Magajmari books and stories free download online pdf in Gujarati

મગજમારી

મગજમારી

એક હોશિયારપુર નામે ગામ હતું. આ ગામની અંદર ઘણા બધા હોશિયાર માણસો રહેતા હતા.ગામમાં એકથી ચડિયાતા એક એમ અનેક હોશિયાર માણસો હોવાને લીધે તો ગામનું નામ પડ્યું હતું. ગામમાં ઓછી અક્કલવાળા માણસો જ ઓછા હતા, એમ કહો તો ચાલે પણ હશે કોઈ ગણ્યું ગાઠયું. એવા આ હોશિયારપુરમાં રામજીકાકા અને તેમના પત્ની જાનકીકાકી રહેતા હતા. તેમનો પરિવાર પણ ખાધેપીધે સુખી હતો, ને વળી તેઓ હોશિયાર અને ચતુર પણ હતા. તેમના દરેક કામમાં હોશિયારી અને ચતુરાઈ દેખાઈ આવતી હતી. તેમને એક દીકરો પણ હતો ચતુર જેનું નામ. આ ચતુર પણ ખુબ ચતુર,ચપળ અને હોશિયાર હતો. નખશીખ તેમના માતપિતાના ગુણ તેમાં ઉતર્યા હતા.તે બાળપણથી ખુબ જ જિજ્ઞાસુ હતો તે પોતે નવું નવું શીખ્યા કરતો અને પોતાના નાનકડા એવા મિત્રોને પણ નવું નવું શીખવ્યા જ કરતો હતો.

ચતુરને બાલમંદિરમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં પણ તેની પ્રતિભા સાની શાને રહે? પોતાની શીખવા અને શીખવવાની વૃતિ સદાય તેની સાથે જ હતી.આમને આમ ભણતા ભણતા તથા ગામમાં પહેલો નંબર લાવતા લાવતા તે દસમાં ધોરણમાં પહોંચી ગયો. દસમાં ધોરણમાં બોર્ડમાં પણ તે ખુબ સારા નંબર સાથે એટલે પોતાના જીલ્લામાં પહેલા પોતાના જીલ્લામાં પહેલા નંબર સાથે પાસ થયો હતો. ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળા પણ હતી પણ તેના માતાપિતાએ વિચાર્યું કે આપણો ચતુર જો શહેરમાં શિક્ષણ લે તો તેનું શિક્ષણ છે, તેના કરતા પણ અનેક ઘણું વધારે સારું થઇ શકે, તેથી ચતુરને નજીકના શહેર નિયતિનગરમાં એક હાયર સેકન્ડરી સ્કુલમાં દાખલ કરવામાં આવ્યો, તે તો ચતુર હતો ત્યાં પણ છાનો શાને રહે તે બારમાં ધોરણમાં પણ પોતાના રાજ્ય બોર્ડમાં બીજા નંબરે પાસ થયો. રામજીકાકા અને જાનકીકાકી પોતાના ચતુરની ચતુરાઈને, પ્રસિદ્ધિ જોઈને આજે ગદગદિત થઇ ગયા હતા. તેમને ચતુરનું ઉજ્જવળ ભવિષ્ય આજે નજર સમક્ષ દેખાય રહ્યું હતું. તેમને હતું ચતુર જરૂર કોઈ મોટો ડોક્ટર, એન્જીનીયર કે ક્લાસ -૧/૨ અધિકારી બનીને જ રહેશે અને એમે તે મોટા સાહેબના માતાપિતા. ચુતર શું વિચારે છે તે તો રામજાણે પણ તેમના માતા પિતાના વિચારો તો ચતુરને કોઈ મોટો સાહેબ બનાવવાના હતા. જો સાહેબ ના થઇ શકે તો તે કોઈ મોટો સિંગર કે ડાન્સર, કે પછી ગાયક બની મોટી મોટી ફિલ્મો બનાવતો હોયને રામજીકાકા તથા જાનકીકાકી તેની ફિલ્મો જોવા માટે થિયટરમાં જતા હોય અને સૌને કહેતા હોય કે જુઓ આ આમરો દીકરો છે ને અમે તેના માવતર છીએ પણ ચતુરની દુનિયા તો જુદી જ હતી તે તો એક સારો શિક્ષક બની પોતાની જેવા અનેક વિદ્યાર્થીને ભણાવી ગણાવીને તેના જીવતર સુધારવા માંગતો હતો.

અંતે ચતુરે પોતાની મનમાની જ હાંકી અને તે એક હાઇસ્કુલમાં શિક્ષક બની ગયો.તે એક શિક્ષક બની પોતાની જાતને ધન્ય માનતો હતો. પણ રામજીકાકા તથા જાનકીકાકી પોતાના દીકરાને એક શિક્ષક તરીકે જોવા માટે ક્યારેય તૈયાર ન હતા. તેને ખુબ ચિંતા થતી હતી કે શું ધાર્યું હતું ને શું થઇ ગયું, અંતે ગગાએ આપણી વાત માની જ નહિ, તેઓ તેને ગગો કહીને બોલાવતા હતા. પણ ચતુર તો ખુબ ખુશ હતો, તેને તો પોતાને મજા આવે તેવું કામ મળી ગયું હતું. સામે તેના માવતર આ વાત માનવા માટે તૈયાર જ ન હતા. તેઓ કોઈ ભોગે ચતુરને તેઓની ઈચ્છા પ્રમાણે બનાવવા માંગતા હતા.

થોડા દિવસો બાદ ચતુર એક વખત પોતાની શાળામાં ભણાવતો હોય છે ત્યારે તેને બ્રેન સ્ટ્રોક આવે છે, તે બે ભાન બની જાય છે, રામજીકાકાને આ સમાચાર મળતા જ તે પોતાની કાર લઇ દીકરા પાસે પહોંચી જાય છે. પોતાના દીકરાને તે સારામાં સારા એવા દવાખાનામાં લઇ જાય છે અને ડોક્ટરને કહે છે કે જે ખર્ચ થાય તે હું ભરપાઈ કરી આપીશ પણ મારા આ દીકરાને કાંઈ ન થવું જોઈએ, આ અમારું એકનું એક સંતાન છે. ડોક્ટર થોડીવાર માટે ચતુરની તપાસ કરે છે. ત્યારબાદ રામજીકાકાને આવીને જણાવે છે કે આને તો બ્રેન ટ્યુમર થઇ ગયું છે. આ વાત સંભાળતા જ તે રામજીકાકા ભાંગી પડે છે, ત્યાં તો જાનકીકાકી તથા ગામના અન્ય લોકો અને સગાવહાલા સૌ ત્યાં આવી પહોંચે છે અને રામજીકાકા તથા જાનકીકાકીને ધરપત આપે છે. તેમાનું કોઈ કહે છે કે : આજકાલ તો વિજ્ઞાનએટલું બધું આગળ વધી ગયું છે કે કોઈપણ વ્યકિતને કોઈપણ રીતે સાજો કરી શકાય છે તમે ચિંતા ના કરશો” રામજીકાકા આ વાત સંભાળીને ડોક્ટર તરફ આશાભરી નજરે જુએ છે. ડોક્ટર તેમને જણાવે છે કે તે “ભાઈની વટ સાચી છે પણ ઘણોબધો ખર્ચ થશે અને ઘણા બધા એક્સ્પેરીમેન્ટ કરવા પડશે શું તમારી આ બાબતે તૈયારી છે.” રામજી કાકા તરત જ બોલી ઉઠે છે હું કાંઈપણ કરવા માટે તૈયાર છું.રામજીકાકા ખુબ જ પૈસાદાર હતા તેથી પોતાના દીકરા માટે ગમે તેટલો ખર્ચ કરતા અચકાતા નહિ, પૈસાદાર બાપને વળી એકનું એક સંતાન. રામજીકાકા શા માટે પાછું ડગલું ભરે. તે બોલ્યા ડોક્ટર ખર્ચની ચિંતા કર્યા વગર તમારે જે કરવું હોય તે કરો મને કોઈ વાંધો નથી, પણ પણ મારો દીકરો બચી જવો જોઈએ. ડોક્ટર કહે ઓક તો આપણે આનું મગજ બદલવું પડશે તથા આજે આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને તમે જેવો બનાવવા માંગતા હોય તેવા મગજ ઉપલબ્ધ છે, તો તમે તમારા દીકરાને કેવું મગજ ફીટ કરવવા માંગશો. રામજીકાકા કહે છે કે કોઈ મોટા ગાયકનું મગજ આને ફીટ કરી દ્યો એટલે અમારું થોડા વર્ષો પહેલા એના માટે જોયેલું સ્વપ્ન પણ સાકાર થાય. ડોક્ટર કહે વાંધો નહિ એમ જ થશે.

પછી ડોક્ટર ચતુરને ઓપરેશન્સ થિયટરમાં લઇ જાય છે અને પોતાની આધુનિક મશીનરીઓથી તેનું ઓપરેશન કરે છે. સૌ પ્રથમ તેના જુના મગજને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેની જગ્યાએ એક પ્રસિદ્ધ એવા ગાયકનું મગજ તેની જગ્યાએ ફીટ કરવામાં આવે છે.ઓપરેશન તથા ડોક્ટરની સારવાર બાદ તેને ઘરે લઇ જવામાં આવે છે ચતુર હવે એકદમ સ્વસ્થ છે, પણ આ શું તે આખો દિવસ બસ ગીતો જ ગાયા કરે છે.

તેના ગીતના શબ્દો છે “ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે “

બસ આખો દિવસ એકલા ગીતો ગીતોને ગીતો બીજું કશુજ નહિ , એક મહિના બે મહિનાન આમને આમ, આ વાતથી રામજીકાકા તથા જાનકીકાકી કંટાળી જાય છે. તે પાછો પેલા ડોકટરનો સંપર્ક સાધે છે. ડોક્ટરને કહે છે કે અમારો દીકરો આખો દિવસ ગીત જ ગાય છે, આનો કોઈ ઉપાય બતાવો. ડોક્ટર : ફરીવાર ઓપરેશન કરવું પડશે અને બીજું મગજ લગાવવું પડશે. બોલો તમે આ વખતે કયું મગજ લગાવવા માંગો છો. રામજીકાકા કોઈ સારા એવા ડાન્સરનું લગાવો એટલે તે નાચતો કુદતો રહે અને ખુબ નામના મેળવે. ડોક્ટર કહે ભલે તમે કાલે તેને દવાખાનામાં લઇ આવો.

બીજા દિવસે સવાર પડે કે તરત જ રામજીકાકા અને જાનકીકાકી ચતુરને લઇ ડોકટરના દવાખાને પહોંચે છે. ત્યારબાદ ડોક્ટર તેને બહાર જવાનું કહે છે ને પછી પેલી સર્જરી શરુ થાય છે. આ વખતે તેને એક ડાન્સરનું મગજ લગાવામાં આવે છે.થોડા દિવસના આરામ બાદ ફરી તેને ઘરે લઇ જવામાં આવે છે.આ વખતે ચતુર પર ડાન્સનું ભૂત સવાર થઇ જાય છે, તે આંખો દિવસ બસ ડાન્સ જ કર્યા કરે છે.

ચતુર ગરબા લેતા લેતા ગીત ગાય છે “ પાણી ગયા તા રે બેની અમે તળાવના પાળેથી લપસ્યો પગ બેડા મારા” બસ પેલાની જેમ જ આખો દિવસ બસ કુદાકુદને સાથે ગીત પણ શરુ થઇ જાય છે.

રામજીકાકા તરત જ પેલા ડોક્ટરને બોલાવે છે અને કહે છે કે જુઓ આ જુઓ આતો કુદવા સાથે ગીત પણ શરુ થઇ ગયું છે.ડોક્ટર કહે છે કે તમે જ કહો હવે હું કયું મગજ લગાવું લાગવી દો કોઈ મોટા પોલીસ ઓફિસરનું ઓક પછી ફરીવાર તેના ઓપરેશનની ઘટના રીપીટ થાય છે. તેને એક પોલીસ ઓફિસરનું મગજ લગાવામાં આવે છે.

ચતુર હવે આખો દિવસ લેફ્ટ રાઈટ- લેફ્ટ રાઈટ કર્યા કરે છે અને સિસોટીઓ માર્યા કરે છે. જેનાથી આડોશી-પડોશીઓ પણ ત્રાસી જાય છે, અને રામજીકાકા તથા જન્કીકાકીનું તો કહેવું જ શું? તેઓ તો આ ચતુરની સિસોટીઓ તથા લેફ્ટ-રાઈટ થી કંટાળી ગયા છે, કોઈવાર તો અચાનક તે સિસોટી મારે એટલે જાનકીકાકીના તો હોશકોશ ઉડી જાય.હવે રામજીકાકા પેલા ડોક્ટરને ચતુરને ડોક્ટરનું મગજ લગાવવા માટે કહે છે તથા આગળની પ્રક્રિયા જેમ જ બધી પ્રક્રિયા થાય છે અને ચતુરને ડોક્ટરનું મગજ લગાવવામાં આવે છે.

બસ જેવું ડોક્ટરનું મગજ લગાવવામાં આવે કે તરત જ ચતુર ભાઈ ઘરે આવતા જતા દરેક વ્યક્તિની તપાસ કરવા લાગી જાય છે. તેની તપાસ કરવાની રીત પણ ઘણી ભયંકર હોય છે. વેલણના થર્મોમીટરથી તો તે દર્દીના શરીરનું તાપમાન માપે છે. મોટીમોટી ખીલીઓથી તો તે ઇન્જેક્શન આપે છે. તપાસ પૂરી થયા બાદની તેની ટીકડીઓ જોઈને કોઈપણ ઉભા પગે ભાગે છે. રામજીકાકા વિચારે છે આમતો કેમ ચાલે હજી એકવાર આનું મગજ બદલવું પડશે.ફરી વાર એમ જ કરવામાં આવે છે અને ચતુરને એક ચિત્રકારનું મગજ લગાવવામાં આવે છે, તેથી ચતુર જ્યાં જગ્યા મળે ત્યાં ચિત્રો દોરતો થઇ જાય છે.

આ વખતનું ઓપરેશન પણ કોઈ કામનું રહેતું નથી, આ વખતે ડોક્ટરને બોલાવીને કહેવામાં આવે છે કે કોઈ એન્જીનીયરનું મગજ લગાવો. ડોક્ટર તેમ કરી આપે છે.તેથી ચતુર મોટા મોટા મોટા બિલ્ડીંગ, સ્કુટર, કોમ્પ્યુટર વગેરે બનવવા લાગી જાય છે પેલા બનાવે છે ને પછી પાછો તોડી નાખે છે, રામજીકાકા બજારમાંથી રમકડા લાવી લાવી થાકી જાય છે. તેથી ડોક્ટરને ફરી બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ વખતે કોઈ એવું મગજ લગાવો કે તે ક્યારેય નિષ્ફળ ન જાય, એવું મગજ તો એક રાજનેતાનું હોય જે ક્યારેય નિષ્ફળ ના જાય કોઈનું તો તે કરી જ નાખે. આને હવે હું એક રાજનેતાનું મગજ લાગવું છેં. રામજીકાકા કહે કોઈ વાંધો નહિ લગાવો.

રાજનેતાનું મગજ લગતા જ ચતુર ટોપી તથા સફેદ જભ્ભો પેરી ગામમાં દરેકના ઘરે ભાષણ આપવા માટે પહોંચી જાય છે. એટલે બસ નથી થતું ગામના ચોરે જઈ માઈકમાં બોલે છે

“ કોઈપણ વ્યક્તિને કોઈ સમસ્યા હોય તો કહો” લોકો તેને સંભાળે છે અને પોતાની સમસ્યા જણાવે છે, ચતુર તેના ગમેતેવા એલફેલ જવાબો આપે છે, તેથી રામજીકાકાને ત્યાં સાંજ પડ્યે ઘણી બધી ફરિયાદો આવે છે. રામજીકાકા ફરિયાદીને સમજાવી ઘરે મોકલી આપે છે તથા ચતુરને તે જણાવે છે કે આવું ના કરીશ, પણ માને ઈ ચતુર શાના. બસ બહુ થયું હવે બોલાવો પેલા ડોક્ટરને, ડોક્ટરને બોલાવવામાં આવે છે તેને રામજીકાકા કહે છે “ ડોક્ટર સાહેબ જો આ વખતે કાંઈ પણ આડુંઅવળું થયું તો હું તમારો એક રૂપિયો પણ નહિ આપું” ડોક્ટર કહે છે “એક વાત પુછુ” રામજીકાકા : પૂછો. ડોક્ટર: ચતુરભાઈ પહેલા શું કામ કરતા હતા.રામજીકાકા તે એક માસ્તર હતો માસ્તર (ધિક્કારથી). ડોક્ટર : તો કાકા એમ કરીએ તેને એક શિક્ષકનું મગજ લગાવી જોઈએ. રામજીકાકા પણ હવે ખુબ થાક્યા હતા ભલે લગાવો પણ મેં કહ્યું એમ આ વખતે મારે કોઈ ખેલ ના જોઈએ નહીતર એકપણ રૂપિયો નહિ મળે .ડોક્ટર કહે ભલે કાકા. આ વખતે તેનું ઓપરેશન કરવામાં આવે છે અને તેને એક શિક્ષકનું મગજ લગાવામાં આવે છે.

આ વખતે ચતુરભાઈ સુધારી ગયા તથા પોતાના માતાપિતાને પગે લાગે છે, તે રામજીકાકા તથા જાનકીકાકીને ખુબ આદર સન્માન આપે છે.

છેલ્લે ચતુર પ્રાર્થના ગાય છે “ ઇતની શક્તિ હંમે દેના દાતા”

પછી ઓપરેશન કરનાર ડોક્ટર જણાવે છે “ કોઈપણ વ્યક્તિને તેના રસના વિષયમાં કામ કરવાનું કહો તો તે ખંતથી કરે છે, નહીતર તમે જોયું તેમ ભવાડા થાય છે અથવા વેઠ ઉતારે છે. ટૂંકમાં જેવો આત્મા (જેમાં રસ ) હોય તેવું તેને મગજ ફીટ થાય છે.”

· ખીલવા દયો ગુલાબ છોડને વેરાન વગડામાં ઉખાડી તેને કુંડામાં ના લગાવો.

જય હિન્દ ,જય ભારત.

-કરણસિંહ ચૌહાણ