Saatmu aasman - 1 books and stories free download online pdf in Gujarati

સાતમું આસમાન - 1

"બસ...બસ... એ પીળા કલરનું રેડ એરોવાળું વિરાજ ઇન્ડસ્ટ્રીઝનું બોર્ડ છે ને,ત્યાં જ રીક્ષા અટકાવજોને." ઈશાનાએ મોળાં પહોંચ્યાની હળવી અધીરાઈ દેખાળતાં કહ્યું."

"હા મેડમ , તમે મને પાંચ વાર એ જ સરનામું આપ્યું છે એટલે હું તને ત્યાં જ પહોંચાડવાનો છું." મેલો-ઘેલો શર્ટ પહેરેલા લઘર-વઘર ગામડીયા જેવાં લાગતાં રિક્ષાવાળાએ ગોરી ત્વચા અને પિંગરી આંખોવાળી ઈશાના સામે ત્રાસી આંખે જોતાં-જોતાં પોતાનાં પાન ચાવેલાં આછા લાલ દાંતને સહેજ અમથાં ભીંસીને સહજ ગુસ્સો દેખાડ્યો.

રિક્ષાવાળાનો એ આછડતો ગુસ્સો જોઈને ઈશાનાની નજર સામે સાતેક વર્ષ પહેલાંનો ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો છતાં પોતાની કાળજીથી લીપાયેલો પ્રેમાળ ચહેરો તરવરી ઉઠ્યો અને ન ચાહવાં છતાં એ ભૂતકાળમાં સરી પડી.

" એય મિસ મહારાણી, તને અક્કલ છે કે નહીં , શું જરૂર હતી આ રીતે મોબાઈલમાં મોઢું નાખીને રોડ ક્રોસ કરવાની ?" સિટી હોસ્પિટલનાં સ્વચ્છ સફેદ ઓછાળ પાથરેલ જનરલ વોર્ડનાં પલંગ પર સૂતાં-સૂતાં પોતાનાં રતુંબડા ગુલાબી હોઠને થોડા અમથાં પહોળાં કરીને વ્હાલસોયું મલકાઈ રહેલી ઈશાનાને રીતસર ઘઘલાવી નાખવાનાં ઈરાદા સાથે અમરે વાત શરૂ કરી.
"તને કંઈક થઈ જાત તો.."ઈશાના પર માંડ-માંડ આવેલો ગુસ્સો લાગણીનાં વહેણમાં વહી ન જાય તેની તકેદારી રાખતાં એણે આગળ ચલાવ્યું, "...તો તારા મમ્મીને શું જવાબ આપત હું? " અમરનાં પરસેવાથી ચમકતા ચહેરા પર કોઈ જવાબદાર વ્યક્તિ જેવી ચિંતા છવાયેલી હતી.
"હજુ તો બે મિનિટ તને એકલી મૂકીને હું પીઝાહટનાં પાર્કિંગમાંથી મારી બાઈક લેવા ગયો,એટલી વારમાં તો મેડમે માણસો ભેગા કરી દીધા." અમરનાં બનાવટી ગુસ્સાવાળા લાલચોળ મુખોટાં પાછળથી પણ ઈશાનાને પોતાનાં માટે કાળજીની રેખાઓ દેખાઈ ગઈ.

"ડોન્ટવરી અમર ,આઈ એમ એબ્સોલ્યૂટલી ફાઈન . એ તો પેલાં હરામખોર કારવાળાનું ધ્યાન ન હતું ને ,એટલે એનાથી સહેજ અમથી ટક્કર લાગી ગઈ." 'સહેજ' શબ્દ પર ભાર મૂકતાં ઈશાનાએ કહ્યું.
"અને તમે મોબાઈલમાં મોઢું નાખીને ચાલતાં હતાં એનું શું મેડમ ?" અમરે એક બાહોશ વકીલની અદાથી કહ્યું.
"એય મિસ્ટર પી.એ. તું મારી બાજુ છો કે એની બાજુ ? તું ભલે મારાથી ત્રણ વર્ષ સિનિયર છે પણ મને વધારે ખીજાઇશને તો હું નહીં બોલું તારી સાથે."ઈશાનાએ બને એટલી માસુમિયત અને નારાજગી મિશ્રીત ભાવ સાથે અમર સામેથી પોતાનું મોઢું જમણી તરફ રાખેલાં ગુલાબી અને પીળા ઈમ્પોર્ટેડ ફૂલોથી શોભતાં ચાઈનીઝ ફ્લાવરપોર્ટ તરફ ફેરવતાં કહ્યું.

આ બધી રકજક આગળ વધે અને અમર આગળ કાંઈ બોલે એ પહેલાં ઓરેંજ જ્યુસનાં યુઝ એન્ડ થ્રો પ્રિન્ટેડ પેપર ગ્લાસીસ સાથે જનરલ વોર્ડના દરવાજે ઉભાં રહીને આખી વાત સાંભળી રહેલાં ઈશાનાનાં મમ્મી અંજનાબેન ખડખડાટ હસી પડ્યા હતાં.
"એની સાથે ન બોલવાની વાત તો તું રહેવા જ દે બેટા,કારણકે સુરજ કદાચ ઉલ્ટી દિશામાંથી ઉગી શકે પણ તને અમર વગર એક મિનિટ પણ ચાલે એ વાત માનવા હું તૈયાર નથી,તારું ચાલે તો તું એને તારી સાથે સાસરે લઈ જા એમ છો."કેટલીય વારથી ગમગીન વાતાવરણને હળવું બનાવવાનાં આશયથી ઈશાનાનાં મમ્મીએ હળવી રમૂજ કરી હતી.

આમ છતાં , અંજનાબહેનથી અનાયાસે કહેવાઈ ગયેલી વાત સાવ ખોટી પણ ન હતી,કારણકે ઘરનું અથવા બહારનું કોઈપણ કામ હોય , કંઈ પણ વિચાર્યા વગર ઈશાના સીધો અમરને ફોન લગાવતી.
કંઈપણ વસ્તુ લેવા જવી હોય,કોલેજનું અસાઈન્મેન્ટ પૂરું કરવું હોય,કોઈની માહિતી જોઈતી હોય,ગલીનાં નાકે પાણીપુરી ખાવાં જવું હોય કે લૉંગડ્રાઈવ પર જવું હોય ત્યારે ‘લાઈફ-લાઈન’નાં નામથી સેવ કરેલો અમરનો નંબર ઈશાનાની લાંબી અને નાજુક આંગળીઓથી સૌથી વધુ પરિચિત હોય એમ સહજતાથી મેળવાઈ જતો.અરે! કપડાનું શોપિંગ કરવાં જેવાં છોકરીઓનાં કામમાં પણ એ અમરને ફોન કરતી,અને પછી કોઈ મહારાણી એનાં નોકરને આદેશ આપતી હોય એમ ઈશાના અમરને હકથી હુકમ કરતી.ઈશાનાનાં મમ્મી અંજનાબહેન ક્યારેક લાગ જોઈને , નાક પર ગુસ્સો લઈને ફરતી પોતાની નાદાન દીકરીને ટોકતા ય ખરા -"બેટા,આવી રીતે કોઈને હેરાન ન કરાય.એ તારો નોકર થોડો છે કે આમ એને હુકમ આપે છે,અને આમેય એ બાપ વગર મોટાં થયેલા દીકરાને બિઝનેસની પણ હજારો જવાબદારીઓ હોય છે."
અને પછી હળવેકથી ઈશાનાનું મન જાણવાના ઈરાદા સાથે છતાં મજાકિયાં અંદાજથી પૂછતાં -"તને એની સાથે પ્રેમ તો નથી થઇ ગયો ને ઈશી ?"
અને યૌવનનાં પહેલા જ પગથિયે પગ મૂકનારી,હમણાં જ યુવાન થયેલી એ સત્તર વર્ષની અલ્લડ છોકરી પોતાનાં દસ બાય દસનાં જાતે ડેકોરેટ કરેલાં નાનકડાં ઓરડાની ડાબી બાજુની દીવાલ પર વચ્ચોવચ ગોઠવેલાં ફુલસાઈઝ મિરર સામે ઉભી રહીને પોતાની સુંદર કાયા પર એક પલ માટે નજર કરીને બેપરવાઈ ભરી મુસ્કુરાહટ સાથે કહેતી -
"વોટ રબીશ મમ્મા,ક્યાં એ ટ્રીપનાં નામે આખો દિવસ અલગારીની જેમ રખડતો રહેતો અમર,અને ક્યાં તારી મોસ્ટ ફેશનેબલ અને અને હોટેસ્ટ દીકરી ઈશાના,કાંઈક જોઈને તો બોલ યાર."અને પછી ધોધમાર વરસાદ બાદ ઉઘડેલાં સ્વચ્છ આકાશ જેવો અમરનો નિર્દોષ ચહેરો પોતાની નજર સામે રાખીને મનોમન જાત સાથે ઝઘડતી -"એટલો ખરાબ પણ નથી એ,કેટલી ચિંતા કરે છે મારી."
"તો પછી તું કેમ એને આમ તારી આગળ-પાછળ ફેરવે છે,કેટલો હેરાન થાય છે એ છોકરો ",એની મમ્મી ભાવિ જમાઈ બનવાનો પચાસ ટકા ચાન્સ ધરાવતાં અમરનો પક્ષ લેતાં ઈશાનાનાં ગાલે ટપલી મારીને પૂછતી.
"એ તો જસ્ટ ફ્રેન્ડશિપ.બસ એની સાથે વાત કરવાની મજા આવે છે ,અને તારી દીકરીને મફતમાં નોકર મળી ગયો છે એમાં તને શું પ્રોબ્લેમ છે?"પોતાના દિલમાં જાણે-અજાણે ઊંડે-ઊંડે છપાયેલાં અમરનાં નામને પરાણે ભૂંસી નાખવા માંગતી હોય એમ એ સિફતથી વાત વળી લેતી અને પછી પોતાનાં રૂપ પર ગર્વ કરતી હોય એમ એક ભ્રમર ઊંચી કરીને એનાં મમ્મી સામે આંખ મિચકારતાં કહેતી -"..બાકી તારી દીકરીને એક જ નજરમાં પાણી પાણી કરી નાખે એવો છોકરો આજ સુધી જનમ્યો જ નથી."

ત્યારે અંજનાબહેન એક સમજદાર માઁની જેમ પોતાની લાડકવાયી દીકરીનાં લીસ્સા રેશમી વાળ પર હાથ ફેરવીને શિખામણ આપતાં-"બેટા , આવી વાતો તારી મનગમતી સિરિયલ્સ અને નોવેલ્સ માં જ સારી લાગે,પણ ઝીંદગીને સુખ અને શાંતિથી જીવવાં માટે થોડું ઘણું તો બધાએ જતું કરવું જ પડે."

"ઓહ ગોડ મમ્મા , તમે પણ ક્યાં ઓલ્ડ નાઇન્ટીઝનાં ઓલ્ડીઝની જેમ લેક્ચર આપો છો , એમ.ડી.પી. કોમર્સ કોલેજનાં ઓછામાંઓછા એકસો પચાસ છોકરાઓ ઈશાના પંચાલની ડેટ મેળવવાં માટે લાઈનમાં ઉભા છે."ઈશાનાને બદલે ક્યારેક એનું અભિમાન જવાબ આપતું હોય એવો અહેસાસ એનાં મમ્મીને થતો.
આમતો નવી નવી યુવાની માણી રહેલી અને પોતાની સુંદરતા પ્રત્યે સજાગ થઈ ગયેલી ઈશાનાની વાત સાવ ખોટી પણ ન હતી.
આશરે પોણો ઇંચ લાંબી પાપણોની ચોકીદારી નીચે રહેલી બદામનાં ફાડિયાં જેવી મોટી-મોટી પીંગરી આંખોમાંથી નીકળેલી એક નજર લગભગ કોઈપણ છોકરાને ઘાયલ કરવાં માટે પૂરતી હતી એમ કહીયે તો અતિશયોક્તિ ન ગણાય અને સાથે-સાથે એનો ઉગતાં સૂર્યનાં કુણાં તડકાની જેમ ચમકતો લંબગોળ મોહક ચહેરો,ગુસ્સા અને અભિમાનનાં મિશ્રીત ભાવ દેખાડતું નાનકડું નાક,ઉત્તેજિત કરી નાખે એવાં ભરાવદાર રતુમડાં ગુલાબી હોઠ,ચોખ્ખાં પાણી જેવી એકપણ ડાઘ વગરની તાંબાવર્ણી ત્વચા,હસતી વખતે પોતાની હાજરી પુરાવવાં માટે ઉત્સુક હોય એમ ડોકિયું કરી જતા હંસ જેવાં રંગનાં દાંત,કોઈ એક આઝાદ પંખીની જેમ હવાની સાથે ઉડાઉડ કરતાં કમર સૂધીનાં કાળા રેશમી વાળ અને કોઈપણને આકર્ષિત કરી જાય એવો સુડોળ અંગમરોડ વગેરે જાણે એની આંખોનો સાથ પુરાવતાં હોય એમ કોઈપણ છોકરાને એકવાર તો ઈશાના વિષે વિચારવાં માટે મજબુર કરી જ નાખતાં.

બોમ્બેનાં પોશ એરિયામાં આવેલી હાય-ફાય કહેવાતી એમ.ડી.પી. કોમર્સ કોલેજનાં મોટાભાગનાં હેન્ડસમ છોકરાઓ કોલેજની હિરોઈન ગણાતી ઈશાનાને પામવાં માટે રીતસર કોમ્પિટિશન કરતાં અને પોતપોતાની હેસિયત પ્રમાણે ઈશાનાને ખુશ કરવાની કોશિશ કરતાં.
અરે! ઈશાના પંચાલનાં ચોકલેટ અને ઓફવ્હાઈટ કલરનાં વેલ ડિઝાઈન્ડ રૂમની સ્લાઇડર વાળી અને એમરલ્ડ ગાર્ડનનાં મસમોટા લાઇટિંગ ફાઉન્ટેઇનનો મનમોહક નઝારો દેખાડતી,લગભગ સાતેક ફૂટની ટચુકડી બાલ્કનીને અડીને જમણી તરફ રાખેલો જાપાનીઝ વુડઆર્ટનો કબર્ડ કઈંક ખાસ વસ્તુ આપીને ઈશાનાને જીતી લેવાની એ યુવાન છોકરાઓની ઈચ્છાઓનો મૂક સાક્ષી હતો,કે જેમાં ઈશાનાએ પોતાને રીઝવવા માટે અપાતાં મોંઘાદાટ કાર્ડ્સ અને કિંમતી ભેટોને આડેધડ ભર્યા હતા.આ કબર્ડ પણ એમાં ભરેલી કિંમતી છતાં ઈશાના માટે નકામી વસ્તુઓની જેમ સાવ યુઝલેસ હતો.
હાં ,ક્યારેક નવરાશનાં સમયે ઈશાના એ જાપાનીઝ વુડઆર્ટનાં ચોકલેટ બ્રાઉન કબર્ડનાં સાવ નીચેનાં ખાનાની એક-એક વસ્તુને કાઢી અને એની સાથે જોડાયેલી યાદોને વાગોળતી અને ફરી એ વસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકી દેતી.
લેમન યલો રંગની નાનકડી ઢીંગલીનાં કી-ચેઈનથી માંડીને ઈશાનાની મનપસંદ પિન્ક અને વાયોલેટ કલરનાં કોમ્બિનેશન વાળી અને વુડમાંથી બનેલા ક્રીમ પેજીસથી સજ્જ સિક્રેટ ડાયરી , બર્થડે કાર્ડ્સ , ખુલતા આસમાની રંગનું ફરવાળું મોટું ટેડીબેર વગેરે અનેક વસ્તુઓ એ ચાર ફૂટનાં સૌથી નીચેનાં ખાનામાં વ્યવસ્થિત રીતે સચવાયેલી પડી હતી.એ વસ્તુઓ કદાચ કિંમતનાં આધારે બહું એક્સ્પેન્સિવ ન હતી,પણ ઈશાના માટે જાણ્યે અજાણ્યે એનાં દિલની વધુ નજીક હતી કારણકે અમર ત્રિવેદીએ એને એ વસ્તુઓ ભેટ આપી હતી.
* * *

પોતાનાં ગુસ્સાને જોઈને ઈશાનાનાં હોઠ પર આવેલું આછું સ્મિત અને બિન બુલાયેં બારાતીની જેમ અનિચ્છાએ ગાલ સુધી આવી ગયેલાં આંશુઓનું ફયુઝન રીક્ષાવાળાને કંઈ ખાસ સમજાયું નહીં પણ એક મધ્યમ પરિવારનાં કોઈ જવાબદાર વ્યક્તિને પોતાનાં પરિવારનું પેટ ભરવામાં વધુ રસ હોય છે.કદાચ એ જ ગણતરીથી એ ગામડિયા જેવાં લાગતાં રિક્ષાવાળાએ ઈશાનાનાં વર્તાવને નજરઅંદાજ કરીને રીક્ષા ધીમી પાડવા માટે ધીમેથી બ્રેક મારી અને વિરાજ ઇન્ડસ્ટ્રીનાં,લોખંડનાં કટાઈ ગયેલા ગોળાકાર ગેઇટ પાસે બ્રેકનાં તીણા અવાજ સાથે રીક્ષા ઉભી રહી.
"લો મેડમ,તમારી જગ્યા આવી ગઈ." રિક્ષાવાળાએ થોડા ખડબચડાં રોડ પર પાનની લાલ પિચકારી મારતાં કહ્યું.
બ્રેક લાગવાથી રિક્ષાને હળવો ધક્કો લાગતાં ઈશાના અમરનાં વિચારોમાંથી બહાર આવી અને કાળા રંગનાં મીટર તરફ તાકીને પૈસા કાઢવાં માટે ખભે ટીંગાડેલાં બ્રાઉન લેધરનાં સ્ટાઈલિશ હેંગિંગ પર્સમાં હાથ નાખ્યો.
રિક્ષાવાળા સાથે પૈસાની બાબતમાં માથાકૂટ કરી રહેલી ઈશાનાનો પર્સમાં નાખેલો ડાબો હાથ અજાણપણે પર્સનાં પહેલા ખાનામાં પડેલી પૈસાની થપ્પી નીચે રાખેલી બ્લેક કલરની મીની રિવોલ્વરને અડક્યો અને એનાં આખા શરીરમાં એક ઠંડુ લખલખું ફરી વળ્યું.
ઈશાનાનાં મેકઅપ વગરનાં ચહેરા પરનો અચાનક થયેલો ફેરફાર પેલો ગામડિયો રિક્ષાવાળો પણ વર્તી શક્યો છતાં કંઈ લાંબી લપમાં પડ્યા વગર એ ઈશાનાએ આપેલા પાંચસો રૂપિયાનાં છુટ્ટા લેવાં માટે પોતાની દેશી ચાલ સાથે વિરાજ ઇન્ડસ્ટ્રીની જમણી તરફ થોડે દૂર આવેલી નાનકડી ગોખલી જેવી પાનની દુકાન પર પહોંચ્યો.
"પાંચસોનાં છુટ્ટા મળશે ભાઈ?" એણે સામે પડેલ થર્મોકોલનાં બરફ ભરેલા બોક્સમાં પડેલી બીસ્લેરીની બોટલ ઉપાડતાં-ઉપાડતાં આછાં લીલા રંગની લાલ કિલ્લાનાં ફોટાવાળી પાંચસોની નોટ પાનવાળા સામે ધરી.
"એક..બે..ત્રણ..ચાર.."પાનવાળાએ પોતાની જીભે આંગળી અડાડીને સો રૂપિયાનાં બંડલમાંથી ચાર નોટ , પચાસની એક અને દસની ત્રણ નોટ લાકડાનાં સડી ગયેલ ખાનામાંથી કાઢીને રીક્ષાવાળાને આપી.
"આજકાલ ઑન-લાઈન બુકીંગનાં જમાનામાં તમને લોકોને કમાણી સારી થતી હશે નહીં !"પાનવાળાએ પોતાનું દોઢડહાપણ વાપરતાં પૂછ્યું.
"હા,પણ આવાં રકઝકીયા ગરાગ.." એ ઈશાના સામે આંગળી ચીંધીને કહેવા જતો હતો કે આવાં રકઝકીયાં ગરાગ થોડા પૈસા માટે પણ માથું ખાઈ જાય છે ,પણ એની નજર માણસોથી ઉભરાતાં બોમ્બેનાં એરપોર્ટ રોડને સડસડાટ ઓળંગીને દૂર જતી પ્લેઇન ડાર્ક બ્લુ બોડી ટાઈટ કુર્તો અને લાઈટ બ્લુ ફોર્મલ ટ્રાઉઝર પહેરેલી અને ચિત્તા જેવી પ્રિન્ટવાળા પાતળાં કાપડનાં લોન્ગ સ્ટાઈલિશ સ્કાર્ફથી બ્રાઉન લેધરનાં પર્સને છુપાવતી ઈશાના પર પડી.
"ખરી છે આ બાઈમાણસ ..."લઘર-વઘર રિક્ષાવાળાએ પોતાને સંભળાય એટલા ધીમાં અવાજે કહ્યું.
"પહેલા પૈસા માટે લપ કરી , ને પછી પોતાનાં વધેલાં પૈસા ય પાછા લીધાં વીનાં હાલી ગઈ."રિક્ષાવાળાએ કુતુહલ અને વધુ પૈસા મળ્યાનાં રાજીપા મિશ્રીત ગામડિયા લ્હેકામાં કહ્યું અને રિક્ષામાં બેસીને રીક્ષાને સ્ટેન્ડ તરફ મારી મૂકી.
* * *

માણસોથી ઉભરાતાં એરપોર્ટ રોડની જમણી તરફ અને વેરાન ખેતરમાં પક્ષીઓને ઉડાડવાં મથતાં બેજાન ચાડિયાની જેમ રોડની વચ્ચે ખોડેલા યલો,રેડ અને ગ્રીન ચકરડાવાળા બ્લેક સિગ્નલની ક્રોસ સાઈડમાં ઉભા રહીને ઈશાનાએ પોતાની પીંગરી આંખો પરથી ઓરીજીનલ રે-બનનાં પ્લેઇન બ્લેક કાચ અને ચમકતી ગોલ્ડન ફ્રેમવાળા ચશ્માં ઉતારીને લેધરનાં પર્સમાં મુક્યા અને બેબી પિન્ક કલરનાં ડાયમંડ્સ જળેલાં ઇપોર્ટેડ મોબાઈલ કવરની અંદર રહેલાં એપલનાં મોબાઈલમાંથી બે નંબર દબાવી સ્પીડ ડાયલ પર રાખેલો કોઈ નંબર ડાયલ કર્યો.
"હેલો" , કોઈને ન સંભળાય એનું ધ્યાન રાખીને ઈશાનાએ વાત શરુ કરી -
"આઈ એમ ગોઈંગ ટૂ લાઈફ કેર હોસ્પિટલ "
"તો એમાં નવું શું છે,એ તો મને ખબર જ છે , જે કામ કહ્યું છે તે ક્યારે થશે ?" સામે છેડેથી કરડાકી ભર્યો અને તોછડો અંગ્રેજી અવાજ ઈશાનાને પજવતો હોય એમ એનાં કાને અથડાયો.
"ડોન્ટવરી,હું આ રોડ ક્રોસ કરીને ત્યાં જ જઈ રહી છું,બટ પ્લીઝ તમે એને કંઈ જ ન કરતાં .મારા કરતાં તમને એની વધુ જરૂર છે કારણકે તમારાં મિશનનાં વણઉકેલ્યા કોયડાનો જવાબ એ જ આપી શકે એમ છે." ઈશાનાએ હતી એટલી હિંમત ભેગી કરીને સામેની વ્યક્તિને સમજાવતાં કહ્યું.
"જો મેડમ તમે કામ કરવામાં જેટલી વધારે વાર લગાવશો એટલું જ વધારે એને સહન કરવું પડશે" પેલા માણસે બનાવટી શાલીનતાથી અંગ્રેજીમાં કહ્યું.
"પ્લીઝ મને થોડો ટાઈમ આપો,આઈ એમ નર્વસ." ફોન ડિસકનેક્ટ થઈ ગયો હોવાં છતાં પોતાની પાસે મીની રિવોલ્વર હોવાનાં વિચાર માત્રથી થથરી રહેલી ઈશાનાએ વિનંતીનાં સુરે કહ્યું અને આંખોનો ડર છુપાવવાનાં આશયથી રે-બનનાં ગોગલ્સ આંખો પર ચડાવીને સિગ્નલ ક્રોસ કરવાં માટે પગ ઉપડયા.એને સમજાતું ન હતું કે છેલ્લાં ત્રણ દિવસથી એની સાથે શું થઇ રહ્યું હતું.
લાઈફ કેર હોસ્પિટલથી લગભગ પચાસ મીટર જ દૂર હોવાં છતાં એ ત્યાં પહોંચવામાં વાર લગાડી રહી હતી.જે કામ એને ક્યારેય નહોતું કર્યું એવું અઘરું કામ એને પરાણે સોંપી દેવામાં આવ્યું હતું જેનું ભયાનક પરિણામ વિચારીને એને પાછું વળી જવાનું મન થઈ રહ્યું હતું પણ એ મજબુર હતી પોતાની લાગણીઓનાં કારણે.
to be continued….

Written by:hetaxi soni_[ashka]