Kobij ni Navi Vangio books and stories free download online pdf in Gujarati

કોબીજની નવી વાનગીઓ

કોબીજની નવી વાનગીઓ

સંકલન – મિતલ ઠક્કર

કોબીજનું એકનું એક શાક કે સંભારો ખાઈને કંટાળ્યા હોય તેમના માટે સરસ મજાની વાનગીઓ વેબ સોર્સથી શોધી સંકલિત કરીને આપી છે. તમને જાણીને નવાઇ લાગશે કે કોબીજમાંથી આટલી બધી વૈવિધ્યસભર ચટાકેદાર અને મસાલેદાર વાનગીઓ પણ બની શકે છે! અને સ્વાદમાં પણ ઉત્તમ છે. પત્તાગોબી તરીકે પણ ઓળખાતી કોબીજ સ્વાદમાં મીઠી અને તાસીરમાં ઠંડી હોવાથી શરીરમાં રસ અને રક્ત જેવી ધાતુઓની વૃદ્ધિ કરે છે. કોબી ઉત્તેજક હોવાથી રુધિરાભિસરણ સરળ કરે છે. કોબીજ વજન ઘટાડવામાં ખૂબ લાભકારી છે. આ માટે કોબીજને ઉકાળો અને સૂપ બનાવીને પી લો. નહીંવત કેલેરી ધરાવતી કોબીમાં વિટામિન-સી ની માત્રા વધુ હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને શરીરને સુરક્ષિત રાખે છે. ઉપરાંત બી ૬ અને ફોલેટ પણ મળે છે. મેટાબોલિઝમ માટે કોબી ઉપયોગી બને છે. કોબી પચવામાં હલકી હોય છે. કફ અને પિત્તની બીમારીઓમાં કોબી ખાઈ શકાય. ડાયાબિટીસ અને કિડનીની તકલીફોમાં પણ કોબી ખાઈ શકાય. વાયુની તકલીફ હોય ત્યારે કાચી કોબી ન ખાવી. સલાડમાં કાચી કોબી ન લેવી. હંમેશાં કોબીને તેલમાં હિંગનો વઘાર કરીને અધકચરી બાફેલી હોય એવી જ લેવી. દક્ષિણમાં તો રાઇ અને સૂકા લાલ મરચાના વઘારથી તૈયાર કરેલી કોબી જમણમાં મજેદાર ગણાય છે. ચાઇનીઝ વાનગીઓ સાથે કોબીનું સલાડ ના હોય તો અધૂરી ગણાય છે.

* ગ્રીન કેબેજ સલાડની સામગ્રીમાં ૧/૨ નાની ગ્રીન કોબી, ૧ મધ્યમ કદની ડુંગળી, લીલા ધાણા, ૧/૪ લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર લઇ રાખો. પ્રથમ કોબી અને ડુંગળીને ઝીણી સમારી લો. લીલા ધાણાને પણ ઝીણા સમારી લો. આ બધાને મિક્સ કરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેના પર લીંબુનો રસ છાંટો. આ બધાને બરાબર હલાવો જેથી મીઠું અને લીંબુનો રસ ભળી જાય.

* કોબીના પકોડા બનાવવા સૌપ્રથમ કડાઇમાં ૧ ટી સ્પૂન ઘી ગરમ કરીને જીરાનો વઘાર કરો. તેમાં ૧ કપ છીણેલી કોબીજ, ૧ કપ દૂધીનું છીણ અને બે ટીસ્પૂન આજીનો મોટો નાખીને થોડો સમય ચઢવા દો. એ પછી તેમાં ૧ નંગ બાફેલાં બટાકાનો છુંદો, ૧ કપ છીણેલું પનીર, ૪ નંગ લીલા મરચાં, ૧ કપ સમારેલી કોથમીર અને મીઠું ઉમેરીને મિકસ કરો. મિશ્રણ ઠંડુ પડે એટલે તેને ગોળ આકાર આપો. હવે ચણાના લોટમાં ૧ ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું નાખી પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. બોલ્સને તેમાં બોળીને તેલમાં તળો. બદામી રંગના થાય ત્યાં સુધી તળી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

* કોબી- મૂળાના થેપલા બનાવવા ૨ કપ ઘઉંનો લોટ, ૧/૪ કપ દહીં, ૧ ચમચી કોથમીર સમારેલી, મીઠું સ્વાદાનુસાર, મસાલા માટે-૧ કપ મૂળાનું છીણ, ૧ કપ કોબીનું છીણ, ૧ ટેબલસ્પૂન ડુંગળી ઝીણી સમારેલી, ૧/૪ ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન હળદર, ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર, ૧/૨ ટીસ્પૂન જીરૂં, ૧ ચપટી હિંગ, ૧ ટીસ્પૂન રાઈ લઇ સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. કાચી સુગંધ જાય એટલે તેમાં કોબી અને મૂળાનું છીણ ઉમેરીને સાંતળો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, હિંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણ એકદમ ડ્રાય બની જાય અને ચઢી જાય ત્યાં સુધી સાંતળો. આ પ્રક્રિયામાં લગભગ પાંચેક મિનિટ જેટલો સમય લાગશે. હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. આ દરમિયાન એક મોટા બાઉલમાં લોટ ચાળી લો. તેમાં દહીં, કોથમીર અને તૈયાર કરેલો મૂળા-કોબીવાળો મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરો. એકવાર ચાખી લો, જો લાગે તો મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં બે ચમચી મોણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ જરૂર પૂરતું પાણી ઉમેરીને થેપલા માટેનો લોટ બાંધો. આ લોટને ઢાંકીને અડધા કલાક માટે મૂકી દો. અડધા કલાક બાદ તેમાંથી નાના-નાના લુઆ તૈયાર કરી લો. ત્યાર બાદ એક નોન સ્ટિક તવીને ગરમ કરવા માટે મૂકો. ગરમ થાય એટલે તૈયાર કરેલા લુઆને અટામણમાં રગદોળીને વળી લો. તવી નીચેનો ગેસ ધીમો કરી દો. તવીને થોડુંક તેલ લગાવીને ગ્રીસ કરી લો. હવે તૈયાર કરેલા થેપલાને તેમાં નાખીને શેકો. બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે શેકવા. ચા સાથે સર્વ કરો.

* કેબેજ સલાડ બનાવવા નાની કોબીને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. કડક થાય એટલે પાણી નિતારી લેવું. ૨ ગાજરને છોલી વચ્ચેનો સફેદ-લીલો ભાગ ન આવે તેમ છીણી લેવું. ૨ ટામેટાંના કટકા કરવા. બધુ ભેગું કરી, સલાડ ડ્રેસિંગ નાખવું. એક બાઉલમાં સલાડનાં પાન ગોઠવી, સલાડ મૂકી, ઉપર ૨ કેપ્સીકમની રિંગ, ૨ લીલી ડુંગળીની રિંગ, ૧ સફરજનની ચીરી (લીંબુનો રસ છાંટેલી) અને અખરોટના કટકાથી સજાવટ કરી ફ્રિજમાં મૂકી, ઠંડું કરી પીરસવું.

* કોબી શેઝવાન બાઈટ્સ બનાવવા ૧ કપ કોબી ઝીણી સમારેલી, ૧ નંગ ગાજર ઝીણું સમારેલું, ૩-૪ નંગ ફણસી ઝીણી સમારેલી, ૨ મોટા ચમચા કોર્ન ફ્લૉર, ૨-૩ નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, ૫-૬ નંગ ઝીણું સમારેલું લસણ, ૨ મોટા ચમચા શેઝવાન સૉસ, સ્વાદ પ્રમાણે મરી પાઉડર, મીઠું અને તેલ લો. બનાવવાની રીતમાં એક બાઉલમાં ઝીણી સમારેલી કોબી, ગાજરનું છીણ, ફણસી લો. તેમાં કોર્ન ફ્લૉર, મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું ભેળવો. જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લો. તેલ ગરમ કરો. તેમાં મિશ્રણમાંથી નાના ગોળા બનાવીને તળી લો. બીજી કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. લીલા મરચાં અને શેઝવાન સૉસ નાંખીને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલા બૉલ્સ નાખીને બરાબર હલાવી લો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

* હરાભરા મૂઠિયા બનાવવા ત્રણ બાઉલ ભાખરીનો લોટ પાંચસો ગ્રામ દૂધી, અડધો નંગ કોબી, એક બાઉલ કોથમીર સમારેલી, વધેલા ભાત, અજમો, તલ, હળદર, મીઠું, મરચું પાવડર, લીલા મરચાં, લસણ, ધાણાજીરૂં, ખાટું દહીં, તેલ, સાજીના ફૂલ લઇ સૌપ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં દૂધી અને કોબીને છીણી લો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ઠંડો ભાત ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ભાખરીનો લોટ, હળદર, મીઠું, લાલ મરચું, તેલ, જીરૂં, અજમો, લસણ-મરચાંની પેસ્ટ, દહીં અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મોણ માટેનું તેલ ઉમેરીને હાથથી બરાબર ચોળી લો. બધું જ એકબીજામાં મિક્સ થઈ જાય એ રીતે બરાબર મિક્સ કરી લો. હવે જો જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરીને હાથથી મૂઠિયા વણી લો. આ મૂઠિયાને ડાયરેક્ટ મૂઠિયાના કૂકરના થાળ પર મૂકો. બધા મૂઠિયા વળાય જાય એટલે કૂકરમાં પાણી ભરીને તેને બાફવા માટે મૂકો. મૂઠિયા બફાય જાય એટલે તેને વઘારવાની તૈયારી કરો. મૂઠિયા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લો. ત્યાર બાદ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને હિંગ નાખીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમા મૂઠિયા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મૂઠિયા બરાબર વઘારાઇ જાય એટલે તેના પર કોથમીર ભભરાવીને ગરમા-ગરમ મૂઠિયાને ચટણી સાથે સર્વ કરો.

* કોબીના વડા બનાવવા સામગ્રીમાં ૧/૨ કપ અડદની દાળ, ૧ કપ ઝીણી સમારેલી કોબી, ૧ ટીસ્પૂન આદુંની પેસ્ટ, ૩ નંગ લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન કોથમીર સમારેલી ૮ થી ૧૦ પાન મીઠા લીમડાના, ૧/૨ ટીસ્પૂન જીરૂં, ૧ ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે લઇ સૌપ્રથમ અડદની દાળને 2 થી 3 કલાક માટે પલાળી દો. ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી નીતારી લો. હવે તેને મિક્ષરમાં ક્રશ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. જો જરૂર લાગે તો તેમાં એકથી બે ચમચી પાણી ઉમેરો. આ પેસ્ટ એકદમ ઘટ્ટ રાખવી. હવે તેમાં જરૂર પડે તો ઝીણી સમારેલી કોબી, લીલા મરચાં, કોથમીર સમારેલી, મીઠો લીમડો, આદુંની પેસ્ટ, જીરૂં, હિંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે એક ઉંડી કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી ગોળ બોલ બનાવો. આ બોલમાં વચ્ચે કાળું પાડીને તેને ગરમ તેલમાં તળો. આ રીતે એક એક કરીને વડા તેમાં ઉમેરો. બધા જ વડાને ધીમા તાપે તળવા જેથી કરીને તે એકદમ ક્રિસ્પી તળાય. બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળી લો. ગરમા-ગરમ વડાને સવારે ચા સાથે સર્વ કરો. આ સિવાય તેને તમે ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો.

* કોબી કટલેસ માટે સામગ્રીમાં સો ગ્રામ મિક્સ કઠોળ, એક ટીસ્પૂન ચાટ મસાલો, એક ટીસ્પૂન ધાણા પાવડર, એક ટીસ્પૂન જીરૂં પાવડર, પા કપ કોબીનું છીણ, પા કપ ગાજરનું છીણ, એક નંગ ડુંગળી સમારેલી, બે નંગ લીલા મરચાં સમારેલા, અડધા ઈંચનો નાનો ટુકડો આદુનો, એક ટીસ્પૂન લીંબુનો રસ, અડધો કપ બ્રેડ ક્રમ્સ, ચાર નંગ મધ્યમ કદના બટાટા બાફીને છૂંદો કરેલા લઇ સૌપ્રથમ મિક્સ કઠોળને બાફી લો. જ્યારે તે ઠંડા થાય ત્યારે તેમને છૂંદો કરી લો. હવે તેમાં ચાટ મસાલો, ધાણા પાવડર, જીરૂં પાવડર, કોબી, ગાજર, ડુંગળી, લીલા મરચાં, આદું, લીંબુનો રસ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. હવે બાફેલા બટાટાના છૂંદામાં થોડું મીઠું અને બ્રેડ ક્રમ્સ નાખીને બરાબર મિક્સ કરી લો. તેના નાના ગોળા બનાવી લો. દરેક ગોળામાં હાથ વડે હોલ કરીને તેમાં કોબીવાળું મિશ્રણ ભરો. ફરીથી તેનો બોલ વાળી લો. હવે તેને ધીમેથી દબાવીને કટલેસનો આકાર આપો. આ રીતે જ બધી કટલેસ તૈયાર કરો. એક નોન સ્ટિક પેનમાં બધી જ કટલેસને સેલો ફ્રાય કરી લો. સ્વાદિષ્ટ કટલેસને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

* કોબી સ્ટફ્ડ પરાઠા બનાવવા 300 ગ્રામ કોબી, બે કપ ઘઉંનો લોટ, ત્રણ-ચાર ટેબલસ્પૂન તેલ, બે-ત્રણ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, બે ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધી ચમચી આદુની પેસ્ટ, પા ચમચી જીરું, અડધી ચમચી ધાણાજીરું, પા ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું લઇ સૌપ્રથમ એક મોટા બાઉલમાં લોટ લો. ત્યરબાદ અંદર અડધી ચમચી મીઠું અને બે ચમચી તેલ મિક્સ કરી દો. ત્યારબાદ થોડું-થોડું પાણી એડ કરી પરાઠા માટે સોફ્ટ લોટ બાંધી દો. લોટને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ માટે સેટ થવા મૂકી દો. આ દરમિયાન સ્ટફિંગ બનાવી લો. કોબીનાં પાન છૂટાં પાડી દો. ઉપરનાં ત્રણ-ચાર પાન કાઢી લેવાં. ત્યારબાદ બાકીનાં પાનને નવશેકા પાણીમાં થોડું મીઠું નાખી અંદર ડુબાડી રાખો. 10 મિનિટ બાદ કોબીનાં પાનને આ પાણીમાંથી કાઢી લો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઇને બધું જ પાણી નીતારી લો. પાણી સૂકાઇ જાય એટલે સ્વચ્છ કપડાથી એકવાર લૂછી લેવાં. ત્યારબાદ થોડાં-થોડાં પાન લઈ ઝીણાં કાપી લો. ત્યારબાદ એક પેન ગરમ કરવા મૂકો અને અંદર બે ચમચી તેલ લો. તેલ ગરમ થઈ જાય એટાલે અંદર જીરું નાખો. ધીમા ગેસ પર જીરું શેકી અંદર આદુની પેસ્ટ, લીલું મરચું, ધાણાજીરું અને લાલ મરચું નાખો અને મસાલા થોડા શેકી લો. ત્યારબાદ કોબીને અંદર નાખી બધું જ બરાબર મિક્સ કરી લો. છેલ્લે અડધી ચમચી મીઠું નાખો અને હલાવતાં-હલાવતાં માત્ર બે મિનિટ ચઢવો. ત્યારબાદ કોથમીર નાખી એક મિનિટ વધુ ચઢવો. ત્યારબાદ ગેસ બંધ કરી સ્ટફિંગ એક બાઉલમાં કાઢી લો. લોટ સેટ થઈ જાય એટલે હાથ તેલવાળો કરી થોડો મસળી લો. ત્યારબાદ એક ગોળ લુવો બનાવી અટામણ લઈ વણો. ઉપર થોડું તેલ લગાવી ફેલાવી દો. ત્યારબાદ અંદર થોડું સ્ટફિંગ ફેલાવી દો અને પેક કરી દો. ત્યારબાદ ફરી અટામણ લગાવી પહેલાં હાથથી થોડો થેપી લો. જેથી સ્ટફિંગ બરાબર ફેલાઇ જાય. ત્યારબાદ વેલણાથી થોડો વણી લો. ગેસ પર તવી ગરમ કરી થોડું તેલ લગાવી દો. ત્યારબાદ પરાઠો શેકવા મૂકો. એકબાજુ થોડો શેકાય એટલે પલટી દો અને બીજી બાજુ પણ તેલ લગાવો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ડઘ પડે એટલો શેકો. આ જ રીતે બધા જ પરાઠા બનાવી લો. કોબી પરાઠાને દહીં, ચટણી, અથાણું કે ગરમા-ગરમ ચા-કૉફી સથે સર્વ કરી શકો.

* તરલા દલાલના મતથી ટૂંકા સયમાં ડીનર માટે "કેબેજ રાઇસ" એક ઉત્તમ વાનગી છે. જે ૧૫ મિનિટમાં બની જાય છે. એ માટે એક ખુલ્લા નોનસ્ટીક પેનમાં બે ટીસ્પૂન માખણ ગરમ કરી તેમાં અડધો કપ ઝીણા સમારેલા કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧થી ૨ મિનિટ સાંતળી લો. એ પછી પા કપ ખમણેલી કોબી અને અડદો કપ ઝીણા સ્લાઇસ કરેલા સીમલા મરચા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સાંતળી લો. છેલ્લે તેમાં પા કપ રાંધેલા બાસમતી ચોખા ૧/૨ ટીસ્પૂન મરીનો તાજો પાવડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ માટે રાંધી લો. અને તેના પર ખમણેલું ચીઝ નાખીને સર્વ કરો.

* કોબીના કરકરા સમોસા બનાવવા એક નંગ નાની કોબી, બે કપ મેંદો, એક નંગ મધ્યમ કદની ડુંગળી, એક નાનો ટુકડો આદું, ત્રણ નંગ લસણની કળી, બે મધ્યમ કદના બટાટા બાફેલા, પા કપ વટાણા બાફેલા, એક ટીસ્પૂન લાલ મરચું પાવડર, એક ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, અડધી ટીસ્પૂન લીંબુનો રસ, એક ટીસ્પૂન કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર મુજબ લઇ સૌપ્રથમ મેંદામાં મીઠુ અને તેલ નાંખીને નરમ કણક બાંધી લો. ત્યાર બાદ તેને કપડામાં ઢાંકીને થોડી વાર માટે મૂકી રાખો. હવે એક નોન સ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી નાખીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં આદું અને લસણ નાખીને એકાદ મિનિટ માટે સાંતળો. હવે તેમાં કોબી, બટાટા, લીલા વટાણા અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણને પાંચ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો. હવે બાંધેલા લોટમાંથી લીંબુના આકારનો લુઓ લો. તેમાંથી પુરી વણી લો. આ દરેક પૂરીમાં તૈયાર કરેલું મિશ્રણ ભરીને સમોસા આકારની બંધ કરી દો. આ રીતે જ બધા સમોસા તૈયાર કરી લો. આ દરમિયાન તળવા માટે તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલા સમોસા લાઈટ બ્રાઉન રંગના તળી લો. ટેસ્ટી સમોસાને ચટણી સાથે સર્વ કરો.

* કોબીજ પનીર પાલક પુલાવ બનાવવા એક કપ કોબીજ છીણેલું, એક કપ પાલક, અડધો કપ પનીર છીણેલું, બે ટીસ્પૂન તેલ, એક ટીસ્પૂન શિંગ, એક કપ ચોખા, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, તજ, લવિંગ, તમાલ પત્ર, કોથમીર, મીઠો લીમડો લઇ સૌપ્રથમ કોબીજ અને પાલકની ભાજી સાફ કરી લો. પાલકને ઝીણી સમારી લેવી. કોબીજને છીણી લેવી. પછી તેને તપેલીમાં અધકચરું બાફી લેવું. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં હિંગ, લવિંગ, તમાલપત્રનો વઘાર કરો. બફાઈ ગયેલા કોબીજ અને પાલક ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં મીઠું, મરચું, વાટેલા આદુ-મરચાં ઉમેરી બરાબર હલાવવું. પાલક અને કોબીજનું પાણી બળી જાય પછી તેમાં છીણેલું પનીર અને શિંગના દાણા નાખી ફરીથી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં બફાઈ ગયેલા ભાત નાખી હલાવવું. કોથમીર ભભરાવી ટેસ્ટી પુલાવને ગરમા-ગરમ પીરસવું.