Satya Asatya - 16 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 16

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૬

સત્યજીતનાં લગ્નનું કાર્ડ મહાદેવભાઈના ઘરના ટેબલ પર પડ્યું હતું. ઘરના બધા જ થોડા ગુસ્સામાં અને થોડા ચિંતામાં હતા. ખાસ કરીને મહાદેવભાઈને સત્યજીતની બહુ જ ચિંતા થતી હતી.

એ આજે બપોરે કાર્ડ આપવા માટે જાતે અહીંયા આવ્યો હતો. મહાદેવભાઈને હાથોહાથ લગ્નનું આમંત્રણ તો આપ્યું જ, પણ આંખમાં આવેલાં પાણી છુપાવતા એનાથી કીધા વિના નહોતું રહેવાયું, “અમોલા મારી માને બહુ ગમે છે. એના પિતાના બહુ ઉપકારો છે અમારા ઘર પર... મેં સાચું બોલવાનો પ્રયત્ન કરી જોયો દાદાજી, પણ મને લાગે છે મારા નામ સિવાય કોઈ જગ્યાએ સત્ય મને સૂટ નથી કરતું.” મહાદેવભાઈ કશું બોલી નહોતા શક્યા, પણ સત્યજીતના અવાજમા રહેલી વેદના એને સમજાઈ ગઈ.

સોનાલીબહેન સાથે વાત કરવી કે નહીં એ અંગે એમણે ઘણો વિચાર કર્યો. પછી એમણે નક્કી કર્યું કે આ બાબતમાં પોતાનું કંઈ ન બોલવું જ યોગ્ય ગણાશે. સિદ્ધાર્થભાઈ, શીલાબહેન બંનેને એમણે આજની ઘટના વિશે જણાવ્યું.

“જે થયું તે સારું જ થયું. એમનો દીકરો છે - ચૂલામાં નાખે કે કૂવામાં, આપણે શું ?” શીલાબહેનથી છણકો થઈ ગયો. સિદ્ધાર્થભાઈ કશું બોલ્યા નહીં, પણ એ પિતાની પીડા સમજી શક્યા હતા.

એ ઘરમાંથી કોઈ લગ્નમાં નહીં જાય એ તો નક્કી જ હતું.

આ અંગે પ્રિયંકાને જણાવવું કે નહીં એ વિશે ઘરમાં નાનકડી ચણભણ થઈ. શીલાબહેનનો આગ્રહ હતો કે આ અંગે પ્રિયંકાને જણાવવું જ જોઈએ. સિદ્ધાર્થભાઈ એને પરદેશમાં ડિસ્ટર્બ કરવા નહોતા માગતા, પરંતુ શીલાબહેને પગ પછાડીને પોતાનો નિર્ણય જાહેર કરી દીધો, “હું તો એને કહેવાની જ છું. એના બાપને ગયે છ મહિનાય થયા નથી, હજી પ્રિયંકા અમેરિકા પહોંચી નથી અને મા-દીકરો લગન લઈને બેઠાં છે.”

“મને લાગે છે કે એ છોકરી ત્યાં આ વાત જાણીને દુઃખી થશે.”

“એ સારું જ છે ને ? એના મનમાં રહીસહી લાગણી હોય એય ધોવાઈ જાય તો છૂટે બિચારી... પોતાની જિંદગી વિશે વિચારે. મારે આખી જિંંદગી એને કુંવારી નથી રાખવી.”

“જાણશે એની મેળે.” મહાદેવભાઈએ પોતાની રીતે શીલાબહેનને રોકવાનો પ્રયાસ કરી જોયો, “અત્યારથી બધું...”

“જુઓ, એની જિંદગીમાં સૌથી વધારે મુશ્કેલીઓ તમારા બે જણાને કારણે આવી છે. હવે એને વિશે બધું જ હું નક્કી કરીશ.” બાપ-દીકરો એકબીજા સામે જોઈને ચૂપ થઈ ગયા. શીલાબહેને એમના દેખતા જ ફોન જોડ્યો અને વાતચીતમાં કહી જ નાખ્યું, “સત્યજીતનાં લગ્ન છે, આ મહિનાની બાવીસમી તારીખે.” પ્રિયંકાએ શું કહ્યું એની તો બાપ-દીકરાને ખબર ન પડી, પરંતુ શીલાબહેનના ચહેરા પર જે આનંદ છવાયો એ જોઈને બંનેને રાહત થઈ, “મને તારી પાસેથી એ જ આશા હતી બેટા, હું તો તને કહું છું કે ત્યાં કોઈ સારો છોકરો મળે તો વિચાર કરજે. આમેય આ દેશમાં કશું બળ્યું નથી.” મહાદેવભાઈને આ વાક્ય ગમ્યું નહીં, પણ આમની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નહોતો. એમણે સારો એવો બળાપો કાઢીને આખરે ફોન મૂક્યો. પછી ઉત્સાહમાં આવીને મહાદેવભાઈને કહ્યું, “જોયું... મેં નહોતું કહ્યું, એને તો કંઈ પડી નથી. એણે કહ્યું કે બહુ સારું થયું.”

“ભલે.” મહાદેવભાઈ એ વખતે કંઈ બોલ્યા નહીં, કારણ કે એ જાણતા હતા કે સાંજ પહેલાં પ્રિયંકાનો ફોન જરૂર આવશે. સાચે જ એમ થયું. એ સૂવા માટે પોતાના ઓરડા તરફ જતા ત્યારે ફોનની લાંબી રિંગ વાગી. ફોન પરદેશનો જ છે એમ જાણીને એમણે ફોન ઉપાડ્યો, “બોલ દીકરા...”

“દાદાજી, મા સાચું કહેતી હતી ?”

“હા દીકરા, સત્યજીત જાતે આવ્યો હતો આમંત્રણ આપવા.” એમણે ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, “પણ આ લગ્ન એની મરજીથી નથી થતાં, એવું મને લાગ્યું.”

“શું ફરક પડે છે ? એ લગ્ન કરે છે એનો અર્થ જ એ કે હવે હું...”

“જો બેટા, મારે તને એક વાત કહેવી જોઈએ.” મહાદેવભાઈએ ગંભીર અવાજે, પણ શાંત ચિત્તે સત્ય કહી દીધું, “તેં એની સાથે સંબંધ તોડવાનું નક્કી કર્યું એ પછી એને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર છે. તારા ગયા પછી એ દુઃખી રહે, તારી રાહ જોયા કરે અથવા તને મનાવ્યા કરે એવી અપેક્ષા તું રાખતી હોય તો તારી ભૂલ છે બેટા.”

“એણે બદલાવાને બદલે, સુધરવાને બદલે મને ભૂલી જવાનું નક્કી કર્યું, કેમ ?”

“એ લગ્ન કરે છે એટલે એવું ન જ ધારી શકાય કે તને ભૂલી ગયો છે...” પ્રિયંકાનું ડૂસકું એમને સંભળાયું, “મેં તને પહેલાં જ કહ્યું હતું બેટા કે આપણો નિર્ણય કરવાનો આપણી પાસે અધિકાર તો છે, પછી એનાં પરિણામો પણ આપણે જ ભોગવવાના હોય છે.”

“દાદાજી, તમારી વાત સાચી છે, પણ સત્યજીત આટલી ઝડપથી પરણી જશે એવી મને આશા નહોતી.”

“સાચું કહું તો, મને ખાતરી હતી. સોનાલીબહેન તે દિવસે જે રીતે અહીંથી ગયાં એ પછી એ પોતાના અહમ્‌ ખાતર દીકરાને બલિ ચઢાવી દેશે એ મને સમજાઈ ગયું હતું.”

“દાદાજી, હું સાચી છું ને ? હું મારી જિંદગીમાં કોઈ ભૂલ તો નથી કરી રહી ને ?”

“જો બેટા, સાચા હોવાની અને ભૂલની પણ માણસની પોતાની વ્યાખ્યા હોય છે, જે સમયે સમયે બદલાતી હોય છે. અગત્યનું એ છે કે તમે બંને સુખી થાવ. સાથે નહીં તો જુદા રહીને પણ, સુખી થાવ. હું ઇચ્છું છું કે તું પણ સાચા હૃદયથી એના સુખ માટે જ પ્રાર્થના કરજે.”

“દાદાજી, હું તો ક્યારેય એનું ખરાબ ઇચ્છી શકું જ નહીં. ખૂબ પ્રેમ કર્યો છે મેં એને...” એનું ગળું તરડાવા લાગ્યું હતું, “આજે પણ કરું છું.”

“એનાં લગ્ન થઈ રહ્યાં છે બેટા, હવે એને મુક્ત કરી દેવામાં જ તારું સુખ છે. તું જ્યાં સુધી એનામાં બંધાયેલી રહીશ ત્યાં સુધી તું તો સુખી નહીં જ થાય ને એ છોકરો પણ પોતાની જિંદગી શાંતિથી નહીં જીવી શકે.”

“હું સમજી નહીં.” મહાદેવભાઈ બોલતા હતા ત્યારે એમને ખ્યાલ નહોતો કે શીલાબહેન પાછળ આવીને ઊભાં હતાં. એમણે લગભગ આખી જ વાત સાંભળી, પરંતુ આ ફોનની વાત આવી ત્યારે એમનાથી રહેવાયું નહીં.

“જરાય નહીં... કોઈ જરૂર નથી એને ફોન કરવાની.” મહાદેવભાઈ ભાગ્યે જ ઉશ્કેરાતા, આજે એમનો અવાજ ઊંચો થઈ ગયો. એમણે શીલાબહેનને અંદર જવાનું કહી દીધું.

“એને એક વાર એટલું કહી દે કે તને એનાં લગ્ન વિશે ખબર છે અને તું ઇચ્છે છે કે એ સુખી થાય.”

“એનાથી શું થશે ?”

“એ સુખી થવાનો પ્રયત્ન કરશે દીકરા, એ એટલું સ્વીકારી શકશે કે તું એનાથી મુક્ત થઈ ગઈ છે. એ પણ તારામાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીને નવી જિંદગીમાં નવેસરથી ગોઠવાવાનો પ્રયાસ કરી શકશે.”

“હું તમારા જેટલી સારી નથી દાદાજી.”

“બેટા, આપણા બધાની અંદર સારાઈ છલોછલ ભરેલી જ હોય છે. એક વાર ઢાંકણું ઉઘાડીને એની સુગંધને ફેલાવા દેવી જોઈએ. જેને એક વાર પ્રેમ કર્યો એના સુખની કામના જીવનભર કરવાની. જરૂર પડે તો એને સુખી થવામાં મદદ પણ કરવાની. સંપર્ક અને સંબંધ પૂરો થઈ જાય એટલે સ્નેહ પૂરો ના થાય દીકરા.”

મહાદેવભાઈ બોલતા રહ્યા અને સામે છેડે પ્રિયંકા રડતી રડતી એમની વાત સાંભળતી રહી. પરંતુ ફોન મુકાયો ત્યારે મહાદેવભાઈના મનમાં પ્રિયંકાને જીવનનું એક વધુ સત્ય સારી રીતે સમજાવી શક્યાનો સંતોષ હતો, સામે પક્ષે પ્રિયંકાના મનમાં સત્યજીતનાં લગ્નના સમાચાર જાણ્યા પછી પણ ગુસ્સો કે અકળામણને બદલે પ્રમાણમાં સ્વસ્થતા અને રાહતના ભાવ હતા.

પ્રિયંકાએ બે વાર ફોન ઉપાડ્યો, સત્યજીતનો નંબર ડાયલ કર્યો પરંતુ રિંગ વાગે તે પહેલાં જ ફોન કાપી નાખ્યો. એની હિંમત નહોતી થતી સત્યજીત સાથે વાત કરવાની.

ક્યાંય સુધી બેચેન થઈને નીચેની લૉનમાં એ આંટા મારતી રહી. પછી અચાનક જ રૂમમાં આવીને એણે આદિત્યનો નંબર જોડ્યો.

“અરે વાહ ! હું તને આજે યાદ આવ્યો, એમ ને ?”

“સત્યજીતનાં લગ્ન છે.” બીજી કોઈ મજાક કે વાત કર્યા વિના પ્રિયંકાથી સીધી જ પોતાની તકલીફ કહેવાઈ ગઈ.

“તો ?”

“તો...” આદિત્યના સવાલનો એની પાસે જવાબ નહોતો, “મને નથી ખબર, પણ મન ખૂબ અકળાય છે.”

“જો યાર, હું તો પટેલિયો છું. સીધું કહી નાખીશ...” એણે એકાદ ક્ષણ પ્રિયંકાના અભિપ્રાયની રાહ જોઈ, “તું તારી જાતે સંબંધ તોડીને આવી છે. આપણે કોઈને અડધે રસ્તે ઉતારી દઈએ પછી એણે કઈ દિશામાં જવું એ નક્કી કરવાનો અધિકાર આપણે ખોઈ બેસતા હોઈએ છીએ. સાથે પ્રવાસ કરીએ ત્યાં સુધી જ એની દિશા આપણા કાબૂમાં રહે છે...”

“મારી રાહ ના જોઈ એણે...” પ્રિયંકાથી રડી પડાયું.

“તેં રાહ જોવાનું કહ્યું હતું એને ? કયા ભરોસે, કયા વચનના આધારે તારી રાહ જુએ ? એણે તને ભૂલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તું જો ખરેખર એનું ભલુ ઇચ્છતી હોય, એની સાચી દોસ્ત હોય તો એની મદદ કર પ્રિયંકા, લેટ હીમ ગો... લેટ હીમ ચુઝ હીઝ ઑન વૅ...”

આદિત્ય કહી રહ્યો હતો, પ્રિયંકાને લાગ્યું કે બે પેઢીના બે જણા - એક દાદાજી અને એક આદિત્ય - બંને પુરુષો પુરુષની દૃષ્ટિએ વિચારીને એની જ તરફદારી કરી રહ્યા હતા.

(ક્રમશઃ)