AME BANKWALA - 11 books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 11 - અમૃતસિધ્ધિ યોગ

11. અમૃતસિધ્ધિ યોગ

1982-83. હું દ્વારકા ખાતે કાર્યરત હતો. એ વખતે શહેર ખૂબ નાનું. વીસેક હજારની જ વસ્તી. શહેરી જનોની વસ્તી ધરાવતું મોટું ગામડું કહો તો ચાલે.

મેં અગાઉ કહ્યું તેમ એ વખતે બેંકના સ્ટાફ અને ગ્રાહકો વચ્ચે મિત્રતા ગાઢ રહેતી. ક્યારેક ઉગ્ર બોલાચાલી અને નહીં જેવી વાતમાં કંમ્પ્લેઇન પણ થઈ જતી.

રાજકોટ હતો ત્યારે એક મહાશય વારંવાર બેંકમાં આવી ચિડાય. એમાં પણ નાની શી ભૂલ હોય તો પણ 'માફી માંગો' વગેરે કહે. મેનેજરની કેબિનમાં કેસ ચાલે અને અર્ધો કલાક એ સ્ટાફ અને મેનેજરનો બગડે. એમાં તેઓ વારંવાર કહેવા લાગેલા કે 'મોઢામોઢ સોરી નહીં ચાલે. લખીને આપી દો.' જે તે ક્લાર્ક કે ઓફિસર લખીને આપવામાં ગલ્લાતલ્લા કરે એમ તે વધુ ને વધુ ઉશ્કેરાતો જાય, આજુબાજુના ગ્રાહકોની હમદર્દી મેળવી મોટો હલ્લો બોલાવવા ચારે તરફ સહાનુભૂતિ ગોતતી આંખો શોધે. એક વખત એ કોઈ સ્ટાફ પર ગરમ થઇ ગયો. ચાર્જ ત્યારે કોમ્પ્યુટર ન હોઈ મેન્યુઅલી ડેબિટ કરેલો તેના વિશે કોઈ ઝગડો અને પછી ઉગ્ર ઘાંટાઓ. હું સામાન્ય અધિકારી

હું પાછળ બેઠેલો તે ઉઠીને તે કાઉન્ટર પર ગયો અને તેને સમજાવવા પ્રયત્ન કર્યો. તે વધુ ઊંચે અવાજે કહે 'માફી માંગો. લખીને આપો. અત્યારે જ. લો આ કાગળ.' વગેરે. મારી સામાન્યતઃ નમ્ર કરતાં થોડા ઢીલા માણસની છાપ છેક નિવૃત્તિ સુધી હતી, બને ત્યાં સુધી compromising attitude. પણ વાતનું વતેસર થઈ રહ્યું છે એ જોઈ તે વખતે 28 વર્ષ જેવી ઉંમરે મેં પૂછી નાખ્યું, 'તે લખીને આપે તો તમે શું કરશો? આ કિસ્સામાં ઉપરની ઓફિસ પણ તેને કઈં નહીં કરે.' તે કહે 'અરે મારી પાસે રાખીશ. બીજીવાર થવા દો કઈં પણ. જુઓ આ ભાયડાના ભડાકા.' મારાથી કહેવાય ગયું, 'ચાલો. લખી આપીએ અને લેમીનેટ કરી મઢાવી પણ આપીએ.' એ હેબતાઈ ગયો અને ઠંડો પડી કેસ સમજાવવા લાગ્યો, દસ મિનિટ પછી તે પાણી પી રવાના થઈ ગયેલો. આવું 'ક્યારેક' અમારી ભાષામાં અને 'અવારનવાર' અમુક કાયમ અસંતોષી રહેતા ગ્રાહકોની ભાષામાં થયા કરતું. પણ એ સિવાય અમુક પિક અવર સિવાય એ વખતે કાઉન્ટર પર ઉભી ગ્રાહકો સ્ટાફ સાથે ગપ્પા લગાવતા.

તો ફરી દ્વારકામાં. એક સફેદ વસ્ત્રોધારી પંડિત જેવા દેખાતા ગ્રાહક કાઉન્ટર પર કહે, "આજે ગુરુ પુષ્યમૃત યોગ અને સાથે ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ છે."

કાઉન્ટર પરના ભાઈ આ બ્લા બ્લા માં સમજ્યા નહીં. કહે, 'તો શું થાય?"

એ ભાઈ કહે, "અરે આજે જે લો તે વસ્તુ બમણી, બલ્કે અનેક ગણી થાય."

બાજુમાં બેઠેલા ક્લાર્ક કહે "તો હું લોટરી આજે લઉં તો?"

પેલા પંડિત ગ્રાહક કહે "અરે સો ટકા લાગે. ન્યાલ થઈ જાઓ. પણ હા, મુહૂર્ત બપોરે ત્રણ સુધી જ છે. અમુક હોરા (ચોક્કસ ગ્રહ નો એક કલાક. તે સૂર્યોદયથી ચોક્કસ ક્રમમાં હોય. અમુક હોરા અમુક કાર્યો માટે શુભ હોય) ચાલે છે. પછી યોગ પણ નબળો પડશે અને હોરા પણ અનુકૂળ નહીં રહે."

હું એ વખતે એકલવીર હતો. 25 વર્ષનો. લગ્ન નહોતાં થયાં. સવારે સમય હોય તો જગતમંદિર જતો ત્યારે શેરીમાં આ મહાશય સફેદ રેશમી વસ્ત્ર ઓઢી જતા હોય. અમે થોડી વાતો કરતા. તેઓ કોઈ પણ માણસ જ્યોતિષને લગતું કઈં પણ પૂછે એટલે આંગળીઓ પર 'મીન, મેષ, વૃષભ…' કે 'મંગળ, શુક્ર, ગુરુ..' જેવું મોંએ ગણી તુરત શેરીમાં ઊભીને જ સોલ્યુશન આપી દે. જ્યોતિષમાં તેઓ પક્કા હતા.

હવે તેમનું કહેવું અને કોઈને પણ હોય તેવી લાલચ.. સ્ટાફ મિત્રો એક પછી એક 'હમણાં આવું છું' કરી બહાર જવા લાગ્યા. અમૂકે ખિસ્સા ફંફોસયાં અને રકમ ઓછી હોઈ વિથડ્રોઅલ સ્લીપ ભરી પૈસા ઉપાડ્યા. થોડી વારમાં તેઓ આ નાનું શહેર હોઈ નજીક આવેલી લોટરીની દુકાનેથી લોટરીની યથા માન્યતા અને યથા શ્રદ્ધા ટીકીટો લઈ આવવા લાગ્યા.

પાછું બીજાને પણ આ અમૂલ્ય તકની વાતો થવા લાગી. અંદર વાઉચર બાંધતા દફતરી પીયૂન પણ 'કોઈ અગત્યનો સંદેશ આવ્યો એટલે' હમણાં આવું કહી બહાર દોડ્યા. અમુક ક્લાર્કના મિત્રો દૂર આવેલી ટેલિફોન ઓફિસમાં ઓપરેટર હતા (એ વખતે BSNL જેવો શબ્દ ન હતો) તેમને પણ આ સંદેશો પાઠવ્યો. એ લોકો પણ કોઈના તે વખતે બહાર કોલ કરવા નોંધાવવા પડતા ટ્રંકકોલ પડતા મૂકી આઘા પાછા થવા લાગ્યા.

બાકી હતું તો આ તો યાત્રાળુઓ માટેનું ગામ. શહેર જેવી લોજ ક્યાં હોય? એક બે હતી ત્યાં રોજ જમો તો તબિયત બગડે જ એવી. એટલે હું દ્વારકાધીશ મંદિર સામે ખાંચામાં એક 'મામીની લોજ' માં જમતો. અમે સવારે જમી આવ્યા હોઈએ પણ નજીક આવેલ પોલીસસ્ટેશનના કોન્સ્ટેબલો દોઢ પોણાબેએ ફ્રી થાય. કોઈ કોન્સ્ટેબલે કોઈ આવા ક્લાર્ક મિત્રને 'અત્યારે ક્યાં ઉપડ્યા?' પૂછ્યું ને વા વાત લઈ ગયો. મામીની લોજમાં જમતા કોન્સ્ટેબલોએ રોટલીઓ કરવા ઉતાવળ કરાવી અને જેમ તેમ ખાઈ ભાગ્યા. પંદરેક મિનિટ દોડતા ચાલીને પેલી લોટરીની દુકાને!

એ વખતે એ એક જ દુકાન હશે? ખબર નથી. કહે છે તેની પાસેની નાની અને મધ્યમ કિંમતની ટીકીટો ખલાસ થઈ ગઈ. મોટી, હજાર બે હજાર (એ વખતના ભાવો મુજબ તો ખૂબ મોટી. મારો બેંક અધિકારી તરીકે પગાર ગ્રોસ 1400 જેવો હતો તે તો અધધ.. કહેવાતો.) ની ટીકીટો પણ ખપી ગઈ.

કોઈએ કહ્યું કે મીઠાપુરથી ટીકીટો મંગાવી છે. ત્યાંના લોટરીવાળાને ખબર ન પડે કે આવો યોગ છે તે રીતે.

ત્યાં તો ટાટા કંપનીની વસાહતમાં અમુક જ દુકાનો. રેલવેસ્ટેશન પર કોઈ ભાઈ વેંચે. લો, તેની પણ ખલાસ.

મને યાદ આવ્યું, '89-'90 માં મીઠાપુર હતો ત્યારે પેટ્રોલની એવી તંગી થયેલી કે લોકો 42 કીમી દૂર ભાટિયા જઈ પેટ્રોલ ભરાવી આવવામાં ત્રણેક લીટર બગાડતા, એમ કરવું પડેલું. મેરા ભારત તબ ભી મહાન થા!! એમ કોઈ બસ પકડી ખંભાળિયા કે પોરબંદર નહીં ગયું હોય. ત્રણ વાગી જાય.

અરે મને પણ કોઈ મિત્રોએ આગ્રહ કર્યો કે આજે તો લઈ જ લો. લાગશે તો તમારા લગ્નનો ખર્ચ નીકળી જશે વગેરે કહીને. મેં ખલાસ થઈ ગયેલી તે આવે તો એકાદ દસેક રૂ. ની લેવા મિત્ર ક્લાર્કને પૈસા આપ્યા.

મારી તો 25રૂ. ની 25 માં જ મળી, કહે છે એ ટીકીટો બમણા ભાવે વેંચાઈ.

આવો જ રશ મંદિર જતા ચોકમાં સોનીની દુકાને. ભર બપોરે.

સાંજે આમ તો બેંકમાં ઓફિસર એટલે મસ્ટરમાં પોણા છ લખી સાડા સાત કે આઠ વાગ્યે છૂટવાનું પણ તે દિવસે કોણ જાણે કેમ, સાડા છ કે પોણા સાત સુધીમાં નીકળી શક્યો. મામીની લોજ માટે દોઢેક કલાક હોઈ ગામમાં રખડવા નીકળ્યો.

લોટરીવાળા ભાઈ અને અમારા એક સ્ટાફ મિત્ર એમની દુકાને બેઠા કાચની પ્યાલીમાં ચા પી રહેલા. મને બોલાવ્યો. 'આવો સાહેબ. આજે તો કઈં વહેલા ને? અરે સાહેબ, આજે તો અર્ધું ગામ મારી પાસે આવેલું.' તે ચા મંગાવતાં કહે.

"તે આ અમૃતસિદ્ધિ કમ લક્ષ્મીયોગથી ફાયદો કેટલાને થશે?" મેં કાચની પ્યાલી લોખંડના તારની બનેલી ટ્રે માંથી ઉઠાવતાં પૂછ્યું.

"લોકોને તો .. ઘણાને થશે. વત્તા ઓછા પ્રમાણમાં.

સહુથી વધુ આ યોગ ફળ્યો હોય તો મને." તે કહી રહ્યો.

બીજે દિવસે પેલા શ્વેત વસ્ત્રધારી પંડિત મંગળા આરતીમાંથી આવતા હતા અને હું રખડવા કમ લારીની ચા પીવા નીકળ્યો. મેં તેમને કાલના યોગ વિશે પૂછ્યું.

"હું ધાપા મારતો જ નથી. યોગ હતો પણ તમારી પોતાની કુંડલી અને દશા મુજબ મળે. બધું કઈં બધાને થોડું મળે? લાખની ટિકિટ તો એક જ હોય.

એટલે તમારું નસીબ એ તમારી લોટરી, તેમાં રોકવાની ટિકિટ એ તમારી મહેનત અને આવો અમૃતસિધ્ધિ યોગ તે તક. " તેમણે સરસ કહ્યું.

હા, પેલી 25 રૂ. ની ટિકિટ પર મને 51 રૂ. લાગેલા. મેં અને લાવનાર મિત્રે ચોકમાં ચેતાલી આઈસ્ક્રીમમાં બે દુધકોલડ્રિન્ક પીધાં તેમાં આ 51 ઉપરાંત દસેક રૂ. ઉમેરવા પડેલા. મને આટલો ફળ્યો.

તો પેલી 30 વર્ષ પહેલાં વૈભવલક્ષ્મીની વાર્તામાં આવતું કે 'જેવાં માં શીલાને ફલ્યાં તેવાં સહુને ફળજો' તેમ જેવો મને અમૃતસિધ્ધિ યોગ ફળ્યો તેથી અનેક ગણો મારા પ્રિય વાચકોને ફળજો'.

-સુનીલ અંજારીયા