Premni Anokhi dastan - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનોખી દાસ્તાન..- ભાગ - 1

સારંગી પર હાથ થિરકતા હોય એમ અર્ણવની આંગળીઓ થિરકવા લાગી. બંધ આંખો ને મ્લાન ચહેરો. ચહેરા પર એક અજબ પ્રકારનો જાદુ, સૌને આકર્ષી જતો હતો. સામે બેઠેલા પ્રેક્ષકો અનિમેષ નજરે અર્ણવમાં ખોવાઈ ગયા હતા. પણ આ આકર્ષણનું કારણ એ ભાવુક ચહેરો ન હતો, પણ અર્ણવના ગળે બેઠેલી સરસ્વતી હતી. સાક્ષાત મા શારદા એના કંઠે મોરપીંછ ફેરવી રહી હોય એવો મધુર અવાજ નીકળતો હતો એના કંઠમાંથી.

પ્રેક્ષકો પર મોહિની ફરી વળી હોય તેમ નીરવ શાંતિ હતી હૉલમાં, બધા જાણે અર્ણવ દ્વારા ગવાતા ગીતને માણતા ન હતા પરંતુ જીવતા હતા.

"જ્યાં જ્યાં નજર મારી ઠરે સુરખી ભરી છે આપની...."

કવિ કલાપીની આ રચનાને અર્ણવનો સુર મળ્યો ને રચના જીવંત થઈ ગઈ. સુર બંધ થયા પછી પણ જાણે શબ્દો બધે જ પથરાઈ રહ્યા હતા, ઘડીભર તો શાંતિ છવાઈ ગઈ. ત્યાં તો બીજો સુર રેલાયો,

"નદીની રેતમાં રમતું નગર મળે ન મળે...."

જાણે શ્વાસમાં બધા સુર ભરવા લાગ્યા. સદેહે તો બધા ત્યાં હતા પણ મન તરંગીત બની રેલાઈ ગયા હતા. ગઝલોનો તો બેતાજ બાદશાહ જોઈ લો. ગળાનો ખોંખારો પણ સુરમય હશે, એવું સાંભળીને લાગે.

કાર્યક્રમ પૂર્ણ કરી અર્ણવ ઘર તરફ ચાલ્યો, દરવાજો ખોલતા જ એણે હળવો નિશાસો નાખ્યો. કહેવાનું ઘર હતું પણ જે તત્વ ઘરને ઘર બનાવે એવું ત્યાં કશું જ ન હતું. માતાપિતા વહેલા મૃત્યુ પામ્યા હતા, ને અર્ણવ થોડો અંતર્મુખી તો એકલું રહેવાનું વધુ પસંદ કરતો, રાત્રીનો નેપથ્ય પડ્યે એ ઘરમાં દાખલ થતો ને ભળભાખડું હોય ત્યાં જ ઉઠીને નીકળી જતો. ન કોઈ સાથે વધુ વાતચીત ન કોઈ સાથે વધુ વહેવાર. બસ પોતાની જ દુનિયામાં વ્યસ્ત. ને એની દુનિયા એટલે એનું સંગીત.

પરમાત્માએ બહુ કલાત્મક કંઠ આપ્યો હતો અર્ણવને. સારા સારા સંમેલનોમાં અર્ણવ ગાવા પણ જતો, ઘણો એવો પ્રખ્યાત પણ થયો હતો. આકાશવાણીમાં તેના ગીતો પણ આવતા. બહારથી તો લોકો વચ્ચે સતત દટાયેલો જ રહેતો, પણ ભીતર કેમ જાણે એ એકલું રહેવાનું પસંદ કરતો. સાંજે ઘરે જતો ત્યારે દરવાજા નીચે રોજ પાંચ-છ પત્રો તો પડ્યા જ હોય, એના ચાહકો એને રોજ પત્રો લખી અભિનંદન આપતા. પણ અર્ણવ ક્યારેય કોઈને વળતો પત્ર ન લખતો.

"શ્રીમાન
તમે બહુ સુંદર ગાઓ છો, આ વખતે આકાશવાણીમાં નયનને બંધ રાખીને ગાશો, તમારા કંઠે સાંભળવાની બહુ ઈચ્છા છે.

લી. ચૈતાલી અધ્વર્યુ ......

આવા તો કેટલાય પત્રો હોય, કેટલીય સલાહો હોય, કેટલીય ડિમાન્ડ હોય, ને અર્ણવ બસ વાંચીને મૂકી દેતો. કોઈ પણ પત્રને ગંભીરતાથી ન લેતો.

એક દિવસ એક પત્ર વાંચ્યો,
" શુક્રવારે તમારા ગીતમાં બહુ મજા ન આવી, હવે રિયાઝ કરીને આવજો હો ...."
લી. આજ્ઞા

ના કોઈ સંબોધન, નહિ કઈ બીજું ને સીધી જ આજ્ઞા કરી દીધી. અર્ણવ પણ બે ઘડી હસી પડ્યો. ને પત્ર બાજુ પર મૂકી પોતાને કામે વળગી ગયો.

રોજ એક સરખી પ્રવાહિતા, વહેલા ઉઠવું કોઈ મેળાવળામાં જવું, કાર્યસૂચિ મુજબ ગાઈ લેવું ને ફરી અંધકારના ઓછાયામાં લપાઈ જવું.

સાંજે આવી યંત્રવત બધા પત્રો વાંચતો,

" વાહ! આજે તમારું જિંદગી ફરી મળજે.....ગીત સાંભળ્યું, હું તો મળીને આવી જિંદગીને.."
લી. જિંદગી

ફરી જ આવો સંબોધન વિનાનો પત્ર. અર્ણવે પત્ર બાજુ પર મૂકી પોતાના કામ પર લાગી ગયો.

બીબાઢાળ જીવનની જેને લત લાગી ગઈ હોય એમને પછી એકલતા સાલતી નથી. અર્ણવને ભીડ ન ગમતી એવું ન હતું, એ બસ પોતાની જાતને લોકો સન્મુખ પ્રદર્શિત ન કરી શકતો, ને એટલે જ લોકો તેને અભિમાની માની લેતા.

ગૌર વર્ણ ને નિર્દોષ ચહેરો મેળાવડામાં આવતી અનેક માનુનીઓના દિલ હરી લેતા, પણ અર્ણવ તો ક્યારેય કોઈ પ્રત્યે ધ્યાન પણ ન આપતો. હા, પણ પોતાના સંગીત વિશે કોઈ કઈ કહે તો એ જરૂરથી સાંભળતો, આવતા બધા પત્રો પણ વાંચતો, એના ગાયન વિશેની ભૂલ કોઈએ લખેલી હોય તો બે વખત વાંચતો. ભૂલ સુધારવાનો પ્રયત્ન કરતો. રિયાઝ વધારી પણ દેતો.

આજે ફરી સંબોધન વિનાનો પત્ર આવ્યો.

આજે તો હું મન ભરીને રડી ખબર છે! આપનું પેલું ગીત સાંભળ્યું એટલે, સમય તારી આકરી કસોટી ખમાતી નથી....
લી. ઉદાસી

હવે અર્ણવને કુતુહલ થયું આ તે કેવું નામ, એને યાદ આવ્યું કે આની પહેલા પણ આવા પત્રો આવ્યા હતા કદાચ. એને એ શોધ્યા. બધાના હસ્તાક્ષર સરખા હતા પણ નામ અલગ અલગ. ને જેવો પત્રનો ભાવ એ મુજબ નામ જોઈને તો અર્ણવને પણ આશ્ચર્ય થયું, કે આ તો કોઈ મજાનું માણસ લાગે છે. એણે પત્ર પર સરનામું જોયું ને વિચાર્યું કે હું પણ એક વળતો પત્ર લખું તો ?

સમયની વ્યસ્તતાને લીધે અર્ણવ પત્ર લખી શક્યો નહિ. વાત પણ વિસરાઈ ગઈ. પણ સામે છેડે પત્રોની નિયમિતતા જળવાવા લાગી. સમયાંતરે પત્ર આવતો જ. હવે અર્ણવને પણ આ નનામા કે અનેકનામી પત્રની રાહ રહેતી કે ફરી આ વખતે નવું નામ ને નવો ભાવ કેવો હશે.

આ વખતે ફરી એવો જ રસપ્રદ પત્ર આવ્યો,

"સૌંદર્ય ને વિનાશ વ્હેરે છે આ પ્રેમ.. ખરેખર આપનું આ ગીત તો આજે નવો ચમકારો કરી ગયું. પ્રેમ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી ...

લિ. પ્રેયસી

અર્ણવે આ વખતે પેન ને કાગળ હાથમાં લીધા ને પત્ર લખી જ નાખ્યો.

"અનામિકા..
તમારા પત્રોની નિયમિતતાને સલામ. ને પાછા ટૂંકમાં તો આખો ભાવ કહી જાય, હવે તો રીતસરના આપના પત્રોની હું રાહ જોઉં છું. ને આપનું કોઈ નામ ખબર ન હતી તો અનામિકા જ લખી નાખ્યું. મને મારા ગીતો ગાવાનો પણ અનેરો આનંદ થાય છે કે કોઈ નવો જ ભાવ લઈને કઈક નવી વાત જ મોકલશે. આમ જ પત્રો લખી મારો ઉત્સાહ વધારતા રહેજો.....
લિ. અર્ણવ...

આગળની વાત આવતા ભાગમાં...
આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ.

© હિના દાસા.....