GEBI GIRNAR RAHASYAMAY STORY 2 books and stories free download online pdf in Gujarati

ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨)

 * ગેબી ગીરનાર - એક રહસ્ય -૨
      
        સાંજના પાંચેક વાગ્યે હું બાંટવા પહોંચ્યો, આખા રસ્તે હું મને થયેલા આવા અનુભવ વિશે વિચારતો રહ્યો. કોઈ લેખકે કહ્યું છે કે આપણી સાથે કોઈ બનાવ બનવાનો હોય તો કૂદરત એના વિશે સતત આપણને સંકેતો આપે છે પરંતુ મોટેભાગે આપણે તેના વિશે જાણી શકતા નથી અને આવા સંકેતો ને લક્ષમાં પણ લેતાં નથી‌‌..

       ઘરે પહોંચીને બધાને મળ્યો, આશિષભાઈ સિવાય બધા વાડીએ ગયા હતા. ફઈએ ચા-પાણી બનાવ્યા તે પી ને હું અને આશિષભાઈ ઘણા સમય પછી મળ્યા હોવાથી વાતોએ વળગ્યા. ઘણીબધી આડી અવળી વાતો પછી અમે બંને પણ વાડીએ ગયા.

       અમે ચાલીને વાડીએ જતા હતા ત્યાં રસ્તામાં બજાર વચ્ચે એક જોગી મહારાજનો ભેટો થયો. માથે લંબગોળાકાર જટા અને કપાળ પર ત્રીપુડ અને ભભૂત લગાવેલી તેમજ હાથમાં કમંડળ શોભી રહ્યું હતું. એમની આંખોમાં ગજબની ચમક હતી જાણે કે સામેના વ્યક્તિને પોતાની નજરના તેજથી પોતાની તરફ આકર્ષિત કરી શકે એવો એમનો પ્રભાવ હતો.

         સ્વભાવ વશ એ જોગી મહારાજને પ્રણામ કરીને અમે આગળ ચાલવા જતા હતાં ત્યાં એ મહારાજ અમારી નજીક આવ્યા અને બોલ્યા, " અલખ નિરંજન, જય ગીરનારી! ".

    તેમણે કમંડળ પકડેલા હાથને અમારી તરફ લંબાવી અને કહ્યું કે, " કલ્યાણ હો બચ્ચા! ગીરનારી મહારાજ તુમ્હારી રક્ષા કરે! " એટલું બોલીને મુખ પર અજીબ પ્રકારની મુસ્કાન સાથે તેઓ સીધા રસ્તે ચાલતા થયા. 

   હું અને આશિષભાઈ ઘડીભર ત્યાં સુનમૂન થઈને ઊભા રહ્યાં. પછી અચાનક તંદ્રામાંથી જાગ્યા હોય એમ ચાલતા થયા. મને મસાલો ખાવાની આદત હોવાથી દૂકાનેથી મસાલો લઈને અમે વાડીએ પહોંચ્યા..

     વાડીએ ફૂઆ તેમજ તેમના ભાઈઓ અને બીજા બધા ભાવેશ, રાહુલ, મનોજ, કલ્પેશ તેમજ ભાવેશના કાકા-બાપાના છોકરાઓને મળ્યો. 

    ઠંડીની ઋતુ હોવાથી તેમજ સુર્યદેવ પણ અસ્ત થવાની તૈયારી હોવાથી ઠંડો વાયરો વાય રહ્યો હતો. અમે બધાએ ચાર-પાંચ ખાટલા ઢાળીને મંડળી જમાવી. ફુઆએ ઘરે બધાનાં ખબર અંતર પૂછ્યા તેમજ ત્યાં ફરી એક વખત અમારા બધા માટે ચા બની‌. ચાની ચૂસકીઓ સાથે અમે ઘણી બધી વાતો કરી. લગભગ બે કલાક જેટલો સમય ત્યાં વિતાવીને અંધારું થયા બાદ અમે બધા જમવા માટે ઘરે આવવા નીકળ્યા. આજે બધા સાથે હોવાથી સૂવાનો પ્રોગ્રામ પણ વાડીએ જ હતો. અને આમ પણ આવી મોસમમાં ખૂલ્લામાં સુવાની મજા કંઈક અલગ જ હોય છે.

          ચાલતાં - ચાલતાં મારા મગજમાં હજુ જોગી મહારાજના વિચારો ઘુમી રહ્યા હતાં, જોગી મહારાજની એ અચાનક થયેલી મુલાકાતે અને એમના દ્વારા કહેવામાં આવેલાં શબ્દોએ મને વિચારતો કરી મૂક્યો હતો. બીજા બધા વાતો કરતા ચાલી રહ્યા હતા એટલામાં અમે ઘરે પહોંચી ગયા.

         આજે અમારા બધા માટે લાડવા તેમજ ચટણી-ભજીયા, પુરી - શાક એવું બધું બનાવ્યું હતું. હાથ - મોં ધોઈને બધા જમવા માટે ગોઠવાયા, જમતાં - જમતાં પણ અલક મલકની વાતો અને ટીખળ મશ્કરીતો ચાલુ જ હતાં. એકબીજાએ આગ્રહ કરી કરીને એક એક લાડુ વધારે ખવડાવ્યો. જમવાની પણ ખૂબ મજા આવી. 

          જમીને થોડીવાર બધા ટી.વી. સામે ગોઠવાયા. ત્યારબાદ ફોઈ અને એ બધા જમ્યા, હજુ તો એ લોકોને જમીને અમારા માટે નાસ્તો બનાવવાનો હતો. 

     બધાએ જમી લીધા બાદ અમારા માટે તીખા પરોઠા, તીખી પુરી, ચવાણું એવું ઘણું બધું બનાવ્યું. 

  મેં કહ્યું, " અમારે ખાલી એક જ દિવસ ફરવા જવાનું  છે અને તમે તો આટલો બધો નાસ્તો બનાવી નાખ્યો."

  ફોઈ એ કહ્યું, " ભલે ને હોય, હોય તો ખાવા થાય ને! "

ત્યારે અમને નહોતી ખબર કે આ નાસ્તો અમને કેટલો કામ આવવાનો છે. 

  અમે બજારમાંથી નાન ખટાઈ , ચીકી એવું બીજું ઘણું લીધું હતું, હજુ સવારે છાશ અને દહીં પણ અમારે લઈ જવાના હતા.

    રાતે અગિયાર વાગ્યાની આસપાસ અમે લોકો સુવા જવા માટે નીકળ્યા.

  વાડીએ પહોંચીને અમે પોત પોતાની પથારીઓ તૈયાર કરી, પછી બધા બેસીને વાતો કરવા લાગ્યા.

મેં અચાનક મનોજભાઈના પગના અંગૂઠા તરફ જોયું, ત્યાં કશુંક લાગેલું હોવાથી પટ્ટી મારેલી હતી. 

મેં અમસ્તાં જ સવાલ કર્યો, "મનોજભાઈ આ અંગુઠામાં શું થયું?"

કલ્પેશભાઈ એ કહ્યું, " કંઈ નહીં એ તો જ્યારે સવારે અમે અહીં આવવા માટે રવાના થયા ત્યારે ઘરના ઉંબરામાં જ એને જોરદાર ઠેસ વાગી હતી." 

   " પપ્પાએ તો એવું કીધું હતું કે આ એક અપશુકન ગણાય " આશિષભાઈ એ કહ્યું. 

એમની વાત સાંભળી મને જોરદાર આંચકો લાગ્યો. પણ તે વખતે જાણવા છતાંય મને થયેલો અનુભવ કોણ જાણે કેમ હું કહી શક્યો નહીં.

       સવારે ૪ વાગ્યે ઉઠવાનું હોવાથી બધા સૂઈ ગયા. 

મેં ઉપર દેખાતા આકાશ તરફ દ્રષ્ટિ કરી. એક ગજબનું ઊંડાણ એમાં મને દેખાયું, શિયાળાનું સુંદર આકાશ ત્યારે મને ડરામણું લાગ્યું અને મેં તરત જ માથે ચાદર ઓઢી લીધી..

( વધુ આવતા અંકે )

       એ જોગી મહારાજ કોણ હતા? કેમ એ એવું બોલ્યા?? હું શા માટે મારો અનુભવ મિત્રોને કહી ના શક્યો?? જાણવા માટે વાંચતા રહો ' ગેબી ગીરનાર ' ના આવનારા અંકો...સ્ટોરી વાંચીને આપનો પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં..જેથી આગળ વધુ સારું લખવામાં પ્રેરણા મળે‌.