Ran Ma khilyu Gulab - 1 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 1

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(1)

તારા કાં તો માર રસ્તા બે જ છે,

જીત કાં તો હાર રસ્તા બે જ છે

“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગોર ઊંબરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઊછાળ ઠાલવી બેઠા.

જનકભાઇને આશ્ચર્ય થયું; પણ ગોરનુ માન રાખવા માટે રસોડાની દિશામાં જોઇને હાક મારી દીધી, “પર્ણવીની મા.....! જરા બહાર આવજો. આપણા ભૂદેવ કંઇક શુભ વાત લઇને આવ્યા લાગે છે.” પછી ગોરની સામે જોઇને કહ્યું, “આવો, બાપા! અહીં બિરાજો હિંચકા પર.” પછી ચા-નાસ્તાના સથવારે લાભુ ગોરે વાત રજુ કરી, “તમને તમારી દીકરીની ચિંતા થતી હતી ને? આવી રૂડી-રૂપાળી ને ગુણીઅલ છોકરી માટે યોગ્ય વર મળશે કે નહીં એ વાતની?”

“હા, બાપા! છેલ્લા એકાદ વરસથી તો હું ને એની મા જાગતા ઊંઘીએ છીએ. કોઇ છોકરાની વાત લઇને આવ્યા છો?”

“છોકરો? અરે રાજકુમાર કહો રાજકુમાર!મુંબઇમાં આઠ કરોડ રૂપીયાનો ફ્લેટ છે. જવેલરીનો કારોબાર છે. કરોડપતિ બાપનો એકનો એક વારસદાર છે. તમારી દીકરી રાજ કરશે રાજ!”

જનકભાઇ અને સોનલબહેનનાં હૈયામાં ડીપફ્રીજના જેવી ટાઢક પ્રસરી ગઇ. ત્યાં અચાનક એમની આંખ સામે દીકરીનું ‘ધાંય-ધાંય’ રૂપ ઊભરી આવ્યું. એટલે એમણે પૂછી લીધું, “બાપા, એ બધું તો ઠીક છે; પણ છોકરો દેખાવમાં કેવો છે? અમારી પર્ણવીને તો તમે જોયેલી છે. એનું રૂપ ઝૂંપડીમાં સમાય એવું નથી અને બંગલામાં ધરબાય એવું નથી.”

“એ ચિંતા તમે છોડી દો, જનકભાઇ. મેં મુરતીયાને જોઇ લીધો છે. આપણી સીતાની પડખે રામની જેમ શોભી ઊઠશે. રાજા દશરથની જેવો સસરો છે અને માતા કૌશલ્યાની જેવી સાસુ છે. હું તો કહું છું ઘર અને વર જોયા વગર હા જ પાડી દો!”

જનકભાઇને સંતોષ તો થઇ ગયો કારણ કે લાભુ ગોરની નિષ્ઠામાં એમને પૂરી શ્રધ્ધા હતી; તો પણ એકવિસમી સદિમાં એમ કોણ છોકરાને જોયા વગર કાળજાનો કટકો ફેંકી દેતું હશે!

મુલાકાત ગોઠવાઇ ગઇ. પર્ણવીને લઇને મમ્મી-પપ્પા મુંબઇ જઇ આવ્યા. ઘર જોઇને ચકરાઇ ગયા વર જોઇને હરખાઇ ગયા. લાભુ મહારાજે જેટલા વખાણ કર્યા હતા એ બધા ઓછા લાગ્યા. છોકરાવાળા પણ પર્ણવીને જોઇને પાણી-પાણી થઇ ગયા. આવી રૂપાળી વહુ જો ઘરમાં હરતી-ફરતી હોય તો ગરીબની ઝૂંપડી પણ જ્વેલરીના શો-રૂમની જેવી ઝગમગી ઊઠે!

જનકભાઇ અને સોનલબહેન ભાથામાં ગોળપાપડી લઇને ગયા હતા; મુંબઇથી ગોળધાણા ખાઇને પાછા ફર્યા.

વેવાઇએ ટકોર કરી લીધી હતી, “જનકભાઇ, ઘરે પહોંચીને લગ્નની તૈયારી કરવા માંડજો; એક મહિનામાં તમારા આંગણે ઢોલ ધબકતા આવ્યા સમજી લેજો.”

જનકભાઇ એ હસતાં હસતાં કહી દીધું, “મને ક્યાં વાંધો છે? પણ આટલી ઉતાવળનુ કારણ જાણી શકું?”

“કારણ છે; તો જ ઉતાવળ કરીએ ને? વાત જાણે એવી છે કે મારી બા પંચોતેર વર્ષનાં થયાં છે. બે વાર હાર્ટ એટેક માં જતાં જતાં બચી ગયા છે. એમની એક માત્ર અબળખા....”

“તમારા દીકરાના લગ્ન જોઇને જવાની છે એમ જ ને?”

“હા, પણ માત્ર એટલેથી જ અટકે તો મારા બા શે નાં? એમણે તો મારા દીકરાના દીકરાને રમાડીને પછી જવું છે. હવે જો મારો દીકરો પથિક વહેલો પરણે તો જ વહેલો બાપ બને ને? માટે હું ઊતાવળ કરું છું.”

ભાવિ સસરાજીની વાત સાંભળીને પર્ણવી શરમની મારી લાલ થઇ ગઇ. ગુલાબી ન થઇ કારણ કે ગુલાબી તો એ એમને એમ પણ હતી જ.

ઊઘડતે ચોઘડિયે લગ્ન લેવાઇ ગયા. પર્ણવી મુંબઇ આવી ગઇ. મધુમાસના મધુરા દિવસો અને મધુરજનીની મજાઓ એકબીજામાં ભળી ગયા.

દાદીમાં ટાંપીને પ્રતિક્ષામાં પથારીમાં પડખાં ફેરવી રહ્યા હતાં. પોતાની વહુને એટલે કે પર્ણવીનાં સાસુને ખાનગીમાં પૂછી લેતાં હતાં: “નવી વહુને કંઇ છે?”

“ના, બા!પર્ણવી હજી પાંચ દિવસ પહેલાંજ થઇ ગઇ છે.”

“એને કહે કે હવે કંઇક કરે; મારો જીવ એની કૂખની આજુબાજુમાં ચકરડી-ભમરડી ફરે છે.”

“બા, આ તો નવી પેઢીની વહુ છે; એને કંઇ કે’વાય નહીં. એ લોકો તો લગ્ન કર્યા પછી બે-ત્રણ વરસ હરવા-ફરવા માં કાઢી નાખે.”

“હાય, હાય! બે-ત્રણ વરહ? એટલામાં તો હું મરીને બીજે ક્યાંક જલમી યે ગઇ હોઇશ. તું એને સમજાવ. નહીંતર મારે જ કંઇક કહેવું પડશે.”

બીજા પાંચ-છ મહિના પસાર થઇ ગયા. દાદીમા ખાટલાં પડ્યા પડ્યા ચૂંચી આંખ કરીને વહુનાં હલન-ચલનનું ઝીણી નજરે અવલોકન કર્યે જતા હતા. પર્ણવી તો પવનના ઝાપટાની જેમ બંગલામાં અહીંથી તહીં દોડતી રહેતી હતી.

એક દિવસ દાદીમાથી ન રહેવાયું. એમણે સાદ કરીને પર્ણવીને પોતાની પાસે બોલાવી, “ જો, બેટા! અસતરીની જાત થઇને આમ આખો દિ’ ઠેકડા ના મરાય.”

“કેમ, બા? એમાં શું થઇ જાય?”

“વહુ, બેટાં! આવા સારા દિવસોમાં જરા હાચવીને ચાલવાનું રાખીએ; નહીંતર કાચો મદંવાડ થઇ જાય.”

પર્ણવીને સમજ ના પડી કે કાચો મંદવાડ એટલે શું અને સારા દિવસો એટલે શું! પણ

દાદીમાની નજર પોતાનાં પેટ તરફ સોનોગ્રાફી મશીનના પ્રોબની જેમ તકાયેલી હતી એ જોઇને એ બધું સમજી ગઇ.

હસી પડી, “અરે, બા! તમે ધારો છો એવું કશું જ નથી.....”

દાદીમાએ ફુલટોસને હવામાં જ ફટાકારી દીધો, “જો નથી તો કર હવે! ચિબાવલી, હું પોતરાનું મોં જોવા માટે ટકી રહી છું ને તનેં.......?!?” દાદીમાએ મહીનાઓથી ભેગો થયેલો કચવાટ એ દિવસે ઠાલવી દીધો.

એ રાત્રે પહેલી વાર પર્ણવીએ પથિકને કહ્યું, “ ના, આજે એમ ને એમ! મારે કોઇ સાવધાની નથી રાખવી. દાદીમાને દીકરાનું મોં જોવાની ઉતાવળ આવી છે.”

પથિક નફ્ફટ બનીને પૂછી રહ્યો, “ઊતાવળ દાદીમાને આવી છે કે તને....???” એ સાથે જ એણે પર્ણવીને આશ્ર્લેષમાં જકડી લીધી. કામનાઓનો સમંદર ઘૂઘવી ઉઠ્યો. પતિ મેઘ બનીને પત્ની પર વરસતો રહ્યો. પત્ની ખંડાયેલા ખેતરની જેમ આ વરસાદને ઝીલતી રહી. એ આખો મહિનો આવું જ ચોમાસું બનીને બેયને ભીંજવી રહ્યો.

હવે આશાની અપેક્ષા હતી અને પરિણામની પ્રતિક્ષા હતી. મહિનાના અંતે શયનખંડ માં અપાયેલી પરીક્ષાનું રીઝલ્ટ બહાર પડ્યું. નિરાશા જ નિરાશા સાંપડી હતી.

“કોઇ વાંધો નહીં. બેટર લક નેક્સ્ટ ટાઇમ! જિંદગીનો આ કંઇ છેલ્લો મહિનો થોડો હતો?” પથિકે આશ્વાસન આપ્યું. પર્ણવીને પચાસ ટકા શાતા વળી; પણ દાદીમાવાળા પચાસ ટકાની અશાંતિ હજુ ચાલુ જ હતી.

ત્રણ મહિના આવી રીતે ટ્રાયલમાં પસાર થઇ ગયા; હવે દાદીમાની ટીમમાં પર્ણવીનાં સાસુ-સસરા પણ ભળી ગયા. સાસુએ તો કહી દીધું, “પર્ણવી, અમે દીકરાને કંપની મળી રહે એટલે તારી સાથે નથી પરણાવ્યો; પણ ખાનદાનને વારસદાર મળે એટલા માટે તારી સાથે પરણાવ્યો છે. આંબો કેરી આપે તો જ મીઠો લાગે; બાકી એનામાં ને લીમડામાં ફરક શાનો?”

ચોથા મહિને કંટાળીને પથિક-પર્ણવી ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે સલાહ આપી, “સૌથી પહેલા અમે હસબન્ડનો સીમેન ટેસ્ટ કરાવીએ છીએ. એ સારો હોય તો જ વાઇફના રીપોર્ટસ કઢાવીએ.”

પથીક લેબમાં જઇને સેમ્પલ આપ્યું. રીપોર્ટ આવ્યો. પતિ-પત્ની બંનેને ચક્કર આવી ગયા. શુક્રાણુઓ હતા તો ખરા, પણ આવશ્યકતા કરતા ઘણાં અલ્પ હતા. અને તરત જ મરી જતા હતા.

ડોક્ટરે દવાઓ લખી આપી, “આ શરૂ કરી દો; પણ હું સો ટકા પરિણામ આવશે જ એવી ગેરંટી આપતો નથી. ભવિષ્યમાં તમે આર્ટિફિશિયલ ડોનર્સ ઇન્સેમિનેશન અંગે વિચારજો.”

બધું સમજી લીધા પછી પતિ-પત્ની ઘરે પાછા આવ્યા. પણ દાદીમાની કચકચ હવે હદ વટાવી રહી હતી. એવામાં પથિકને વિદેશમાં જવાનું થયું. એણે પર્ણવીને કહ્યું “હું પંદર દિવસ માટે સાઉથ આફ્રિકા જાઉં છું; તારે આવવું છે સાથે?”

કંટાળેલી પર્ણવીએ હા પાડી દીધી. બંને જોહાનિસબર્ગ પહોંચી ગયા. ત્યાં પથિકનો જૂનો શાળા સમયનો મિત્ર અન્વય મળી ગયો. પથિકે પર્ણવી સાથે પરિચય કરાવ્યો અને વિનંતી કરી, “દોસ્ત, સારું થયું કે તું મળી ગયો. હું આખો દિવસ હીરાની ખરીદી માટે બહાર ભટકતો રહું છું; તારી ભાભી હોટલમાં બેઠી બેઠી બોર થતી હોય છે. પ્લીઝ, તું એને કંપની આપીશ?”

પંદર દિવસ પછી પતિ-પત્ની પાછા મુંબઇ આવી પહોંચ્યા. બીજા પંદર દિવસ બાદ દાદીમાની આંખમાં ચમક આવી ગઇ; એમણે પથિકના મમ્મીને કહ્યું, “વહુ, આજે મેં નવી વહુને ઊલટી થતાં જોઇ છે. તું એને પૂછી તો જો....!”

પર્ણવીએ સારા સમાચાર આપ્યા. બંગલો હરખઘેલો બની ઉઠ્યો. નવે નવ મહિના દિવાળી જેવા બની રહ્યા. નિર્ધારીત તારીખે પર્ણવીએ દીકરાને જન્મ આપ્યો. દાદીમાની ખૂશીનો પાર ન હતો, “વંશનો વારસ આવી ગયો! હવે આજે જ મોત આવે તો પણ અફસોસ નથી.”

સગા-સ્વજનો ઉમટી પડ્યા. બધાના હોઠો પર એક જ વાત હતી: “દીકરો અદ્લ એની મા જેવો દેખાય છે. એના બાપનો તો લેશ માત્ર અણસાર કળાતો નથી.”

આ સાંભળીને પર્ણવી મનોમન બબડી લેતી હતી, “થેન્ક ગોડ! દીકરો મારા પર જ ગયો છે! જો એના અસલી બાપ પર પડ્યો હોત તો......!”

--------