ક્ષેત્રમા વધુને વધુ આગળ વધવાની પ્રેરણા આપતુ હોય છે.

૧૨) તમે જે કંઈ પણ કામ કરો તેના પર ગર્વ અનુભવો. તમે કેટલુ સારુ અને મોટુ કાર્ય કરી રહ્યા છો, તેના કેટ કેટલા ફાયદાઓ છે તેની વિચારણા કરી તેની યથાર્થતા અને ઉપયોગીતા ચકાસશો તો તમને તમારુ કામ અતીપ્રીય લાગશે અને પછીતો તે કાર્યનો એક મહત્વના ભાગ બનવાનો કે શ્રેષ્ઠ કાર્ય કરી બતાવવાની તમને અંદરથીજ પ્રેરણા મળવાની શરુઆત થઈ જશે.

૧૩) પ્રેરણા બળને જાગૃત રાખવા માટે એક ટાર્ગેટ પ્રાપ્ત થાય કે તરતજ બીજો ટાર્ગેટ નક્કી કરવા લાગી જવુ જોઇએ અથવાતો તૈયાર રાખવો જોઇએ, પણ ખોટી રીતે આત્મસંતોષ અનુભવી બેસી જવાની ભુલ ક્યારેય કરવી જોઇએ નહી. વધુ પડતો સંતોષ કે અભીમાન પ્રેરણાશક્તીને નિષ્ક્રિય અને બુઠ્ઠી બનાવી દે છે જેથી વ્યક્તીને આગળ વધવાની ઇચ્છા ઘટી જતી હોય છે. આ રીતે વ્યક્તી પછી ભોગવાદી બની જતો હોય છે અને મળેલી સફળતાને ભોગવવાના ચક્કરમા તેને ગુમાવી બેસતો હોય છે. આમ સતત પ્રેરણા મેળવતા રહેવા માટે સતત હેતુઓ પણ નક્કી કરતા રહેવુ જોઈએ.

૧૪) પોતાને પ્રોત્સાહન આપે, ઉત્સાહ જાળવી રાખે તેવા હકરાત્મક વિધાનો મનમા બેસાળી દો અને તેને સતત મનમા રીપીટ કરતા રહો જેમકે
- હું ખુબજ સારુ કામ કરી રહ્યો છુ અને હજુ વધારે સારુ કામ કરી શકુ તેમ છુ.
- મારી સમસ્યાઓ, તકલીફો, અમુક ઉપાયો કે ટેક્નીક્સને કારણે દુર થઈ રહી છે, પરીસ્થીતિઓ મારા ફેવર કે કાબુમા આવી રહી છે.
- હું જીતી રહ્યો છુ અને છેવટે તો જીતીનેજ બતાવીશ.
આવા વિધાનો સતત મનમા બોલતા રહેવાથી આપણો સમસ્યા જોવાનો દ્રષ્ટીકોણ સુધરતો હોય છે, નવી નવી આશાઓ બંધાતી હોય છે અને વાતાવરણમા થોડી હકારાત્મકતા કે હળવાશ પ્રસરતા આત્મવિશ્વાસમા વધારો કરી શકાતો હોય છે.

૧૫) તમે જે કંઈ પણ કરો કે કરવા માગો છો તેમા અતુટ શ્રધ્ધા રાખો, વિશ્વાસ રાખો અને તેને કોઇ પણ ભોગે પુરુ કરી બતાવવા પ્રતીબદ્ધ બનો. આવી શ્રધ્ધા અને પ્રતીબદ્ધતા તમને ગીવઅપ કરતા અટકાવશે અને કોઇ પણ ભોગે આગળ વધતા રહેવાની પ્રેરણા પ્રદાન કરશે.

૧૬) પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જવાબદાર બનો, જાગૃત થાઓ અને તેને સ્વૈચ્છીક રીતે પોતાનુ કર્તવ્ય સમજી પુરા કરવાનો નિર્ધાર કરો. તમે તમારા જીવન, બાળકો, ઘર પરીવાર કે દેશ સમાજ પ્રત્યેની જવાબદારીઓ સમજશો, તેનો નૈતીકતાથી સ્વીકાર કરશો તો આપોઆપ તેને નિભાવવાનુ આંતરીક બળ કે ઇચ્છા ઉત્પન્ન થશે અને તમને તનતોડ મહેનત કરવાની પ્રેરણા મળશે.

૧૭) કોઇ પણ કાર્યની શરુઆત નાનેથી કરો એટલેકે પહેલા નાના નાના કાર્યોમા સફળતા મેળવો, ફાવટ મેળવો અને પછી મોટા પાયે તેમા કુદી પડો. આ રીતે નાના નાના કાર્યોમા સફળ થવાથી આપણો અનુભવ, સમજણ, ઉત્સાહ અને આત્મવિશ્વાસમા વધારો થતો હોય છે, આવો આત્મવિશ્વાસ વધવાથી જે તે કાર્ય કરવાની પ્રેરણા વધુ પ્રબળ બનતી હોય છે.

૧૮) સફળ થવાની જીદ કરો, કંઈક કરી બતાવવાની કે ઉચ્ચતમ શીખર પર પહોચવાની જીદ કરો. નહી હું આ કામ કરીનેજ રહીશ, હું તે બધુ મેળવીનેજ રહીશ એવી જીદ તમારી આગળ વધવાની શક્તીઓમા અનેક ગણો વધારો કરી દેશે.

૧૯) દરેક વ્યક્તીમાથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરો કારણકે દરેક વ્યક્તીમા કંઈકને કંઈક સારી બાબત હોયજ છે, કોઇ જીંદાદિલ હોય છે તો કોઇ ખુશમીજાજી, કોઇ ધીરજવાન હોય છે તો કોઇ પર્ફેક્શનીસ્ટ. આ રીતે બધામાથી કંઈક સારુ સારુ ગોતતા રહેવાથી વધુ સારી રીતે પ્રેરણા પ્રાપ્ત કરી શકાતી હોય છે.

૨૦) પોતાને પ્રેરણા આપવા માટે નીચેના વેધક પ્રશ્નો પોતાનેજ પુછો.
- શા માટે હું મારી જવાબદારીઓ ન નીભાવુ,
- શા માટે હુંજ પાછળ રહુ, શા માટે હુંજ ગરીબ રહુ, હું મારો વિકાસ કેમ નથી કરતો ? શું મને કોઇએ રોક્યો છે ? અને કોઇએ રોક્યો હોય તો શું મારે એમ રોકાઇ જવુ જોઇએ ?
- હજુ હું કેટલુ વધારે અને સારુ કામ કરી શકુ તેમ છુ ? વગેરે..
પોતાને આવા ધારદાર પ્રશ્નો પુછવાથી આપણી અંતરઆત્મા જાગી ઉઠતી હોય છે અને વધારે મહેનત કરવી જોઇએ તે વાત સમજાઈ જતી હોય છે.

૨૧) પ્રક્રૃતીના તમામ તત્વો અને તેના નિયમોમાથી પ્રેરણા પ્રાપ્ત કરો, જેમકે પ્રક્રૃતીના તમામ કાર્યો તેના યોગ્ય સમયે ક્રમબદ્ધ રીતે પુર્ણ થતા હોય છે તો તેમાથી ટાઇમ મેનેજમેન્ટની પ્રેરણા મેળવો.
- એક વૃક્ષ તમામ પ્રકારના ટાઢ, તડકા સહન કરીને પણ જીવશ્રૃષ્ટીને હંમેશા છાયળો, પ્રાણવાયુ અને ફળ આપવાનુ કામ કરતુ હોય છે તો આવા વૃક્ષોમાથી ધીરજ અને સહનશક્તી ગ્રહણ કરી પરોપકારના કામ કરવાની પ્રેરણા મેળવો.
- પાણી સતત વહ્યા કરે છે અને તેને જેવા પાત્રમા નાખો તેવો આકાર તે ધારણ કરી લેતુ હોય છે તો તેમાથી પરીસ્થીતિઓ સાથે અનુકૂલન સાધતા અને નિરંતર આગળ વધતા રહેવાની પ્રેરણા પ્રપ્ત કરો.

૨૨) પ્રેરણા મેળવવા માટે ઇર્ષા અને અહંકારનો ત્યાગ કરો, જો કોઇ વ્યક્તી સફળ થયા હોય તો તેઓની ઇર્ષા કરવાને બદલે તેમાથી પ્રેરણા, બોધપાઠ શીખવાનો પ્રયત્ન કરો, જો તમે ભુલે ચુકેય આવા સફળ લોકોની ઇર્ષા કરવાની ભુલ કરશો તો ક્યારેય યોગ્ય પ્રેરણા પ્રાપ્ત કરી શકશો નહી તેમજ અભીમાન કરશો તો ક્યારેય ઉપયોગી વાસ્તવીક જ્ઞાન મેળવી શકશો નહી. આમ પ્રેરણા પ્રાપ્ત કરવા માટે ઇર્ષા અને અહંકાર જેવી તમામ પ્રકારની નકારાત્મક લાગણીઓનો ત્યાગ કરવો જોઈએ.

૨૩) ટીકા ટીપ્પણીઓ, ભુલો, નિષ્ફળતાઓથી દુ:ખી ન થાઓ, તેને પોતાના માર્ગદર્શક મીત્ર સમજી તેમાથી પણ પ્રેરણા પ્રાપ્ત કરો.

૨૪) પોતાના ક્ષેત્રને લગતા સતત નવા નવા જ્ઞાન, અનુભવો અને ટેક્નીક્સ જાણતા રહો, સમજતા રહો, શોધતા રહો. આ રીતે તમને પોતાના હેતુઓને પ્રાપ્ત કરવાની અલગ અલગ રીતો જાણવા- સમજવાની તક મળશે, નવી આશાઓ બંધાશે જે તમને સતત નવા નવા પ્રયત્નો કરતા રહેવાની પ્રેરણા પુરી પાળશે.

૨૫) એક સંકલ્પ કરો કે હું જે કંઈ પણ કામ હાથમા લઈશ તેને કોઇ પણ ભોગે પુરુ કરીનેજ રહીશ. અડધુ પડધુ કામ કરવુ એ કામ ન કરવા બરાબરજ છે. આ રીતેતો આપણા સમય શક્તીનો વેડફાટ થતો હોય છે અને છેવટે કશુજ હાથમા આવતુ હોતુ નથી. જો આવી તાર્કીક દલીલો સાથેનો તમારો સંકલ્પ દ્રઢ હશે તો એ સંકલ્પજ તમને તે કામ પુરુ કરી બતાવાની હીંમત અને પ્રેરણા પ્રદાન કરશે. આ રીતેતો પછી દુનિયાની કોઇ તાકાત તમને તેમ કરતા રોકી શકશે નહી.
૨૬) ભુતકાળમા તમે જેટલી પણ ભુલો કરી છે, નિષ્ફળતાઓ મળી છે તેના લીધે તમને જે કંઈ પણ બોધપાઠ શીખવા મળ્યા છે તેમાથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરો. જ્યારે વ્યક્તી ભુલો કરે છે, નિષ્ફળતા મળે છે ત્યારે તેને સમજાતુ હોય છે કે ખરેખર સાચો રસ્તો ક્યો હતો. આ રીતે જ્યારે વ્યક્તીને ખબર પડે છે કે સાચો રસ્તો ક્યો છે ત્યારે તેને દ્રઢતાથી વળગી રહી શકાતુ હોય છે, પછી કોઇ વ્યક્તી કે પરીબળ તેને તેના માર્ગ પરથી વિચલીત કરી શકતા હોતા નથી.
તે ઉપરાંત આપણે આપણીજ ભુલોમાથી શીખીએ એતો સારી વાત છેજ પણ તેનાથી શ્રેષ્ઠ વાત ત્યારેજ કહેવાતી હોય છે કે જ્યારે આપણે બીજાઓની ભુલોમાથી બોધપાઠ મેળવી સાચા રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ. આ રીતે આપણને વગર નુક્શાનીએ કીંમતી જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત થતા હોય છે જેથી વગર નુક્શાનીએ આગળ વધી શકાતુ હોય છે.

૨૭) નિરાશા ઉત્પન્ન કરે તેવા તમામ પ્રકારના પરીબળો જેમકે ટીકા ટીપ્પણી, નાનપ, અન્યાય, અપમાન, શરમ સંકોચ, દિશાહીનતા, નિષ્ફતા કે નકારાત્મકતા જેવા પરેબળો પર કાબુ મેળવો અને તેમાથી બહાર આવતા શીખો. જયાં સુધી તમે આવી બાબતોમા ગુંચવાયેલા રહેશો ત્યાં સુધી તમને હકારાત્મક પ્રેરણા પ્રાપ્ત નહી થાય પણ જેવા તેમાથી બહાર આવશો કે તરતજ નવી આશાઓ અને પ્રેરણાઓ સ્ફુરવા લાગશે.