Once Upon a Time - 135 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 135

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 135

‘અંડરવર્લ્ડની ગેંગવોર હાઈટેક બની રહી હતી. જો કે ઈન્ટરનેટની મદદથી રાજન વિષે માહિતી મેળવવાનું શકીલનું તિકડમ ચાલ્યું નહીં અને દાઉદ તથા શકીલને ખતમ કરાવવાનું રાજનનું ગતકડું સફળ સાબિત થયું નહીં. પણ એમ છતાં દાઉદ અને શકીલ તથા છોટા રાજન સામસામે એકબીજાને ખતમ કરાવવાની જાતભાતની યોજનાઓ ઘડી રહ્યા હતા. છોટા રાજન દાઉદ અને શકીલને પતાવી દેવા મરણિયો બન્યો હતો તો સામે દાઉદ અને શકીલ પણ રાજનને મારી નાખવા માટે અધીરા બની ગયા હતા. રાજન બચી ગયો એટલે દાઉદને શાંત પાડવા માટે ય શકીલ કોઈ પણ હિસાબે રાજનની હત્યા કરાવવા માગતો હતો. તેણે રાજન જ્યાં જ્યાં ગયો હોવાના સગડ મળ્યા ત્યાં પોતાના શૂટર્સને રવાના કર્યા હતા, પણ રાજન ક્યાંય હાથમાં આવ્યો નહોતો.

દાઉદ અને શકીલે જુદા જુદા તબક્કે રાજનને ખતમ કરાવવા માટે તેમના શૂટર્સને એમસ્ટરડેમ, જોહનિસબર્ગ, કુઆલાલમ્પુર, સિંગાપુર અને હોંગકોંગ મોકલ્યા હતા. અને એ દરેક નિષ્ફળ ઑપરેશન વખતે દાઉદ ગેંગ દ્વારા રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. પણ છોટા રાજન ઉસ્તાદ હતો. બેંગકોકમાં તે પોતાના જ એક સાથીદાર વિનોદ શેટ્ટીની ગદ્દારીથી દાઉદના શૂટર્સના નિશાન પર આવી ગયો હતો. એ સિવાય તેણે ક્યારેય દાઉદ-શકીલની યોજના સફળ બનવા દીધી નહોતી. બેંગકોકમાં રાજન ઘવાયો અને રોહિત વર્મા કમોતે માર્યો ગયો એ પછી રાજન વધુ સતર્ક બની ગયો હતો. એટલે દરેક વખતે દાઉદ-શકીલના શૂટર્સ તેનો પીછો કરે ત્યારે હાથ ઘસતા રહી જતા હતા. શકીલ રાજનને પતાવી દેવા માટે ફીફાં ખાંડી રહ્યો હતો ત્યારે છોટા રાજને દાઉદ અને શકીલને પતાવી દેવા એક અત્યંત આક્રમક યોજના ઘડી કાઢી હતી.

છોટા રાજને દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને કરાંચીમાં જ ખતમ કરી દેવાની યોજના ઘડી કાઢી. તેણે પોતાની ગેંગના મરજીવા જેવા ચાર શૂટરને પાકિસ્તાન મોકલ્યા અને ત્યાં તેમણે સ્થાનિક સંપર્કોની મદદથી કેટલાક ગુંડાઓને સાધ્યા. રાજને અદ્દલ જેવી જ યોજના બનાવી હતી, જેવી દાઉદ અને શકીલે બેંગકોકમાં રાજનને ખતમ કરવા માટે બનાવી હતી. જોકે રાજનના કમનસીબે શકીલ કે દાઉદ રાજનના શૂટર્સના હાથમાં ન આવ્યા, પણ દાઉદ અને શકીલને આ યોજના વિશે ખબર પડી ગઈ અને રાજને તેના ચાર શૂટર્સ ગુમાવવા પડ્યા!

બન્યું હતું એવું કે રાજનના શૂટરોએ જે ગુંડાઓને સ્થાનિક સંપર્કની મદદથી સાથે લીધા હતા, તેમાંનો એક ગુંડો ફૂટી ગયો અને તેણે દાઉદ ગેંગ સુધી રાજનની યોજનાની વાત પહોંચાડી દીધી. તેણે રાજનના શૂટર્સ જ્યાં રોકાયા હતા એ જગ્યા વિશે માહિતી પણ આપી દીધી, એટલે દાઉદના શૂટર્સ મધરાતે એ જગ્યા પર ત્રાટક્યા અને તેમણે રાજનના શૂટર્સને ઊંઘતા જ ઝડપીને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા.’

***

‘કરાચીના સંપર્કો દ્વારા રાજનને ખબર પડી કે તેના ચારેય શૂટર્સ માર્યા ગયા છે ત્યારે તેણે રોષ, લાચારી અને અકળામણની લાગણી એક સાથે અનુભવી. પણ થોડા સમયમાં જ નિરાશા ખંખેરીને તે દાઉદ-શકીલને ખતમ કરવા માટે નવી યોજના ઘડવાની તૈયારી કરવા માંડ્યો. તે જાણતો હતો કે કરાચીમાં દાઉદ કે શકીલને મારી નાખવા એ બહું કપરું કામ છે. દાઉદને આઈએસઆઈએ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું એટલે સહજ અમથી ભૂલ થાય એ સાથે રાજનના શૂટર્સ કમોતે માર્યા જાય એ નિશ્વિત હતું, પણ બેંગકોકમાં દાઉદ ગેંગના હુમલા પછી રાજન ઝનૂન અને ડરની મિશ્ર લાગણી અનુભવી રહ્યો હતો. દાઉદને ખતમ કરવાનું ઝનૂન તો ઘણા સમયથી (દાઉદ સાથે તેણે ફાડ્યો ત્યારથી) તેના મનમાં હતું જ. પણ બેંગકોકમાં રાજન બાલ બાલ બચ્યો અને રોહિત વર્મા માર્યો ગયો એ પછી રાજન સમજી ગયો કે હવે પોતાનુ અસ્તિત્વ ટકાવવું હોય તો કોઈ પણ હિસાબે દાઉદને ખતમ કરવો જ પડશે. પરંતુ દાઉદે તેની ગેંગના મૂળિયાં કરાચીમાં પણ ઊંડાં નાખી દીધાં હતાં અને આઈએસઆઈના તેના પર ચાર હાથ હતા. આઈએસઆઈ માટે દાઉદ એવો હાથો બની ચૂક્યો હતો કે તેની મદદથી ભારતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિઓ કરવાનું સહેલું પડ્યું હતું અને સાથે આઈએસઆઈના ઓપરેશન માટે અડધી રાતે ભારતમાં ક્યાંય પણ મોટી રકમની જરૂર પડે તો દાઉદ કરાચીમાં બેઠા-બેઠા એક ફોન કોલ કરીને ભારતના કોઈ પણ ખૂણે પૈસા પહોંચાડી આપતો હતો. એની સામે આઈએસઆઈએ પણ દાઉદને પાકિસ્તાનમાં મોકળું મેદાન આપ્યું હતું. આઈએસઆઈની મદદથી દાઉદે પાકિસ્તાનમાં સંગઠિત ગુનાખોરી જમાવી દીધી હતી. પાકિસ્તાની અખબારોમાં પણ દાઉદ ઈબ્રાહિમ વિશે કંઈ ને કંઈ છપાતું રહેતું હતું. ઘણા પાકિસ્તાની મેગેઝિન્સ દાઉદ ઈબ્રાહિમ પર કવર સ્ટોરી કરતા થઈ ગયા હતા.

જોકે પાકિસ્તાનમાં દાઉદની વિરુદ્ધ લખનારા પત્રકારોના દાઉદ ગેંગના ગુંડાઓ અથવા આઈએસઆઈના અધિકારીઓ બૂરા હાલ કરતા હતા. પાકિસ્તાનના ‘ન્યૂઝ લાઈન’ મૅગેઝિનમાં દાઉદની વિરુદ્ધ એક એક્સક્લુસિવ રિપોર્ટ છપાયો, એમાં પત્રકાર ગુલામ હુસેને દાઉદ અને આઈએસઆઈની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાની મૅગેઝિન ‘ન્યૂઝલાઈન’ના સપ્ટેમ્બર, 2004ના ઈસ્યુમાં ‘પ્રોટ્રેઈટ ઓફ અ ડૉન’ શીર્ષક હેઠળ છપાયેલી એ સ્ટોરીમાં પત્રકાર ગુલામ હુસેને એવી માહિતી આપી હતી કે પાકિસ્તાની સત્તાધીશો ભલે એવું ગાણું ગાતા હોય કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નથી, પણ વાસ્તવમાં દાઉદ કરાચીમાં જ છે. અને પાકિસ્તાની મિલિટરી અને આઈએસઆઈના સુરક્ષાકવચ હેઠળ તે જીવી રહ્યો છે.

એ સ્ટોરીમાં દાઉદની વૈભવશાળી જીવનશૈલી વિશે તથા દાઉદની છોટા રાજનની સાથે દુશ્મની વિશે પણ ઝીણવટભરી માહિતી અપાઈ હતી. ‘ન્યૂઝલાઈન’ મેગેઝિનની એ સ્ટોરીમાં એવું પણ કહેવાયું હતું કે દાઉદ ઈબ્રાહિમે કરાચીના શેરબજાર પર મજબૂત પકડ જમાવી દીધી છે અને મુંબઈ સ્ટોક એક્સેચેન્જમાં પણ દાઉદ ધારે તે કરાવી શકે છે. દાઉદ તેના મિત્રો માટે મહેફિલ જમાવતો હતો અને મિત્રોની સેવામાં તે હાઈફાઈ કોલગર્લ્સ હાજર કરી દેતો હતો. દાઉદને પોતાને પણ સુંદરીઓનો સંગાથ ગમતો હતો. આ ઉપરાંત કરાચીની પ્રોપર્ટી માર્કેટ પર દાઉદે આઈએસઆઈની મદદથી કઈ રીતે જબરદસ્ત વર્ચસ્વ જમાવી દીધું હતું. એ વિશે પણ એ સ્ટોરીમાં માહિતી અપાઈ હતી.

‘ન્યૂઝલાઈન’ મેગેઝીનનો એ અંક બજારમાં આવ્યો એ સાથે પાકિસ્તાનની પાવરલોબીમાં ખળભળાટ મચી ગયો.’

(ક્રમશ:)