Bhedi Tapu - Khand - 2 - 4 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ બીજો - 4

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(4)

જેગુઆરનો ભેટો

સવારના છ વાગ્યે, ઉતાવળે નાસ્તો કરીને, બધા પશ્વિમ કિનારા તરફ નીકળી પડવા તૈયાર થયા. પશ્વિમ કિનારે પહોંચતાં કેટલો સમય લાગશે? હાર્ડિંગ ધારતો હતો કે, લગભગ બે કલાક લાગશે. રસ્તો ખરાબ હોય તો વધારે સમય લાગવાનો સંભવ હતો.

આ પડાવ ફ્રેન્કલીન પર્વતથી ત્રણ માઈલ દૂર હતો. તેઓ પશ્વિમ કિનારા તરફ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. નીકળતાં પહેલાં તેમણે હોડીને એક ઝાડ સાથે મજબૂત બાંધી દીધી. પેનક્રોફ્ટ અને નેબે બે દિવસ ચાલે તેટલી ખાવાની સામગ્રી સાથે લઈ લીધી.

વચ્ચે શિકાર કરવાની જરૂર પડે તેમ ન હતી. ઈજનેરે બંદૂરનો ધડાકો કરવાની મનાઈ કરી હતી. ધડાકાથી કિનારે કોઈ માણસ હોય તો તેમની હાજરીની જાણ તેને થઈ જાય. હાથમાં કંપાસ લઈને હાર્ડિંગ આગળ થયો. અને મુસાફરી શરૂ થઈ.

આગલે દિવસે પ્રવાસ વખતે તેમને વાંદરાનાં ટોળાં દેખાયાં હતા. આજે પણ અસંખ્ય વાદરાઓ કૂદાકૂદ કરતા હતા. તેમને રસ્તામાં કોઈ નડતર થતી ન હતી. તેઓ એક ડાળીથી બીજી ડાળી અને એક ઝાડ પરથી બીજી ઝાડ ઉપર આસાનીથી જઈ શકતા હતા.

સાડા નવ વાગ્યે રસ્તો એકાએક બંધ થઈ ગયો. સામે ત્રીસથી ચાલીસ ફૂટ પહોળીઈની એક નદી આવી ગઈ.

“હવે આગળ કેમ જવું?” નેબે પૂછ્યું.

“આપણે તરીને જઈશું.” હર્બર્ટે જવાબ આપ્યો.

“એવી જરૂર નથી. આ નદીને ઓળંગવાને બદલે તેને કાંઠે કાંઠે જઈશું, તો દરિયા કિનારે પહોંચીશું. આ નદી દરિયાને મળતી હશે. આગળ ચાલો.” કપ્તાને કહ્યું.

બધા આગળ ચાલે તે પહેલાં ખલાસીએ આ નદીમાંથી માછલાં પકડવા માટે પાંચ મિનિટનો સમય માગ્યો. કપ્તાને માંડ માંડ સંમતિ આપી. પેનક્રોફટ અને નેબે મળીને માછલીનો આખો થેલો ભરી લીધો. અને પાંચ મિનિટમાં જ બધા આગળ વધ્યા.

જંગલ કરતાં નદી કિનારે ચાલવામાં વધારે ઝડપ આવતી હતી. હિંસક પ્રાણીઓ અહીં પાણી પીવા આવતાં હશે. એ તેમના પંજાનાં નિશાન ઉપથી ખ્યાલ આવતો હતો. પણ ક્યાંય કોઈ જંગલી પ્રાણી દેખાયું નહીં. જંગલના આ ભાગમાં ભૂંડના બચ્ચાને ગોળી નહીં વાગી હોય.

કપ્તાનને આશ્વર્ય થયું કે, ભરતીના પાણીની અસર આ નદીના પ્રવાહ ઉપર કેમ થતી નથી? તેણે તેના સાથીઓ સાથે પણ આ અંગે ચર્ચા કરી. નદીનો પ્રવાહ ધીરે ધીરે પહોળો થતો હતો. બંને કાંઠા ઉપર ઘટાદાર વૃક્ષો હતાં, એટલે આગળ કંઈ દેખાતું ન હતું. આ જંગલમાં કોઈ વસ્તી નહીં હોય, કારણ કે ટોપ આગળ હતો અને જરાય ભસતો ન હતો.

સાડા દસ વાગ્યે હર્બર્ટે એકાએક ઊભા રહીને બૂમ પાડી, “ દરિયો!”

થોડી મિનિટોમાં ટાપુનો આખો પશ્વિમ કિનારો દેખાવા લાગ્યો. પૂર્વ કિનારો, જ્યાં બલૂને તેમને ફેંક્યા હતા. અને આ પશ્વિમ કિનારો, એ બે વચ્ચે ઘણો તફાવત હતો. અહીં ખડકોની કરાડ, ખડકો કે રેતીવાળો દરિયા કિનારો ન હતો. જંગલ દરિયાના કિનારા સુધી પહોંચી ગયું હતું અને દરિયાનાં મોજાં ઝાડની ડાળીઓને ભીંજવતાં હતાં. આ કિનારા પાસે ભરતી કરીને જાણે વૃક્ષો વાવવામાં આવ્યાં હોય એવું લાગતું હતું.

અહીં માછલાં મારવાની બે-ત્રણ હોડી માંડ ઊભી શકે એવું આરું હતું. નદીનું પાણી ચાલીસ ફૂટ ઊંચેથી ધોધરૂપે પડતું હતું. દરિયામાં ગમે તેટલી ભરતી આવે તો પણ નદીને તેની કોઈ અસર થાય તેમ ન હતી. આ નદીને ‘ધોધ નદી’ એવું નામ આપવામાં આવ્યું. તેના આખા કિનારા ઉપર જંગલ આવેલું હતું.

હવામાન સ્વચ્છ હતું. આગળ સર્પની જેમ એક ભૂશિર દરિયામાં જતી હતી. અને પરિણામે દ્વીપકલ્પ જન્મ્યો હતો. ત્યાં સુધી હાર્ડિંગે નક્કી કર્યું હતું. આ સ્થળનું નામ તેમણે ‘સર્પ દ્વીપકલ્પ’ રાખ્યું હતું.

દરિયા કિનારે આવેલી એક નાનકડી ટેકરી પર નેબ અને ખલાસીએ નાસ્તાની ગોઠવણ કરી હતી. એ ઊંચાણવાળી જગ્યા ઉપરથી વિશાળ દરિયા કિનારો જોઈ શકાતો હતો. ક્યાંય કોઈ વહાણ કે ભાંગલો વહાણનો ભંગાર જોવામાં આવતો ન હતો. પણ ઈજનેરે આ આખા કિનારા પર ફરીને જાતે તપાસ કરવાનું નક્કી કર્યું હતું.

નાસ્તો પતાવીને સાડા અગિયાર વાગ્યે કપ્તાને આગળ વધવાનો નિર્ણય કર્યો. તેઓ કિનારે કિનારે ચાલવા લાગ્યાં. આ દ્વીપકલ્પ સુધી પહોંચવા માટે ‘ધોધ નદી’થી બાર માઈલનું અંતર કાપવાનું હતું. ચોખ્ખો રસ્તો હોય તો ત્યાં પહોંચતા 4 કલાક લાગે. પણ વચ્ચે અડચણવાળો રસ્તો હોય તો વાધરે વાર લાગે.

ત્યાં વહાણ ભાંગ્યું હોય એવી કોઈ નિશાની દેખાતી ન હતી. પણ બંદૂકની ગોળીની ઘટના કહેતી હતી કે આ ટાપુ ઉપર ત્રણ મહિનાના ગાળામાં ગોળીબાર થયો છે. સાંજના પાંચ વાગી ગયા હતા. અને એ દ્વીપકલ્પને છેડે પહોંચવા માટે હજી બે બાઈલ ચાલવું પડે તેમ હતું. ત્યાં પહોચંતા સાંજ પડી જાય અને પાછા ફરવાનો સમય ન રહે, એટલે ત્યાં જ પડાવ નાખવાનું નક્કી કર્યું હતું.

ખાવાપીવાની પૂરતી સામગ્રી પાસે હતી; અને કોઈ પ્રાણીઓનો ભય ન હતો. એટલે ત્યાં પડાવ નાખવામાં વાંધો ન હતો. કિનારા ઉપરનાં વૃક્ષોમાં પાર વગરનાં પક્ષીઓ ઊડાઊડ કરતાં હતાં. જેકેમાર, કોરુકસ, લોરી, પોપટ, કોકટુસ, કબૂતર અને બીજાં સેંકડો જાતના પક્ષીઓથી આ જંગલ ભરપૂર હતું. કોઈ પણ વૃક્ષ માળા વિનાનું ન હતું; અને કોઈ પણ માળો પક્ષી વિનાનો ન હતો.

સાંજે સાત વાગ્યો તેઓ ટાપુને છેડે આવી પહોચ્યા. અહીં જંગલનો અંત આવતો હતો. અને સામાન્ય દરિયા કિનારા જેવો દેખાવ હતો. ખડકો, કરાડો અને રેતીથી આ કિનારા ભરપૂર હતો. એમ લાગ્યું કે અહીં કશુંક મળશે. પણ, અંધારું થઈ જવાને લીધે આગળ શોધખોળ આવતીકાલ ઉપર મુલતવી રાખવી પડી.

પેનક્રોફ્ટ અને હર્બર્ટ પડાવ માટે યોગ્ય જગ્યા શોધવા ઉતાવળે નીકળી પડ્યાં. છોકરાને વાંસની ઝાડી મળી આવી, હાર્બર્ટે ખલાસીને વાંસની ઉપયોગિતા સમજાવી. વાંસમાંથી ટોપલા-ટોપલી બને છે; લાંબા વાંસ મકાન બાંધકામમાં વપરાય છે. વાંસમાંથી કાગળ બને છે, વાંસમાંથી દારૂ બનાવવામાં આવે છે; હિંદુસ્તાનમાં વાંસનું અથાણું ખવાય છે.

ખલાસી તો આ સાંભળીને નવાઈ પામી ગયો. પછી તેણે પૂછ્યું, “વાંસના આટલા બધા ઉપયોગો છે, તો તેનો ઉપયોગ તમાકુ તરીકે કરી શકાતો નથી?”

“ના,” હર્બર્ટે જવાબ આપ્યો.

રાત પસાર કરવા માટે હર્બર્ટ અને ખલાસીને વધુ શોધખોળ કરવી ન પડી. મોટા મોટા ખડકોમાં સમુદ્રના મોજાંનાં પછડાટથી અને હવાના જોરદાર ધસારાથી બખોલો બની ગઈ હતી. તેમાં રાત રહેવામાં પવન સામે રક્ષણ મળે તેમ હતું. જેવા તેઓ બંને એક ઊંડી બખોલમાં પ્રવેશવા ગયા ત્યાં મોટી ગર્જનાનો અવાજ તેમને કાને પડ્યો.

“પાછો ફર, પાછો ફર,” પેનક્રોફ્ટે કહ્યું. “આવા મોટા પ્રાણી સામે આપણી બંદૂક કામ નહીં આવે.”

એટલું કહી ખલાસીએ હર્બર્ટનો હાથ પકડ્યો અને તેને તે ખડકની પાછળ ખેંચી ગયો. બખોલમાંથી એક મોટું પ્રાણી પ્રવેશદ્વાર આગળ દેખાયું.

તે પ્રાણીનું નામ જેગુઆર હતું. એ પીળા રંગનું, પાંચ ફૂટ લંબાઈનું, વાઘ જેવું હિંસક અને ભયાનક પ્રાણી હતું. ક્રૂરતામાં તે વરૂ કરતાં પણ ચડી જાય એવું હતું. જેગુઆર ગુફાની બહાર નીકળ્યું અને ચારે બાજુ જોવા લાગ્યું. તેની આંખો અંગારાની જેમ ચમકતી હતી. આ પહેલાં પણ તેને માનવી જોયો હોવો જોઈએ.

આ ક્ષણે સ્પિલેટ ખડક પાસે દેખાયો. હર્બર્ટને એમ કે તેણે જેગુઆરને જોયું નથી; એટલે તે દોડીને એને ચેતવવા જતો હતો., ત્યાં સ્પિલેટે તેને તે હતો ત્યાં જ ઊભા રહેવાની નિશાની કરી. આ તેનો વાઘનો પહેલો શિકાર ન હતો. તે પ્રાણીની નજીક દસ ફૂટ સુધી આગળ ગયો. અને બિલકુલ સ્વસ્થતાથી બંદૂક ખભા સાથે જોડીને તે ઊભો રહ્યો. જેગુઆર સ્પિલેટ ઉપર તરાપ મારવા જતું હતું ત્યાં તો બંદૂકમાંથી ગોળી છૂટી અને જેગુઆરની આંખમાં વાગી. તે પ્રાણી ત્યાં જ મૃત્યુ પામ્યું.

હર્બર્ટ અને પેનક્રોફ્ટ જેગુઆર તરફ દોડ્યા. નેબ અને હાર્ડિંગ પણ દોડ્યા. તેમણે જમીન પર લાંબા થઈને પડેલા જેગુઆરને જોયું. તેમને આ પ્રાણીનું ચામડું કિંમતી લાગ્યું. અને ગ્રેનાઈટ હાઉસમાં લઈ જવાનું નક્કી કર્યું.

“સ્પિલેટ,” હર્બર્ટ બોલ્યો, “તમારી મને ઈર્ષા થાય છે.”

“દીકરા, તુ એ કરી શક્યો હોત.” સ્પિલેટે જવાબ આપ્યો.

“આટલી સ્વસ્થતાથી?”

“હા, હાર્બર્ટ,” સ્પિલેટ બોલ્યો, “જેગુઆરને બદલે સસલું છે એમ ધારવું અને શાંતિથી બંદૂકનો ઘોડો દબાવવો.”

બધાએ નક્કી કર્યું કે આ જેગુઆરની બોડમાં રાત્રિ પસાર કરવી. બીજું કોઈ પ્રાણી આવી ન ચડે એટલા માટે બખોલના આગલા ભાગમાં મોટું તાપણું સળગાવવું.

નેબ જેગુઆરનું ચામડુ ઉતારવા માંડ્યો. તેના સાથીઓ લાકડાં એકઠાં કરી કરીને ગુફાના મોં આગળ ઢગલો કરવા લાગ્યા. હાર્ડિંગે વાંસના બંબૂઓ જોઈને તેના કેટલાક કટકાઓ આ લાકડાં સાથે ભેળવી દીધા. પછી બધા ગુફામાં પ્રેવશ્યા. સાત પહેલાં બંદૂકો તૈયાર રાખી, અને પાઈને મોટું તાપણું સળગાવ્યું.

થોડીવારમાં બંદૂકો ફૂટતી હોટ એવા મોટા ધડાકાઓ થવા લાગ્યા. એ ધડાકાઓ વાંસની ગાંઠો તૂટવાના હતા. આગ લાગતાં એ ગાંઠો ધડાકા સાથે તૂટતી હતી. તેનો અવાજ એટલો મોટો હતો કે ગમે તેવા જંગલી પ્રાણીને એ ડરાવી દે.

આ શોધ કપ્તાન હાર્ડિંગની ન હતી. માર્કો પોલોએ નોંધ્યું છે કે તાર્તાર લોકો મધ્ય એશિયામાં આ યુક્તિ ઘણા સૈકાઓથી અજમાવે છે. એથી પડાવની આજુબાજુ રહેતાં ભયાનક જંગલી પ્રાણીઓ નાસી જાય છે.

***

Share

NEW REALESED