Jaane - ajaane - 39 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (39)

તેની બાજુમાં એક કાકા બેઠાં હતાં. દેખાવમાં તેમની ઉંમર પચાસની આસપાસની હતી. તેમનો ચહેરો નિરાશામાં અને ચિંતામાં ઢીલો પડી ગયો હતો. એકલાં બેઠાં કંઈક વિચારી રહ્યાં હતાં. કૌશલનું ધ્યાન તેમની તરફ વળતાં તેમનું નામ અને ઉદાસીનું કારણ પુછ્યું . તે કાકાએ પોતાનું નામ જયેશભાઈ ( નિયતિના પિતા) જણાવ્યું. અને કારણમાં કહ્યું " હું મારી જીવનની સૌથી મોટી હારને કારણે ઉદાસ છું. મેં મારાં જીવનની એવું કંઈક ગુમાવ્યું છે જેનાં વગર મારું જીવન અટકી જ ગયું છે. "
" એવું તો શું ગુમાવ્યું છે? ... હું તમારી કોઈ મદદ કરી શકું? " કૌશલે નિર્દોષતાથી પુછ્યું. જયેશભાઈ એ થોડું કટાક્ષમાં હસીને કહ્યું " દિકરાં... તું મારી કોઈ મદદ નહીં કરી શકે... તું તો શું મારી મદદ કોઈ નહીં કરી શકે. હવે માત્ર ચમત્કાર થાય તો જ ખરું... " " છતાં તમેં કહો તો ખરાં, થયું શું?.." કૌશલે તરત પુછ્યું.
કૌશલને કોઈ ભાન નહતું કે તે જે વ્યક્તિ પાસે બેઠો છે તેને જ શોધવાં ભટકે છે... જયેશભાઈ કશું બોલે તે પહેલાં ચા આવી અને બંનેની વાત તૂટી ચા પર ધ્યાન વળ્યું. થોડીવાર શાંતિથી ચા પીવાં પછી તેમણે કૌશલને પુછ્યું " તું કોને શોધે છે?..." કૌશલે તેમની તરફ જોયું અને બોલ્યો " હું કોઈકને શોધું છું જેને હું કોઈ દિવસ મળ્યો જ નથી. સાચું કહું તો કોઈકનાં માટે શોધું છું. ઘણાબધા શહેરો ફર્યો પણ હજું કશું હાથ લાગ્યું નથી. " " કોને શોધે છે? " તેમણે પુછ્યું.
" એક છોકરી છે , રેવા. થોડાં સમય પહેલાં તે અમને મળી હતી. તેને ખબર પણ નહતી કે તે ક્યાંથી આવી છે કે ક્યાં જવાનું છે. તે પોતાનાં પરિવારથી વિખૂટી પડી ગઈ છે. અને કાકા તમને ખબર,.. તેની સામેં જ્યારે હું જોઉં છું ને તો તેની આંખોમાં આ વિશે કેટલું દુઃખ અને વિલાપ દેખાય છે. મને નથી ખબર કેવી રીતે પણ તેનું દુઃખ દુર કરવું છે. એટલે તેનાં પિતાને શોધું છું. તે ખરેખર તેનાં પિતાને બહું પ્યાર કરે છે. તેની તો દરેક વાતમાં તેમનો ઉલ્લેખ હોય છે. " જયેશભાઈની આંખોમાં પાણી આવી ગયું. આ જોઈ કૌશલે કારણ પુછ્યું. તેમણે કહ્યું " તને ખબર છે દિકરાં, મારી નાની દિકરી હતી ને તે પણ બિલકુલ આ છોકરી જેવી જ હતી. મતલબ કે છે... આખો દિવસ આમતેમ ફર્યાં કરતી. હસતી - રમતી આખાં ઘરમાં જીવ ભરી દેતી. અને વાતો તો એટલી બધી કે પૂછો નહીં!... અને તે મને એટલો બધો વ્હાલ કરતી કે જાણે મારી માં હોય. હંમેશા બીજાંની મદદમાં રહેતી. પોતાનું ધારેલું કરતી અને કરાવતી , પણ છતાં બધા તેને બહું ચાહતાં. પણ.... પણ.... એક અકસ્માત અને ખબર નથી તે ક્યાં ખોવાય ગઈ!..." કૌશલે પુછ્યું " અકસ્માત? " " હા... જે વખતે વાવાઝોડાં...." તે બોલવાં જતાં પાછળથી એક ટકોર આવી " પપ્પા.... તમેં અહીંયા છો?... મેં ક્યાં ક્યાં શોધ્યા તમનેં!..."

એક ખુબજ સુંદર છોકરી ઉભી હતી. એક ઝલકે જોતાં કૌશલને થયું રેવા ઉભી છે. " અરે હા બેટાં... થોડો ફરતાં ફરતાં આ તરફ આવી ગયો. " જવાબ આપતાં કહ્યું. અને કૌશલ તરફ જોઈ કહ્યું " આ મારી મોટી દિકરી, સાક્ષી." કૌશલ તો એકીટશે સાક્ષીને જોતો જ રહ્યો. તેને સાક્ષીમાં રેવાનું પ્રતિબિંબ દેખાતું હતું. સાક્ષી તેનાં પિતાને લઈ જવાં લાગી આ જોઈ કૌશલે તેને રોકી અને કહ્યું " સાક્ષી... બે મિનિટ વાત કરી શકું?.." કૌશલની આંખોમાં એક આશા હતી કે કદાચ.....

" હા બોલો..." સાક્ષીએ કહ્યું. કૌશલે વાત શરૂ કરી " તમારાં પપ્પા કહેતાં હતાં કે તેમની દિકરી ખોવાય ગઈ છે... તો તમેં તેને..." " તમેં તેમની વાત પર ધ્યાન ના આપો. મારી નાની બહેન નિયતિ. તે જે વાવાઝોડામાં ક્યાંક ખોવાય ગઈ હતી. અમેં તેને ઘણી શોધી પણ મળી નહીં. પછી થોડાં દિવસ પછી જાણવાં મળ્યું કે તે આ દુનિયામાં જ નથી. આ વાતનો સદમો મારાં પપ્પા સહન ના કરી શક્યાં અને તેમની હાલત લથડી. હવે તો તેમને પોતાનાં વાતો, વિચારો અને હરકતો પર કોઈ ધારણ જ નથી. એટલે તે ગમેં તેમ બોલે છે. અને માનવાં પણ તૈયાર નથી કે નિયતિ હવે જીવતી નથી. હજું તે બધી જગ્યાએ તેને શોધ્યા કરે છે. અને હવે તો મારું લગ્ન પણ થવાનું છે. ખબર નહીં કોણ પપ્પાની સંભાળ લેશે!..." આ સાંભળી કૌશલની બધી આશા તૂટી ગઈ. તેણે વિચાર્યું " મનેં તો થયું કદાચ તારો પરિવાર મળવાનો જ છે રેવા. પણ આમની તો માત્ર ચહેરો તારાં જેવો છે પણ તેમની બહેન તો મૃત્યુ પામી છે. તો એ તો ના હોય શકે. " " શું થયું તમેં કંઈક વિચારો છો?.." સાક્ષીએ પુછ્યું. કૌશલે પોતાનાં ચહેરાં પર સ્મિત લાવી કહ્યું " ના... કંઈ નથી. તમારું લગ્ન થવાનું છે ને!... તો જો તમેં હજું કપડાંની ખરીદી ના કરી હોય તો હું તમને એવી જગ્યા બતાવી શકું છું કે તમને તેનાં જેવી વસ્તુ બીજે કોઈ જગ્યાએ નહીં મળે. હું જે ગામમાં રહું છું ત્યાં મારાં દાદીમાં ખુબજ સરસ કારીગરીવાળું કપડું તૈયાર કરે છે. જો તમને જરુર પડે તો આ સરનામે જતાં રહેજો. " કૌશલે નામ -નંબર આપી સાક્ષીને વિદાય આપી પોતાનાં કામે લાગી ગયો. સાક્ષી પણ તેનાં પિતા સાથે ત્યાંથી ચાલી ગઈ.

હજું તો મળ્યાં તે પહેલાં જ રેવાનાં પિતા તેનાથી છૂટાં પડી ગયાં. ના કૌશલ જાણી શક્યો કે ના જયેશભાઈ કે જે છોકરીઓની વાત તે કરતાં હતાં તે એક જ છે.
હવે તો કૌશલની ધીરજની હદ્દ આવી ચુકી હતી. એકલાં એકલાં તે થાકી ચુક્યો હતો . જે ચહેરો હિંમત આપતો હતો, જેની નાકામની વાતો પણ સૌથી વધારે મહત્વની લાગતી હતી તે જ ગેરહાજર હતી. થાકેલો - હારેલો માણસ મોટેભાગે પવિત્ર શક્તિ તરફ જ વળે તેમ કૌશલ પણ થાકેલો - હારેલો મંદિરના પરિસરમાં એકલો બેઠો હતો. રાત થવાને કારણે કોઈ આસપાસ હતું પણ નહીં. અંદરથી તૂટી રહેલો કૌશલ ભગવાન પાસે કોઈ ફરિયાદ નહતો કરી રહ્યો. માત્ર નીચું માથું કરી દિવાલનાં ટેકે શાંતિ શોધતો હતો. જરૂર કરતાં વધારે શાંત અને ઠંડાં વાતાવરણમાં માત્ર ઠંડી હવા જ આમતેમ ફરતી હતી ત્યાં અચાનક એક અનુભવ કૌશલનાં મનને થયો. બંધ આંખો છતાં કાનમાં એક ખનક સંભળાય અને કંઈક જાણીતાં અનુભવે ઠંડકભરી રાતમાં પણ ગરમાવો ફેલાવી દિધો.

કૌશલનું મન જોરજોરથી ધડકવા લાગ્યું જેનો અવાજ તેનાં કાન સુધી પણ પહોંચવા લાગ્યો. પણ રોજેરોજ મરતી આશાને કારણે તેણે કોઈ વધારે આશા ના કરતાં પોતાની આંખો અને વિચારો બંધ કરી લીધાં. પણ પરિસર જે પવિત્ર શક્તિનું હતું ત્યાં કોઈનાં દુઃખ અને ઉદાસીની જગ્યા નહતી. ત્યાં કોઈપણ ચમત્કાર શક્ય હતો. અને એટલામાં તે ખનકતો અવાજ એકદમ નજીક આવી ગયો અને ધીમો , મધુર અવાજ કૌશલનાં કાને પડ્યો " કૌશલ...." અને કૌશલની આંખો આપોઆપ ખુલી ગઈ. સામે ઉભેલી રેવાને જોઈ જોર જોરથી ધબકતું કૌશલનું મન એકદમ અટકીને સ્થિર થઈ ગયું હોય અને તે જાણે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો હોય તેમ રેવાને જોતો જ રહી ગયો. શાંતિ અને સન્નાટાથી ભરેલાં વાતાવરણમાં પવન પણ થંભી ગયો હોય તેમ લાગી રહ્યું. પોતાની જીવનદોરી, પોતાનાં હોઠનું સ્મિત અને પોતાની પુરેપુરી જિંદગી જાણે કૌશલનાં આંખો સમક્ષ ઉભી હતી. કૌશલને પોતાની લાગણીનું ભાન થવાં પછી આ પહેલી મુલાકાત હતી રેવા જોડે. શું બોલે, શું કરે કશું સમજાયું નહીં. ઘણા લાંબા સમય પછી રેવાને એકદમ નજીકથી પોતાની સામે જોતાં તેની આંખો રેવાનાં ચહેરાંથી હટવા તૈયાર જ નહતી.

રેવાએ ફરી કહ્યું " કૌશલ!... તું અહીંયા?.. આ સમયે?... " રેવાનો એક અવાજ કૌશલનાં કાનથી સીધો દિલમાં ઉતરી ગયો. વર્ષો પછી જાણે ઉજ્જડ ધરા પર પાણી પડ્યું હોય અને ધરા ઠંડક પામતી હોય તેમ કૌશલનાં મનને ઠંડક મળી રહી હતી. અને બીજું કંઈ પણ વિચાર્યા વગર અને એકપણ ક્ષણ લીધાં વગર કૌશલ રેવાને ભેટી પડ્યો. એકદમ જોરથી કસાયેલા કૌશલનાં હાથ શાંત પરિસરમાં બુમો પાડી પાડીને કહી રહ્યાં હતાં કે ભલે જે થાય હવે હું તને પોતાનાથી દૂર થવાં નહીં દઉં. કૌશલની અંદર સમાયેલી રેવાને કશું સમજાયું નહીં પણ આજે રેવાને પણ એટલી જ ઠંડક અને શક્તિ મળી રહી હતી જેટલી કૌશલને. તે કશું સમજવાં માંગતી નહતી. તેનું મન પણ જોર જોરથી કહેતું હતું કે બસ આ સમય હંમેશા માટે થંભી જાય અને હું કૌશલમાં જ સમાયેલી રહું. અને ધીમેથી રેવાના હાથ પણ કૌશલને જકડવાં લાગ્યાં. સમય તો થંભી જ ગયો હોય અને તે બંને એકબીજામાં ખોવાય ગયેલાં તે જ સ્થિતિમાં સ્થિર થઈ ગયાં. પવનનો એક જોરદાર ઝપાડો આવ્યો અને મંદિરમાં લટકાવેલો ઘંટ ગૂંજી ઉઠ્યો અને અચાનક બંનેનું ધ્યાન તૂટ્યું. અને રેવાનાં હાથની પક્કડ ઢીલી પડી અને કૌશલને મુક્ત કરતાં તેનાં હાથ નીચે તરફ સીધાં થયાં. આ જોઈ કૌશલે પણ તેનાં હાથ થોડાં પોલાં કર્યાં અને ધીમેથો રેવા તરફ જોયું. કૌશલ રેવાને છોડવા નહતો માંગતો એટલે હજું તે રેવાને જકડી ઉભો હતો. અને એકદમ નજીક આવેલી રેવાની આંખોમાં તે જોતો રહ્યો. આંખો - આંખોમાં જાણે હજારો વાતો એકસાથે થવાં લાગી. રેવાનું કપાળ કૌશલનાં હોઠોં સુધી પહોંચતું હતું. અને આ ક્ષણે તો એટલાં નજીક ચહેરાં હતાં કે કૌશલનું મન રેવાને ચુમવાનું થતું હતું. પણ રેવાની આંખોમાં કંઈક અજાણી ફરીયાદ હતી. આ જોઈ કૌશલ થોડો વિખુટો થયો .
રેવા થોડી ખચકાટમાં હતી કે તે આમ કેવી રીતે કૌશલને વળગી શકે. પણ કૌશલને પોતાની કોઈ હરકત પર કોઈ ખોટ ના લાગી. તેણે વાત શરૂ કરી " રેવા તું આટલી રાત્રે?... બધું બરાબર છે ને?... અને તારી તબિયત કેવી છે હવે? " રેવાએ ધીમેથી નીચે જોતાં કહ્યું " હા બધું બરાબર. હું પણ ઠીક છું. ઘરમાં કંઈ સારું નહતું લાગતું એટલે થોડું મન શાંત કરતાં કરતાં મંદિર સુધી પહોંચી ગઈ. દાદીમાં સૂતા હતાં એટલે એકલી જ આવી ગઈ. એમ પણ આ સમયે કોઈ હોતું નથી ને... " " સારું. મને તારી જોડે વાત કરવી છે. બેસીએ? " કૌશલે તરત કહ્યું. રેવાએ થોડું અચકાતાં કહ્યું " હ..હા... પહેલાં હું દર્શન કરી આવું?!... ઘણાં દિવસે આવી છું. " અને રેવા અંદર તરફ ચાલવા લાગી. કૌશલ તેને ઉભો જોતો રહ્યો અને તેની નજર તેનાં પગ તરફ ગઈ. રેવાની પાયલ નો અવાજ. એ જ ખનક સાંભળી કૌશલ મંદ મુસ્કાયો. આજે તેનું મન ભગવાનને લાખો વખત આભારી થતું હતું કે આખરે તેમણે રેવા સાથે મુલાકાત કરાવી દીધી. કૌશલ મંદિરનાં પગથિયે બેસી રેવાની રાહ જોતો હતો. પાછળથી રેવા આવી તેની પાસે બેઠી. અને છતાં મૌન છવાઈ ગયું. પણ બંનેનાં મન ઘણી વાતો કરતાં હતાં.

છેવટે રેવાએ કહ્યું " બોલ... શું વાત કરવી હતી?... અરે હા... એક વાત પહેલાં મારી સાંભળી લે..." " હા બોલ ને... તું ગમેં તેટલી વાત બોલીશ હું બધી સાંભળીશ. " કૌશલનાં જવાબ પર રેવા તેને જોતી જ રહી. " વધારે કંઈ નહીં પણ Thank you કહેવાનું હતું. તેં પેલાં દિવસે મારી મદદ કરી હતી ને એટલે..."

કૌશલ ( થોડો ઉદાસ બની) : શું કહ્યું તેં?... Thank you? ... તેની કોઈ જરૂર નથી રેવા... અને તું ક્યારથી મને આભાર વ્યક્ત કરવાં લાગી?...

રેવા : બસ આજથી જ...

કૌશલ: પણ કેમ?

રેવા: બધાં કેમ નો જવાબ ના હોય. બસ કહેવાનું હતું તો કહી દીધું. એમ પણ હું સમજી ચુકી છું મારી જવાબદારી અને મારું વર્તન પણ. પહેલાં જેવી ભૂલો હવે નહીં થાય.

કૌશલ : એક વાત સમજી લે તું. તેં ના પહેલાં કોઈ ભૂલ કરી હતી ના આજે. અને આપણી વચ્ચે આ જવાબદારી અને વર્તન જેવાં ભારે ભારે શબ્દો ક્યારે આવી ગયાં. તું એ જ રેવા છે જે હંમેશા પોતાનાં વિચારો માટે ઝઘડી શકે છે. અને હું એ જ કૌશલ છું જેની પર તું તારો નિર્ણય થોપી શકે છે. જેની સાથે તું ઝઘડી પણ શકે છે અને જેને સમજાવી પણ શકે છે.

રેવા : મારામાં હવે તાકાત નથી પોતાનાં માટે ઝઘડવાની. થાકી ચુકી છું.

કૌશલ ( રેવાનો હાથ પોતાનાં હાથમાં લઈ): હું તને થાકવાં નહીં દઉં. કે ના હારવા લઈશ. હું છું ને. તારો સહારો બની તારી સાથે જ ઉભેલો હોઈશ .

રેવા( આશ્ચર્યથી): પણ તું કેમ કરીશ મારાં માટે આટલું?

કૌશલ: કેમકે હક્ક છે મારો.

રેવા એકદમ ચુપચાપ કૌશલ તરફ જોતી જ રહી. જે સાંભળવાં માંગતી હતી તે આજે કૌશલ બોલી રહ્યો હતો. પોતાનો હક્ક જતાવી રહ્યો હતો. પણ રેવા તેને લાયક નથી તેમ વિચારી પોતાનાં મનને સમજાવી રહી હતી. આ જોઈ કૌશલે ફરી કહ્યું " રેવા... એક વાત સાચી રીતે કહે મને... કશું થયું છે?.. " રેવાને પ્રકૃતિની બધી વાત યાદ આવી ગઈ અને તે અચાનક રડી પડી. અશ્રુધારા તો એવી વહેવા લાગી જાણે કેટલાં દિવસની વાતો મનમાંથી બહાર આવી રહી હોય. રેવાને રડતાં જોઈ કૌશલની આંખો પણ ભીની થવાં લાગી. અને તેને ચુપ કરાવતાં તેણે રેવાનો ચહેરો પોતાની છાતી સરસો ચાંપીને કહ્યું " બસ..બસ... શુશુશુશ.... ચુપ ચુપ.... રડવાનું બંધ કર. હું છું ને તારી જોડે. બધું સારું થઈ જશે. "

કૌશલનાં દરેક શબ્દો રેવાનાં મન પર દવાની અસર કરતાં હતાં. પણ છતાં રેવાનું રડવાનું બંધ થતું નહતું. કૌશલનો સહારો રેવાને હિંમત આપી રહ્યો અને થોડીવારમાં તે શાંત થઈ. અને કૌશલને કહ્યું " મારા...મારે હવે ઘેર જવું જોઈએ. " ફટાફટ કૌશલ તરફ જોયાં વગર તે ઉભી થઈ ચાલવા લાગી એટલે કૌશલે પાછળથી તેનો હાથ પકડી તેને અટકાવી. રેવાએ પાછળ વળી જોયું. કૌશલ તેની નજીક આવી ધીમાં અવાજે બોલ્યો " ભલે જે પણ થાયું હોય રેવા. હું હંમેશા તારી જોડે છું. કેમકે તે મારો હક્ક છે. અને હું ચાહું છું કે તું તારો હક્ક જતાવે. મારાં તરફ તારો પુરેપુરો હક્ક બતાવે. એ ઝઘડો હશે તો પણ ચાવશે અને એ..." " એ શું? " રેવાએ વગર અવાજ ઉંચો કરી પુછ્યું. કૌશલ તેનાં કાન નજીક જઈ બોલ્યો " અને તે પ્રેમભર્યો હશે તો પણ ચાલશે. બસ હું એટલું ચાહું છું કે જુની રેવા. હસતી - રમતી રેવા, હંમેશા સ્માઈલ કરતી રેવા મને પાછી મળી જાય. અડધો પાગલ તો છું હું. તું મને પુરેપુરો પાગલ કરે છે."
રેવાને પોતાની ડાયરીમાં લખેલી વાત યાદ આવી અને તેનાં ચહેરાં પર એક મંદ મુસ્કાન રેલાય ગયું. હવે કૌશલને શાંતિ મળી અને રેવાનો હાથ છોડી તેને જવાં દેવાં દુર ખસ્યો. રેવા તેને જોઈ પોતાનાં ઘર તરફ ચાલવા લાગી. અને કૌશલ તેને જતાં જોતો રહ્યો. બંનેનાં ચહેરાં ચમકી રહ્યાં હતાં. એકબીજાથી મળેલી આ ચમક કાળી રાત્રીને પણ ફીકી કરી રહી હતી. અને છેવટે કૌશલ પણ મંદિરમાં પોતાનું માથું નમાવી ત્યાંથી ચાલ્યો ગયો.

નવાં સૂરજની રાહમાં કૌશલ અને રેવા બંને માત્ર આકાશ તરફ જોતાં રહ્યાં. ઘણાં સમય પછી એક સકારાત્મક પહેલ પ્રસરી રહી . અને જોતજોતામાં સવાર થઈ ગઈ. આ સવાર કેટલી નવી શરૂઆત લઈ આવશે તે સમય આધારીત હતું.


ક્રમશઃ