Once Upon a Time - 55 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 55

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 55

બબલુ શ્રીવાસ્તવે મુંબઈમાં અપહરણ કરીને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો એથી દાઉદ ઈબ્રાહીમ રોષે ભરાયો હતો. દાઉદથી પણ વધુ ગુસ્સો અબુ સાલેમને આવ્યો હતો.

અબુ સાલેમે બબલુ શ્રીવાસ્તવને ભીડાવવા માટે ઉત્તર પ્રદેશમાં બબલુ ગેંગના ગુંડાઓને ખતમ કરાવવા માંડયાં. પણ બબલુને લોહી વહાવવાને બદલે પૈસા બનાવવામાં વધુ રસ હતો. એણે દિલ્હીનો એક ફોન નંબર ઘુમાવ્યો હતો. એને ખાતરી હતી કે દાઉદ ઇબ્રાહિમને ટાઢો પાડવાનો આ સચોટ રસ્તો હતો...’

ફાઈવફાઈવફાઈવનો કશ ખેંચવા માટે પપ્પુ ટકલા બે ક્ષણ અટક્યો અને વધુ એક વાર અંદરનો સ્ક્રિપ્ટ રાઈટરના આળસ મરડીને બેઠો થયો હતો. સ્ક્રિપ્ટરાઈટરના પાઠમાં આવીને પપ્પુ ટકલાએ આગળની વાત માંડી.

***

‘ભાઈ,દાઉદ કે પઠ્ઠોને મુઝે પરેશાન કર કે રખા હૈ,’ બબલુ શ્રીવાસ્તવને દિલ્હીમાં બેઠેલા, ‘બોસ’ ને ફોન પર ફરિયાદ કરતાં કહ્યું, ‘દાઉદ કી મૈને આજતક ઈતની હેલ્પ કી હૈ વો સબ ભૂલ કે મેરે પીછે લગ ગયા હૈ. મૈ ભી યે સબ લફડે મેં પડના પસંદ નહીં કરતા આપ કો માલૂમ હૈ, આપ ઉસ કો સમજાઓ વરના અંજામ અચ્છા નહીં હોગા.’

‘તૂ ભી કમ નહીં હૈ. તુઝે બમ્બઈ મેં ટાંગ અડાને કી ક્યા જરૂરત થી?’ સામે છેડેથી ઠપકાના સૂરમાં કહેવાયું.

‘બમ્બઈ ઉનકે બાપ કા માલ હૈ ક્યા? વો સાલા(ગાળ) સાલેમ કા બચ્ચા યુ.પી. મેં કુછ ભી કરતા હૈ તો મૈ બીચ મેં નહીં આતા તો ફિર મૈ બમ્બૈઈ મૈ કુછ કરું તો ઉસ કો ક્યા પ્રોબ્લેમ હૈ?’ અકળાઈને બબલુએ કહ્યું.

‘તૂ પહેલે ઠંડે દિમાગ સે બાત કરના શીખ લે. સ્વામીજી ભી તુજ પર ખફા હો ગયે હૈ.’ સામેથી કહેવાયું.

‘બાબા કો ગુસ્સા આયે ઐસા તો મૈને કુછ કિયા નહીં હૈ,’ બબલુ થોડો ઢીલો પડ્યો.

‘બાબા કો તો મૈને સમજા લિયા લેકિન આગે કુછ ભી બખેડા ખડા કરને સે પહેલે મુઝે ઓર સ્વામીજી કો પૂછા કર. મૈ દાઉદ કો બોલતા હૂં. સ્વામીજી કો ભી મૈ સમજાતા હૂં દાઉદ કો બોલને કે લિયે. તુમ લોગ સાલે છોટી છોટી બાત મેં દિમાગ ખરાબ કરતે રહતે હો. અભી ફોન રખ કલ મુઝે ફોન કર તબ તક મૈ સબ ઠીક કરતાં હૂ,’ સામે છેડેથી આદેશના સૂરમાં કહેવાયું અને બબલુએ રિસીવર મુક્યું.

‘બબલુ શ્રીવાસ્તવને થોડો ઠપકારીને શાંત કર્યા પછી ‘ભાઈ’એ દિલ્હીમાં સ્વામીજી સાથે અને પછી દુબઈમાં બેઠેલા દાઉદ ઇબ્રાહિમ સાથે ફોન પર વાત કરી.’

‘બબલુ કા ફોન આયા થા. અબુ સાલેમ ઉન કે લડકે કો ખતમ કર રહા હૈ ઐસી શિકાયત કર રહા થા. ‘ભાઈ’ એ દાઉદ ઇબ્રાહિમને ફોન પર કહ્યું.

‘નહીં તો ઓર ક્યા કરે ? ઉનકે પાંવ છૂ કર ઉન કો બાપ બનાયે?’ દાઉદે તોછડાઈ સાથે વ્યંગ કરતાં કહ્યું.

‘જાને દો અભી ઉન કો ભી મૈને ઔર સ્વામીજીને ડાંટા હૈ. આપસ મેં લડના મિનીંગલેસ હૈ. તુમ ભી ભૂલ જાઓ,’ ભાઈએ સમજાવટના સૂરમાં કહ્યું.

‘આપ લોગ બોલતે હૈ તો મૈ લેટ ગો કરતા હૂ લેકિન ઉનકો સમજાના કિ અપની ઔકાત મત ભૂલે વરના...’દાઉદે ચેતવણીના સૂરમાં વાક્ય અધૂરું છોડતા કહ્યું.

***

દાઉદે બબલુ શ્રીવાસ્તવ સામે બળાપો ઠાલવ્યો એ પછી ‘ભાઈ’એ તેને ઠંડો પાડ્યો. દાઉદે શરત મૂકી કે બબલુ મારાથી ઉપરવટ જશે તો હું એને છોડીશ નહીં. દાઉદ ઠંડો પડ્યો એ પછી ‘ભાઈ’ અને દાઉદ વચ્ચે બીજી કેટલીક મહત્વની વાતો થઈ. ‘ભાઈ’ અને ‘સ્વામીજી’ એ બબલુ અને દાઉદ વચ્ચે પાડીને મમલો થાળે પાડ્યો. બબલુએ દાઉદ સાથે હાથ મિલાવી લીધા અને દાઉદનું આધિપત્ય સ્વીકારીને દાઉદ સાથે ભાગીદારીમાં અપહરણ કરીને પૈસા પડાવવાનો ગોરખધંધો એણે મોટે પાયે શરુ કર્યો.

શ્રીમંતોના અપહરણ કરીને પૈસા પડાવવાનો કસબ બબલુ શ્રીવાસ્તવને રાજુ ભટનાગરે શીખવ્યો હતો. રાજુ ભટનાગર મહા ખેલાડી માણસ હતો. ચાલર્સ શોભરાજ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઠગને જેલમાંથી નાસી છૂટવામાં રાજુ ભટનાગરે મદદ કરી હતી. દાઉદ ઇબ્રાહિમ, અરુણ ગવળી, છોટા રાજન અને અમર નાઈક તો મોડે મોડે ખંડણી ઉઘરાવવાના ધંધામાં પડ્યા હતા. પણ રાજુ ભટનાગરે તો ઉત્તર પ્રદેશમાં એના બે દાયકા અગાઉ શ્રીમંતોના અપહરણ કરીને એમની પાસેથી પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી હતી. ઘણી વાર તો કોઈ શ્રીમંત બિઝનેસમેન કે એના કુટુંબના કોઈ સભ્યનું અપહરણ કર્યા વિના માત્ર અપહરણની ધમકી આપીને જ રાજુ ભટનાગર પૈસા પડાવી લેતો હતો. એંસીના દાયકાની શરૂઆતમાં ૨૧ વર્ષની ઉંમરે બબલુ શ્રીવાસ્તવ રાજુ ભટનાગરના સંપર્કમાં આવ્યો હતો. રાજુ ભટનાગર પૈસા પડાવવા માટે શિકાર શોધતો રહેતો હતો. એણે ૧૯૮૨માં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું અપહરણ કરીને ૧૦ કરોડ પડાવવાની યોજના ઘડી હતી. જોકે રાજુ ભટનાગર એ યોજના અમલમાં મૂકી શક્યો નહોતો. રાજુ ભટનાગર સાથે બબલુ શ્રીવાસ્તવનો પરિચય થયો અને બબલુ અપહરણ કરીને પૈસા પડાવવાના ‘ધંધા’માં માહેર થવા લાગ્યો, ત્યાં રાજુ ભટનાગર પોલીસ સાથે એનકાઉન્ટરમાં માર્યો ગયો એટલે બબલુએ પોતાની રીતે આ ‘ધંધો’ જમાવી દીધો.

પણ એક તબક્કે ઉત્તર પ્રદેશ પોલીસની ભીંસ એટલી વધી કે બબલુએ ઉત્તર પ્રદેશ છોડીને ભાગવું પડ્યું હતું. એ અગાઉ એનો ‘સ્વામી’ અને ‘ભાઈ’ સાથે પરિચય થઈ ગયો હતો. ‘સ્વામીજી’ અને ‘ભાઈ’ એ દિલ્હીમાં એને આશરો આપ્યો અને ત્યારથી એ ‘સ્વામીજી’ અને ‘ભાઈ’ નો ખાસ માણસ બની ગયો હતો.

બબલુ શ્રીવાસ્તવનો એ ‘ભાઈ’ કુખ્યાત ગુનેગાર રોમેશ શર્મા હતો. અને ‘સ્વામીજી’ હા, તમે સમજી ગયા છો. હું એ જ કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામી ચન્દ્રાસ્વામિની વાત કરી રહ્યો છું...” પપ્પુ ટકલાએ કહ્યું.

(ક્રમશ:)