Upvasma vajan vadhe ? books and stories free download online pdf in Gujarati

ઉપવાસમાં વજન વધે ?

ઉપવાસથી વજન વધે? @ રવીન્દ્ર પારેખ
નાનો હતો ત્યારે હું ખૂબ ધાર્મિક હતો.મારી બાનું જોઈ જોઇને હું પણ પૂજાપાઠ કરતો.ગીતા વાંચતો.ઉપવાસ કરતો ને દેવી-દેવતાઓના ચહેરા ફરતું જે પ્રકાશ વર્તુળ રચાતું,તેવું મારી ફરતે છે એવું મને લાગતું.ઘણીવાર મેં મારા ફોટા ફરતે પ્રકાશ વર્તુળો પણ દોરેલાં,પણ મારી ફરતે તો અંધારું જ છવાતું રહેલું.મારી બા બહુ જ ધાર્મિક હતી એટલે ધાર્મિક ફિલ્મો ઘણી જોતી ને મને પણ સાથે લઇ જતી.હું પણ ધાર્મિક ગણાવા બાને અનુસરતો.તેની જેમ જ ઉપવાસ કરતો.આખ્યાનો વાંચતો એટલે મોટો થતા વ્યાખ્યાનો ને વ્યાખ્યાઓ આપતો થયેલો.પછી જેમ જેમ સમજ પડતી ગઈ તેમ તેમ ધરમ-કરમ છૂટતાં ગયાં.હવે હું કંઈ કરતો નથી,ન ઉપવાસ ન સ્વર્ગવાસ!સ્વર્ગવાસ તો થયો નથી,પણ ઉપવાસ તો ઘણા થયા છે એટલે એને વિશે લખવાનું સ્વીકાર્યું છે,તે એટલા માટે કે વાચકો મારું જોઇને ઉપવાસ કરવા લલચાય.
ઉપવાસથી અમુક પ્રકારની સાત્વિકતા આપણામાં જન્મે છે,એવું એક કાળે હું માનતો.આપણે ઉપવાસ કર્યો હોય તો લોકો આપણી તરફ માનથી જુએ છે ને આપણે વિષે કહેવાતું રહે છે કે આજે તો રવિભાઈનો ઉપવાસ છે.આપણી ભૂખને ધ્યાનમાં રાખીને બેત્રણ ચા વધારે જ હોજરી ગરમ કરી આપે છે.કોઈ દયા ખાઈને એકાદ ફળ કે ફરાળનું આયોજન પણ આપણે માટે કરે છે. થોડું ગળ્યું પેટમાં પડે છે તો પેટની માંગ વધી પડે છે.મારી બા ‘માંગ ભરો સજના’ કરતી હોય છે ને હું માંગ વધારતો જતો હોઉં છું.આડે દિવસે બા પાસે શિંગોડાનો શીરો માંગુ તો બા શીંગડા મારતા છાશિયું કરે ,પણ મહાશિવરાત્રી કરતો તો બા ચોક્ખા ઘીનો શીરો હોંશે હોંશે બનાવતી.મને ગળ્યું ખૂબ ભાવે એટલે શીરા માટેય હું શ્રાવક થતો.બાની જેમ જ હું વરસના ૫૨ સોમવાર,ગુરુવાર,શનિવાર ઉપરાંત બધી અગિયારસો,પૂનમો,કરતો.અમાસને દિવસે શીરો થતો નહીં,થતો હોત તો હું બધી અમાસ જરૂર કરતે.બહુ જ મોડે મોડે મને એ જ્ઞાન લાધ્યું કે ઉપવાસમાં મને સારું ખાવાનું મળતું એટલે જ રસ પડતો.બહેનો ઉપવાસ કે અલૂણા કરતી તો તેના કરતાં વધારે કાજુ,બદામ,અખરોટ,આલુ હું જ ઝાપટતો.બા પણ ફરાળને માટે જ ઉપવાસ કરતી એવી મને શંકા હતી.કારણ અમારાં શરીર પર તેની અસર ભાગ્યે જ જણાતી હતી.ઉપવાસ કરવાથી બા વધારે તંદુરસ્ત લાગતી.હું લાઈફબોય વાપરતો નો’તો તો પણ મારી તંદુરસ્તીની રક્ષા ઉપવાસને આભારી હતી તેવું મને લાગે છે.ઉપવાસથી વજન ઘટવું જોઈએ,પણ અમારું વજન વધતું જ આવતું હતું.
મોરિયો,કઢી,શીરો,શીંગદાણાના લાડુ, બટાકાનું રસાવાળું ને કોરું,સિંધવીમીઠાનું કોરું ને રસાવાળું શાક,ફરાળી પેટીસ,સાબુદાણાની ખીર,રાજગરાની પૂરી,ફળાહાર વગેરે એટલું ખવાતું કે ઓડકાર પર ઓડકાર ખવાતા.એવું કેટલીય વાર બન્યું છે કે ફરાળ ખાધા પછી,ફરાળી પાચક ગોળી લેવી પડી હોય. તે પછી થોડી છૂટ થતી ને પેટ ફરતે ઓડકાર ચકરાવા લેતો રહેતો.આવામાં વજન ઘટવાની કોઈ જગ્યા રહેતી જ નો’તી.વજનકાંટો જૂઠું બોલી ના શકતો.એટલે એને મરઘે સવાર પડવા દેતા.રાતના છેલ્લે ચાનો વારો આવતો ને એમ દિવસ બદલાતો રહેતો.દિવસ પણ સમજીને બદલાઈ જતો,કારણ ઉપવાસ જ ચાલુ રહે તો વજનકાંટા બદલવાના ભારે પ્રશ્નો ઊભા થતા.
મોડે મોડે હું એવાં તારણ પર આવ્યો કે ઉપવાસ જો ખાવા માટે જ થતા રહેશે તો એ આરોગ્ય જ ખાઈ જાય એ શક્ય છે.મારી બા એમ જ ખવાઈ ગઈ.તે અનેક રોગો સાથે તંદુરસ્તીની રક્ષા કરતાં કરતાં જ ગઈ.હું રહ્યો.હું તંદુરસ્ત છું તેમાં તેનો મોટો ફાળો છે ને એટલો જ ફાળો છતાં હું નાને પાયે જ રાજી રહું એમ સૌ ઈચ્છે છે.આજની પેઢી ઉપવાસ કરે છે કે પિત્ઝા,મન્ચૂરીયન કે કોન્ટિનેન્ટલનો ફરાળ કરે છે તે નથી ખબર. પણ નવી પેઢી ઉપવાસ કે ધરમ ધ્યાનમાં બહુ માનતી હોય એવું લાગતું નથી.જો હવા,પાણી ને ખોરાક મૂળભૂત જરૂરિયાત હોય તો ઉપવાસ કઈ રીતે જરૂરી છે તે સમજાતું નથી.ઉપવાસ કરનારા તુંબડા જેવા હોય ને ખૂબ ખાનારા સરગવાનીસિંગ જેવા હોય એ અશક્ય નથી.એટલે ઉપવાસ કે ભોજન શરીર માટે સાપેક્ષ છે.ઉપવાસથી શરીર સારું રહે એવું નથી.ઉપવાસને કારણે મારે હોસ્પિટલ જવું પડ્યું હોય એવુંય થયું છે. ફરાળ એટલો બધો થઇ ગયેલો કે એનિમા લેવાના દિવસો આવેલા.ઘણા ગરીબો પૈસા ન હોવાને કારણે ઉપવાસી રહે છે ને કેટલાંક સ્વર્ગવાસી પણ થાય છે એટલે ઉપવાસથી શરીર સારું જ રહે એવું દરવખતે કહેવાય નહીં .બહુ ખાય તે માંદો જ રહે એવું પણ નથી.તે સ્વસ્થ હોઈ શકે છે.
મારા પુત્રને કોઈકે વજન ઘટાડવા ઉપવાસ કરવાનું કહ્યું.તેણે નકોરડા ઉપવાસ શરુ કર્યા ને એનું પેટ હવા ખાવાનું સ્થળ હોય તેમ ઊંચે જવા લાગ્યું.એટલી હવા ભરાઈ કે પંચર પડવાની બીક લાગવા માંડી.તેને લાગ્યું કે હવાનો ભરાવો પાણીને કારણે પણ હોય એટલે તેણે નિર્જળા ઉપવાસો શરુ કર્યા ને હાલત એવી કફોડી થઇ કે હવા લેવાના ય ફાંફા પડવા લાગ્યા.મેં તેને સમજાવ્યો કે તું રાજકારણી છે?ગાંધીજી છે?અન્ના હજારે છે?કેજરીવાલ છે કે કોઈ વાત મનાવવા તારે ઉપવાસ કરવા પડે?તેણે કહ્યું,’એવું તો નથી.’’બસ તો પછી.’મેં તેને ધબ્બો મારતા કહ્યું,’જે ખાતો હોય તે ખાયા કર.ને આનંદમાં રહે.’મારી વાત તેના ધાનમાં આવી ને એણે ઉપવાસ છોડ્યા ને ખાવા માંડ્યું.તે એટલું ચાલ્યું કે મને ઉપવાસી રહેવાની ફરજ પડી.
@@@