Man Mohna - 25 books and stories free download online pdf in Gujarati

મન મોહના - ૨૫

મોહના વિષેની વધારે માહિતી ખુદ મોહના પાસેથી જ મળી શકે એમ હતી, એ વિચારી તરત જ નિમેશે કહ્યું,

“રાઈટ! આ આપણો હીરો ક્યારે કામમાં આવશે?" નિમેશ ચપટી વગાડતાં ખુશ થઈને બોલ્યો.

“એ ભાઈ હું તને ટોણો મારતો હતો તું એમાં ખોટો મનને બલીનો બકરો ના બનાવ" ભરતે તરત નિમેશને રોક્યો.

“જોયું નહતું પેલી મોહના કેવું આનું નામ લેતી હતી! એણે તો આની સાથે બચ્ચું પેદા કરવાનું પણ નક્કી કરી લીધું. એમનો આકા જનમશે એનો પાપા હશે આ મન, મને તો પહેલાથી જ આ મન કોઈ અજીબ પ્રાણી લાગતો હતો, નક્કી એ કોઈ પરગ્રહવાસી છે જ્યાંથી પેલી ઢીંગલી આવી છે!” નિમેશ આટલા ટેન્શન વચ્ચે પણ ખડખડાટ હસી પડ્યો. એને જોઇને ભરત પણ હોઠ દબાવી હસવા લાગ્યો.

“મનરાજા કાલે સવારે તમે જ જઈને તમારી મોહના રાનીને પૂછી લેજો આ બધું શું ચાલી રહ્યું છે એ અને એને કહેજે સીધી રીતે બધા જવાબ આપે નહીતર એની સાથે લગ્ન કરવાની ના પાડી દેજે!” નિમેશે હસતા હસતા હાથ લાંબો કર્યો અને ભરતે એમાં તાળી આપી.

“સ્ટોપ ઇટ યાર! આટલી ગંભીરતા વચ્ચે તમને લોકોને હસવું શેનું આવે છે?” મને અકળાઈને કહ્યું.

“અમારી તો આજ સ્ટાઈલ છે, જેટલી મોટી મુસીબત એટલું વધારે હસવાનું! મુસીબતની એટલી ખીલ્લી ઉડાવવાની કે એ ખુદ અમારાથી ડરીને ભાગી જાય. હા...પણ તું ટેન્શન લે, તારે લેવું જ જોઈએ, આખરે સુહાગરાત તારે મનાવાની છે, મોહના સાથે કે ઢીંગલી સાથે, એ પહેલા નક્કી કરી લેજે માચો મેન!” નિમેશ અને ભરત બંને ગાંડાની જેમ હસી પડ્યા.

“ઓલી કેટલું લોહી પીશે એક રાતમાં એય પેલ્લાથી નક્કી કરી રાખજે, અમર તો પહેલી રાતે જ ઉકલી ગયો હતો, પણ સાજીદ કેમનો બચી ગયો? એની પાસેથી ઇન્સ્ટોલમેન્ટમાં લોહી પીધું હશે” ભરતે પણ નિમેશની વાતોમાં સુર પુરાવતા કહ્યું.

“ભરત તું પણ આની સાથે ભળી ગયો? ઠીક છે તમારે મજાક જ કરવી હોય તો કરે રાખો હું ઘેર જાઉં છું!” મન ઉભો થઇ ગયો.

“તે અમારેય હવે ઘરે જ જવાનું છે. રાત અહિયાં ગુજારવાનો કોઈ ઈરાદો નથી, ઘરે અમારી પત્નીઓ અમારી રાહ જોઈ રહી હશે આખો દિવસ ક્યાં હતા? શું કર્યું? કોને મળ્યા? વગેરે સવાલોનો મારો કરીને એ ઘરમાં પગ મૂકતાં વેંત અમારું લોહી પીવાનું ચાલું કરી દેશે, દુઃખ કંઈ તારે એકલાને નથી સમજ્યો મનરાજા!” નિમેશ અને સાથે ભરત પણ ઉભો થયો અને બધા બહાર નીકળી પોતપોતાના ઘરે ગયા.


બીજે દિવસે વહેલી સવારે જ પ્રોફેસર નાગનો ભરત ઉપર ફોન આવેલો. બધી વાત જાણી એમણે મનનો નંબર લઇ મનને ફોન જોડેલો. મને અજાણ્યો નંબર જોઈ ફૉન ઉઠાવવાનું ટાળવાનું વિચારેલું પછી કોઈ જરૂરી કૉલ હશે તો, એમ વિચારીને ફૉન ઉઠાવેલો અને પ્રોફેસર નાગ સાથે પહેલીવાર વાત કરેલી. પ્રોફેસર નાગ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા અને એમના સવાલ સામે ભાગ્યે જ કોઈ વ્યક્તિ જવાબ આપવાનું ટાળી શકે. એમણે ખૂબ જ વિશ્વાસ અને પ્રેમભાવથી મનને એની અત્યાર સુધીની મોહના સાથેની મુલાકાત વિષે, એની વર્તણુક વિષે પૂછેલું. એ હાલ ઇન્ડીયાની બહાર હતા અને કાપાલી જે ડાયરીમાં કેદ હતો એ ડાયરી એમના ઘરે એક સુરક્ષિત સ્થાને મુકેલી હતી. કોઈ એને અડે એ સંભવ ન હતું. પ્રોફેસરના ઘરમાં એમના સિવાય એક વરસો જુનો નોકર જ હતો એના ઉપર શક કરવાનું કોઈ કારણ ન હતું. બીજું કોઈ એમની ગેરહાજરીમાં ઘરે આવ્યું હોય તો પણ એ એમના સ્ટડી રૂમ સુંધી લાંબુ ના જ થાય. એમાં એમની કામની, ખુબ અગત્યની વસ્તુઓ અને ચોપડીઓ પડી છે એ એમનો નોકર સારી રીતે જાણે છે! કોઈ ચોરીથી અંદર ઘૂસે એ પણ શક્ય ન હતું, એમની પત્નીની રૂહ એ ઘરમાં આરામ કરતી હોય એને જરાક પણ ખલેલ પડે તો એ તરત પ્રોફેસરની પાસે જઈને ફરિયાદ કરે જ! છતાં કાપાલીના નામનો ઉલ્લેખ થયો હતો મતલબ એ સક્રિય થઇ ગયો છે, એ સિવાય એ શક્ય જ નથી. જે જે લોકો એમની સાથે જોડાયેલા હતા એ બધાંને એમણે ખાસ તાકીદ કરેલી કે એનું નામ ન લે, એમ કરવાથી એની તાકાત વધે, એ ભલે માં ડાયરીમાં કેદ થઇ ગયો હોય એ બધું જ સાંભળતો હોય અને જ્યારે પણ કોઈ એનું નામ લે, એને યાદ કરે ત્યારે એને બહાર નીકળવાનું બહાનું મળી જાય. વારે વારે એના નામનું રટણ કરવાથી એ ડાયરીમાંથી આઝાદ થઇ શકે એ સિવાય નહિ. કોઈએ એનું નામ લીધું છે અને એને ફરીથી જનમ લેવા સુધીની ઈચ્છા કરી છે, મતલબ એ પાછો ફરવાની તૈયારી કરી રહ્યો છે! એક નવા શરીર સાથે! નવા રૂપે!

પ્રોફેસરને આ વિષે સચોટ માહિતી જોઈએ અને એ માટે એમના ઘરે જઈને, કાપાલીને જરાય શંકા ન પડે એ રીતે અઘોરીનાથની ડાયરી જોવી પડે. એ કર્યા પછી એ મન અને મોહના પાસે આવી શકે. એ હાલમાં સાઉથ આફ્રિકા હતા. બે દિવસ બાદની એમની ઇન્ડીયા પાછાં ફરવાની ટીકીટ હતી. ભારત આવ્યા બાદ એમના ઘરે જઈને બીજે દિવસે એ ભરતનાં શહેરમાં જવા નીકળી શકે. આટલા દિવસ મન અને બીજા છોકરાઓએ કોઈ જોખમ ના ઉઠાવવું એવી એમની સલાહ હતી. સાથે સાથે મનને આ ત્રણેક દિવસ મોહના સાથે કેવી રીતે વર્તવું અને શું કરવું એની માહિતી એમણે મનને ફોન ઉપર જ આપી. મન સાથે વાત થઇ ગયા બાદ એમણે જેમ્સ અને હેરીને તાકીદ કરી કે નવું કામ આવી ગયું છે, બી એલર્ટ! એ લોકોને મન અને ભરતની સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું.

મન અજીબ કશ્મકશમાં હતો. એક તરફ એ છોકરી હતી જે એની જાન હતી, એનો પહેલો પ્રેમ હતી અને બીજી તરફ પેલી શેતાની ગુડિયા જેના વિષે કંઈજ કહી શકાય એમ ન હતું. એ કોઈ બુરી આત્મા હતી કે કાલાજાદુનો પ્રયોગ? એ જે કંઈ પણ હોય પોતાને એ નક્કી કરવાનું હતું કે આ બધી મુસીબતો સાથે એનાથી મોહનાને સાથ અપાશે કે કેમ? એના દિલ અને દિમાગ બંને જગાએથી એક જ અવાજ આવ્યો, મોહના! મોહના વગરની જિંદગીની કલ્પના કરવી પણ શક્ય નથી. એની આટલે પાસે ન આવ્યો હોત તો કદાચ એને ભૂલી જવાની કોશિશમાં બાકીની જીંદગી વિતાવી દેત પણ, હવે એ મુસીબતમાં છે એ જાણ્યા બાદ પોતાના જીવની ચિંતા કરીને એને એકલી છોડી દેવાનું પોતે વિચારી પણ ના શકે. જો આ રમતમાં જાન જાય તોય જિંદગીની આખરી ક્ષણો મોહનાની બાહોમાં જશે! આનાથી વધારેની તો કલ્પના પણ નથી થતી...

બધું વિચારી લીધા બાદ મન તૈયાર હતો પ્રોફેસર નાગના કહ્યા મુજબ મોહનાને ઘરે જવા અને એની મદદ કરવા. એ મોહનાને ઘરે સવારે સાડાસાત વાગે જ પહોંચી ગયેલો. પ્રોફેસરે કહ્યા અનુસાર આ સમયે આખી રાત જાગેલી આત્મા આરામ કરતી હોય અને થોડી બેફીકર હોય, આજ વખત છે મોહના સાથે વાત કરવાનો! મને મોહનાને મળવાનું બહાનું જાતે વિચારવાનું હતું. એ મુશ્કેલ તો હતું, મોહનાના પિતા જ્યારે ઘરે હોય ત્યારે ઔર મુશ્કેલ પણ એ કરવાનું હતું, ગમેતે ભોગે! થોડું વિચાર્યા બાદ મને બહાનું વિચારી લીધું. એમના શહેરથી થોડે દુર જતા જ જંગલ શરુ થતું હતું અને ત્યાં ઘીચ ઝાડીઓમાં સુંદર પક્ષીઓ આવતા હશે, એમની વહેલી સવારની ફોટોગ્રાફી કરવા મોહનાને સાથે લઈને જઈ શકાય. ફેસબુક પર એના અમુક મિત્રો હતા જે આવી રીતે સવારે પક્ષીઓના ફોટો ખેચીને એને સોશીઅલ મીડિયા પર અપલોડ કરતાં હોય! મન સવારે વહેલો તૈયાર થઈને પહોંચી ગયો મોહનાને ઘરે...


મનની મહેનત સફળ રહી કર્નલ એણે બનાવેલા બહાનાથી ખાસા પ્રભાવિત થયા અને ખુશી ખુશી મોહનાને સાથે લઇ જવા જણાવ્યું. એ પોતે સાથે આવત પણ એમનો જીમમાં જવાનો સમય થઇ ગયો હતો એટલે ફરી ક્યારેક આવીશ એમ કહેલું, જે સાંભળીને મન મનમાં ને મનમાં એના ભાવિ સસરાને ગાળો દેતો બંધ થયો હતો. મોહનાને મનના આ નવા શોખ વિષે જાણીને નવાઈ જરૂર લાગેલી અને છતાં એ મન સાથે બહાર જવા તૈયાર થઈ હતી. મને વિચાર્યું, ચાલો એક કામ પૂરું થયું હતું, મોહનાને સવારે એના ઘરની બહાર લઇ જવાનું, જ્યાં પેલી શેતાન ગુડિયાની ફિકર કર્યા વગર એ લોકો વાત કરી શકે.