Prem ke Pratishodh - 34 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 34

પ્રેમ કે પ્રતિશોધ-34

( આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રમેશ ટેક્ષીના નકલી નંબર વિશે જાણકારી મેળવે છે. અને ત્યારે જ દીનેશનો મહેસાણાથી કોલ આવે છે.)

હવે આગળ....

અર્જુન અને રમેશ મોબાઈલ સ્પીકર મોડ પર રાખીને દીનેશ જોડે વાત કરી રહ્યા હતા.
“સર, એક નામ છે. જેણે લગભગ થોડા મહિના પહેલા 14 જુલાઈના રોજ આ સિગ્મા વોચ ખરીદી હતી. અને એ પણ એક-બે નહીં પણ એક સાથે 200."
દીનેશની વાત પૂર્ણ થતાં અર્જુને કહ્યું,“અને એ નામ છે રાજેશભાઈ, બરાબર ને?"
રમેશ વિસ્મયતાથી અર્જુનના ચહેરા સામે જોઈ રહ્યો, અને દીનેશે પણ આશ્ચર્યચકિત થઈ ને પૂછ્યું,“સર, તમને કેમ ખબર પડી."
“બસ મેં થોડું વિચાર્યું એટલે, એ પછી હું જણાવીશ, પણ ક્યારે અને શા માટે ખરીદી એ બધી જાણકારી મેળવી લેજે."
“OK SIR. મારા માટે અન્ય કઈ ઓર્ડર?"દીનેશે પૂછ્યું
“હા, એક કામ કરજો તમે બંને........"લગભગ પાંચેક મિનિટ સુધી દીનેશ અને સંજયને આગળનું કાર્ય સોંપી અર્જુને કોલ વિચ્છેદ કર્યો.
રમેશ સામે બેસીને બધું સાંભળી રહ્યો હતો. એટલે અર્જુન અને દીનેશની વાત પૂર્ણ થતાં જ એણે કહ્યું,“સર, તમે પણ એમ જ વિચારો છો કે રાજેસભાઈ દ્વારા જ કોઈ પ્લાનિંગ કરી ને..."
“રમેશ, જ્યાં સુધી કેસ સોલ્વ નહીં થાય, ત્યાં સુધી આ કેસમાં ઇનવોલ્ડ તમામ વ્યક્તિ પર શંકાની સોય ફરતી રહેશે, અને અત્યારે એક આ ઘડિયાળ વાળી લિંક મળી છે જે રાજેસભાઈ તરફ ઈશારો કરે છે. પણ આગળ તપાસમાં જે સાબિત થાય તે મુજબ આગળ વધવાનું...."
“OK SIR"
“રમેશ, પ્રેમની જન્મતારીખ કઈ છે? ફાઈલમાં..."
અર્જુન આગળ કંઈ બોલે એ પહેલાં જ રમેશે કહ્યું,“ 17 જુલાઈ, ઓહ સમજાયું કે શા માટે તમે મને જન્મતારીખ જોવાનું કહ્યું."
“રાજેશભાઈએ આ ઘડિયાળો પ્રેમના જન્મ દિવસ પર કોઈને ભેટ આપવા માટે અથવા અન્ય કોઈ કારણોસર જ ખરીદી હશે."
“તો આ 200 માંથી એક કેમ શોધવો..એક ઘડિયાળવાળો શોધવો અને એક ટેક્ષીવાળો."રમેશે માથું ખંજવાળતા કહ્યું.
અર્જુનને અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ કહ્યું.“તે ટેક્ષીના નંબર સિવાય અન્ય કઈ કલર કે કોઈ નિશાન વગેરે નોટ કર્યું હતું."
રમેશે પોતાના મગજ પર જોર લગાવી થોડીવાર વિચારી અને કહ્યું,“યાદ આવ્યું, હા એક ગરુડ જેવા પક્ષીનું ચિત્ર હતું. પાછળના કાચ પર"
અર્જુને કહ્યું,“ વિનયે પણ આવા જ ચિત્રની વાત કરી હતી, મતલબ કે આ ટેક્ષીમાં આજકાલથી નહીં પણ લાંબા સમયથી પ્રો. પ્રકાશની કારનો નંબર યુઝ કરવામાં આવતો હશે."
આમ થોડીવાર રમેશ અને અર્જુન વચ્ચે કેસ સંબંધી વાતચીત થઈ અને પછી બંને પોત-પોતાના કામમાં લાગી ગયા.
******
અર્જુનના જણાવ્યા અનુસાર દીનેશ અને સંજય રાજેશભાઈના ઘરથી થોડા દૂર રહીને કંઈક ગડમથલ કરી રહ્યા હતા.
સંજયે પૂછ્યું,“ એ તો જણાવ કે સરે શુ કરવાનું કહ્યું છે?"
“સરે એમ કહ્યું કે તમે એક-બે દિવસ મહેસાણામાં જ કોઈ હોટેલમાં રહેજો અને રાજેશભાઈના ઘરની આસપાસ જ રહીને રાજેશભાઈ ક્યાં જાય છે અથવા તેમને મળવા કોણ કોણ આવે છે વગેરે પર છુપી રીતે નજર રાખવાની..."
“સર પણ કમાલ કરે છે. મને તો એમ કે હમણાં અમદાવાદ પહોંચીને ઘરે જઈ શાંતિથી આરામ કરું....."
“સરે જે વિચાર્યું તે પાછળ કારણ તો હશે જ!, એટલે અહીં જ આજુબાજુમાં કોઈ સારી હોટેલ જોઈ લઈએ, ત્યાં જઈને જ આરામ કરજો."
“હમ્મ, ચાલો ત્યારે..."
બંને રાજેશભાઈના ઘરથી નજીકની હોટેલ શોધવા નીકળ્યા. હાઈવે પર જ તેમણે એક હોટેલમાં રૂમ બુક કરી ત્યાં જ રહીને તેમને સોપાયેલું આગળનું કાર્ય કરવાનું વિચાર્યું.
****
બીજા દિવસે સવારે બ્રેક ટાઈમમાં બધા મિત્રો કેન્ટીનમાં બેઠા હતા. રાધીના ચહેરા પર વ્યાકુળતા ફરી વળી હતી. કેમ કે વિનય આજે કોલેજે પણ નહોતો આવ્યો, અને આગલા દિવસે કોલેજે નહીં આવશે એ પણ કોઈને જણાવ્યું નહોતું.
“રાધી, વિનયને કોઈ જરૂરી કામ આવી ગયું હશે એટલે કદાચ..."દિવ્યાએ કહ્યું.
“પણ....."રાધી આટલું બોલી અટકી ગઈ.
“એના ઘરેથી કોઈનો કોન્ટેકટ નંબર હોઈ તો કોલ કરીને તપાસ કરી લે."સુનીલે કહ્યું.
“પણ મારી પાસે બીજા કોઈનો કોન્ટેકટ નંબર જ નથી...."રાધીએ નિરાશ થતાં કહ્યું.
અચાનક તેના મોબાઇલની રિંગ વાગી, રાધીએ વિનયનો જ કોલ હશે એમ વિચારી મોબાઈલ સ્ક્રીન પર જોયું તો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવી રહ્યો હતો.
રાધીએ કોલ રિસીવ કર્યો. સામે કોલ પર વિનય તો નહી પણ માહી હતી.
“હેલ્લો રાધી, ભાઈ કોલેજે આવ્યા છે?"
“ના, પણ હું સવારની એનો કોલ ટ્રાય કરું પણ સ્વીચ ઓફ જ આવે છે. અને મારી પાસે તારો કોન્ટેકટ નંબર પણ નહોતો...પણ કેમ આટલી ચિંતિત લાગે છે?"
“કાલે રાત્રે તો ભાઈ એના રૂમમાં જ હતા. પણ ખબર નહી આજે સવારથી ક્યાં ગયા હોઈ, એટલે મને એમ કે કદાચ કોલેજે...."
“ના, બીજે ક્યાંય તપાસ કરી...."રાધીની વ્યાકુળતા વધતી જતી હતી.
“હા, લગભગ બધે જ તપાસ કરી અને પછી છેલ્લે વિચાર્યું કે કોલેજે તો નહીં ગયા હોઈને એટલે તને કોલ કર્યો."
“એક કામ કર હું ત્યાં આવું છું. પછી એવું લાગશે તો આપણે પોલીસ...."આટલું બોલીને રાધી અટકી ગઈ અને એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી..


(ક્રમશઃ)