Stephen Hawking and his predictions part 2 books and stories free download online pdf in Gujarati

સ્ટિફન હોકિંગ - ૩: કેટલીક ભવિષ્યવાણીઓ

સ્ટિફન વિશે આગલા બે લેખોમાં આટલું બધું જાણ્યા પછી તેઓ જેમના કારણે ઓળખાય છે એ તેમની ભવિષ્યની આગાહીઓ વિશે તો જાણવું જ પડે. એમની બહુ વિવાદાસ્પદ નિવડેલી ભવિષ્યવાણીઓ વગર એમના પર લખાયેલું ઓછું જ રહેવાનું ! તો આ રહી તે ભવિષ્યવાણીઓ.

સ્ટીફન હોકિંગની ભવિષ્યવાણીઓ :

1. “આવનારા સમયમાં પૃથ્વી પર થનારી દુર્ઘટનાઓને નિવારવું બહુ મુશ્કેલ થઈ પડશે, કમસે કમ આવનારા 100વર્ષોમાં તો નહીં જ. હા, એનાથી બચવાનો એક ઉપાય એ હોઈ શકે કે આપણે પૃથ્વી પર જ ઉપાયો ન શોધતાં અવકાશમાં બીજી જગ્યાએ પણ પ્રયત્નો ચાલુ કરી દઈએ !” ( આ વાત તેમણે જુદા જુદા સ્વરૂપે અલગ અલગ જગ્યાએ - ઓગસ્ટ 2010, નવેમ્બર 2016, જૂન 2017ના વર્ષોમાં કહી હતી. )

2. “આજે ભલે, ‘ટાઈમ ટ્રાવેલ’ ( ભૂતકાળ કે ભવિષ્યમાં જવું) એ અસંભવ લાગે, પણ ‘આઈન્સ્ટાઈન’ની જનરલ રિલેટિવિટીની થિયરી આપણને છૂટ આપે છે કે આપણે અવકાશ તથા સમયને એવી રીતે સાંકડી શકીએ કે જેનાથી રોકેટ જેવા સાધનોથી આવું કરવું શક્ય બને. મેં સૌથી પહેલા આમ કરવાની જરૂરી શરતો બતાવી હતી જેમાં મેં એમ પણ સૂચવ્યું હતું કે એ માટે એવા પદાર્થની ચોક્કસ જરૂર પડશે કે જે ઋણ ઉર્જાભાર ઘનતા ધરાવે જે કદાચ સરળતાથી મેળવવું શક્ય ન બને.” ( પાછળથી આ વાતની જ સ્ટીફને ફરિયાદ કરી હતી કે એમણે ઉપરના સંશોધન વિશે જે પેપર્સ બહાર પાડ્યા તેનો શ્રેય બીજા કેટલાક લોકો લઇ ગયા હતા.)

3. “જે વિષય વિશે જાણવાની સૌને ઈચ્છા હોય એવા હમણાંના બહુ પ્રચલિત ARTIFICIAL INTELLIGENCE/AI વિશે એમણે કરેલ આગાહી બહુ ગંભીર હતી. એમણે કહ્યું હતું, “મોટી ફેક્ટરીઓમાં આવતું ઓટોમેશન સૌ કોઈ નિહાળી રહ્યા છે. હવે જેમ જેમ એમાં વધારો થશે એમ એમ મધ્યમ વર્ગના લોકો માટેની સ્થાયી નોકરીઓનો વિનાશ થશે.” બીજા એક સ્થળે કહેલું, “જેટલી વધુ અદ્યતન AI ને વિકસિત કરવામાં આવશે એટલી જ સંભાવના વધતી જશે કે પૃથ્વી પરથી આખો માનવ-સમુદાય નાશ પામે.” ( આ વાતો એમણે 2014માં BBC ને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેમજ 2016માં ‘THE GUARDIAN’ માં એક કોલમ સ્વરૂપે લખી હતી. )

4. “આ સવાલ વિશે આજે પણ લગભગ બધા વૈજ્ઞાનિકોના મનમાં પ્રશ્નો ઉદભવે છે ને એનો ચોક્કસ જવાબ હકાર કે નકારમાં કોઈ યોગ્ય પુરાવા સહિત આપી શક્યું નથી.

હા, એ જ સવાલ કે ‘શું god/ભગવાનનું અસ્તિત્વ છે ? શું તેમણે આ પૃથ્વીની ખરેખર રચના કરી છે કે એના માટે કોઈ બીજું પરિબળ/પરિબળો જવાબદાર છે ?’

આ સવાલના જવાબ માટે સૌથી ભીષણ સંગ્રામ ધર્મ અને વિજ્ઞાનમાં જોવા મળે છે ! વિજ્ઞાને મોટા ભાગે ‘ના’ માં જવાબ આપ્યો છે ને ધર્મે હંમેશા ‘હકાર’માં માથું ધુણાવ્યું છે. તો આ વિષયે સ્ટીફનના શું ખ્યાલ હતા એ પણ જાણી લઈએ:

“આપણે જ્યારે વિજ્ઞાનને સમજ્યા ન હતા ત્યારે આપણે ભગવાનમાં માનીએ એ સ્વાભાવિક છે. પણ હવે વિજ્ઞાનની મદદથી આપણે બધી વાતો પહેલાથી બહેતર રીતે સમજી શક્યા છીએ. એટલે આપણે હવે એ વાતો પણ જાણી શકીએ કે જ્યારે ભગવાને પૃથ્વી બનાવી હોત ત્યારે ભગવાનના મગજમાં શું હોત ? જો તેમણે બનાવી હોત તો ! પણ જે એમણે નથી બનાવી ! હા, તમે કહી શકો કે હું નાસ્તિક છું.”

“આ દુનિયામાં ‘ગુરુત્વાકર્ષણ’ જેવા બળ પ્રવર્તે છે, એટલે આખું બ્રહ્માંડ પોતાને શૂન્યમાંથી સર્જન કરી શકે ને કરશે ! કોઈ ત્વરિત ક્રિયાઓના પરિણામે જ આપણે તથા આ આખું બ્રહ્માંડ વિકસ્યું છે એટલે આ કામમાં god/ભગવાનને પરેશાન કરવાની જરૂર રહેતી નથી.”

“હું માનવ-મગજને એક કમ્પ્યુટર તરીકે જોઉં છું કે જ્યારે તેના બધા પાર્ટ્સ ખરાબ થઈ જશે ત્યારે તે કામ કરવાનું બંધ કરી દેશે ! એટલે કોઈ સ્વર્ગ કે નર્ક કે મૃત્યુ પછીની જિંદગીમાં હું માનતો નથી. આ બધી વાતો ફક્ત લોકોને લાલચ આપવા કે ડરાવવા માટે કરેલી હોઈ શકે.”

ઉપરની સૂચિમાં સૌથી મહત્વપૂર્ણ એવી એક અજાયબી આલેખવાની રહી ગઈ કે સ્ટીફન હોકિંગને આગળ જણાવ્યા મુજબ ઘણા પુરસ્કાર, ઉપાધિઓ વગેરે મળ્યું છે, પણ હજી સુધી વિજ્ઞાન-જગતનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર એટલે – ‘નોબેલ પુરસ્કાર’ એનાયત થયો નથી ! કેમ કે નોબેલ પુરસ્કાર એવા લોકોને જ મળી શકે કે જેમણે કરેલી શોધોનું કોઈ પાકું પ્રમાણ મળી આવે એટલે કે એને લગતા પુરાવા મળે જે હજી સુધી થયું નથી. હવે મારી કે તમારા જેવી કોઈ વ્યક્તિ આ વિષયમાં સંશોધન કરે ને કદાચ એમની વાતોને લગતા પુરાવા પણ મળે જેથી એમને એમની ભવિષ્યવાણીઓનો શ્રેય જાય !

આમ, ખરી રીતે કહીએ તો એમનું જીવન એ કોઈ ચકડોળની સફર જેવું ઉતાર-ચડાવ ભર્યું રહ્યું. એમણે કહેલી એક વાત એમના ખુદના જીવનને જ લાગુ પાડી શકાય કે “આ જીવન બહુ દુઃખદ હોત, જો એ હાસ્યાસ્પદ ન હોત તો !”

*

આ હતી પ્રોફેસર સ્ટીફન હોકિંગની જીવન ઘટમાળ. તેમણે પોતાના ક્ષેત્રમાં બહુ હોંશથી કામ કર્યા કર્યું. છેવટે 14 માર્ચ, 2018ના દિવસે એમનું એમના ઘરમાં જ શાંતિપૂર્ણ રીતે અવસાન થયું. ( હવે શોક મનાવો તો એ વ્યાજબી છે !) સમગ્ર વિશ્વે એક બેનમૂન વિજ્ઞાની તથા ભવિષ્યવેત્તાને ખોઈ દીધો ! તેમ છતાંય તેઓ છેવટે ત્યાં પહોંચી ગયા જ્યાં પહોંચવા માટે એમણે આખી જિંદગી ખર્ચી નાખી – અવકાશમાં...! ખબર નહિ તેઓ ત્યાં કોઈક સિતારા સ્વરૂપે રહીને પણ આપણી પૃથ્વીને જ અવલોકી રહ્યા હોય !

આ લેખ એમની અપાર બુદ્ધિ તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ માટે તેમને સમર્પિત છે. છેવટે એમના જ કેટલાક જુસ્સાભર્યા શબ્દો તમારી સમક્ષ મૂકીને વિરમું છું:

“તમારા કદમો તરફ નહિ, પણ હંમેશા ઊંચે રહેલ અવકાશ તરફ નજર રાખો. તમે જે જુઓ છો એને સમજો. આ સમગ્ર બ્રહ્માંડ કેવી રીતે બનાવાયું હશે એ વિશે વિચારતા રહો. હંમેશા સકારાત્મક વિચારો, નવું જાણવા હંમેશા આતુર રહો.” - સ્ટીફન હોકિંગ

- હર્ષ મહેતા