Once Upon a Time - 62 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 62

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 62

‘ઈન્ડિયન એરલાઈન્સની સામે સ્પર્ધામાં આગળ વધી રહેલી ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર તકીઉદ્દીન વહીદ ૧૯૯૫ના એપ્રિલની ૧૯મી તારીખે દિવસભર અનેક મીટીંગમાં વ્યસ્ત હતા. સાંજે તેઓ પોતાની ઓફિસથી ઘરે જવા નીકળ્યા એ અગાઉ તેમણે ફોન પર વાતો કરવામાં થોડો સમય ગાળ્યો. ઈન્ડિયન એરલાઈન્સની અત્યંત ખરાબ સર્વિસને કારણે વધુ ને વધુ ઉતારુઓ ઈસ્ટ-વેસ્ટ એરલાઇન્સન તરફ આકર્ષાઈ રહ્યા હતા. એ એરલાઈન્સની શરૂઆત પછી એવી વાત વહેતી થઈ હતી કે ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સ તો દાઉદ ઈબ્રાહિમની માલિકીની છે. તકીઉદ્દીન વહીદ તો માત્ર દાઉદનું પ્યાદું છે. મુંબઈ પોલીસને પણ શંકા હતી કે ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સના છેડા દાઉદ ઇબ્રાહિમને અથવા તો દાઉદના છેડા ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સને અડે છે.

૧૯૯૨માં સર જે.જે. માર્ગ હોસ્પિટલમાં થયેલા શૂટઆઉટમાં પોલીસે કરેલા વળતા ગોળીબારમાં દાઉદ ઇબ્રાહીમનો શૂટર ઘવાયો હતો ત્યારે એને પોલીસથી બચાવવા ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સ કંપનીના એક ઑફિસરના ઘરમાં આશ્રય અપાયો હતો. એટલે મુંબઈ પોલીસની શંકા બિલકુલ વજૂદ વગરની નહોતી પણ ઈસ્ટ-વેસ્ટ એરલાઈન્સ કંપની વિશે આવી વાત વહેતી થવા છતાં એ પ્રાઇવેટ એરલાઈન્સની ફ્લાઈટ્સમાં ઉતારુઓને ખેચી લાવવામાં તકીઉદ્દીન વહીદને તકલીફ પડી નહોતી. તકીઉદ્દીન વહીદ એક પાક્કા બિઝનેસમેન સાબિત થયા હતા. એમની પ્રાઇવેટ એરલાઇન્સ કંપની ઈન્ડિયન એરલાઇન્સને બરાબર ટક્કર આપી રહી હતી. અને એમનું નામ દેશના ટોચના પ્રતિષ્ઠત બિઝનેસમેનની હરોળમાં પહોંચી રહ્યું હતું એટલે એમને ક્યારેક દિવસના અઢાર કલાક કામ કરવું પડતું હતું. ઈસ્ટ-વેસ્ટ એરલાઇન્સ કંપની શરુ કર્યા પછી મુંબઈમાં હોય ત્યારે દરરોજના ક્રમ પ્રમાણે ઓફિસમાંથી નીકળતાં અગાઉ તેઓ કેટલાક મહત્વના કોલ્સ કરતા હતા.

એ રીતે તકીઉદ્દીને બીજા દિવસની કેટલીક મીટીંગનો સમય નક્કી કરીને ફોનનું રિસીવર ક્રેડલ ઉપર મુક્યું. તેઓ ઓફિસની બહાર નીકળીને પોતાની ઈમ્પોર્ટેડ બુલેટપ્રૂફ કારમાં ગોઠવાયા. ઇસ્ટ વેસ્ટ એરલાઇન્સના યુનિફોર્મધારી ડ્રાઈવરે તેમના વાંદરાસ્થિત નિવાસસ્થાન ભણી કાર હંકારી. કાર તેમના નિવાસસ્થાને પહોંચી ત્યારે અચાનક ચાર યુવાનો એમની કાર તરફ ઘસી આવ્યા. કાચના દરવાજા અંદરથી બંધ હતા. ઘસી આવેલા યુવાનોમાંથી બે યુવાનોએ બુલેટપ્રૂફ કારના પાછળના બંને દરવાજાના કાચ ઉપર પૂરી તાકાતથી હથોડા ઝીક્યા. ડઘાઈ ગયેલા તકીઉદ્દીન વહીદ કે એમનો સિક્યુરીટી ગાર્ડ કઈ સમજે એ અગાઉ તો તેમના પર ગોળીબાર શરુ થયો. પોઈન્ટ થર્ટી ટુ અને ફોર્ટી ફાઈવ બોરની રિવોલ્વરમાંથી એમના પર ગોળી વરસવા માંડી. ગણતરીની ક્ષણોમાં તકીઉદ્દીન વહીદના શરીરમાં પૂરી એકવીસ ગોળી ઉતરી ગઈ અને વહીદ ઢળી પડ્યા. વહીદ મરી ગયા હોવાની ખાતરી કર્યા પછી હત્યારાઓ નાસી છૂટ્યા.’

***

‘દાઉદ ઇબ્રાહિમ દુબઈમાં પોતાના બંગલોમાં રાતના ભોજન માટે ડાઈનિંગ ટેબલ તરફ જઈ રહ્યો હતો.ત્યારે અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. દાઉદે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલો કોર્ડલેસ ફોન ઓન કરીને કાને માંડ્યો. સામે છેડેથી બોલાયેલા શબ્દો સાંભળીને એનું મગજ બહેર મારી ગયું. કોર્ડલેસ ફોન પર વાત પૂરી કરીને એ ડાઈનીંગ ટેબલની પાસેની ખુરશીમાં બેઠો. એ દિમાગ સ્વસ્થ કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યાં ફરીવાર ફોનની ઘંટડી રણકી. દાઉદે કોર્ડલેસ ફોન કાને માંડ્યો અને સામેથી એને એક પરિચિત અવાજ સંભળાયો, ‘એક છોટા સા તોહફા દિયા હૈ, કબૂલ કરના, આગે ઔર ભી ઐસે તોહફે હમારી ઓર સે મિલેંગે,’ દાઉદ આગળ કઈ બોલે એ અગાઉ સામેથી ફોન કટ થઇ ગયો. દાઉદનું માથું ભમી ગયું. સામે છેડેથી એના કાનમાં ઠલવાયેલો અવાજ છોટા રાજનનો હતો!’

***

૧૯૯૫માં દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન ગેંગ દ્વારા બિઝનેસમેનની હત્યાઓનો સિલસિલો ચાલ્યો, એમાં બિલ્ડર ઓમપ્રકાશ કુકરેજા અને ઇસ્ટ વેસ્ટ એરલાઇન્સના મેનેજિંગ ડીરેક્ટર તરીઉદ્દીન વહીદની હત્યાથી બળતામાં ઘી હોમાવા જેવો ઘાટ થયો હતો. ગેંગવોરનો ભોગ બની રહેલા બિઝનેસમેન પણ દૂધે ધોયેલા નહોતા. એમને અંડરવર્લ્ડ સાથેના કનેકશનની સજારૂપે કમોતે મરવું પડ્યું હતું. અપવાદરૂપ બિઝનેસમેન નવાણિયા કુટાઈ જતા હતા. તેમની હત્યા પાછળ ખંડણીની ઊઘરાણી કારણભૂત બની હોવાનું પોલીસને જાણવા મળતું હતું. પણ ઓમપ્રકાશ કુકરેજા અને ઇસ્ટ વેસ્ટ એરલાઇન્સવાળા તકીઉદ્દીન વહીદની પાછળ માત્ર એક જ આશય હતો, હરીફ ગેંગને આર્થિક ફટકો મારવાનો. કુકરેજા અને વહીદની હત્યાના થોડા સમય અગાઉ છોટા રાજન ગેંગના શૂટરોએ દાઉદ ગેંગના ફાઈનાન્સર ગણાતા મુંબઈ હોટેલ એન્ડ રેસ્ટોરાં ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ અને મુંબઈમાં ડઝનબંધ હોટેલ તથા રેસ્ટોરાં ધરાવતા રામનાથ પૈયાડેને મારી નાખ્યા હતા. રામનાથ પૈયાડેને મુંબઈના બોરીવલી ઉપનગરમાં એમની ‘સંતોષ’ હોટેલની સામે સમી સાંજે ગોળીએ દેવાયા એ પછી દાઉદ ઈબ્રાહિમના ગેંગના શૂટરોએ પૈયાડેની હત્યાનો બદલો લેવા મલાડમાં એક એનઆરઆઈ હોટેલમાલિકને ગોળીએ દીધો હતો.’

કડકડાટ બોલી રહેલો પપ્પુ ટકલા નવી સિગારેટ સળગાવા માટે થોડી સેકન્ડ અટક્યો. પછી એણે વાત આગળ ધપાવી, ‘દાઉદ ઇબ્રાહિમ ગેંગમાં છોટા શકીલની એન્ટ્રી થયા પછી અંડરવર્લ્ડની ગેંગવોર વધુ લોહિયાળ બની હતી. એમાંય છોટા રાજને દાઉદ ગેંગ સાથે છેડો ફાડીને પોતાની નવી ગેંગ બનાવી એ પછી તે મુંબઈમાં ધડાધડ લાશો પડવા માંડી હતી. છોટા રાજન કરતાં પણ છોટા શકીલ વધુ ‘આક્રમક’ હતો. છોટા રાજનને એ જડબાતોડ જવાબ આપી શકતો હતો. છોટા શકીલ ઝનૂની હોવાને કારણે જ દાઉદની નજીક પહોંચી શક્યો હતો. એનો ઉપયોગ દાઉદ બરાબર કરતો હતો. અને એની આક્રમકતા અને ઝનૂન દાઉદ ગેંગને ભારે ફાયદારૂપે હોવાને કારણે જ દાઉદ એની કેટલીક વાયડાઈ પણ ચલાવી લેતો હતો. મુંબઈમાં 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી છોટા રાજને દાઉદ ઇબ્રાહિમ સાથે છેડો ફાડ્યો એ વખતે છોટા શકીલનું દાઉદ ગેંગમાં આગમન થયું હતું.’

(ક્રમશ:)