Bhedi Tapu - Khand - 3 - 6 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 6

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(6)

હર્બર્ટને ગોળી વાગી

બધાએ નક્કી કર્યું હતું કે એકવાર આખા ટાપુની રજેરજ જમીન તપાસી લેવી. આ કાર્ય અત્યારે મહત્વનું હતું. તેની પાછળ બે ઉદ્દેશ હતા; એક તો રહસ્યમય માનવીને શોધી કાઢવો; અને બીજું, પેલા છ ચાંચિયાઓનું શું થયું એ પણ જાણવુ જરૂરી હતું. તેમણે ક્યાં આશરો લીધો છે, કેવું જીવન તેઓ ગાળે છે અને હવે તેઓ કેવું નુકસાન કરી શકે તેમ છે, આ બધાની તપાસ કરવી આવશ્યક હતી.

હાર્ડિંગ તો જરાય વિલંબ કર્યા વિના શોધખોળ માટે નીકળી પડવા ઈચ્છતો હતો. પણ આ શોધખોળનું કાર્ય કેટલાક દિવસ સુધી ચાલે તેમ હતું. આથી બધી તૈયારી કરીને નીકળવું યોગ્ય હતું. ગાડામાં બધી વસ્તુઓ સાથે લઈ, પડાવ નાખવામાં સરળતા રહે એવી ગોઠવણ કરવાની હતી. વળી એક રોઝને પગે ઈજા થઈ હતી. એટલે એ સાજું થાય ત્યાં સુધી વાટ જોવી પડે તેમ હતી.

આથી, એક અઠવાડિયા પછી, વીસમી નવેમ્બરે નીકળવાનું નક્કી થયું. હવામાન સરસ હતું. ઉનાળો હોવાથી દિવસો ખૂબ લાંબા હતા. એટલે ટાપુની શોધખોળ માટે ખૂબ અનુકૂળ હતો. રહસ્યમય માનવી જડે કે ન જડે, પણ બીજા ઘણા ફાયદા થાય એમ હતા.

નીકળવા આડે નવ દિવસ બાકી હતા એટલે ઉચ્ચપ્રદેશમાં બધાં કામ પૂરા કરી લેવાં એવું નક્કી થયું. વળી આયર્ટન પશુશાળામાં પાછો ફરે એ જરૂરી હતું. એટલે તે બે દિવસ ત્યાં રહે એમ ઠર્યું. અને તે પછી તબેલાની વ્યવસ્થા બરાબર થઈ જાય એટલે એ ગ્રેનાઈટ હાઉસમાં પાછો આવી જાય.

તે નીકળવાનો હતો ત્યારે હાર્ડિંગે તેને પૂછ્યું કે કોઈનો સંગાથ તે ઈચ્છે છે? કારણ કે ટાપુની સલામતી ભયમાં હતી. જો કે, આયર્ટને એકલા જવાનું પસંદ કર્યું. એને એવો કોઈ ભય દેખાયો નહીં. છતાં જો પશુશાળામાં કંઈ બને તો તે ગ્રેનાઈટ હાઉસમાં તરત જ તારથી ખબર આપશે.

નવમી તારીખે આયર્ટન સવારે ગયો. પશુશાળાએ પહોંચીને તેણે તરત જ તારથી સંદેશો મોકલ્યો કે અહીં બધુ બરાબર છે.

આ બે દિવસો દરમિયાન હાર્ડિંગે ગ્રેનાઈટ હાઉસના રક્ષણની વ્યવસ્થા કરી. પહેલાં તો સરોવરવાળો રસ્તો દેખાય નહીં તે રીતે બંધ કરી દેવાનું નક્કી કર્યું. ઉપાય સાવ સરળ હતો. સરોવરની સપાટી ત્રણેક ફૂટ ઊંચી લાવવાની જરૂર હતી. આ માટે તેણે પાણી જ્યાંથી વહી જતું હતું. ત્યાં બે ડેમ બાંધ્યા. એક ધોધ પાસે અને એક નદી પાસે. આ બંધ આઠ ફૂટ પહોળા અને ત્રણ ફૂટ ઊંચા હતા. મોટા ખડકો ચણા લેવામાં આવ્યા. આ કામ પૂરું થયા પછી સરોવરને રસ્તે ગ્રેનાઈટ હાઉસમાં જઈ શકાય છે એ જાણે બીજાને થાય તેમ ન હતી.

જો કે ગ્રેનાઈટ હાઉસમાં પાણીની નીકની વ્યવસ્થા અને લિફ્ટની વ્યવસ્થાને આંચ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું. જ્યારે જરૂર ન હોય ત્યારે લિફ્ટને હટાવી શકાતી હતી. આથી કોઈ ગ્રેનાઈટ હાઉસમાં ઘૂસી જાય એવી શક્યતા ન હતી. આ કામ ઝડપથી પતાવવામાં આવ્યું.

વચ્ચે ત્રણ જણા બલૂન બંદરે જઈ આવ્યા. ખલાસીનો જીવ પોતાના વહાણમાં વળગ્યો હતો. ચાંચિયાઓએ તેને નુકસાન તો નહીં કર્યું હોય ને? એ ચિંતા તેને કોરી ખાતી હતી. ખલાસીનો ભય અસ્થાને ન હતો. એટલે બલૂન બંદરની મુલાકાત જરૂરી લાગી. દસમી નવેમ્બરે જમ્યા પછી સજ્જ થઈને ત્રણેય નીકળી પડ્યાં. પેનક્રોફ્ટે રાયફલમાં ગોળીઓ ભરી લીધી. સ્પિલેટ અને હર્બર્ટ પણ બંદૂક લઈને તૈયાર થયા; અને બપોરે ત્રણ વાગ્યે આ ત્રણ જણા રવાના થયા.

બલૂન બંદર માત્ર સાડા ત્રણ માઈલ જ દૂર હતું. તેઓ ચાંચિયાઓની તપાસ કરતા કરતા ધીમે ધીમે ગયા તેથી તેમને ત્યાં પહોંચતા બે કલાક લાગ્યા. ચાંચિયાઓનો ક્યાંય પત્તો ન હતો. તેઓ ગાઢ જંગલમાં નાસી ગયા હતા.

બલૂન બંદર જોયું તો ‘બોન એડવેન્ચર’ વહાણ આરામથી પાણી પર તરતું હતું. ચાંચિયા અહીં પહોંચ્યા હોય એવું લાગતું ન હતું.

“સારું થયું કે વહાણ સલામત છે. ચાંચિયાઓ એને લઈને ભાગી ગયા હોત તો, આપણે ટેબોર ટાપુ પર લઈને પત્ર મૂકી આવવાનું રહી જાત!” હર્બર્ટે કહ્યુ.

“મને લાગે છે કે,” સ્પિલેટે કહ્યું. “મિ.પેનક્રેફ્ટ, આપણે આ શોધખોળ પૂરી થાય પછી પહેલું કામ ટેબોર ટાપુની મુલાકાત લેવાનું કરવું જોઈએ. જો રહસ્યમય માનવી મળી જાય તો, આપણને એ બાબતમાં માર્ગદર્શન મળી રહે.”

“પણ એ માનવી કોણ હશે? એને આપણી સાથે હળીમળીને જીવવામાં શો વાધો હશે?”

વાતો કરતાં કરતાં તેઓ વહાણના તૂતક પર આવ્યા. લંગર સાથે બાંધેલા દોરડાની ગાંઠ જોઈ એકાએક ખલાસીએ બૂમ પાડી ઊઠ્યોઃ

“જુઓ! આ ખૂબ વિચિત્ર છે!”

“શું છે, પેનક્રોફ્ટ?” સ્પિલેટે પૂછ્યું.

“વાત એમ છે કે આ ગાંઠ મેં વાળેલી નથી!”

પેનક્રોફ્ટે સ્પિલેટને લંગર સાથે બાંધેલા દોરડાંની ગાઠ બતાવી.

“શું, આ ગાંઠ તમે વાળેલી નથી?” સ્પિલેટે પૂછ્યું.

“ના, હું ખાતરીથી કહું છું; આ ઘોડાગાંઠ છે હું હંમેશાં લીંગરગાંઠ વાળું છું.”

“તમારી ભૂલ થતી હશે, પેનક્રેફટ.”

“ના, મારી જરાય ભૂલ થતી નથી!” ખલાસી જાહેર કર્યું, “આ ગાંઠ મેં નથી વાળી એ ચોક્કસ છે!”

“તો ચાંચિયાઓ વહાણ ઉપર આવ્યા હશે?” હર્બર્ટે પ્રશ્ને કર્યો.

“એ તો કોણ જાણે,” ખલાસીએ જવાબ આપ્યો; “પણ આ લંગર કોઈએ એક વાર ઉપાડ્યું છે, અને ફરી પાછું નાખ્યું છે, મારું વહાણ કોણ વાપરતું હશે?”

ખલાસીને ખાતરી હતી કે, વહાણ થોડુંઘણું હંકારાયું છે, તો કોણ હાંક્યું હશે? પેલા રહસ્યમય માનવીએ?

વહાણ અહીં રહે તો ચાંચિયાઓના હાથમાં પડવાનો ભય હતો. મર્સી નદીના મુખમાં વહાણ રાખી શકાય એમ ન હતું. ગ્રેનાઈટ હાઉસ સામેના દરિયા કિનારે વહાણને લાંગરી શકાય પણ અત્યારે ફેરફાર કરવો બિનજરૂરી હતો; કારણ કે, બધા ટાપુની શોધખોળમાં નીકળવાના હતા. એ કામ પૂરું થયા પછી વહાણને ગ્રેનાઈટ હાઉસ સામે લાંગરવું; જેથી બધાની નજર સમક્ષ રહે. આ પ્રમાણે ચર્ચાને અંતે નિર્ણય કર્યો.

ત્રણેય જણા ગ્રેનાઈટ હાઉસમાં પાછા ફર્યા; અને ઈજનેરને બધી ઘટના કહી સંભળાવી. હાર્ડિંગે અભિપ્રાય આપ્યો કે, વહાણને વહેલું મોડું અહીં લાવવું પડશે. ખાડીમાં બંધ બાંધી કૃત્રિમ બોરું બનાવી શકાય એમ હતું. હાર્ડિંગે વચન આપ્યું કે, પોતે બધાની મદદથ આવું બારું બનાવશે. પછી વહાણ આપણી નજર સમક્ષ રહેશે. જરૂર પડ્યે એને તાળું મારવાની વ્યવસ્થા પણ થઈ શકશે.

તે સાંજે આયર્ટનને એક તાર કર્યો. તેમાં વિનંતી કરી કે પશુશાળામાંથી બે બકરાં લઈને અહીં આવો. નેબ બે બકરાંને અહીં પાળવા માગતો હતો. વિચિત્રતા એ હતી કે, આયર્ટને તારનો જવાબ ન વાળ્યો, કોઈ દિવસ આયર્ટન તારનો જવાબ આપ્યા વિના રહેતો નહીં ઈજનેરને આથી આશ્વર્ય થયું.

કદાચ એવું બન્યું હોય કે, આયર્ટન એ વખતે પશુશાળામાં ન હોય; અથવા એ ગ્રેનાઈટ હાઉસ તરફ આવવા નીકળ્યો હોય. તે ગયો તેને બે દિવસ વીતી ગયા હતા. એવું નક્કી થયું હતું કે, 10મીની રાતે અથવા મોડામાં મોડું 11મીની સવારે તેણે પાછા ફરી જવું. બધા આયર્ટન પાછો ફરે તેની રાહ જોતા હતા. નેબ અને હર્બર્ટ તો પુલ પાસે એની રાહ જોતા હતા.

રાતના દસ વાગ્યા. આયર્ટન દેખાયો નહીં. ફરી તાર કરવામાં આવ્યો. પણ ગ્રેનાઈટ હાઉસના ટેલીગ્રાફની ઘંટડી વાગી નહીં. બધાને ખૂબ ચિંતા થવા લાગી શું થયું હશે? આયર્ટન પશુશાળામાં નહીં હોય? અથવા એ કેદ પકડાયો હશે? અત્યારે રાતે જ પશુશાળામાં પહોંચી જવું?

એ અંગે ચર્ચાવિચારણા થઈ. મત બે ભાગમાં વહેંચાઈ ગયાઃ કેટલાક કહે અત્યારે જવું; બીજા કહે અત્યારે ન જવું.

તેઓ થોભી ગયા. આખી રાત ચિંતામાં ગાળી.

11મી નવેમ્બરે સવારે હાર્ડિંગે ફરી તાર કર્યો. કંઈ જવાબ ન મળ્યો. ફરી પ્રયત્ન કર્યોઃ વ્યર્થ.

“ચાલો, પશુશાળાએ!” હાર્ડિંગે કહ્યું.

નેબને ગ્રેનાઈટ હાઉસ સાચવવા માટે રહેવું, એમ નક્કી થયું. હથિયારથી સજ્જ થઈને બધા પશુશાળા તરફ ચાલ્યા. નેબે પુલ ઊંચો કર્યો. પછી તે એક ઝાડ પાછળ સંતાઈને આયર્ટન અથવા સાથીઓની રાહ જોવા લાગ્યો.

જો ચાંચિયા આવી ચડે અને અંદર પ્રેવશવા પ્રયત્ને કરે તો ગોળીબાર કરવો; અને અંતિમ પગલા તરીકે ગ્રેનાઈટ હાઉસમાં આશ્રય લેવો. લિફ્ટ હટાવી લીધા પછી ત્યાં સંપૂર્ણ સલામતી હતી.

હાર્ડિંગ, સ્પિલેટ, હર્બર્ટ અને પેનક્રોફ્ટ પશુશાળામાં રોકાવાના હતા. જો તેમને આયર્ટનનો ભેટો ન થાય તો તેઓ આજુબાજુના જંગલમાં તપાસ કરવાના હતા.

સવારે છ વાગ્યે ચારેય જણા ગ્લિસરિન નદીને ઓળંગીને આગળ વધ્યા. તેઓ સીધા જ પશુશાળા તરફ જાત હતા. તેમને ખભે ભરીબંદૂકો હતી. જરા જેટલી શંકા પડતાં ગોળી છોડવા તેઓ તૈયાર હતા.

રસ્તાની બંને બાજુ ગાઢ જંગલ હતું. ચાંચિયાઓ ખૂબ સહેલાઈથી તેમાં સંતાઈ શકે એમ હતા. બધા ઝડપથી મૌન રહીને ચાલતા હતા. ટોપ સૌની આગળ હતો. તે ભસતો ન હતો. આ વફાદાર કૂતરો જરા પણ ભય દેખાતાં ભસીને ચેતવણી આપે એમ હતો.

બે માઈલ સુધી તારનાં દોરડાં બરાબર હતા. આગળ જતાં 74 નંબરના થાંભલા પાસે હાર્બર્ટ ઊભો રહ્યો. અહીં તાર તૂટેલો હતો; અને થાંભલો ઊખડી ગયો હતો. બધા ત્યાં ઉભા રહ્યા. જમીન ખોદી નાખીને કોઈએ તે ઊખેડી નાખ્યો હતો.

“જલ્દી પશુશાળાએ ચાલો!” પશુશાળાએ પહોંચવા માટે હજી બે માઈલનું અંતર કાપવું પડે એમ હતું. તેઓ બમણી ઝડપે ચાલવા લાગ્યા.

ખરેખર, પશુશાળામાં કોઈ અણધારી ઘટના બની છે, એવો ભય બધાને લાગ્યો. થાંભલો ઊખેડી નાખવા પાછળ સંદેશાવ્યવહાર ખોરવી નાખવાનો ઈરાદો હોવો જોઈએ. આવું પગલું ચાંચિયા સિવાય બીજું કોણ ભરે?

બધા ચિંતાતુર હ્દયે આગળ વધતા હતા. તેમને આયર્ટનની ચિંતા હતી. આયર્ટન પહેલાં આ ચાંચિયાઓનો સરદાર હતો. ચાંચિયાઓએ તેને મારી પાડ્યો હશે?

તેઓ પશુશાળાની નજીક પહોંચી ગયા, હવે તેઓ સહેજ ધીમા પડ્યા. શ્વાસોચ્છવાસ હેઠે બેસવા દીધો. લડાઈ માટે તેઓ તૈયાર હતા. બંદૂકો ઘોડો ચડાવેલી હાથમાં તૈયાર હતી. જંગલું તેઓ બધી બાજુથી ધ્યાન રાખતા હતા. એકાએક ટોપ ભસવા લાગ્યો. આ અપશુકનની નિશાની હતી.

અંતે વૃક્ષોના ઝૂંડ વચ્ચે પશુશાળાની વાડ દેખાઈ, હંમેશ મુજબ ફાટક બંધ હતું. પશુશાળામાં ઘોર શાંતિ હતી. ઘેટાં-બકરાંનો કે આયર્ટનનો જરા સરખો પણ અવાજ સંભળાતો ન હતો.

“ચાલો અંદર પ્રવેશીએ.” સાયરસ હાર્ડિંગ બોલ્યો.

હાર્ડિંગ સોની આગળ હતો. તેના સાથીઓ વીસેક ડગલાં પાછળ, ચારે બાજુ નજર રાખતા, આવતા હતા. ગમે તે ઘડીએ તેઓ ગોળી છોડવા તૈયાર હતા.

હાર્ડિંગે ફાટકનો અંદરનો આગળિયો ઉઘાડ્યો. અને એ જેવો ધક્કો મારીને ઉઘાડવા દાય છે, ત્યાં તો ટોપ જોરથી ભસવા માંડ્યો. બંદૂકનો એક ધડાકો સંભળાયો, અને એક કારમી ચીસ સંભળાઈ,

હર્બર્ટ ગોળીથી વીંધાઈને જમીન ઉપર પડ્યો.

***