Karnalok - 22 books and stories free download online pdf in Gujarati

કર્ણલોક - 22

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 22 ||

ઉદાસી ઘેરી વળી હોય તેમ હું ક્યાંય સુધી મૌન બેસી રહીને પાછો ઉતારા પર જવા નીકળ્યો ત્યારે સાંજ ઢળવા આવી. નદીનું ભાઠોડું ચડીને પાછળના રસ્તે, જે જમીન પર કંઈક કામ કરવા માટે મારી મદદ મગાઈ છે તે જમીન જોઈ લેવાના ઇરાદે ખેતરો વચ્ચેથી જઉં છું.

નદીનું ભાઠોડું ચડીને ખેતરોમાં ચાલ્યો ત્યાં એક ખેડૂતે મને બોલાવ્યો. હું તેની ઝૂંપડીએ ગયો તો ખાટલો ઠાળીને મને બેસારતાં કહે, ‘બેસો, હવે તો પાડોશી થવાના.’

‘કેમ?’ મેં નવાઈ પામીને પૂછ્યું.

જવાબમાં ખેડૂતે તેની સ્ત્રી તરફ જોયું. તેણે પહેલાં મારી સામે અને પછી ઘરમાં નજર કરતાં બૂમ પાડી, ‘આમને પાણી તો પાવ.’

થોડી વારે એક ઘરડાં માજી પાણી લઈને બહાર આવ્યાં. તેમણે અકારણ ખાટલો ઢાળ્યો અને મારા તરફ ખસેડતાં બોલ્યાં, ‘આયા છો તો બેસો, ચા મેલું.’

મેં ખાટલે બેસીને પાણી પીધું અને ચા મૂકવાની ના પાડી. માજીએ પેલા ખેડૂતને પૂછ્યું, ‘આ નિમ્બેનવાળી જમીન લેવાના એ જ કે?’

‘હો, એ જ.’ ખેડૂતને બદલે તેની સ્ત્રીએ જવાબ આપ્યો.

‘નિમુબહેનની જમીન હું લેવાનો છું એવી વાત ક્યાંથી આવી?’ મેં કહ્યું, ‘એવી કોઈ વાત નથી.’

‘આ તો તમે પંચાયતે ગ્યા’તા એમ જાણ્યું. એટલે કહ્યું. બાકી તો તમે જાણો.’ ખેડૂતે જવાબ આપ્યો.

‘એ તો અમસ્તો.’ મેં કહ્યું, ‘હું જમીન રાખવાનો નથી.’

ડોશીમાને મારી વાત સાચી ન લાગી. એણે કહ્યું, ‘વકીલેય જોઈને ગ્યો. પરમ દા’ડે મનોજભૈ આઈ ગ્યો.’ ગામડાં ગામમાં બધી જ વાતોની ખબર બધાને તરત કેવી રીતે પહોંચી જતી હશે! મને હસવું આવી ગયું.

મેં હસીને કહ્યું, ‘એમાંથી તમને કોણે કહ્યું કે હું આ જમીન લેવાનો છું? હું તો અહીં રહેતો પણ નથી. આ તો જમીનમાલિકનો કાગળ આવ્યો કે મળી જાવ, એટલે મળવા આવ્યો છું.’

‘તે એવા એ તમારે શું થાય?’ ડોસીએ સહજ પૂછ્યું.

‘કંઈ નહીં.’ મેં કહ્યું. તે જ ક્ષણે મને લાગ્યું કે હું કંઈક ભૂલ કરું છું. મારું મન મારા જ શબ્દોને માનતાં અચકાયું.

‘તે જમીન અટાણે કોક બા’રનાને નામે કેમની છે? હું જાણું કે નિમ્બેને એ જમીન માથે ગોમતીનો હક માન્યો’તો. તે માલિક તો ગોમતીનો સગો હોય, બીજો કંઈથી હોય?’ ડોસીમા વધુ વિગત જાણવાની કોશિશમાં બોલ્યાં, ‘તે તમારે કાંઈક થતા તો હશે જ ને?’

હું જવાબ આપ્યા વગર મૌન બેસી રહ્યો.

‘તો ગયા જલમની લેણ-દેણ બીજું શું!’ કહેતાં કહેતાં ડોસીમાએ સૂચક હસીને મારા સામે જોઈ લીધું.

થોડી વારે મેં પૂછ્યું, ‘તમે તો ગોમતીને ઓળખો છો ને? એ પંજાબ કેમ કરતાં પહોંચી ગઈ? આ જમીનવાળો તો કોઈ પંજાબી છે.’

હવે નવાઈ પામવાનો વારો ડોસીમાનો હતો. તે મારા સામે જોઈ રહ્યાં. પછી સાડલાના છેડા વતી હોઠ લૂછતાં બોલ્યાં, ‘ગોમતીના ખબર પૂછો છો તે તમને ખબર નથી?’

‘શાની ખબર?’ મેં ચિંતિત સ્વરે પૂછ્યું.

બધાં જ મને જોઈ રહ્યાં. ડોસીમાએ કહ્યું, ‘તો તમારી વાત સાચી કે એ લોક તમારાં કાંઈ થાતાં નથી; એ વગર આવી ખબર ન હોય એવું કેમ બને? ગોમતી તો છોકરો મૂકીને ગઈ ક્યારનીયે ભગવાનને ઘેર. આ નિમ્બેન ગયાં એની વરસી ખાવાયે ક્યાં રહી!’

મને આઘાત લાગ્યો કે નહીં તે હું નક્કી કરી ન શક્યો પણ મારી વાચા હરાઈ ગઈ.

‘ગોમતીને છોકરો થયેલો. પણ હતો પાંગળો, એક હાથ ટૂંકો ને પગ રાંટા.’ ડોસીમાએ કહ્યું, ‘ગોમતીના સાસરે તો એને કોણ રાખે? આવ્યું બધું રાવણું અહીં. જી’ભૈને માથે. કહે તમે પાપ કરાવ્યું એમાં જ આ થયું. મા તો ગઈ. છોકરોય જવા જેવો જ છે.’

‘અરે,રે.’ મારાથી અરેરાટી થઈ ગઈ.

‘નિમુ હોય તો પોકી વળે. એકલો જી’ભૈ બિચારો શું કરે?’ માજીએ કહ્યું અને ઉમેર્યું, ‘એ તો ભલું થયું કે ગોમતીની કોઈ બેનપણી હતી કાઠિયાવાડ ભણીની. એવીયા આવીને લઈ ગઈ. એને આપી દીધો. હવે તમે આ પંજાબી કહો છો તો એ ગોમતીનો છોકરો તો નહીં હોય!’

‘હું તો કંઈ જાણતો નથી.’ મેં કહ્યું. એ જમાનામાં હજી નવા ગણાતા પ્રયોગથી જન્મેલું ગોમતીનું બાળક અપંગ હતું તેની કે કાઠિયાવાડમાં ગોમતીની કોઈ મિત્ર હતી તેની મને કંઈ જ ખબર નહોતી. ‘તમે કહો છો કે ગોમતી તો ગુજરી ગઈ. ટપાલ ઉપરથી લાગે છે કે મોહિન્દરને મા છે.’

મારા મનમાં એક વાત સ્પષ્ટ હતી. નિમુબહેનની ઇચ્છા જમીન ગોમતીના હકે આપવાની હોય તો જમીન ગોમતીની જ હોય. બીજા કોઈને ન મળે. આ મોહિન્દર કોણ છે તેનો જવાબ અત્યારે શોધવાની માથાકૂટ નકામી હતી. હું ઊભો થયો અને ઉતારા તરફ ચાલ્યો.

ઘણા વરસે રાત્રે મને સ્વસ્થ ઊંઘ આવી. સવારે વહેલા ઊઠી જવાયું. નદીમાં જઈને નહાયો. પાણીમાં પડ્યા પડ્યા આ જમીન પર કેવી પ્રવૃત્તિ કરવામાં શું મદદ કરી શકાય તે વિશે, કોઈ ટ્રસ્ટ બનાવી આપવું કે મારે પોતાને કંઈ કામમાં જોડાવું? તે વિશે વિચાર્યા કર્યું. આ મોહિન્દરને તેની માએ આ કામમાં મારી મદદ લેવાનું કયા કારણોસર કહ્યું હશે તે ચિંતા પણ મેં ન કરી.

સવારે દશ વાગ્યા આસપાસ હું પંચાયત કચેરી તરફ જવા નીકળ્યો. ગામડા ગામની પંચાયતના ચોકમાં પહોંચું ત્યાં જ એક મોટી કાર આવીને ઊભી રહી. અંદરથી એક પાંત્રીસેક વર્ષની યુવતી ઊતરી. બીજી બાજુથી બારણું ખોલીને ડ્રાઇવર પણ નીચે ઊતર્યો. મને પેલી સ્ત્રીનો ચહેરો પરિચિત જેવો લાગ્યો. હું તે તરફ જતો હતો કે ડ્રાઇવર ડીકીનું બારણું ખોલીને એલ્યુમિનિયનની વ્હીલચૅર કાઢતો દેખાયો. હું કાર તરફ ગયો ત્યાં સુધીમાં પેલી સ્ત્રી અને ડ્રાઇવર કોઈને ટેકો કરીને કારમાંથી બહાર લેતાં જણાયાં. પાસે પહોંચીને હું મદદમાં જોડાયો તો પેલી સ્ત્રી બોલી. ‘ઇટ્સ ઓ.કે.’

ગાડીમાંથી ઊંચકીને બહાર લવાયેલી વ્યક્તિનું વર્ણન તો મેં ગઈ સાંજે જ સાંભળ્યું હતું, ‘એક હાથ ટૂંકો, પગ રાંટા...’ મેં બન્ને આગંતુકોને ધ્યાનથી જોયાં. સ્ત્રી પરિચિત હોય તેમ લાગ્યું તોપણ હું તેની મુખરેખા ઉકેલી ન શક્યો.

મોહિન્દર ખુરશીમાં બરાબર ગોઠવાય ત્યાં સુધી મેં રાહ જોઈ અને પછી હાથ લંબાવીને પૂછ્યું, ‘મોહીન્દર?’

‘ઓહ, આપ આવી જ ગયા છો.’ મોહિન્દરે ન તો મારો પરિચય પૂછ્યો, ન નામ. જાણે વરસોથી મને જાણતો હતો. ઊલટાનું સાથેની સ્ત્રી સાથે પરિચય કરાવીને મને વધુ મૂંઝવણમાં મૂક્યો. તેણે કહ્યું, ‘મીટ માય વાઈફ...’ પછી ખુરશીમાં સ્વસ્થપણે બેસવાના પ્રયત્નો કરતા રહીને તેણે પત્નીનું નામ ન કહ્યું.

મેં અને ડ્રાઇવરે તેની ખુરશીને પંચાયત કચેરી તરફ ધકેલી ત્યારે તે બોલ્યો, ‘ઈન ફેક્ટ જરૂર પડ્યે તમને મળવાનું માએ કહેલું.’

જવાબમાં હું માત્ર હસ્યો અને હકારમાં ડોકું હલાવ્યું; પરંતુ ગોમતી તો આ દુનિયામાં નથી અને કોઈ અજાણી કાઠિયાવાડમાં વસેલી સ્ત્રી તેને મારું નામ શા માટે સૂચવે તે હું હજી પણ સમજી નહોતો શક્યો.

કદાચ મારા મામી હોય. પણ મામી ગોમતીની બહેનપણી તો હોય જ ક્યાંથી? અત્યારે ચોક વચ્ચે ચાલતાં મોહિન્દરને આવી બધી વાતો પૂછી શકું તેમ પણ નહોતું. મેં મૂંગા મૂંગા વ્હીલચૅરના હાથાને ટેકો આપ્યા કર્યો.

અમે પંચાયતનાં પગથિયાં પાસે પહોંચ્યાં કે એક વકીલનાં કપડાં પહેરેલો યુવાન અંદરથી બહાર આવ્યો. તેણે બધા કાગળો તૈયાર કરાવી રાખ્યા હોય તેવું લાગ્યું. તેણે અમને છાંયડામાં દોરતાં મોહિન્દરને કહ્યું, ‘આપ આ ચૅર ઉપર જ બેસી રહો. બધું અહીં જ કરી લઈએ.’ વાત થઈ ત્યાં સુધીમાં અંદરથી એક ટેબલ અને બીજી બે-ત્રણ ખુરશી લઈને માણસો બહાર આવ્યા. ઝાડ નીચે ગોઠવણ કરવા માંડ્યા.

‘આપણે અહીં ક્યાં સુધી રોકાવાનું છે?’ મોહિન્દરની પત્નીએ પૂછ્યું, ‘રજિસ્ટ્રાર અહીં આવશે કે આપણે શહેર જવાનું થશે?’

પેલા વકીલે જવાબ આપ્યો, ‘એ બધું પતી જશે. હું સહીઓ કરાવી લઉં છું. પછી સાહેબ આવે એટલે દસ્તાવેજ નોંધી આપશે. ફી પણ એ જ રીતે ભરી છે. તમે અગાઉથી કહ્યું હતું એટલે પછી કરવાનું જ હોય. બધું અહીં પતી જશે. મોડું થાય તો તમે આરામ કરવા જતાં રહેજો. જરૂર પડશે તો અમે ત્યાં પણ આવી જઈશું.’

તે બેઉ વાતો કરતાં હતાં ત્યાં મોહિન્દર મારી તરફ ફર્યો અને બોલ્યો, ‘આપને કહી દઉં કે અમારા મનમાં આ જમીન મારા પત્ની અને આપના સંયુક્ત નામે કરવાની ઇચ્છા છે. નિમુબહેન સાથે રહ્યા હોય તેમાંના હવે તમે બે જ રહ્યા છો. નંદુદાદા નથી. બીજા કોઈ પણ નથી. મા પણ ગઈ.’

મને ખાતરી હતી કે મોહિન્દર ગોમતીનો જ પુત્ર છે. કદાચ તે પોતાની સાસુનો ઉલ્લેખ પણ ‘મા’ બોલીને કરતો હોય? મારા મનમાં પ્રશ્ન જાગ્યો તેવો જ શમી પણ ગયો. છતાં મારું મન તેની પત્નીના ચહેરા પર ઝલકતી એક પરિચિત આભાને ઓળખવાનો પ્રયત્ન કરતું રહ્યું. તે નિમુબહેન સાથે રહી હોય તો મેં તેને ક્યાં, ક્યારે, કયા નામે જોઈ છે તે યાદ આવતું નહોતું.

ઑફિસમાંથી પટાવાળો પાણી લાવ્યો. અમે તે પાણી પીધું પરંતુ પેલી યુવતીએ મોહિન્દર માટે ગાડીમાંથી પાણી લાવવા કહ્યું. ત્યાં સુધી મોહિન્દર કાગળો વાંચતો રહ્યો. પછી હું કંઈ બોલું તે પહેલાં જ તેણે કહ્યું, ‘માની ઇચ્છા તો અહીં એક સરસ નિશાળ કરવાની હતી. સાવ નિશાળ તેમ તો ન કહેવાય; પણ તે કંઈક એવું કરવા ધારતી હતી કે બાળકો ત્યાં આવે, રમે, ખૂબ વાંચે, જુદું જુદું જે ગમે તે કરે, ભલે અહીં ભણે નહીં. પણ કરે. કંઈક જુદું. નીમ્બેન કરતાં તેવું કંઈક. મા કહેતી કે તમે તે શીખ્યા છો. કરાવી શકશો. જમીન તમારે બેને નામે થાય તો હું છુટ્ટો. તમે તેનું ટ્રસ્ટ કરો કે પછી નિમ્બેન કરતાં હતાં તેમ કરો મને વાંધો નથી.’

સાવ અજાણ્યો માણસ આમ મને જમીન આપી દે, અને તેના પર હું નિમ્બહેન કરતી તેવી પ્રવૃત્તિ કરીશ તેવું તેની માએ કહેલું તે માનીને મને સોંપે તે મને નવું લાગ્યું.

અચાનક, મને પૂછ્યા વગર, મને સાંભળ્યા વગર કોઈ મારે શું કરવું તે મને કહે તે મને સહેજ પણ મંજૂર નહોતું. હું ‘વધુ ચર્ચા કરી લઈએ’ તેમ કહેવા કે ના પાડવા જતો જ હતો ત્યાં વકીલે મોહિન્દરની સાથે આવેલી યુવતીને પૂછ્યું, ‘લેનાર પાર્ટી આવી ગઈ?’

‘લેનાર પાર્ટી તે આ સાહેબ સામે ઊભા.’ યુવતીએ જવાબ આપ્યો.

‘અરે પણ..’ હું બોલવા ગયો; પરંતુ વકીલે બોલવાનું હજી ચાલુ રાખ્યું, ‘આ બક્ષિસ કરનાર પાર્ટીમાં એકલું મોહિન્દર પંજાબી કદાચ નહીં ચાલે. સાહેબ પૂરું નામ લખાવવાનું કહેશે.’

હું બોલતાં અટકી જઈને વકીલની વાતનો જવાબ સાંભળવા કાન માંડીને બેઠો. પછી મોહિન્દરે ધીમા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘હું મારું નામ આમ જ લખું છું. માતાનું નામ ચાલતું હોય તો લખો. દુર્ગા.’

મારું શરીર જીવતાં ભૂલી ગયું હોય તેમ સ્થિર થઈ ગયું. વાચા બંધ થઈ ગઈ. હું સ્તબ્ધ અવસ્થામાંથી બહાર આવું કે થોડો સ્વસ્થ થાઉં તે પહેલાં વકીલે કાગળો મારા સામે ધર્યા અને કહ્યું, ‘આપ બંને અહીં સહી કરશો.’

મેં એક વાર મોહિન્દર, પેલી યુવતી, પછી વકીલ અને છેલ્લે તેણે ટેબલ પર મારી સામે ખસેડેલા કાગળ સામે જોયું. વકીલે પોતાના હાથમાંની પેન્સિલ મારે સહી ક્યાં કરવાની છે તે દર્શાવવા કાગળ પર મૂકી રાખેલી હતી. ત્યાં મારી ખુલ્લી આંખો સામે મારું, મારું પોતાનું, મારાં મા-બાપે પાડેલું પૂરેપૂરું નામ મારા પિતાના નામ અને અટક સાથે લખાયેલું હતું.

અનેક પ્રશ્નો ઊઠ્યા તોપણ મેં કશું જ પૂછવાનું માંડી વાળ્યું. વકીલના હાથમાંથી પેન લીધી અને સહી કરી આપી. વકીલે તરત જ ‘અહીં તમારી સહી’ કહીને કાગળ પેલી યુવતી સમક્ષ ખેસવ્યો. તે યુવતી નમી અને સહી કરી, ‘કરમી મોહિન્દર.’

‘અરે, તું?’ મેં અનહદ ભાવથી પૂછ્યું. કોણ જાણે કેમ મારી આંખમાં પાણી ધસી આવ્યાં. અચાનક મારો હાથ લંબાઈ ગયો અને તે બીજી ખુરશીમાં બેઠી હતી તે છતાં મેં કરમીને પડખામાં ખેંચી.

થોડી પળો કોઈ કંઈ બોલ્યું નહીં. પછી મોહિન્દરે કહ્યું, ‘ચાલો, હવે નીમ્બેનને ત્યાં જઈશું?’

***