Bhedi Tapu - Khand - 3 - 4 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 4

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(4)

ટોરપીડો

“આખું વહાણ જ ઊડી ગયું!” હર્બર્ટે કહ્યું.

“હા! જાણે આયર્ટને દારૂગોળો ફૂંકી માર્યો હયો એમ ઊડી ગયું!” ખલાસીએ જવાબ આપ્યો.

“પણ શું બન્યું હશે?” સ્પિલેટે પૂછ્યું.

“તે આપણે થોડી વારમાં જોઈશું.” ઈજનેરે જવાબ આપ્યો.“મુખ્ય મુદ્દો એ છે કે ચાંચિયાઓનું નિકંદન નીકળી ગયું!”

બધા ઝડપથી લિફ્ટમાં બેઠા અને કિનારે પહોંચ્યા. વહાણનો કોઈ ભાગ દેખાતો ન હતો. મોજાં પર ઊંચે ઊછળીને તે પડખાંભેર પડી ગયું હતું. વહાણમાં કોઈ મોટું બાકોરું પડ્યું હશે એમાં શંકા ન હતી. ખાડીમાં પાણી વીસ ફૂટ ઊંડું હતું. ઓટ થાય તે વખતે વહાણ તળિયે બેઠેલું જોઈ શકાશે.

પાણીની સપાટી ઉપર વહાણની કેટલીક વસ્તુઓ તરતી હતી. વધારાના લાકડાના ટુકડા, જીવતા પક્ષી સાથેનાં પાંજરાં, પેટીઓ, પીપો આ બધુ ધીમે ધીમે સપાટી ઉપર આવતું હતું. પણ વહાણના તૂટલાં પાટિયાં ક્યાંય જોવા મળતા ન હતા. આથી વહાણ એકાએક કેમ ડૂબ્યું એનું કારણ જાણી શકાયું નહીં.

ગમે તેમ વહાણના બે કૂવાસ્થંભ ભાંગીને બહાર તરતા હતા. અને સઢ પણ સપાટી ઉપર છવાઈ ગયા હતા. પણ આ બધું ભેગું કરી લેવા માટેઓટ થાય તેની રાહ જોવી પડે એમ હતી. આયર્ટન અને પેનક્રોફ્ટ હોડીમાં બેસી ગયા. તેમનો ઈરાદો વહાણમાંની કામ આવે એવી વસ્તુઓ કિનારે લઈ આવવાનો હતો.

“પેલા છ બદમાશો જંગલમાં સંતાઈ ગયા છે, એનું શું?” સ્પિલેટે પ્રશ્ન કર્યો.

હકીકતે આ છ જણાનું ધ્યાન રાખવું પડે એમ હતું. મર્સી નદીને જમણે કાંઠે તેમણે જોયું; પણ એમાંથી કોઈ દેખાતું ન હતું. તેઓ જંગલના અંદરના ભાગમાં સંતાયા હતા.

“તેઓ હથિયારધારી છે એટલે વધારે જોખમી છે એનો પછી વિચાર કરીશું.” હાર્ડિંગે ઉત્તર આપ્યો.

આયર્ટન અને પેનક્રોફ્ટ દોરડાં બાંધીને બંને કૂવાસ્થંભને કિનારે લઈ આવ્યા. અન્ય સાથીઓની મદદથી જે કાંઈ બહાર તરતું હતું તે બધું કિનારે પહોંચાડ્યું અને ગુફામાં મૂકી આવ્યા. કેટલાક મૃતદેહો પાણીમાં તરતા હતા. તેમાં બોબ હાર્વેનો મૃતદેહ પણ હતો. આયર્ટને એને બતાવી પોતાના સાથીઓને ઉદ્દેશીને ક્હ્યું..

“મારી પણ આ જ હાલત થાત!”

બહુ થોડા મૃતદેહો પાણી ઉપર તરતા હતા. પાંચ કે છ જેટલા માંડ હશે. તે બધા જોરદાર પ્રવાહમાં ખેંચાઈને ખુલ્લા સમુદ્રમાં ચાલ્યા ગયા. બદમાશોને નાસી જવાને સમય જ નહીં રહ્યો હોય. બધા વહાણનાં પડખાં નીચે કચડાઈ મર્યાં હશે.

બે કલાક સુધી હાર્ડિંગ અને તેના સાથીઓ વહાણના સામાનને કિનારે પહોંચાડવામાં ગૂંથાયા. સઢનું કપડું ક્યાંયથી ફાટ્યું ન હતું. તેને પણ કિનારા ઉપર સૂકવ્યું. આ વહાણમાં કિંમતી વસ્તુઓનો ભંડાર ભર્યો હતો. એમાંથી ટાપુની સમૃદ્ધિમાં ખૂબ વધારો થાય એમ હતું. પેલી પેટીમાંથી જે વસ્તુઓ મળી હતી એવી જ બધી વસ્તુઓ વહાણમાં બહુ મોટા જથ્થામાં હતી.

આ વહાણને સમારકામ કરીને પાછું તરતું ન કરી શકાય? આવો પ્રશ્ન ખલાસીના મનમાં ઊગ્યો. ત્રણસોથી ચારસો ટનનું વહાણ જો સારી હાલતમાં હોય તો દુનિયાના ગમે તે ભાગમાં પહોંચી શકાય. વહાણ જો હંકારી શકાય એવી હાલતમાં હોય તો બધા એમાં બેસીને સ્વદેશ પહોંચી જાય. ઓટ થાય ત્યારે બધી ખબર પડે.

બધાએ નાસ્તો કર્યો. નાસ્તો કરતાં કરતાં વહાણ એકાએક કેમ ડૂબ્યું એ વિષેની ચર્ચા થઈ.

“બરાબર ખરે વખતે જ વહાણ ડૂબ્યું!” ખલાસીએ કહ્યું.

“ધડાકો શાથી થયો હશે?” સ્પિલેટે પૂછ્યું.

“મિ,સ્પિલેટ, મને લાગે છે કે કોઈ બદમાશે બેદરકારીથી દારૂગોળામાં તણખો નાખી દીધો હશે.” ખલાસીએ જવાબ આપ્યો.

“કોઈ ખડક સાથે વહાણ અથડાયું હશે?” નેબે પ્રશ્ન પૂછ્યો.

“પણ ખાડીમાં તો રેતી જ છે, ત્યાં કોઈ ખડક છે જ નહીં!”

પેનક્રોફ્ટે જવાબ આપ્યો. “કપ્તાન, તમને આ ઘટનામાં કંઈ અલૌકિક લાગે છે?”

“ના.” હાર્ડિંગે જવાબ આપ્યો. “પણ એ બધી થોડીવાર પછી ખબર પડશે.”

બપોરે દોઢ વાગ્યે હોડીમાં બેસીને ડૂબેલા વહાણ પાસે સૌ પહોંચ્યા. વહાણની બંને હોડીઓ નાશ પામી હતી. વહાણ જમણે પડખે સૂઈ ગયું હતું. પાણીની સપાટી નીચેથી વહાણ ઉપર જબરો આઘાત થયો હતો. બધાએ ડૂબેલા વહાણની પ્રદક્ષિણા કરી. ધીમે ધીમે વહાણનો વધારે ને વધારે ભાગ દેખાતો જતો હતો. વહાણનાં બંને પડખાં ચિરાઈ ગયા હતાં. તેનું સમારકામ કરવું અશક્ય હતું.

“હું માનું છું કે,” ખલાસી બોલ્યો, “આ વહાણ હવે નકામું બની ગયું છે.”

આયર્ટને પણ એવો જ મત વ્યક્ત કર્યો. બધા વહાણના અંદરના ભાગમાં ઘૂસ્યા. ઓટને હિસાબે લગભગ આખું વહાણ જોઈ શકાતું હતું. પાણી ઓસરી ગયાં હતાં. હાર્ડિંગ અને તેના સાથીઓ હાથમાં કુહાડીઓ લઈને અંદર ઊતર્યા. તેઓ વહાણનો સામાન એક પછી એક બહાર કાઢવા લાગ્યા. તેમાંથી પીપો, પેટીઓ, વગેરે અનેક વસ્તુઓ બહાર કાઢવામાં આવી.

હાર્ડિંગે જોયું કે વહાણમાં વિવિધ પ્રકારનો સામાન હતો. વાસણો, હથિયારો અને બીજાં સાધનોનો પાર ન હતો. મોટાભાગની વસ્તુઓ લીંકન ટાપુને ઉપયોગી થાય એવી હતી. હાર્ડિંગે જોયું કે અંદરના ભાગમાં કોઈ મોટો સ્ફોટ થયો હશે; જેથી વસ્તુઓ વેરણછેરણ થઈ ગઈ હશે.

તેઓ માર્ગ કરતાં કરતાં દારૂગોળાની ઓરડી સુધી પહોંચ્યા. એમાં ધડાકો થયો ન હતો. કેટલાક પીપ દારૂગોળાથી ભરેલાં હતાં. તેને બહાર કાઢવામાં આવ્યાં, લગભગ વીસ પીપ નીકળ્યાં. આ બધા પીપમાં પાણી પ્રવેશી શકે એમ ન હતાં; કારણ કે તેને ચારે બાજુથી ધાતુનાં ઢાંકણ હતાં અને તેને મજબૂતીથી બંધ કરવામાં આવ્યાં હતાં.

પેનક્રોફ્ટને એટલી ખાતરી થઈ કે દારૂગોળાનો ખંડ અકબંધ હતો. અને ધડાકાને કારણે વહાણ ડૂ્બ્યું ન હતું. સાંજના પાંચ વાગ્યા હતા. બધા થાકી ગયા હતા. ભરતી શરૂ થઈ હતી એટલે બાકીનું કામ આવતીકાલ ઉપર રાખી તેઓ પોતાના રહેઠાણે આવ્યા. જમી લીધા પછી હાથ આવેલા સામાનને ખોલીને અંદર શું છે તેની તપાસ કરી.

અંદર પુષ્કળ કપડાં અને જોડાં મળી આવ્યા. બધાના પગમાં ઉત્તમ જાતના જોડા બધબેસાત આવી ગયા. દારૂગોળો, બંદૂકો, સુતારીકામનો સામાન, લુહારીકામનાં સાધનો, જુદી જુદી વનસ્પતિનાં બી, કાપડના તાકા-આવી તો અનેક વસ્તુઓ હતી. તે પાણીથી ભીંજાઈ ન હતી.

ગ્રેનાઈટ હાઉસમાં જગ્યાની કોઈ ખામી ન હતી. પણ એક દિવસમાં બધું ઉપર પહોંચાડી શકાય તેમ ન હતું. છ બદમાશો છૂટા ફરતા હતા. તેથી જપ અને ટોપને આ બધી વસ્તુઓની ચોકી કરવાનું કામ સોપ્યું. રાત દરમિયાન કોઈ ખાસ ઘટના બની નહીં. સવાર પડી. ઓગણીસમી, વીસમી, એકવીસમી ઓકટોબર-એ ત્રણ દિવસ વહાણની બધી વસ્તુઓને બહાર કાઢવાનું કામ ચાલ્યું. વહાણમાંથી તાંબાનો જથ્થો પણ મળ્યો. આયર્ટન અને પેનક્રોફ્ટ ડૂબકી મારીને તળિયે રહેલી ઉપયોગી ચીજો પણ ઉઠાવી લાવ્યા. તેમાં સાંકળો અને લંગર વગેરે સામાન હતો.

વહાણની ચાર તોપોને પણ કિનારે ખેંચી લાવ્યા. આ ચાર તોપથી તો વહાણના કાફલાને ખાળી શકાય!

હવે વહાણમાં કશું રહ્યું ન હતું. એક જોરદાર પવનનું તોફાન આવ્યું અને વહાણના માળખાને એણે તોડી નાખ્યું. કેટલાંક પાટિયાં તણાઈને કિનારે આવ્યાં. આ વહાણ ક્યાં દેશનું હતુ તેની ખાતરી ન થઈ શકી પણ ઈંગ્લેન્ડમાં બંધાયું હોય એવું અનુમાન ખલાસી અને આયર્ટને કર્યું.

અઠવાડિયા પછી ખાડીમાં વહાણની કોઈ નિશાની ન રહી. જો કે વહાણ કઈ રીતે ડૂબ્યું એ રહસ્ય ઉપરથી પડદો ન હટ્યો પણ ત્રીસમી નવેમ્બરે એ ભેદ ઉકલી ગયો.

નેબ કાંઠા પર ફરતો હતો. ત્યારે તેને લોઢાનું એક જાડું તૂટેલું ભૂંગળું મળ્યું. તેણે હાર્ડિંગને તે બતાવ્યું. હાર્ડિંગે તે તપાસ્યા પછી એ ભૂંગળાનો કટકો પેનક્રોફ્ટના હાથમાં આપ્યો.

“આ ભૂંગળાનો કટકો શાનો છે એ તમને ખબર છે?” હાર્ડિંગે તેના સાથીઓને પ્રશ્ન કર્યો.

“શાનો છે?” પેનક્રોફ્ટે પૂછ્યું.

“એ ભૂંગળાનો ટુકડો ટોરપીડોનો છે!” હાર્ડિંગે જવાબ આપ્યો.

“ટોરપીડો?” હાર્ડિંગના સાથીઓ નવાઈ પામી ગયા.

“હા, ટોરપીડો!” હાર્ડિંગે જવાબ આપ્યો.“આ ટોરપીડો કોઈએ સબમરીનમાંથી છોડ્યો લાગે છે. ટોરપીડોનો સ્ફોટ થયો ને વહાણ ઊડ્યું. ડૂબતાં પહેલા વહાણ અદ્ધર ઊછળ્યું તેનું કારણ હવે સમજાયું.”

“આ ટોરપીડો કોણે છોડ્યો?” ખલાસીએ પૂછ્યું.

“હું એટલું કહી શકું કે ટોરપીડો મેં છોડ્યો ન હતો.” હાર્ડિંગે જવાબ આપ્યો. “ ટોરપીડો છોડનાર પેલો રહસ્યમય માનવી હશે.”

***