Bhedi Tapu - Khand - 3 - 15 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 15

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(15)

ટેલીગ્રામ કોણે કર્યો?

ઈજનેરે જ્વાળામુખી પર્વત વિશે બધાને ચેતવણી આપી. બધા પોતપોતાનું કામ મૂકીને ફેંકલીન પર્વતના શિખર સામે જોઈ રહ્યાં હતા.

જ્વાળામુખી જાગ્યો હતો. ધુમાડા અને વરાળ થોડા પ્રમાણમાં અંદર નીકળતા હતા. પણ અંદરનો અગ્નિ કોઈ મોટી ભાંગફોડ કરશે? કંઈ કહી શકાય નહીં. કદાચ લાવારસ નીકળવા માટે નવું મુખ બનાવે તો પણ આખા ટાપુ પર કોઈ જોખમ ન હતું. જ્વાળામુખીનું ખાતું વિચિત્ર હોય છે. એ જૂનું મુખ એક બાજુ પડતું મૂકી નવું મુખ ઉઘાડે છે, અને તેમાંથી ભયાનક લાવારસ ઓકવા માંડે છે.

જ્વાળામુખી ક્યારે ફાટશે એ નક્કી કહી શકાય નહીં. હમણાં તો અંદર ભઠ્ઠી સળગતી હતી; અને લાવારસ ખદખદતો હતો. થોડા થોડા ધુમાડા બહાર નીકળતા હતા. જો જ્વાળામુખી નવું મુખ શરૂ ન કરે અથવા ધરતીકંપ ન થાય તો ગ્રેનાઈટ હાઉસને જ્વાળામુખીનો લાવારસ સ્પશી શકે તેમ ન હતો.

જ્વાળામુખીથી ટાપુને નુકસાન થાય જ એવું પણ નક્કી નથી. લીંકન ટાપુ એક વખત જ્વાળામુખીના હુમલામાંથી પસાર થઈ ગયો છે. હાર્ડિંગે આ બધી વાતનો ખુલાસો પોતાના સાથીઓ પાસે કર્યો. અને અતિશયોક્તિ કર્યા વિના તેના જોખમો પણ બતાવ્યાં. જ્વાળામુખીને આપણે અટકાવી ન શકીએ. ગ્રેનાઈટ હાઉસને વાંધો નથી, પણ પશુશાળા પૂરેપૂરી જોખમમાં હતી.

તે દિવસથી પર્વતના શિખર ઉપરથી ધુમાડાઓ કદી અદશ્ય ન થયા. ધીમે ધીમે તેનું પ્રમાણ વધતું ગયું. જો કે ધુમાડા સાથે અગ્નિની જ્વાળાઓ દેખાતી ન હતી. આખી પ્રક્રિયા હજી જ્વાળામુખીના પેટાળમાં આકાર લઈ રહી હતી.

કામકાજ તો ચાલુ જ હતું. વહાણ બાંધવાના કામમાં શક્ય તેટલી ઝડપ રાખવામાં આવતી હતી. હાર્ડિંગે ધોધની મદદથી એક યંત્ર બનાવ્યું હતું. આ યંત્રથી ઝાડની ડાળીઓ અને વધારાના ભાગો ઝડપથી કાપી શકાતા હતા. આ યંત્ર એક મોટું ચક્કર, બે સિલિન્ડર અને એક ગરગડીની મદદથી ચાલતું હતું.

વહાણનું ખોખું તૈયાર થઈ ગયું હતું. અંદરનો ભાગ બનાવવો બાકી હતો. આમાં ચાંચિયાઓના તૂટેલા વહાણનો ઘણો સામાન કામમાં આવ્યો હતો. ચાંચિયાના વહાણનું ધાતુકામ તો એમને એમ આ વહાણમાં જડી દીધું હતું.

વચ્ચે એક અઠવાડિયું પાકની કાપણીમાં ગયું. એ કામ પૂરું કરીને વળી પાછા વહાણ બનાવવાના કામમાં લાગી પડ્યાં. સમય ન બગડે એટલા માટે જમવાના સમયમાં ફેરફાર કર્યો. એક બપોરે બાર વાગ્યે જમવાનું, અને બીજું અંધારું થાય પછી વાળું કરવાનું. વાળું કરીને તેઓ સૂઈ ગયા. કોઈ વાર વાળું કર્યાં પછી રાત્રે સૂતા પહેલાં કોઈ વિષયની ચર્ચા થતી. તેમાં ભવિષ્યમાં થનારી યોજના વિશે વાર્તાલાપ થતો.

“હર્બર્ટ,” ખલાસીએ કહ્યું. “તુ તો લીંકન ટાપુ પર હંમેશ રહેવાનો છે ને?”

“હા,” હર્બર્ટે જવાબ આપ્યો. “જો તમે સંગાથ આપો તો.”

“મેં તો ઘણા વખતથી નક્કી કરી રાખ્યું છે.” ખલાસીએ જવાબ આપ્યો.

“તું તારી પત્ની અને બાળકોને ટાપુ પર લાવજે. હું તારા બાળકો સાથે રમીશ.”

“ભલે.”

“અને કપ્તાન હાર્ડિંગ,” ખલાસી ઉત્સાહથી આગળ ઉમેરતો, તમે આ ટાપુના રાજ્યપાલ! કેટલી-- દસ હજારની વસ્તી અહીં રહી શકશે?”

“અને હું ‘ન્યુ લીંકન હેરાલ્ડ’ નામનું છાપુ કાઢીશ.” સ્પિલેટ કહેતો.

માણસનું હ્લદય આવું હોય છે. લાંબો સમય ટકી રહે એવુ કામ કરવાનું મન માણસને થાય છે. હું ન હોઉં પણ મારું કામ હોય એમ દરેક માણસ ઈચ્છે છે. માણસ જાતનું ચક્રવર્તીપણું આ લાગણીને આભારી છે. બીજા પ્રાણીઓ કરતાં માણસ આ કારણે શ્રેષ્ઠ ઠરે છે. આ કારણે તે જગત ઉપર પોતાનું સામ્રાજ્ય રચી શકે છે.

15મી ઓકટોબરે રાત્રે વાતચીત ચાલતી હતી. રાતના નવ વાગ્યા હતા. બધાને ઊંઘ આવવા માંડી હતી. ખલાસી ઊંઘવા માટે ઊભો થતો હતો. તે વખતે તારની ઘંટડી વાગી, તારની ઘંટડી ભોજનખંડમાં રાખી હતી.

બધાં ત્યાં હાજર હતા. હાર્ડિંગ, સ્પિલેટ, હર્બર્ટ, આયર્ટન, પેનક્રોફ્ટ, નેબ. પશુશાળાએ કોઈ ન હતું.

હાર્ડિંગ ઉભો થયો, તેના સાથીઓ એકબીજા સામું જોવા લાગ્યા.

“ઘંટડી કોણે વગાડી?” નેબે પૂછ્યું.

“ખરાબ હવામાનના કારણે એની મેળે વાગી હશે!” હર્બર્ટે કહ્યું.

ઈજનેરે નકારમાં માથું હલાવ્યું.

“થોભો,” સ્પિલેટે કહ્યું. “કોઈ તારનો સંદેશો આપી રહ્યું છે. ફરી ઘંટડી વાગશે.”

“પણ કોણ હશે?” નેબે પૂછ્યું.

“એ જ!” ખલાસીએ જવાબ આપ્યો. “બીજું કોણ?”

ખલાસીનું વાક્ય પૂરું થાય એ પહેલાં ફરીવાર ઘંટડી વાગી. હાર્ડિંગ યંત્ર પાસે ગયો. અને નીચેનનો પ્રશ્ન પશુશાળાએ મોકલ્યોઃ-

“તમારે શું કામ છે?”

થોડા સમય પછી યંત્રની સોય ફરવા માંડી અને પશુશાળામાંથી નીચેનો જવાબ મળ્યોઃ-

“પશુશાળાએ જલદી આવો!”

“અંતે!” હાર્ડિંગ બોલ્યો.

“હા! અંતે! ભેદ ઉકેલાવાની અણી ઉપર હતી. બધાને થાક અદશ્ય થઈ ગયો. બધા પશુશાળાએ જવા તૈયાર થઈ ગયા. થોડી ક્ષણોમાં તેઓ ગ્રેનાઈટ હાઉસની બહાર આવી ગયા. જપ અને ટોપ બે ગ્રેનાઈટ હાઉસમાં રહ્યાં. તેમને સાથે આવવાની જરૂર ન હતી.”

રાત અંધારી હતી. વાદળાંના થર તારાનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા દેતાં ન હતાં. વીજળીના ચમકારા થતા હતા. વાતાવરણ ખૂબ તોફાની હતું. મર્સી નદી વટાવીને બધા જંગલમાં પ્રવેશ્યા, અત્યારે બધા હંમેશ કરતાં બમણી ઝડપે ચાલતા હતા.

તેમની મનમાં લાગણીઓ ઊભરાતી હતી. રહસ્યનું નિવારણ હાથવેંતમાં હતું. બધાના મનમાં એ ઉદાર અને શક્તિશાળી માનવીના વિચારો આવતા હતા. શું તે ગ્રેનાઈટ હાઉસમાં થતી બધી વાતચીત સાંભળતો હતો; અને એથી જ ખરે વખતે એ મદદરૂપ બની શકતો હતો?

બધા ઝડપથી ચાલતા હતા. કોઈ કંઈ બોલતું ન હતું. સર્વત્ર શાંતિ હતી પંદર મિનિટ પછી ખલાસી બોલ્યો----

“આપણે ફાનસ લાવ્યા હોત તો ઠીક થાત.”

“પશુશાળામાં મળી રહેશે.” હાર્ડિંગે જવાબ આપ્યો.

નવ અને બાર મિનિટે બધા ગ્રેનાઈટ હાઉસમાંથી નીકળ્યા હતા. નવ અને સુડતાલીસે તેઓએ ત્રણ માઈલલનું અંતર કાપ્યું હતું. પશુશાળા અહીંથી બે માઈલ દૂર હતી. તોફાનનું જોર વધતું જતું હતું. તોફાન વધે એવો સંભવ હતો.

દસ વાગ્યે વીજળીના ચમકારામાં પશુશાળાના લાકડાની વાડ દેખાઈ એક મિનિટમાં હાર્ડિંગ ઓરડી પાસે પહોંચી ગયો.

કદાચ એ માનવી ઓરડીમાં હશે; કારણ કે, ત્યાંથી તેણે ટેલીગ્રામ કર્યો હતો. બારીમાં પ્રકાશ દેખાતો ન હતો. ઈજનેરે બારણે ટકોરા માર્યા.

અંદરથી જવાબ ન મળ્યો.

હાર્ડિંગે બારણું ઊઘાડી નાખ્યું. બધા અંદર પ્રવેશ્યા. અંદર અંધારું હતું. નેબે ફાનસ સળગાવ્યું. ઓરડીમાં પ્રકાશ ફેલાયો. ઓરડી સાવ ખાલી હતી. બધી વસ્તુો જે સ્થિતિમાં છોડી ગયા હતા એ સ્થિતિમાં જ પડી હતી.

“આપણે ભ્રમણાખી છેતરાયા?” હાર્ડિંગે પૂછ્યું.

“ના! એવું નથી! ટેલીગ્રામ સ્પષ્ટ હતો--”

“પશુશાળાએ જલદી આવો.”

ટેલીગ્રામનાં બધાં યંત્રો જે ટેબલ ઉપર રાખવામાં આવતા હતા ત્યાં બધા આવ્યા. હાર્ડિંગ કંઈક પૂછવા જતો હતો ત્યાં હર્બર્ટની નજર ટેબલ પર પડી.

ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી.

ચિઠ્ઠીમાં અંગ્રેજીમાં લખ્યું હતું.---

“નવા સાંધલા તારની પાછળ ચાલ્યા આવો.”

હાર્ડિંગ તરત જ સમજી ગયો કે ટેલીગ્રામ પશુશાળામાંથી કરવામાં નહોતો આવ્યો; પણ કોઈ રહસ્યમય સ્થળેથી કરવામાં આવ્યો હતો. એ સ્થળેથી સીધો જ ગ્રેનાઈટ હાઉસનો સંપર્ક થઈ શકે એ માટે જૂના તાર સાથે નવા તાર જોડવામાં આવ્યા હતા.

“આગળ ચાલો!” હાર્ડિંગે કહ્યું.

નેબે હાથમાં ફાનસ પકડી રાખ્યું. બધા પશુશાળા છોડીને આગળ વધ્યા. તોફાન અતિશય વધી ગયું હતું. ઈજનેર દોડીને તારના થાંભલા પાસે આવ્યો. ત્યાં તેણે જોયું કે નવો તાર થાંભલા પરથી નીચે લટકતો હતો.

“આ રહ્યો તાર!” હાર્ડિંગે કહ્યું.

તાર જમીન પર બિછાવ્યો હતો. બધા તારની સાથે સાથે આગળ વધવા લાગ્યા. તાર જંગલમાં થઈને ફેંકલીન પર્વતની દક્ષિણ તળેટી થઈને પશ્વિમ દિશા તરફ જતો હતો.

“તારની પાછળ પાછળ ચાલો!” હાર્ડિંગે આદેશ આપ્યો.

તારની નિશાનીએ નિશાનીએ બધા આગળ વધ્યા. આકાશમાં વીજળી સાથે ગડગડાટ થવા લાગ્યો. તાર પશુશાળાની ખીણ અને ધોધ નદી વચ્ચેથી સાંકડી નેળમાંથી પસાર થતો હતો. હાર્ડિંગે ધાર્યું કે ખીણને તળિયે તાર અટકી જશે. ભેદી માનવી ત્યાં રહેતો હશે. પણ એવું કંઈ બન્યું નહીં.

ખીણમાંથી વળી પાછું તેમને ઊંચે ચડવું પડ્યું. તેઓ વારંવાર તાર છે કે નહીં તેની ખાતરી કરી આગળ ચાલતા હતા. તાર ત્યાંથી સીધો જ સમુદ્ર તરફ જતો હતો. ત્યાં ખડકોની વચ્ચે એનું રહેઠાણ હશે.

વીજળીના ચમકારા ઉપરાઉપરી થયા કરતા હતા. જ્વાળામુખીમાંથી નીકળતો ધુમાડો આ ચમકારામાં દેખી શકાતો હતો. લગભગ અગિયાર વાગ્યે તેઓ દરિયાના પશ્વિમ કિનારે આવેલી એક 500 ફૂટ ઊંચી કરાડ પાસે આવી પહોંચ્યા. પશુશાળાથી તેઓ દોઢ માઈલ દૂર નીકળી ગયા હતા.

અહીંથી તાર ખડકમાં થઈને આગળ જતો હતો. બધા ખડકોની વચ્ચેથી પશ્વિમ કિનારા તરફ ચાલવ લાગ્યા. રસ્તો એવો જોખમી હતો કે જરાક ચૂકી જવાય તો સીધું દરિયામાં પડી જવાય. ઉતરાણ ખૂબ જ જોખમી હતું. પણ કોઈ ભયનો વિચાર કરતું ન હતું. બધા અગાધ આકર્ષણથી લોહચૂંબક લોઢાએ ખેંચે એમ, ખેંચાયે જતા હતા.

હર્ડિંગ સૌથી આગળ હતો. આયર્ટન સૌથી પાછળ, તેઓ એક પછી એક પગલાં ભરતા હતા.

અંતે દરિયાકિનારા પાસે આવી પહોંચ્યા. કિનારા ઉપર એક લાંબી અને ઊંચી ખડકની ધાર આવેલી હતી. તે ધાર ઉપર થઈને તાર આગળ જતો હતો. તેઓ સોએક પગલાં ચાલ્યા ત્યારે તે ધાર ધીરે ધીરે નીચી થઈ દરિયાની સપાટી સાથે મળી ગઈ.

ઈજનેરે તારને પકડીને જોયું તો અહીંથી તાર સમુદ્રનાં મોજાં નીચે અદશ્ય થઈ ગયો હતો.

બધા સ્તબ્ધ થઈને જોઈ રહ્યાં. બધા નિરાશ થઈ ગયા. શું તેમણે દરિયામાં પડીને અંદર રહેલી ગુફા શોધી કાઢવી? ઈજનેરે બધાને અટકાવ્યા. તે બધાને ખડકમાં આવેલા પોલાણ પાસે લઈ અને ત્યાં બધાને થોભવાનું કહ્યું.

“આપણે રાહ જોઈએ.” હાર્ડિંગ બોલ્યો. “ઓટ થતાં રસ્તો ખૂલશે.”

“એમ માનવીનું કારણ?” ખલાસીએ પૂછ્યું.

“તેણે આપણને બોલાવ્યા છે તો તેની પાસે પહોંચવાનું કોઈક સાધન પમ તેણે તૈયાર રાખ્યું હશે.”

હાર્ડિંગની વાત તર્કબદ્ધ હતી. પાણી ઊતરે ત્યારે કરાડની નીચે કોઈ રસ્તો ખૂલવાની સંભવના હતી. બધા રાહ જોવા લાગ્યા. ખડકની એક ઊંડી બખોલમાં બધા બેઠા. જોરદાર વરસાદ પડવા લાગ્યો. વાદળાના ધડાકાભડાકા અને વીજળીના ગડગડાટ થવા લાગ્યા.

બધા લાગણીભીના બની ગયા હતા. બધાને ચિત્રવિચિત્ર હજારો વિચારો આવતા હતા. કોઈક અલૌકિક અને દૈવીશક્તિવાળા માનવીને મળવાની તેમની અપેક્ષા હતી.

મધરાતે હાર્ડિંગ હાથમાં ફાનસ લઈને કિનારા નીચે તપાસ કરવા ગયો. પાણી નીચે એક ઊંડી ગુફા દેખાવી શરૂ થઈ હતી, એ ગુફામાં તાર જતો હતો. હાર્ડિંગ પોતાના સાથીદારો પાસે પાછો આવ્યો અને હજી એક કલાક રાહ જોવાનું કહ્યું.

“તો પછી, અહીં તે રહે છે?” ખલાસીએ પૂછ્યું.

“તમને કંઈ શંકા છે?” હાર્ડિંગે કહ્યું; પછી તે આગળ, બોલ્યો, “ કાં તો એ ગુફા સાવ ખાલી થઈ જતી હશે; એ સંજોગોમાં પગે ચાલીને અંદર જવાશે. અથવા અંદર પાણી હશે તો સફર માટે તે કોઈક સાધન જરૂર મોકલશે.”

એક કલાક પસાર થયો. બધા સમુદ્રમાં ઊતર્યાં. નીચે પાણીની સપાટી ઉપર આઠ ફૂટ ઊંચી પહોળી એક ગુફા દેખાઈ. કોઈ પુલની કમાન જેવો એનો દેખાવ હતો. અંદર પાણી ધસી જતું હતું.

નીચા નમીને આગળ જોયું તો એક હોડી તરતી હતી. તેમાં તળિયે બે હલેસાં પડ્યાં હતાં. હાર્ડિંગે હોડીની પાસે ખેંચી લીધી. બધા હોડીમાં બેસી ગયા. નેબ અને આયર્ટન હલેસાં મારવા શરૂ કર્યાં. ખલાસી સુકાન ઉપર બેઠો. હાર્ડિંગ હાથમાં ફાનસ લઈને આગળ બેઠો. તે રસ્તા પર પ્રકાશ ફેંકતો હતો.

હોડી ગુફામાં ચાલવા લાગી. ગુફામાં ગાઢ અંધકાર હતો. અને ફાનસનો પ્રકાશ ઘણો ઓછો હતો. એટલે ગુફાની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ અને તેના વિસ્તાર વિષે કંઈ કહી શકાય તેમ ન હતું. કાળમીંઢ પથ્થરની આ ગુફામાં ખૂબ શાંતિ હતી. બહાર થતા વાદળાના ગડગડાટ પણ અહીં પહોંચતા ન હતા.

આવી વિશાળ ગુફાઓ જગતના ઘણા ભાગમાં જોવા મળે છે. કેટલીક ગુફાઓ દરિયામાં છે તો કેટલીક ગુફાઓ સરોવરમાં છે. ફિંગાલની ગુફા સ્ટાફના ટાપુમાં આવેલી છે. મોરગટની ગુફા એક અખાતમાં આવેલી છે, આવી ગુફાઓ કોર્શિકામાં અને નોર્વેમાં પણ આવેલી છે. કેન્ટુકીની મહાકાય ગુફા પાંચસો ફૂટ ઊંચી છે અને વીસ માઈલ લાંબી છે.

આવી ગુફા જોવાનો બધાને માટે આ પહેલો પ્રસંગ હતો. આ ગુફા શું ટાપુના ઠેઠ મધ્યભાગ સુધી પહોંચતી હશે? 15 મિનિટ સુધી હોડી આગળ વધતી રહી. તાર પણ ખડક સાથે જોડાયેલો સાથે સાથે ચાલ્યો જતો હતો. બીજી પંદર મિનિટ આગળ વધ્યા ત્યારે ગુફાના મુખથી લગભગ અર્ધો માઈલનું અંતર કપાયું હતું. એ વખતે હાર્ડિંગે “થોભો” એમ કહ્યું.

હોડી ઊભી રહી. બધાએ જોયું તો ગુફામાં જોરદાર પ્રકાશ ફેલાયો હતો. આખી ગુફામાં આ પ્રકાશથી ઝળહળાટ થઈ ગયો હતો. ચારે બાજુ પ્રકાશના ફુવારા છૂટતા હતા. ગુફાનું સો ટકા ઊંચું છાપરું પ્રકાશ ઝળહળતું હતું. ગુફાના કોઈ ખૂણામાં જરાય અંધકાર ન હતો. પાણી ઉપર પમ તેજ છવાઈ ગયું હતું. ગુફાની દીવાલો ઉપર પ્રકાશનો ધોધ પડતો હતો.

ગુફા ખૂબ વિશાળ હતી અને એક નાનકડા સરોવર જેવી લાગતી હતી. આ પ્રકાશ વીજળી દ્વારા ઉત્પન્ન કરેલો હતો. હાર્ડિંગે નિશાની કરતાં હોડી આગળ વધી. સો ફૂટ દૂરથી પ્રકાશ આવતો હતો. અહીં ગુફાની પહોળાઈ ત્રણસો પચાસ ફૂટ હતી. સરોવરની મધ્યમાં એક સિગારેટના આકારનો લંબચોરસ પદાર્થ પાણીની સપાટી ઉપર તરતો હતો.

આ પદાર્થમાંથી વીજળીનો પ્રકાશ બહાર ફેંકાતો હતો. એ પદાર્થનો આકાર વિશાળ વ્હેલ માછલી જેવો હતો. એ પદાર્થ અઢીસો ફૂટ લાંબો હતો. પાણીની સપાટી ઉપર દસથી બાર ફૂટ ઊંચો તરતો હતો. હોડી ધીમે ધીમે એની પાસે પહોંચી. હાર્ડિંગ હોડીના આગલા ભાગમાંથી ઊભો થયો. તે અસાધારણ આશ્વર્ય સાથે જોઈ રહ્યો. પછી એકાએક સ્પિલેટનો હાથ પકડી બોલ્યોઃ

“એ જ છે! તેના સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં!”

તે બેઠક પર બેસી ગયો અને માત્ર સ્પિલેટ સાંભળી શકે એટલા ધીમા અવાજે એક નામ બોલ્યો. સ્પિલેટે એ નામ સાંભળ્યું હતુ. એ નામની તેના પર જાદૂઈ અસર થઈ. તેણે પૂછ્યું.

“આ તે માણસ છે?”

“હા, તે જ.” હાર્ડિંગે જવાબ આપ્યો.

ઈજનેરના આદેશથી હોડી તે તરતા સાધન પાસે પહોંચી હોડી તેના ડાબા પડખાને સ્પર્શી. હાર્ડિંગ અને તેના સાથીઓ તૂતક પર ચડી ગયા. ત્યાંથી એક ખુલ્લા ભાગમાં થઈને તેઓ નીચે ઊતર્યાં. ત્યાં એક નિસરણ હતી. તેના દ્વારા તેઓ નીચે ઊતર્યાં. નિસરણીને તળિયે એક ઓસરી જેવો ખુલ્લો ભાગ હતો. તેને વટાવીને તેઓ એક મોટા ખંડમાં પહોંચ્યા. એ ખંડ વીજળીના પ્રકાશથી ઝળહળતો હતો. તેમાં કિંમતી વસ્તુઓનો સંગ્રહ હતો. એ ખંડમાંથી તેઓ પુસ્તકાલયમાં ગયા. એ ખંડ પણ વીજળીથી પ્રકાશિત હતો.

પુસ્તકાલયમાંથી તેઓ એક મોટું બારણું ખોલીને એક બીજા ખંડમાં પ્રવેશ્યા. આ વિશાળ ખંડ સંગ્રહસ્થાન જેવો હતો. તેમાં કળાના નમૂનાઓ, ખનિજો અને કિંમતી રત્નો હતાં. જાણે કે તેઓ કોઈ જાદૂઈ પ્રદેશમાં આવી પડ્યા હોય એમ લાગતું હતું. ખંડની છત ઉપરથી વીજળીનો ઝળહળતો પ્રકાશ આખા ખંડમાં ફેલાતો હતો.

એ ખંડની વચ્ચે એક કિંમતી પલંગ ઉપર તેમણે એક માણસને સૂતેલો જોયો. એ માણસને આ બધાના આગમનનો ખ્યાલ ન હતો. પછી હાર્ડિંગે જરા મોટા અવાજે ક્હ્યું.--

“કપ્તાન નેમો, આપે અમને બોલાવ્યા હતા! અમે આવ્યા છીએ!”

હાર્ડિંગના સાથીદારો ભારે આશ્વર્યથી આ શબ્દો સાંભળી રહ્યાં.

***