64 Summerhill - 77 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 77

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 77

જંગલમાંથી ધસી આવેલો કેપ્ટન ઉલ્હાસ રેડ્ડી હવે જરાય ચૂક કરવાના મૂડમાં ન હતો. સરુના અડાબીડ જંગલમાં તેણે પગ મૂક્યો એ જ ઘડીએ થયેલા બિહામણા, ભેદી ધડાકાએ તેને ચોંકાવી દીધો હતો. કાંઠા પર મોરચો માંડવા મોકલેલી ટીમને તેણે વાયરલેસ જોડયો પણ વળતો કશો જવાબ આવ્યો નહિ એટલે તે સ્થિતિ પામી ગયો.

આટલે દૂર સુધી સંભળાયેલો એ ધડાકો મોર્ટારનો હોય કે પછી...

તેણે પોતાના કમાન્ડોના એક કાફલાને બખોલ તરફ પાછો મોકલ્યો. તેમણે નદીના રસ્તે આવવાનું હતું અને પોતે જંગલ તરફથી જતા કાફલાની આગેવાની લીધી.

તેણે પ્લાન તો વધુ એક વાર પરફેક્ટ જ વિચાર્યો હતો...

- પણ વધુ એકવાર તેની તકદીર તેનાંથી બે ડગલાં આગળ ચાલતી હતી.

ખાઈ સુધી પહોંચીને તેણે નાઈટવિઝન બાયનોક્યુલર પર આંખ માંડી એ સાથે તેના તંગ જડબા વચ્ચે કાંકરી ચવાઈ ગઈ હોય એવી ઝણઝણાટી થઈ ગઈ.

કાંઠાથી ક્યાંય દૂર એક તરાપો નદીના તોફાની વહેણમાં સરકી રહ્યો હતો અને બીજા બે તરાપા પર માલસામાન અને માણસો ખડકાઈ રહ્યા હતા.

આ લોકોએ અહીં તરાપા તૈયાર રાખ્યા હતા? આંખના પલકારે તરાપા બાંધવામાં મુક્તિવાહિનીના મરજીવાઓ કેટલી હદે કેળવાયેલા હતા તેનો કેપ્ટનને અંદાજ આવી શકતો ન હતો.

કાંઠાથી ખાઈ સુધીનો રસ્તો તેણે બાયનોક્યુલર વડે તરાશી લીધો. કેટલાંક લોકોને તેણે પાછા પગે શરીર ઘસડીને કાંઠા તરફ લપકતા ય જોયા.

કેપ્ટન ઉલ્હાસની સૌથી મોટી મર્યાદા એ હતી કે જે પોલિસ અફસરને સલામત છોડાવવાનું આ મિશન હતું એ અફસર આમાં છે કે કેમ અને હોય તો ક્યાં છે એ વિશે તે બેખબર હતો. એકવાર એ અફસર ઓળખાઈ જાય અને તેને છૂટો પાડી શકાય તો બાકીના લોકોને ઝબ્બે કરવાનું કેપ્ટન ઉલ્હાસના કસાયેલા કમાન્ડો માટે મુશ્કેલ ન હતો.

વગનો ઉપયોગ કરીને બિરવા ધરાર આ મિશનમાં જોડાઈ ત્યારે એ બેહદ નારાજ થયો હતો પણ હવે એ જ બિરવા તેને ઉપયોગી લાગતી હતી.

તેણે બિરવાને આગળ ધરી. તેની આસપાસ સલામત કોર્ડન કરીને બ્લાઈન્ડ ફાયરનો ઓર્ડર આપ્યો એ સાથે કાંઠાની દિશાએ બંદૂકો ધણધણી ઊઠી.

કાંઠો બંદૂકની રેન્જથી ખાસ્સો દૂર હતો પણ મુક્તિવાહિનીના લડાકુઓને હવે આગળ આવવાની જરૃર પણ ન હતી. તેમણે જેમ બને તેમ જલદી તરાપા પર ચડી જવા પીછેહઠ જારી રાખી. ફક્ત હિરન અને તેની સાથેના બે આદમીઓએ પોતાની જગ્યાએ ખોડાયેલા રહીને વળતું ફાયર કરવા માંડયું.

આગળના તરાપામાં કેસી, પ્રોફેસર અને ઉજમ મહત્વનો સામાન લઈને ચડયા એ પછી ત્વરિત, છપ્પન અને હજુ ય દિગ્મૂઢ પણે ખાઈની દિશામાં તાકી રહેલો રાઘવ પણ સવાર થયા. બીજા તરાપાની કસ બંધાય એટલે હિરન, તાન્શી અને ઝુઝાર સહિતના આદમીઓ તેના પર સવાર થવાના હતા.

બીજો તરાપો નદીના વહેણમાં વહેતો થયો એ જ વખતે કાંઠા પર ગરજતી બંદૂકો વચ્ચે ખાઈના ઉપરવાસમાં પ્રકાશનો શેરડો ફંગોળાતો દેખાયો અને એ શેરડામાં સ્પષ્ટ વર્તાતી હતી બિરવા....

નદીના વહેણમાં હિલોળાતા તરાપા પર સૌ એકમેકના ટેકે સંતુલન જાળવવા મથતા હતા ત્યારે ખાઈના છેવાડે પ્રકાશનો તીવ્ર પીળાશથી છલકાતો શેરડો અને એ શેરડામાં ન્હાતી બિરવાને જોઈને રાઘવના મોંમાંથી અસ્ફૂટ ડચકારો નીકળી ગયો...

કેપ્ટન ઉલ્હાસની એ આબાદ ચાલ હતી. રાઘવને ઓળખવો અને પોતે તેને છોડાવવા આવ્યા છે એવી ખાતરી કરાવવી જરૃરી હતી પણ રાઘવનું નામ બોલાય તો તેનો જીવ જોખમમાં મૂકાય. એટલે બંદૂકની રેન્જથી સલામત અંતરે તેણે બિરવા પર રોશની લહેરાવી હતી.

ગણતરીની સેકન્ડો માટે બિરવા પર સર્ચલાઈટનો ઉજાસ ફેંકીને તેણે બેહદ ત્વરાથી તેને હટાવી લીધી.

નદીના વહેણમાં આગળને આગળ વધી રહેલા તરાપામાંથી રાઘવ એ જ દિશાએ મંત્રમુગ્ધ થઈને જોતો રહ્યો. તેની મદદમાં આવેલા આદમીઓ શા માટે તેની ધારણાથી વહેલા આવી પહોંચ્યા હતા એ હવે તેને સમજાતું હતું...

શેરડામાં દેખાતી ઓરતને જોઈને રાઘવના ચહેરા પર પથરાયેલો ઉજાસ ત્વરિતે પણ પારખ્યો.

રાઘવ સ્થિર નજરે ઉજાસમાં ન્હાતી બિરવાના સોહામણા ચહેરા પર અંકાયેલી તંગદીલીને જોતો રહ્યો. તેના ચહેરા પર વ્હાલપભર્યું સ્મિત ઉભર્યું... ઉભર્યું અને ઓલવાઈ ગયું.

સ્થાનિકોનો ઉપયોગ કરીને, ખુફિયા તંત્રની મદદથી બિરવાના કમાન્ડો સાચે જ ખાસ્સા વહેલા આવી પહોંચ્યા હતા...

- પણ તોય મોડું થઈ ચૂક્યું હતું... ઘણું મોડું.

* * *

ઉલ્હાસે પરત મોકલેલા આદમીઓને ખાસ્સો આંટો મારવો પડયો હતો. અડધા રસ્તેથી પાછા ફરીને બખોલમાં થઈને ફરીથી નદી વાટે આ તરફ પહોંચવામાં તેમને ઘણો સમય લાગ્યો.

નદીની દિશાએથી બીજો મોરચો ન ખૂલ્યો એટલે કેસીના આદમીઓને બરાબર લાગ મળી ગયો.

કાંઠાના પહોળા પટને લીધે તેમણે ત્રણ મોરચા રચીને એકમેકને કવર ફાયર આપવા માંડયું અને એક પછી એક તરાપા રવાના થતા રહ્યા.

છેલ્લો તરાપો રવાના થયો તેની વીસ મિનિટ પછી આખરે ઉલ્હાસના આદમીઓની હોડી દેખાઈ હતી. તરાપાઓ ખાસ્સા આગળ નીકળી ચૂક્યા હતા પણ આઉટર બોડી એન્જિન ધરાવતી ડિંગીઓ અને હલેસા વડે નદીના તોફાની પ્રવાહમાં વહેતા તરાપાઓ વચ્ચે એ અંતરની કોઈ વિસાત ન હતી.

કેસીએ તેનો ય અંદાજ માંડયો જ હતો.

ડીંગી સાવ સામે આવી જાય ત્યારે કેપ્ટિવ બોલ્ટ ગનમાં બચેલો એકમાત્ર શોટ ઝીંકી દેવાનો હતો. તિબેટ સુધીના પ્રવાસમાં એ ગન સાબદી હોવી બેહદ જરૃરી હતી પણ અહીંથી છટકવા માટે બીજો કોઈ વિકલ્પ જડતો ન હતો.

ચૂડેલના વાંસા જેવું કાળુમેંશ અંધારું, ધોધમાર વરસાદ, પહાડના ઢોળાવ પરથી દદડતા સેંકડો ઝરણાઓનો ખળખળ નિનાદ અને ભેંકાર સન્નાટામાં હિલોળાતી ડિંગીના એન્જિનનો કર્કશ અવાજ...

કેસીના મરજીવાઓ બાવડાની નસ તૂટી જાય એવી તાકાત વાપરીને હલેસા મારી રહ્યા હતા. તેમનું જોઈને છપ્પન, ઝુઝાર અને ત્વરિત પણ હાથ આવ્યું એ લાકડું લઈને મચી પડયા હતા.

ડીંગીમાંથી એકધારું ફાયરિંગ થતું રહ્યું હતું પણ ભીષણ પહાડો વચ્ચે સર્પાકાર માર્ગે વહેતી બ્રહ્મપુત્રના તીવ્ર વળાંકોને લીધે અને કારમા અંધારા વચ્ચે નિશાન તાકી શકાય એ શક્ય ન હતું.

એન્જિનનો અવાજ જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ કેસીના ચહેરા પર તંગદીલી વધતી જતી હતી. હવે ગણતરીની મિનિટોમાં જ છેલ્લો તરાપો નિશાન બની શકે તેમ હતો.

તેણે ભારે કશ્મકશ પછી કેપ્ટિવ ગનનું બેરલ ઊઠાવ્યું અને ગેસ સિલિન્ડર ઊંચકીને અંદર કેટલો ગેસ બચ્યો છે તેનો અંદાજ માંડયો.

એ જોઈને રાઘવ રીતસર હબકી ગયો.

હાલકડોલક તરાપા પર એ સફાળો ઊભો થયો. જેમતેમ ઉતાવળે બાંધેલા તરાપામાં લાકડાઓ ચસોચસ બંધાયેલા ન હતા એટલે ચાલવામાં ય ભારે મુશ્કેલી હતી. ત્વરિતના હાથનો ટેકો લઈને તે આગળ વધ્યો. તેને આમ અચાનક ચોંકીને ઊભો થતો જોઈને ત્વરિત પણ ઊભો થયો.

'આ રીતે આપણે ભાગી નહિ શકીએ...' તેણે કેસીની નજીક સરકીને કહ્યું.

કેસી ધારદાર નજરે રાઘવને જોઈ રહ્યો.

'તને વાંધો ન હોય તો હું એક ઓપ્શન સજેસ્ટ કરું...'

'હમ્મ્મ્... બોલ...' કેસીએ હકારમાં ડોકું ધૂણાવ્યું.

'નદી વળાંક લે ત્યારે ડિંગીમાંથી આપણે ગણતરીની મિનિટ માટે દેખાતા બંધ થઈ જઈશું. એ વખતે અહીંથી હું અને ત્વરિત કાંઠા પર કુદી પડીએ. પાછળના તરાપામાંથી પણ તું નક્કી કરે એ માણસો કાંઠા પર આવી જાય. ડિંગી રેન્જમાં આવે એટલે અમે કાંઠા પરથી ફાયર કરીને તેને અહીં જ રોકી પાડીએ.'

'પછી?' કેસીને ય આ પ્લાન તો સૂઝ્યો હતો પણ આખો પહાડ ચડીને ડેવિલ્સ બેડ સુધી પહોંચવાનું આસાન ન હતું. સાથોસાથ કમબખ્તી એ હતી કે એન્જિનવાળી ડિંગીને ચકમો આપવાનું ય શક્ય ન હતું.

આ વિકલ્પ અજમાવવામાં જોખમ તો પારાવાર હતું જ પણ ફાયદો એ હતો કે કેપ્ટિવ ગનનો શોટ બચી જતો હતો.

'તમે શક્ય તેટલા આગળ જતા રહો. અમે યા તો ડિંગીને અહીં જ ધરબી દઈએ અથવા ખાસ્સું ડિસ્ટન્સ રહે ત્યાં સુધી રોકીને પછી પહાડ ઓળંગવા લાગીએ.'

'ઓકે...' કેસીએ બે ઘડી વિચાર કરીને ગરદન હલાવી નાંખી. પહેલા તરાપા પરથી રાઘવ, ત્વરિત અને મુક્તિવાહિનીના બે આદમીઓ. બીજા તરાપા પરથી તાન્શી અને બીજા ત્રણ તિબેટી લડાકુઓ.

એમ આઠ આદમીઓ માટે ગન, ગ્રેનેડ, એમ્યુનિશન અને ખાવા-પીવાનો સામાન છૂટો પડયો. નદીના સાવ ત્રાંસા વળાંક પર તરાપો સહેજ કાંઠા તરફ વળ્યો એટલે બેય તરાપા પરથી આદમીઓએ પાણીમાં ઝંપલાવી દીધું.

છીછરા અને ખડકાળ કાંઠાના લપસણા પથ્થરો પર જેમતેમ પગ ટેકવીને સૌએ પહાડ ચડવા માંડયો. હોડી દેખાય એ પહેલાં તાન્શીએ હરોળ રચવા માંડી હતી. આવી આફતોથી ટેવાયેલા ગેરીલાઓ ફટાફટ પોઝિશન લેવા માંડયા હતા. ત્વરિત હજુ ય તાજુબીથી રાઘવને નિરખી રહ્યો હતો.

- અને રાઘવ એકીટશે નિરખી રહ્યો હતો નદી તરફ....

જ્યાં બિહામણા સન્નાટાને ચીરતો એન્જિનનો અવાજ વધુને વધુ નજીક આવી રહ્યો હતો...

ભક્..ભક્..ભક્..ભક્..ભક્...

(ક્રમશઃ)