nathani khovani - 15 books and stories free download online pdf in Gujarati

નથણી ખોવાણી - પ્રકરણ -૧૫

અડોશ- પડોશ  અને સગા  - વ્હાલા ઓ   સૌ આકાંક્ષા ને  ખુશી નાં સમાચાર ની શુભેચ્છાઓ ની  સાથે  અવનવી સલાહો પણ આપી ને જતા.  શું વાંચવું -  શું ના વાંચવું ?   શું ખાવું -  શું ના ખાવું  ? ટી.વી. માં શું જોવું ? અરે ! ક્યાં કલર નાં  કપડા  ' ના  ' પહેરવા… જેવી સલાહો શુદ્ધા મળતી.   પરંતુ  બા પરંપરા સાચવી ને  પણ નવી પેઢી જોડે  ખૂબ જ સારી રીતે ભળી જતાં ;  એટલે એ આકાંક્ષા ને એક જ સલાહ આપતા , "  તને જે વાંચવાનું મન થાય એ  વાંચી લેવું  અને જે ખાવા નું મન થાય એ ખાઈ લેવુ , પ્રમાણ નું ધ્યાન રાખવું !  "  બા  ના  આજ સ્વભાવ ને કારણે  એ બધાં ના પ્રિય હતા.     

       અમોલ  ઘરે આવ્યો અને  બધાં સાથે જમ્યા  બાદ  આકાંક્ષા રસોડા નું કામ પતાવી ને રુમ માં ગઈ.અમોલ આકાંક્ષા ની  રુમ માં રાહ જોતો હતો. આકાંક્ષા જેવી પલંગ પર આવી કે અમોલે પોતાના તરફ ખેંચી બાહુપાશ માં લઇ લીધી. આકાંક્ષા એ જરા  જહેમત થી અમોલ ને દૂર કરવા ની કોશિશ કરી. 

" કેમ શું થયું ?" અમોલે પૂછ્યું. 

" ભૂલી ગયા ? ડૉક્ટરે ના પાડી હતી ને ! " આકાંક્ષા એ કહ્યું.

" પણ મન થાય તો ? " અમોલે નારાજ થતાં કહ્યું.

" થોડા વખત ની તો વાત છે ને! " આકાંક્ષા એ અમોલ ને સમજાવતા કહ્યું.

   અમોલ પલંગ પર પડખું ફેરવી ને સૂઈ ગયો. આકાંક્ષા ને  પણ થોડું ખરાબ લાગ્યું ;  એણે  અમોલ નાં ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું , " શું થયું ? મને કેમ એવું લાગે છે કે તમે ખુશ નથી?"

" ખુશ તો બહુ છું. પણ મને પ્રતિબંધ પસંદ નથી. અને  પછી તો તારી પાસે કોઈ આશા રાખવા ની જ નહિ! એક બાળક ની સાચવણી જ ઘણું માંગી લે છે તો તારે તો બે એકસાથે સાચવવા ના! " અમોલ નાં અવાજ માં ભારોભાર  ફરિયાદ  હતી.

    " અને ડિલિવરી માટે તું પીયર નહિ જવું. અહીં જ રહીશ , પહેલાં જ કહી દઉં છું પછી ખોટી જીદ ના કરીશ. " અમોલે થોડા તીખાં અવાજે કહ્યું.

     " મને પણ ખબર છે  કે  અહીં ની  મેડિકલ ટ્રીટમેન્ટ વધારે સારી હોય. એમાં જીદ નો ક્યાં સવાલ આવે છે? " આકાંક્ષા એ કહ્યું. પરંતુ અમોલ ની કોઈ પ્રતિક્રિયા નહોતી. આકાંક્ષા ને અમોલ નાં અવાજ અને શબ્દો માં દેખીતો  બદલાવ થયેલો લાગ્યો. અમોલ નાં થઇ રહેલા બદલાવ ને આકાંક્ષા અનુભવી રહી હતી ,  થોડું દુઃખ થયું પરંતુ સ્વસ્થતા જાળવી એણે એ વાત ને ખંખેરી નાખી.

          આ તરફ   દમયંતી બહેન ન્યુયોર્ક પહોંચી ગયા હતા.  અનન્યા અને એના પતિ  દેવેશ દમયંતીબહેન ને લેવા એરપોર્ટ  ગયા હતા. દમયંતી બહેન ની આંખો માં થી આંસુ છલકી આવ્યા. અનન્યા એ પૂછ્યું, "  કાંઈ તકલીફ નથી પડી ને મમ્મી !" 

" તકલીફ કશી નથી પડી, પરંતુ બેસી બેસી ને પગ અકડાઈ ગયા છે. આટલા કલાક બેસવા નું થોડું કાઠુ પડે. છેલ્લે તો જઈને પાયલટ ને કહેવા નું મન થયું કે , ભઈલા જરા ફાસ્ટ ચલાવ ! " દમયંતી બહેન બોલ્યા અને અનન્યા અને એનો પતિ હસવા લાગ્યા. 

  ન્યુયોર્ક ના ઊંચા બિલ્ડિંગો ખૂબ જ આહલાદક  લાગતા હતા . મુંબઈ માં તો  ખૂબ જ ઊંચા બિલ્ડિંગો જોયા હતા ,  પરંતુ  ન્યૂયોર્ક ની વાત કંઈક અલગ જ હતી . દમયંતીબહેન ન્યુયોર્ક ની શાન થી થોડા અંજાઈ ગયા.

   " ન્યૂયોર્ક  પણ મુંબઈ  નગરી  ની માફક રાત્રે સુતી  જ નથી  અને  મુંબઈ ની માફક અહીં પણ દરરોજ કેટલાય લોકો બહાર થી વસવાટ કરવા  આવે છે. " દેવેશે દમયંતીબહેન ને ન્યુયોર્ક નો નાનકડો પરિચય આપતાં કહ્યું.

    ઘરે પહોંચી  જમવા બેઠા . " આ પ્લેન નું ખાવા નું ના ભાવે હો ભઈ'સાબ! મારે તો પટ્ટો બાંધવામાં ઘણી રામાયણ થઈ. પછી પેલી એરહોસ્ટેસે મદદ કરી. અને પ્લેન  ઉપર જાય ને ત્યારે તો બાપ રે ! પેટમાં એવું તો કાંઈ થતું' તુ.   અને કાન તો જાણે બંધ થઈ ગયા એમ !!! મારી બાજુ માં   જે બેઠા' તા ને એમને તો ઊલટીઓ થયા કરતી' તી . બિચારા ને જોઈ ને  દયા આવી ગઈ મને તો !  " અને  દમયંતીબહેને ‌ એક પછી એક ફ્લાઇટ નાં અનુભવો કહેવા માંડ્યા. અને બધા હસી હસી ને મજા કરી રહ્યા હતા. કિચન માં અનન્યા ને મદદ કરાવતા કરાવતા દેવેશે કહ્યું ,   " Your mom is really funny! "  દેવેશ ને દમયંતીબહેન ની વાતો માં  ખૂબ મજા આવી રહી હતી. 

         અમોલ નાસ્તો કરી ,  ઑફિસ તરફ રવાના થયો. આકાંક્ષા એ કૃતિ નું ટિફીન ભર્યું.બા ને ચા આપી અને વાતો કરવા બેઠી. એટલા માં તો ભરતભાઈ નો બીજી વાર નો ચા નો વારો હતો, તેથી ઉઠી અને એમને ચા -  નાસ્તો આપવા ગઈ.    ફોન ની રીંગ વાગી. ભરતભાઈ એ ફોન ઉઠાવ્યો. 

" હલો !  દમયંતી વાત કરું. સુખરુપ પહોંચી ગઈ છું."
" સરસ! કંઈ ખાસ તકલીફ નથી પડી ને? " ભરતભાઈ એ પૂછ્યું.
અને દમયંતીબહેને શાંતિ થી અત: થી ઇતિ સુધી વાત કરી. પછી બા એ અને અંતે આકાંક્ષા એ વાત કરી.

         આ બધા માં આકાંક્ષા  નાસ્તો કરવા નો   ચૂકી ગઈ.   તેથી ઝીણા ચક્કર આવવા લાગ્યા.    આકાંક્ષા ને કાંઈ ખાવા ની ઈચ્છા નહોતી થઈ રહી છતાં એણે થોડા  ફળ ખાધાં.  પાછી બપોર  નાં જમણ ની તૈયારી કરવા  રસોડા માં  ગઈ . આમ જ  એના સવાર સાંજ   પસાર થઈ રહ્યા હતા. 

     બધાં ને સાચવવા માં અને ખુશ રાખવા માં આપણે આપણા તરફ  દુર્લક્ષતા સેવી લઈએ છીએ . ધીરે ધીરે એ આપણી આદત બની જાય છે , પરંતુ  આપણે એ હંમેશા ભૂલી જઈએ છીએ કે જો આપણે જ સ્વસ્થ કે ખુશ નહીં હઈએ તો  બીજા ને કેવી રીતે ખુશ રાખી શકીએ.

             ડૉક્ટર ની અપોઈન્ટમેન્ટ પ્રમાણે આકાંક્ષા ઘર નું કામ પતાવી  હોસ્પિટલ પહોંચી.  આ વખતે પણ આકાંક્ષા સાથે અમોલ  જઈ શક્યો નહીં . ડૉક્ટરે  વ્યવસ્થિત બધું ચેક કર્યું અને કહ્યું , " આકાંક્ષા તું તારું ધ્યાન બરાબર  રાખતી નથી.  આ વખતના રિપોર્ટ માં હિમોગ્લોબિન ઓછું આવ્યું છે .  આવતા વખત થી તારા પતિ ને  કે સાસુ ને  ચોક્કસ લઈ આવજે . 

           આકાંક્ષા  ડૉક્ટર ના કૅબીન માં થી બહાર નીકળી  ,  બહાર ગૅટ પાસે જઈને  રીક્ષા માટે ઉભી હતી. ત્યાં જ  હોર્ન નો અવાજ આવ્યો. સિક્યુરિટી એ ગૅટ ખોલ્યો. આકાંક્ષા સહેજ સાઈડ પર ગઈ. ત્યાં તો સિદ્ધાર્થે અવાજ લગાવ્યો , " અરે !  આકાંક્ષા ! " આકાંક્ષા એ પાછળ વળી ને જોયુ તો સિદ્ધાર્થ એના પિતાજી સાથે કાર માં જતો હતો.

" કેમ આજે પણ એકલી આવી છે ? " સિદ્ધાર્થે  પૂછ્યું.

" હા ! અમોલ ને  થોડું  કામ હતું!" આકાંક્ષા એ કહ્યું.

" ચાલ !  તો  છોડી દઉ તને ઘરે!" સિદ્ધાર્થે કહ્યું.

" ના ! ચાલશે ! દર વખતે શા માટે તકલીફ લો છો?" આકાંક્ષા એ ટાળવા ની કોશિશ કરી.

" મને ડ્રાઈવિંગ નો બહુ શોખ છે, એટલે બાકી તો ના આવતો ! "  કહી સિદ્ધાર્થે મજાક કરી.

         આકાંક્ષા એ વધારે દલીલ ના કરતા દરવાજો ખોલી બેસી ગઈ.  સિદ્ધાર્થે  આકાંક્ષા ની ઓળખાણ કરાવી. અજિતભાઈ સિદ્ધાર્થ ના પિતાજી એ કહ્યું , "  હા! બરાબર !  વસંતભાઈ  ની દીકરી ! " 

" હા ! તમને આટલા વર્ષો પછી પણ યાદ છે ? " આકાંક્ષા એ આશ્ચર્ય થી પૂછ્યું.

" હા !  યાદ તો હોય જ ને ! ‌અને સાચું કહું ને તો તારા હાથ નો શીરો હજીયે યાદ છે ! " કહી ને અજિતભાઇ હસી પડ્યાં.

"પપ્પા ને ઘરે બેસીને કંટાળો આવતો હતો  તેથી લઈ આવ્યો.  સાથે સાથે રૂટીન ચેક- પણ કરાવી દીધું. " સિદ્ધાર્થે કહ્યું.

          કાર માં અજિતભાઇ જુના કિસ્સા ઓ યાદ કરવા લાગ્યા.
" યાદ છે ! એક વાર હું  ત્યાં આવ્યો હતો  અને કમળાભાભી નો પગ મચકોડાઈ ગયો હતો ! , અને તે આવી ને એકલા હાથે બધા ની રસોઇ બનાવી હતી ! ત્યાર નો એ શીરા નો સ્વાદ આજેય  મોઢા માં રહી ગયો છે.  આ બાઈ નાં હાથ નું ખાવા નું નથી ફાવતું મને." 

" પપ્પા ! કેટલી વાર શીરો યાદ કરશો! " કહી સિદ્ધાર્થે ટકોર કરવા ની કોશિશ કરી.અજિતભાઈ એ આછું સ્મિત આપ્યું.

       આકાંક્ષા નું ઘર નજીક આવ્યું અેટલે  એણે ઘરે આવવા આગ્રહ કર્યો પરંતુ સિદ્ધાર્થે પાછું હોસ્પિટલ પહોંચવા નું કારણ આપ્યું. ઘર આવી ગયું અને આકાંક્ષા આવજો કહી ઘર તરફ ગઈ  અને સિદ્ધાર્થ એના ઘર તરફ.

      ઘરે પહોંચી તો તન્વી આવી ને બેઠી હતી. આકાંક્ષા જોઈ ને ખુશ થઈ ને બોલી , " અરે ! વાહ ! કેટલા દિવસે આવી ? 

      " હા ! શુટિંગ અલગ જગ્યા એ હોવા થી થાકી જવાય છે. ઘણી વાર તો બાર કલાક સતત શુટિંગ હોય છે.  અમારા  ૧૦૦ ઍપિસોડ પૂરા થવા ની ખુશી માં પાર્ટી છે.  એમાં મારે સાડી પહેરવાની છે. તો મને તારી સાડી જોઈતી હતી. નવી સાડી ખરીદવા માટે સમય નથી ." તન્વી એ કહ્યું.

"આવ  ! કઈ  જોઈએ છે?  જાતે જ લઈ લે! " આકાંક્ષા એ કબાટ ખોલી ને એને  ચોઈસ કરવા કીધું.  

        તન્વી ની નજર  ગોલ્ડન  કાંજીવરમ સાડી પર અટકી ગઈ હતી. આકાંક્ષા એ કોઇપણ જીજક વગર એને સાડી આપી દીધી . અને જોડે મેચિંગ સેટ પણ બતાવ્યા. સેટ જોતાં જોતાં તન્વી ની નજર આકાંક્ષા ની લગ્ન માં પહેરેલી નથણી પર ગઈ.

" વાહ!  કેટલી મસ્ત છે?  મારા પર કેવી લાગશે  ? " કહી એણે નથણી પહેરી અને અરીસા માં જોયું.  

 " એકદમ ટ્રેડિશનલ લુક આપે છે! મારો જીવ તો તારી નથણી પર અટકી ગયો છે. " તન્વી અરીસા માં  જોતાં જોતાં બોલી.

          આકાંક્ષા એ સ્મિત આપતા કહ્યું , " સુંદર લાગે છે તારા પર !  " અને આકાંક્ષા બીજા ઘરેણાં કબાટ માં ગોઠવવા લાગી . અમોલ આવી ને ઉભો ઉભો  તન્વી ને જોતો હતો , અને તન્વી  અને અમોલ  ની નજર એક થઈ ગઈ. બન્ને એકબીજા સાથે ઈશારા માં  વાત કરવા માં ખોવાઈ ગયા  હતાં , ત્યાં જ  આકાંક્ષા પાછળ ફરી .…બન્ને  સહેજ હેબતાઈ ગયા.….
 
    "  કેમ  ગભરાયેલી  લાગુ છું તન્વી  ?  તને એમ લાગતું હોય કે  અમોલ ને નહિ ગમે ,  તો  તું અમોલ ને  વ્યવસ્થિત રીતે ઓળખતી જ નથી.  અમોલ મારા માટે ખૂબ  પઝેસીવ  છે  , પરંતુ મારા ઘરેણાં માટે નહિ !!! " આકાંક્ષા એ અમોલ ની તરફ મંદ સ્મિત આપતા કહ્યું.

    અમોલ અને તન્વી કદાચ આકાંક્ષા નાં શબ્દ વ્યૂહ ઉકેલવા માં અસમર્થ  હતાં, પરંતુ  અણસાર પામી ગયા હતા.  'કદાચ આકાંક્ષા એ ઈશારા માં વાત કરતા જોઈ લીધા હશે તો ?  ' 

(ક્રમશઃ)