Maansaaina Diva - 22 books and stories free download online pdf in Gujarati

માણસાઈના દીવા - 22

માણસાઈના દીવા

( 22 )

હૈડિયા વેરાનાં સ્મરણો

ઝવેરચંદ મેઘાણી

૧. ધર્મી ઠાકોર

બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહારાજને કહ્યું : "અહીં ચ્યમ આયા છો ?”

મહારાજ : "હૈડિયાવેરો સરકારને ન આપવો એવું કહેવા આવ્યો છું. તમને પણ કહેવા આવ્યો છું કે, લોકોને હૈડિયાવેરો ન આપવા સલાહ દેશો.”

આ સાંભળીને ચિડાયેલા ઠાકોરે કહ્યું : "વારુ : જાવ અહીંથી. ફરી આ ગામે ન આવતા.”

“કેમ ના આવું ?”

“કેમ શું ? ઢેડને અડકો છો, આચારવિચાર પાળતા નથી ...” વગેરે વગેરે ઠાકોર બોલવા માંડ્યા ત્યારે મહારાજથી ન રહેવાયું. એમણે સામે કહ્યું : "ઠાકોર સાહેબ ! આ બધું તમે કોને કહી રહ્યા છો તે તો વિચારો ! આ તો બધું તમે અમારું બ્રાહ્મણોનું પઢાવ્યું પોપટિયું બોલી રહ્યા છો. ઉપદેશ આપવાનો અધિકાર તો અમારો બ્રાહ્મણોનો છે, ને ઊલટા તમે મને ઉપદેશ દેવા લાગ્યા છો ?”

“અમે ક્ષત્રિય છીએ.”

એટલું ઠાકોર બોલ્યા કે તરત મહારાજે બારી તરફ હાથ લંબાવીને કહ્યું ઃ 'તમારા બંગલાની સામે જ આવેલી પેલી લવાણાની દુકાન જે દા'ડે બાબર દેવાએ લૂંટી તે દા'ડે તમારી ક્ષત્રીવટ ક્યાં ગઈ હતી, ઠાકોર સાહેબ !”

“સારું, જાવ.”

એવો જાકારો સાંભળીને મહારાજ બહાર નીકળ્યા. ભાગોળે દરવાજાની અંદર એક ધર્મશાળા હતી. એ નિર્જન સ્થાનમાં પોતે એકાકી બેઠા. રાત પડી ગઈ હતી. કોઈ માણસ ત્યાં આવે એવી આશા રાખવાની નહોતી.

***

૨. ’ક્ષત્રિય છું’

થોડી વારે એક આદમી દેખાયો. પાસે આવ્યો. પૂછ્યું : "ક્યાંથી આવો છો ? અહીં કેમ એકલા બેઠા છો ?”

મહારાજ : "તમે મારી કને શીદ આવ્યા છો ? તમે જતા રહો, નહીંતર ઠાકોર તમારું નામ સરકારને પોં'ચાડશે.”

આદમી : "હું ક્ષત્રિય છું. છો મને જે કરવું હોય તે કરે ઠાકોર. ઊઠો, હીંડો.”

“ક્યાં ?”

“મારે ઘેર.”

“પણ તમને ઠાકોર ...”

“સવારે ઊઠીને ઠાકોર છો મને ફાંસી મોકલાવે. અત્યારે હું મારા ગામને ટીંબે એક બ્રાહ્મણને ભૂખ્યો-તરસ્યો નહીં રહેવા દઉં.”

આ માણસની સચ્ચાઈની પ્રતીતિ થતાં મહારાજ એની સાથે ચાલ્યા. ઘેર જઈને એ ગરાસિયા ભાઈ મહારાજને કહે : "ચાલો, રસોઈ કરો.”

“હું એક જ ટાણું જમું છું.”

“ના, નહીં જ ચાલે.”

ઘણી રકઝક પછી મહારાજે કુલેર ખાવાની હા કહી. અથાણું ને કુલેર ખવરાવ્યાં ત્યારે જ એ ગરાસિયાને જંપ વળ્યો. પછી મહારાજે કહ્યું : "મારે આ ગામનાં લોકોને મળવું છે. એનું કંઈ ના થઈ શકે ?”

"ના શા સારુ થઈ શકે ? ચાલો એકઠાં કરીએ.”

“પણ ક્યાં ?”

“સ્વામીનારાયણના મંદિરમાં.”

“પણ ત્યાં તો દરબારગઢ છે. લોકો ડરશે.”

“પણ બીજી કોઈ જગા નથી. છોને ઠાકોર સાહેબ પણ સાંભળે !”

જોતજોતામાં તો મંદિરનો ચોક લોકોથી છલકાઈ ઊઠ્યો.

અને મહારાજે હૈડિયા વેરો ન ભરવાનું ભાષણ કર્યું. સવારે એ તો જતા રહ્યા, પણ પાછળથી પેલા ગરાસિયાને ઠાકોરે તેડાવ્યા. પૂછ્યું : "ચ્યમ ભાષણ કરાવ્યું ?”

ગરાસિયાએ જવાબ દીધો : "એ તો જેને સાંભળવું હતું તે સૌ આવ્યાં; ન'તું સાંભળવું તેને કોઈ બળજબરીથી તેડવા ગયું હતું ? અને નથી વળી કોણે સાંભળ્યું ! કો'ક છતરાયાં સાંભળવા બેઠાં, તો બીજાં વળી મોં સંતાડીને બારણાં પાછળ બેસીને સાંભળતાં હશે !”

પાછળથી આ ગરાસિયાને કોઈ બીજા આરોપસર સહન કરવું પડ્યું હતું.

એ ઇતિહાસની તાજી યાદ લઈને અમે ગાજણામાં હયા. એ ઠાકોર તો વર્ષોથી વિદેહ બન્યા છે, ને એમના પુત્ર – નવા ઠાકોર શ્રી મહેરામણસિંહજી મહીડા - જેમને આગલે જ દિવસે સરકારે 'ઑનરરી મૅજિસ્ટ્રેટ'ની પદવી દીધી હતી, તેમને મળવા મહારાજ અમને લઈ ગયા. ત્યાં મહારાજે સ્વ. ઠાકોરની તસ્વીર જોઈ પોતાને એમની સાથે પડેલા પ્રસંગનો ઉલ્લેખ કર્યો, ત્યારે શ્રી મહેરામણસિંહજીએ ઝંખવાઈ જઈને ફક્ત એટલું જ કહ્યું કે, “હું તે વખતે આબકારી ખાતામાં સરકારી નોકરી પર હતો.” આ શબ્દો તેમનું સૌજન્ય બતાવતા હતા, પેલા ગરાસિયા ભાઈ, જેમણે મહારાજને ધર્મશાળાએથી પોતાને ઘેર લીધેલા, તે તો ઠાકોરના ભાણેજ ગગુભાઈ હતા, એમ આ પ્રવાસમાં જાણ થઈ. મેળાપ ન થયો.

અમે ગાજણા છોડ્યું ત્યારે હૈડિયા વેરાની લડતના વિજયનો ઇતિહાસ – હું સ્મૃતિમાં ફરી વાર વાંચી ગયો. કેટલીક રમૂજો મને યાદ આવી.

***

૩. સ્વયંસેવકની શી જરૂર છે ?

મહારાજનો કાયમી મુકામ કઠાણામાં ઇચ્છાબાની તળિયે ઘી સંતાડેલી ખીચડી ખાતા ને સતત કાંતતા મહારાજના કાર્યસાથી એક 'બોડકા મા'રાજ' હતા. મૂળ નામ તો ગણપતિશંકર પણ લોકોએ હુલાવ્યા 'બોડકા મા'રાજ' કહીને. બોડકા મહારાજ બોલે નહીં ખાવા ટણે કોઈ પણ એક ઘેર જઈને ઊભા રહે. માગે નહીં. જે કંઈ હાથમાં મુકાય તે ખાઈને ગુજારો કરે.

એક રાતે કઠાણામાં મહારાજને સૂતેલા જગાડ્યા.

“કેમ ?”

“બોરસદથી માણસ આવ્યો છે.”

“શા ખબર છે ?”

“ખબર માઠા છે. પાલેજમાં કલેક્ટરે મુકામ કર્યો છે !”

“શા માટે ?”

“હૈડિયા વેરા માટે જપ્તીઓ કરવા. ચાંપોલ અથવા બદલપુરની જપ્તીઓ ચલાવાશે.”

“બોડકા મહારાજ!” મહારાજે રાતે અગિયાર વાગ્યે સૂચના આપી : "કરો લોને એકઠાં.”

બોડકા મા'રાજ એ રાતે ઘેર ઘેર, ખેતરે ખેતરે ફરી વળ્યા. લોકો હાજર થઈ ગયાં. પૂછ્યું : "કેમ અત્યારે ?”

મહારાજ કહે : "મારી ઇજ્જત જવાનો પ્રશ્ન છે. પાલેજમાં કલેક્ટર પડ્યો છે. એને દહેવાણ ઠાકોર લઈ આવ્યા છે.”

“કહો : અમારે શું કરવાનું છે ?”

“વાત એ છે કે, મારે હિસ્સે બાવીસ ગામો છે. મારી પાસે એક પણ સ્વયંસેવક નથી.”

“શું નથી ?” 'સ્વયંસેવક' શબ્દમાં લોકો સમજ્યા નહીં.

“કામ કરનારો નથી.”

“પણ તમારે કરવું છે શું એ તો કહો ને !”

“મારે બાવીસેય ગામમાં લોકોને ખબર પહોંચાડવા છે કે, કોઈએ જપ્તી થવા દેવી નહીં.”

“પણ તેમાં સ્વયંસેવકોની શું જરૂઈર છે ? અમે ઘરાંને (ઘરને) સવારથી તાળાં મારી દઈને ચાલ્યા જઈએ.”

“પણ ભેંસોને ?”

“ભેંસોને મોરડા-દોરડા વગર છૂટી મૂકી દઈશું. પછી એ હાથ આવી રહી.”

“અને, મહારાજ,” બીજાઓએ ટાઢા શબ્દો કહ્યા : "મોટાં મોટાં ગામ તોડી લાયા ને પત્તો લાગવા દીધો, તો ઘરની એક ઘંટીને સંતાડવામાં શી મોટી વાત બળી છે !”

પછી તો ઘણાં લલકારી ઊઠ્યાં : "જોજો હાં, મહારાજની આબરૂનો આ સવાલ છે. આપણા ગામમાં મહારાજની આબરૂ નહિ જવા દઈએ.”

***

૪. ઘંટી તો દીધી

લોકો જે બોલ્યાં તે પાળી બતાવ્યું. લોકોને એક જ વાતની ચોટ લાગી ગઈ કે જો હૈડિયાવેરા ભરીએ તો તો આપણે લૂંટારુઓને આશરો આપ્યો છે એ વાત સાચી બને, એ કલંક આપણે શિરે ચડે. ક્યાંય તેઓએ જપ્તી થવા દીધી નહીં. સરકારી અમલદારો હાથ ઘસતા પાછા ગયા.

દોઢ મહિનાની અટંકી લડાઈને અંતે સરકારે હૈડિયાવેરાનો હુકમ પાછો ખેંચી લીધો. જપ્તીમાં લીધેલો માલ જણ-જણને પાછો મળ્યો.

“અલ્યા એઈ !” સરકારી માણસે એક પાટીદારને કહ્યું : "તારી જપ્તીની ઘંટી લઈ જા.”

“મેં તો સરકારને એ દરવા દઈ દીધી છે.”

“ના, પણ અમારે પાછી આલવી જોઈએ.”

“તો પાછી મૂકી જા ઘેર લાવીને.”

ઘંટી એને ઘેર લાવવામાં આવી એટલે એણે કહ્યું : "કાં તો પાછી લઈ જાઓ, અગર જો મૂકવી હોય તો એમ નહીં મુકાય.”

“ત્યારે ?”

“જ્યાં હતી તે જ ઠેકાણે મૂકી આલ્ય. ને એની પાટલી, ખીલમાકડી વગેરે પૂરેપૂરાં સાધન જેમ અસલ જેવી સ્થિતિમાં ઘંટી મુકાવ્યે જ રહ્યો !

***