Once Upon a Time - 44 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 44

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 44

‘ગવળી ગેંગના સિનિયર સિનિયર ગુંડા નામદેવ સાતપુતેની હત્યા પછી અરુણ ગવળીએ બદલો લેવા  માટે દાઉદના બનેવી ઈબ્રાહિમ પારકરને કોળીએ ખતમ કરવાનો આદેશ આપ્યો. એ પછી થોડા દિવસોમાં જ ગણેશ વકીલ, સદા પાવલે અને તાન્યા કોળીએ શૈલેષ હલદનકર અને નંદુ પાલવ નામના બે શૂટરને તૈયાર કર્યા. શૈલેષ હલદનકર અને નંદુ પાલવેએ મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં ધસી જઈને દાઉદના બનેવી ઇબ્રાહિમ પારકરને મારી નાખ્યો.

બનેવી ઈબ્રાહિમ પારકરની હત્યાના સમાચાર મળ્યા એટલે દાઉદ ઇબ્રાહિમના રૂંવેરૂંવે આગ લાગી ગઈ. ૨૬ જુલાઈ, ૧૯૯૨ના દિવસે ઇબ્રાહિમ પારકરની હત્યા થઈ એ સાથે દાઉદે પોતાના ભાઈ નૂરાને દુબઈથી મુંબઈ મોકલીને બનેવીની હત્યાનો બદલો લેવાની યોજના ઘડી.

નૂરાએ મુંબઈ આવીને દાઉદ ગેંગના સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા, સુભાષસિંહ ઠાકુર, બાબા ગેબ્રિયલ, બચ્ચી પાંડે અને અનિલ પરબ સહિત એક ડઝન શાર્પ શૂટર્સને કામે લગાડી દીધા. બનેવી ઈબ્રાહિમ પારકરની હત્યાનો બદલો લેવા માટે કાસકરબંધુઓ મરણિયા બની ગયા હતા, પણ ગવળી ગેંગના શૂટર્સ સહેલાઈથી હાથમાં આવતા નહોતા. એવામાં અચાનક ગવળી ગેંગના શૂટરોએ જ દાઉદ ગેંગનું કામ આસાન  કરી  આપ્યું...’

આ વાત કહેતાં કહેતાં વળી એક વાર પપ્પુ ટકલા મૂડમાં આવી ગયો હતો. પપ્પુ ટકલા મૂડમાં આવે એટલે એની વાત કહેવાની સ્ટાઈલ બદલાઈ જતી અને એ અમને સૂચવતો કે અંડરવર્લ્ડકથાનો અમુક ભાગ વાચકો સામે કઈ રીતે મૂકવો. અત્યારે પણ એણે એવું જ કર્યું. ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડીને એ ધુમ્રવલયોમાં આઠ વર્ષ અગાઉનું દ્રશ્ય જોઇ રહ્યો હોય એ રીતે એ ચાલુ થઇ ગયો હતો.

***

‘એ શાણે, અપને આપ કો ક્યા સમજતા હૈ? તેરી તો...’

બીજી સપ્ટેમ્બર, ૧૯૯૨ની બપોરે બે યુવાનો ગંદી ગાળો ભાંડીને એક ટેક્સી ડ્રાઈવરને ધમકાવી રહ્યા હતા.

‘ભાઈસાહબ, આપ ગાલી મત દિજિયે વરના હમેં ભીયે જબાન મેં બાત કરની આતી હૈ’ અકળાયેલા ટેક્સી ડ્રાઈવરે કહ્યું.

ટેક્સી ડ્રાઈવરે એ યુવાનોને ક્યાંક લઈ જવાની ના પાડી એટલે યુવાનો ભડકી ગયા હતા. એમણે ટેક્સી ડ્રાઈવર પર રોફ જમાવવા માંડ્યો,

ટેક્સીવાળાએ એમને મોઢું સંભાળીને બોલવાનું કહ્યું એટલે એ યુવાનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.

‘સાલા, હમારે સામને જબાન ચલાતા હૈ, હમ કૌન હૈ…’ કહેતા એમણે ટેક્સીચાલકને ટેક્સીમાંથી બહાર કાઢીને એને ફટકારવા માંડ્યો.

આજુબાજુમાંથી પસાર થઇ રહેલ માણસોનું ધ્યાન આ તરફ ખેંચાયું.

થોડીવારમાં તો ત્યાં ટોળું જમા થઇ ગયું. ટોળાને જોઇને તો પેલા યુવાનો વધુ જોરથી ટેક્સીચાલકને ફટકારવા માંડ્યા.

ટેક્સીચાલક અધમુઓ થઇ ગયો ત્યારે ટોળામાંથી કેટલાક માણસો વચ્ચે પડ્યા.પણ પેલા જુવાનીયા એમની સામે ભડકી ગયા. છેવટે બધાએ ભેગા મળીને બંને જુવાનિયાની બરાબર ધોલાઈ કરી નાખી અને પોલીસને હવાલે કરી દીધા. બંને યુવાનોને એટલો માર પડ્યો હતો કે એમની હોશિયારી હવામાં ઉડી ગઈ. એમનામાં ચાલવાના હોશ પણ રહ્યા નહોતા. પોલીસે એમને સર જે.જે. માર્ગ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એ બંને ગવળી ગેંગના શુટર શૈલેષ હલદનકર અને બિપિન શેરે હતા!’

***

પપ્પુ ટકલાની વાત ચાલુ હતી એ દરમિયાન ફરીવાર એનો ફોન રણકી ઊઠ્યો. પપ્પુ ટકલાએ સેલ ફોનના સ્ક્રીન પર નંબર જોયો અને ફરી વાર એણે અમારાથી દુર જઈને ફોન પર વાત કરી.  વાત પતાવીને એ અમારી પાસે પાછો આવ્યો ત્યારે એનો ચહેરો અસ્વસ્થતાની ચાડી ખાયા વિના રહી શક્યો નહીં.

‘થોડું અગત્યનું કામ આવી પડ્યું છે. મારે જવું પડશે’ એણે કહ્યું. અને અમે છુટા પડ્યા. પપ્પુ ટકલાથી છૂટા પડ્યા પછી પોલીસ ઓફિસર મિત્રે અમને કહ્યું,

‘મારાં આટલાં વર્ષોના અનુભવને આધારે કહું છું કે આ માણસનો ટાંટિયો કોઈ કુંડાળામાં પડી ગયો લાગે છે.’

પપ્પુ ટકલા ફરી એક વાર ન કરવાના ધંધા  કરવા માંડ્યો હોવાની પોલીસ ઓફિસર મિત્રની શંકા દ્રઢ બનતી જતી હતી.

એમાંય અમારા છુટા પડ્યા પછી પપ્પુ ટકલાનો અઠવાડિયા સુધી કોઈ અત્તોપત્તો લાગ્યો નહિ એટલે એમણે ખાતરી થઇ ગઈ કે, આ માણસ વળી અંડરવર્લ્ડના કળણમાં ખૂંપી રહ્યો છે. જોકે અઠવાડિયા પછી પપ્પુ ટકલાએ સામેથી ફોન કરીને દિલગીરી દર્શાવી હતી. એણે પોલીસ ઓફિસર મિત્રને કહ્યું હતું કે  મારે અંગત કામથી થોડું  બહારગામ જવું પડ્યું હતું.

જો કે પપ્પુ ટકલાની એ વાત પર પોલીસ ઓફિસર મિત્રને રતીભાર પણ વિશ્વાસ બેઠો નહોતો, પણ એમણે પપ્પુ ટકલાને એ કળાવા દીધું નહોતું.

***

પપ્પુ ટકલા સાથે અમારી પછીની મુલાકાત મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દરિયાકાંઠે ફાઈવ સ્ટાર હોટેલ 'તાજ લેન્ડસ એન્ડમાં થઇ. પપ્પુ ટકલાએ અમને લેન્ડ્સ એન્ડના બારમાં મળવા બોલાવ્યા એટલે વળી પોલીસ ઓફિસર મિત્રને શંકા કરવા માટેનું વધુ એક કારણ મળ્યું હતું.

પણ અઠવાડિયા પછી પપ્પુ ટકલા અમને મળ્યો ત્યારે એ એકદમ ફ્રેશ લાગતો હતો. છેલ્લી મુલાકાત વખતે સેલ ફોન પર વાત કરતાં કરતાં એ અસ્વસ્થ થઇ ગયો હતો પણ નવી મુલાકાતમાં એ બ્લેક લેબલના પેગ અગાઉ જ પી ચુક્યો હોવાથી મૂડમાં હતો. બ્લેક લેબલનો લાર્જ પેગ ઓર્ડર કરીને ફાઈવફાઈવફાઈવ સળગાવ્યા પછી એણે અમારી સામે જોયું.

‘આપણે ક્યાં પહોંચ્યા હતાં ?’ આદતવશ એણે પૂછી લીધું અને પછી અમારા જવાબની રાહ જોયા વિના જ એણે અંડરવર્લ્ડકથાનું અનુસંધાન સાધી લીધું.

ગવળી ગેંગના શુટર શૈલેશ હલદનકર અને બિપિન શેરે જે.જે.માર્ગ હોસ્પિટલમાં ભેગા થયા એ માહિતી મળતા જ નુરાએ શુટરોને સાબદા કર્યા. પણ તકલીફ એ હતી કે જે.જે.માર્ગ હોસ્પિટલમાં શૈલેશ હલદનકર અને બિપિન શેરેને દાખલ કરવામાં આવ્યા એ અગાઉ મુંબઈ પોલીસના ચોપડે ઘણું ચિતરામણ થઇ ગયું હતું. એટલે જે.જે. માર્ગ હોસ્પિટલમાં તેઓ પોલીસની હિરાસતમાં હતાં.

જે.જે. માર્ગ હોસ્પિટલના ડોકટરો રજા આપે ત્યારે શૈલેશ હલદનકર અને બિપિન શેરેએ ઘરે નહીં પણ પોલીસ લોકઅપમાં જવાનું હતું. જોકે મુંબઈની જે.જે.માર્ગ હોસ્પિટલના મોટાભાગના ડૉકટરો બહુ ‘દયાળુ’ હતા એટલે હલદનકર અને શેરે ઈચ્છા થાય ત્યાં સુધી જે.જે.માર્ગ હોસ્પિટલમાં રહી શકે એમ હતા. મુંબઈની જે.જે.માર્ગ હોસ્પિટલના અનેક વર્તમાન ડૉક્ટરો પણ અંડરવર્લ્ડના ભાઈલોગ પ્રત્યે બહુ દયામાયા રાખે છે અને એટલે જે.જે.માર્ગ હોસ્પિટલને અંડરવર્લ્ડના ભાઈલોગ માટે સ્વર્ગ સમાન ગણાવાય છે.

આવી પંકાયેલી જે.જે.માર્ગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ગવળી ગેંગના શૂટર શૈલેશ હલદનકર અને બિપિન શેરે નાસી છૂટે કે એમણે સાથીદારો આવીને એમને ભગાવી ન જાય એ માટે ચાંપતો પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો હતો. એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ચાર કોન્સ્ટેબલની ટીમ શૈલેષ હલદનકર અને બીપીન શેરે પર ચોવીસ કલાક વોચ રાખી રહી હતી.

સશસ્ત્ર પોલીસ ટીમની હાજરીમાં શૈલેષ હલદનકર અને બિપીન શેરે પર હુમલો કરવા જતાં ઓડનું ચોડ ન વેતરાઈ જાય એની ચિંતા દાઉદ અને નૂરાને સતાવતી હતી. પણ સામે બનેવીના ખૂનનો બદલો લેવાનું  ઝનૂન  એને કોઈ પણ જોખમ ઉઠાવતા પ્રેરતું હતું.

અને બનેવીના ખૂનનો બદલો લેવા માટે દાઉદ ઈબ્રાહિમના માર્ગદર્શન હેઠળ તેના શૂટર્સે જે કર્યું એને કારણે આખા મુંબઈમાં ખળભળાટ મચી ગયો અને મુંબઈ પોલીસનું નાક વઢાઈ ગયું! એ ઘટનાને કારણે ભવિષ્યમાં બનનારી કેટલીક ઘટનાઓને કારણે દેશના એક અત્યંત પાવરફુલ મિનિસ્ટર સહિત કેટલાય ધુરંધરો જેલમાં જવાના હતા અને દેશભરમાં જેના પ્રત્યાઘાતો લડે પડે એવા કેટલાય વિવાદ જાગવાના હતા!

(ક્રમશ:)